Wednesday, May 29, 2019

રવાન્ડા સફરનામા ૩

રવાન્ડા સફરનામા --3

ચોરાણુંનુ રક્તટપકતું રોણું

--તખુભાઈ સાંડસુર

રવાન્ડા દેશના ઇતિહાસ સાથે એક કરુણ ઓળખ જોડાઈ ગઈ છે, તે છે સને ૧૯૯૪ જાતિ સંહાર .માત્ર ૧૦૦ દિવસમાં ૧૨ લાખથી વધુ લોકોની કત્લ.
લોહીના ખાબોચીયામાં તરફડતું જીવન, હજારો હાથ પગ અને માનવ અંગો થી સડકો લથબથ, માનવ ખોપરીઓ રઝળતી જોવા મળી એટલું જ નહી સ્થાનિકોના કહેવા મુજબ કિગાલીના એક મેદાનમાં કેટલાક લોકોએ ખોપરીઓને ફૂટબોલ બનાવીને રમત રમી.સન ૯૪ ની ૭ મી એપ્રિલથી શરૂ થયેલાં આ નરસંહારની કાળમુખી શાબ્દિક તસવીરો.એક પંકિતમાં કહેવાય.
   " શ્ર્વાસનો ભાર લાગે છે,મોત લાચાર લાગે છે.
    લાગણી સૌ હણાઇ પછી? દર્દ આધાર લાગે છે."
   માણસની લાગણીઓને સતત ઉશ્કેરવામાં આવે તેને સતત દૂષ્પ્રેરિત કરવામાં આવે ત્યારે સંવેદનાઓ રુઢ થઈ જાય. વિચાર ગાંઠ ફ્રીજ થાય, તે માણસ કેવું કૃત્ય કરે ..! શું કરે તે નક્કી નહીં .ત્યારે આવી ઘટનાઓને અંજામ મળે છે.
      સન ૧૯૬૫થી રવાન્ડાને સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા મળ્યો. પણ બહુમત હુતું જાતિના લોકો સત્તાના સિંહાસન પર ચડી બેઠા હતાં. એનકેન પ્રકારે તે જાતિના લોકો લઘુમતી તુત્સી જાતિને કે તેને પ્રતિનિધિત્વ આપતાં ન હતાં. એટલું જ નહીં તે લોકો સતત એવું માનતાં હતાં કે આ રાજસત્તામાં અમને પુરતું મહત્વ હોવું જોઈએ.તેની અવગણના અકળામણમાં પરિણમી.તેનાથી બંને જાતિ વચ્ચે તનાવ પેદા થયો આ તનાવ હિંસામા તબદીલ થયો.
           સન ૧૯૯૦થી આ બન્ને જાતિઓ વચ્ચે નાના-મોટા સંઘર્ષ અને અથડામણની શરૂઆત થઇ. ૧૦-૨૦-૫૦ લોકોની આપસઆપસમાં હત્યાઓની ઘટનાઓ લગભગ રોજિંદી બની હતી.એકબીજા જુથ વચ્ચે વૈમનસ્ય વધતું ચાલ્યું.સરકાર કે તેના પાડોશી દેશોએ આગને ઠારવાં કોઇ નક્કર પરિણામલક્ષી પગલાં ન લીધા. પરંતુ કોઈ દેશના નામ લખ્યા વગર કહેવાય કે જે દેશો તેની પ્રાકૃતિક સંપદાને શોષિત કરવા ઈચ્છતાં હતાં તેની નિયત આ દેશ માટે શ્ર્વેત ન હતી.માનવ સહજ દૂષિતગ્રંથિ હોય તેનો લાભ લેવાનો તર્ક તેઓએ વધારે લડાવ્યો.હવે સંઘર્ષ છેલ્લા ને આખરી તબક્કામાં હતો તેમાં એક ઘટનાએ આ ક્રોધના દાવાનળને જાણે બ્લાસ્ટમાં બદલી દિધો.
     ૬ એપ્રિલ ૧૯૯૪ ના દિવસે પાડોશી દેશ બરૂડ્ડીના પ્રમુખ સિપ્રેન અને રવાન્ડીયન પ્રમુખ  હિબોઅરીનામા એરપોર્ટ પર હવાઈજહાજમાં બોર્ડ થતાં હતાં, બંને પ્રમુખો હુતુ જાતિના હતાં.અને ક્યાંકથી રોકેટ હુમલો થયો,હવાઇ જહાજના ફુરચા ઉડી ગયાં, કલ્પના થાય કે તેમાં બંનેના મૃતદેહોને શોધવા પણ અઘરાં થયાં હોય.ત્યારે હુતુ જાતિના લોકોની માનસિક સંતુલિતતા તીતર બીતર થઈ ગઈ. સમગ્ર દેશમાં હુતુ લોકોએ તુત્સિ લોકોની કત્લેઆમ શરૂ કરી.'