Thursday, October 18, 2018

કટાક્ષિકા..૧૮-૧૦-૧૮

કેવું પડે હો..!? અલ્પેશનો’ય વારો પાડ્યો



----------તખુભાઈ સાંડસુર   
(પરભાતનો પોર, બાપુની ડેલીએ ડાયરો,
પાત્રો---ભગો, અરજણ ભગત અને મૂળિયો…)
‘એલા ભગા કાલ તો તું ડેલીએ બવ મોડો આવ્યો તે કેમ એમ..!?’
‘લે બાપુ, કાલની વાત ઠેઠ આજ યાદ આવી..??’
"ભારે કરી ,આ રઘલાના છોકરાનો જામીન થાવા ગ્યો તો, ઈણે કાંક ઓલ્યા લાદી ઘહવાવાળા હારે માથા કાહટી કરી તે ફોજદારને ખબર પડી ઈણે કર્યો કેસ, લાંબુ થઈ ગયું."
"હા, ઈ છોકરાને ખબર નો હોયને હમણાં આ નવું ગતકડું પ્રાંતવાદનો ઉભુ થ્યું છે."
વાત આગળ હાલતા હાલતા અરજણ ભગતે આખી વાતનો ફોડ પાડ્યો.
‘જુઓ, બાપુ ભગાભાઈને નો ખબર હોય ,છાપામાં તો આવે છે. બીજા રાજ્યના લોકો પર હુમલા થ્યા. હુમલા હથ્યા. પણ ક્યાંય કોઈ મરી ગ્યાનું જાણ્યું છે. આખા ગુજરાતમાં ? આ ભાજપવાળા એક પછી એકનો વારો કાઢે છે. જુઓ હાર્દિકને ઉપવાસ કરવા દઈને સરકાર કે ભાજપવાળા એક શબ્દેય નો બોલ્યા ઓગણી દીના વાણા વાયા પછી પોતે જ હાથે હાથે ઓગળી ગ્યો. એનું મીંડુ મુકાઈ ગયું." ‌‌                       ’‘તારી વાત હાસી હો ,પછી ક્યાંક એણે પાછા ઉપવાસ કર્યા પણ છાપાવાળાએ એક લીટીય લખી નથી લ્યો..!!’
‘ઈ જ વાત કરૂ છું. હાર્દિકનુ ધબોય નમઃ કર્યા પછી વારો આવ્યો અલ્પેશનો, તેને જુઓને આ પ્રાંતવાદમાં ફસાવી દઈ પુરો કર્યો. ક્યાંય કોઈ તોફાન નહીં તોય છાપા ભરાઈ ભરાઈને ઈ જ વાત આવે. ટી.વી.વાળા નવરા પડે એટલે ગામમાંથી થોડાક ગળ ચોપડીવાળાને ભેગા કરીને વાતનું કરે વતેસર… એ હાલ્યું. જુઓ તો ખરા,!વાતમાં કાઈ માલ નહીંને ઠેઠ લખનઉને પટણા હુધી વાત પોગી નીતિશ ને યોગી પણ ગામના ચોકમાં આવી ગ્યા લ્યો !’
‘ભગત, આ મુળો કાલ જ કે તો તો કે ભાજપવાળા પાહે કોક ચોગઠા ગોઠવવાળા બહુ ભેજાબાજ છે. ક્યાં કોની કુંકરી ઘાએ ચડાવવી ઈની એને બરાબર પડે છે.’
‘કેમ નહીં આ પ્રાંતવાદ ઉભો કરીને અલ્પેશને ગુજરાત બહાર નીકળવાના રસ્તા જ બંધ કરી દીધા. ભાજપ આમા નથી એમ સાબીત કરવા રૂપાણીને લખનૌ, નીતીન પટેલને મુંબઈ અને બીજા નાનકડા નેતાઓને આખા ભારતમાં મોકલીને ત્યાં પ્રેસ પરિષદ કરાવીને કીધી અમે તો દુધે ધોયેલા છીએ પણ કોંગ્રેસવાળા જ કાળા કામના કરનારા છે.એવી બંબુડી વગાડી’
‘ભગા, તું કે તો તો ને કે મોદીની એકતા જાત્રા માટે આમંત્રણ આપવા રૂપાણી ગ્યા છે. એમ કહી અમને કાંઈ વાંધો નથી , અમારા નરેન્દ્રભાઈને તમે ત્યાં જાળવજો, ખફા થતા નઈ એમ કેવા ગ્યાતા. ઈ માળું હાસુ હો..!!’
‘બાપુ આપડું મતદાન જ આ બધા વાદમાં થાય છે. એટલે જ કાંઈ નો કરવાવાળીની પપુડી વાગે છે. જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ, સંપ્રદાયવાદ અને બાકી હતું તે આ પ્રાંતવાદ !!બાકી કેવું પડે ,જો ને ત્યાં ઉત્તરપ્રદેશના કોંક ફાસફુસીયા પાસે અલ્પેશનું માથુ વાઢવાનું નિવેદન કરાવીને બિચારા અલ્પેશનો વારો પાડી દીધો.’
‘મુળા,આ રાહડાં લેવાની નવરાત્રિ નથી, એવી વાત કેમ કોઈ હમજતું નથી. માતાજીના અનુષ્ઠાનનું આ પર્વ કોણ પુરી ભાવનાથી ઉજવે છે.! આતો લ્યો હંબો… હંબો… હઈસો… હે રામ…!!’
‘અરે બાપુ ઈમાંથી આ 'મીટુ 'ની હોળી જાગે છે. જુઓને છેવટે અકબરની કબર નો ખોદાઈ ગઈ. એમાંય એક ભાઈએ તો ફેસબુકમાં એવું લખ્યું કે હું એમ.જે.નો માસીયાઈ ભાઈ છું લ્યો કરો વાત જરાક લાજી મરો, લાજી મરો..!!’
‘ભગા… આપડે આ તલગાજરડા જાવું જોહે,બાપુનો સૌને સંધેહો છે કે મારી ભુમિમાં કથા છે. યજમાનેય ન્યા ન્યા છે. સૌ આવજોને આવજો નવ દી મોજ કરવી છે.’
‘હા… મોરારિબાપુએ એના કાર્યાલયના મગલાચરણમાં ખૂબ પોરહીલી વાત કરી તી. મનખ્યો ભેળો થાહે.આમેય બાપુની વાણીનો પ્રભાવ દુનિયાભરના લોકોને ક્યાંના ક્યાંથી ઢહડી લાવે છે હો!’
‘હા… અહીંથી ક્યાં છેટુ છે. સૌ બે-ચારદિ જઈ આવશું. વળી દિવાળી આડે ત્રણથી બાકી હશે ને તો પૂર્ણાહુતી થશે. એનોય બરોબર મેળ જ છે,જઈ આવશું. ઠીક તઈ લ્યો સવને રામ… રામ…’

No comments:

Post a Comment