થામ્બા' નામનું એક ધારદાર હથિયાર જે પશુઓની કતલ માટે વપરાય છે, ત્રણેક ફૂટનું ધારિયું સમજી લો. તેને લઈ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. તે સમયે ત્યાં ઓળખપત્ર પર જાતિનો ઉલ્લેખ થયેલો હતો જેની તુત્સિ જાતિ હતી તેની હત્યાઓ કરવામાં આવી. કેપિટલ કિગાલીમાં જ બાર લાખથી વધુ લોકોના લોહીથી સડકો રક્તવર્ણી બની.દેશ આખો કાપાકાપી ને અરાજકતામાં ડૂબી ગયો.આંતરરાષ્ટ્રિય મંચ પણ આ દેશની વહારે ન આવ્યો.
   ગુજરાતી દંપતિએ આ દિવસોનું વર્ણન કરતા કહ્યું, "  અમે લગભગ બે દિવસ સુધી અમારા ઘરના કબાટ પાછળ સંતાયેલા રહ્યા.સતત બે દિવસ સુધી માનવ ચિચિયારીઓ,ગ્રેનેડના ધમાકાઓ, બંદૂકના ધડાકા સંભળાતાં રહ્યા. જોકે અમે ત્યારે એક ગામડામાં હતા,ત્યાં પણ આવી સ્થિતિ હતી તો કિગાલીની તો વાત જ શું કરવી ?!! લગભગ અમો બે -ચાર દિવસ સુધી સતત સુનમુન , ભૂખ્યાં, તરસ્યાં બેસી રહ્યા હતાં. એ દિવસો આજે પણ યાદ કરીએ છીએ તો ભોજન ભુલાઈ જાય છે."
         મેં ૨૩ એપ્રિલ ૧૯ ના રોજ જ્યારે જેનો સાઈડ મેમોરિયલની મુલાકાત લીધી.ત્યારે આ અતિ હ્રદયદ્રાવક પ્રકરણને બરાબર ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. મેમોરિયલમાં બનાવેલ સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા આવનાર એક મહિલાની પાંપણમાં આજે પણ સાવન ભાદોનું ચોમાસું ઉમડી આવ્યું. તે મારી નરી આંખે અનુભવ કર્યો.ત્યારે મારી આંખો પણ નમી ને રોકી ન શકી !! મારો તાદ્રશ્ય અનુભવ ૨૫ વર્ષ પહેલાની કલ્પનાઓથી મન એકદમ વિચલિત થઈ ગયું,અરે....!!!? આવા અનેક મેમોરિયલ ગામડે ગામડે પણ છે તેવું જાણવા મળ્યું.
             તુત્સિ જાતિના પોલ કગામે સાંપ્રત સરકારનાં સુબા છે. તેઓએ આર.પી.એફ.એટલે કે રવાન્ડીયન પેટ્રીએટ ફ્રન્ટ નામની એક સંસ્થા ઊભી કરી હતી.જે તુત્સિ જાતિના હક- હિતો માટે હિંસક રીતે લડતી હતી. તેઓ શરીરે ખડતલ, કદાવર હોવાથી હુતુ જાતિના લોકો પર સારો પ્રભાવ પાથરી શક્યાં.તેણે કેપિટલ કિગાલી કબ્જે કરવા તે તરફ કૂચ કરી. ત્યાંની સ્થાનિક મિલિટરીમાં પણ તેમનું ખાસ વર્ચસ્વ હશે. તેથી તેનો પણ ટેકો મળી રહ્યો હોય.
                                 આખરે આર.પી.એફે જૂન મહિનાના અંતમાં કિગાલી શહેર પર કબજો કરી લીધો.સતાના સૂત્રો પોતાના હાથમાં લઈ ૧૦૦ દિવસના મહાવિનાશક ક્ષણોનો હવે અંત આણ્યો. નવોન્મેષિ રવાન્ડાની આગેકદમનો પ્રારંભ થયો.આજે દુનિયાના બધા દેશોમા આ રાષ્ટ્ર અગ્રહરોળનો વિકાસ ધરાવે છે.જે ગૌરવ પ્રદાન ગણી શકાય.જાપાનની જેમ જ આ દેશની પ્રગતિની દુનિયાએ નોંધ લેવી પડે.
      ------તખુભાઈ સાંડસુર

Saturday, May 25, 2019

Rawanda tour 2

રવાન્ડા સફરનામા  --૨

રવાન્ડિયન લોકજીવન

  -તખુભાઈ સાંડસુર

હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ ' "ગુમનામ" નું શૈલેન્દ્રજીનું ગીત રવાંડાની પ્રજાને બરાબર બંધ બેસે છે.તમને ત્યાં લગભગ તમામ લોકો ફ્લાઈંગ સ્માઇલ કરતાં જોવા મળે છે. એનો પહેલો અનુભવ મને રવાન્ડએરની હવાઈચારિકાની ઓળખથી થયો.આ પ્રજા છે તો માંસાહારી પરંતુ તો પણ આટલી શાલીન કેમ એવો પ્રશ્ન જરૂર થાય.
                રવાન્ડા અને તેની આસપાસના દેશોમાં પણ યુગોથી જંગલપેદાશ ઉપર સૌ કોઈ નિર્ભર હતા. કદાચ આજે પણ છે.લગભગ વનવાસીઓ વનસંપદાઓનો ઉપભોગ તે તેમના નિર્વાહનું માધ્યમ છે.જે અહીં પણ લાગુ પડે છે. ત્વા,હુતુ અને તુત્સી જાતિના આદિવાસીઓની વસ્તી અહીં મુખ્ય છે. તુત્સી જાતી લઘુમતીમાં છે પરંતુ તે ઉંચાઈમાં મોટા તથા ખડતલ છે. તેથી તેને લાંબા કહે છે.જ્યારે હુતુ થોડાક કદમાં પ્રમાણસર છે તેથી તેને ટૂંકા તરીકે ઓળખવામાં આવે છે.
    શિક્ષણ જાગૃતિએ તેને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડ્યા છે.સ્ત્રી-પુરુષો બધાના વાળ કાળાં, એકદમ વાંકડિયા,ટુંકા પણ એટલા જ છે.સ્ત્રીઓ પોતાના વાળને લાંબા કરવા માટે કુત્રિમ વાળની ગૂંથણી કરાવે છે.સલુનકારો નાના વાળની સેર કરી તેની સાથે કુત્રિમ વાળને જોડે તેની લાંબી લાંબી સેર બનાવે છે.ગુથાયેલી સેરને આપસ આપસમાં જોડે છે.ઘણા તેમાં વિવિધ પ્રકારની પીનો પણ નાંખે છે.આ કારીગરીના હેરડ્રેસરના રવાન્ડિયન ૩૦૦૦ ફ્રાન્ક થાય છે. બઘાંના માંસલ શરીરને કારણે હોઠ, પગ,ખભા વગેરેમાં ચરબીનું પ્રમાણ ખાસ્સુ છે. ક્યાંક સ્ત્રી-પુરુષોનો રંગ થોડો શ્યામ જરૂર લાગે. ગામડાંના પુરુષો અંગરખું, કછોટો ધારણ કરે છે.સ્ત્રીઓ પણ સાડી બ્લાઉઝ,ચણિયો એવો સાદો પોશાક પહેરે છે.ગાય, જંગલી પશુપક્ષીઓનું તે માંસ ખાય છે. હમણાં સુધી તે કાચું માંસ ખાનાર હતા. હવે તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કોસ્મેટિક્સનો ઉપયોગ ખૂબ વધારે કરે છે. ઘણી બધી સ્ત્રીઓને મેં આખા શરીરે કંઈક તેલ જેવું પ્રવાહી લગાવીને નીકળેલી જોઈ. રસ્તા ઉપર તે ઝગમગતી,તગમગતી લાગે.સ્ત્રીઓ તેના બાળકોને પીઠ પાછળ સાડીમાં બાંધીને પોતાનું કામ કરે છે. તેની ભાષા કિનિયારવાન્ડિયન છે. તે રવાન્ડામાં બોલાય છે પરંતુ બાજુના દેશ કેન્યામાં સુવાલી ભાષાનો ઉપયોગ થાય છે.તે કેન્યા રવાન્ડિયનને મળતી આવે છે.કેન્યાના રીટાબેને કહ્યું."'પાન્ગા ‌ગાપી 'એટલે કેટલાં પૈસા.'મગાના તાન્દા તુ' એટલે ૬૦૦ફ્રાન્ક.'મગાના રીંગલી 'એટલે ૭૦૦ ફ્રાન્ક."
                    ગ્રામજગત નાનાં નાનાં ખેતરો, ટેકરીઓમાં વહેંચાયેલું છે. જ્યાં પોતાનું નાનકડું ખેતર ત્યાં જ તેનું એક માટીનું બનાવેલું નાનકડું ઘર હોય. જેમાં વાંસને ઊભા-આડા બાંધી દેવામાં આવ્યાં છે વચ્ચેનાં ભાગમાં ગારા- માટીને ચાંદીને પેક કરી દેવાય. એટલે તેની ચારે બાજુ દિવાલ થઈ જાય. છત ઉપર હવે પતરાં મુકાય છે. અન્યથા તે ઘાસ, પશુના ચામડાથી ઘરને ઢાંકી દેવામાં આવતું. અમે એક ગામડામાં  વાલ્કાનોઝ અભયારણ્યમાં જતાં એક ઘરની મુલાકાત લીધી.થોડા બટેટા પડેલાં, થોડું રાચરચીલું,વાસણ એક ચૂલો બસ પુરું. આ મકાન લગભગ ઢોળાવમાં હોય છે. જેથી પાણી આવે તો પણ તે ઘરમાં ટકી રહેતું નથી, કારણ કે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે.
            ખેતી ઢોળાવ ઉપર નાનકડાં સ્ટેપમાં થાય છે. જેમાં મકાઈ, જુવાર, કેળા, બટેટા વગેરેનો પાક લેવામાં આવે છે. ધાન્ય પાકો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.કેળા,બટેટા,શાકભાજીને નજીકનાં માર્કેટમાં વેચી નાખે છે. સાઈકલ પર આવી ચીજ-વસ્તુઓનો વહન કરતાં લોકોને અમે જોયાં. બળદ કે અન્ય કોઈ સાધનો આજે પણ ત્યાં ઉપયોગ થતો જણાયો નથી. એટલે તેની ખેતી આજે પણ પ્રાથમિક અવસ્થામાં છે તેમજ ગણાય. તેનું ઉત્પાદન ખૂબ મર્યાદિત હશે.ભણેલા,મજૂર લોકો નાના નગરોમાં કામ કરવા માટે પહોંચી જાય છે જંતુનાશક દવાઓ કે આધુનિક બિયારણોનો ઉપયોગ જોવા ન મળ્યો.
        જર્મન, ફ્રેન્ચ વગેરે યુરોપિયનોએ આ ખંડના વિવિધ ભાગો પર પોતાની સત્તા જમાવી હતી. કાળક્રમે આ સતાનુ તેમની એકબીજા વચ્ચે હસ્તાંતર પણ થતું રહ્યું .છતાં એમાંથી એક વાત નક્કી કે તેમનો ધર્મ ખ્રિસ્તી હતો. માટે સૌ કોઈને એમણે ખ્રિસ્તીઓના અનુયાયીઓ બનાવ્યાં. ત્યાંના લોકોના નામો પણ તેને મળતાં આવે છે. લગભગ તમામ ગામડાં કે કસ્બામાં થોડા અંતરે એક ચર્ચ જોવા મળે. તે આપણા મોટાં ગોડાઉન જેવાં હોય તેમાં લોકો રજાના દિવસે એકત્રિત થાય .ધાર્મિક પ્રવૃત્તિ ની સાથે-સાથે પોતાની સાંસ્કૃતિકતાની પણ મજા માણતાં હોયછે.ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધાઓ ખાસ ડોકા કાઢતી નથી.લગ્નોની પ્રથામાં સંપૂર્ણ લચીલાપણું,સ્વતંત્રતા છે. બધા પોતપોતાના તડાં કે ગોળમાં તેને ગોઠવે છે.પ્રતિકૂળતાઓમાં તે છુટાં પડે અને અન્યની સાથે પૂનઃલગ્નથી જોડાઈ જાય. યોગેશભાઈ જોશીના કહેવા મુજબ જાતીય સંબંધોમાં કોઈ ખાસ સીમારેખા નથી.સૌ પોતપોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકે છે .પરંતુ તેમાં કોઈ બળજબરી કે મજબૂરીને અવકાશ નથી. જો આવું થાય તો કાયદો પેશ આવે છે.
     તહેવારોમાં લોકો ઢોલ કૃત્ય,તૂમાર કૃત્ય કરે છે. પ્રજામાં ખાસ બીજા વ્યસનો નથી. પરંતુ એ પોતાની જાતે બનાવેલો દારૂ વધારે પ્રમાણમાં સેવન કરે છે. માટે તેમનું સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય વધારે નથી. પરિવાર નિયોજન નો વિચાર અહીં સુધી પહોંચ્યો નથી, દરેકના ઘરમાં વસ્તી ખાસ્સી છે.
             મોજ ,મસ્તી, મશગુલ થઈને કેવી રીતે જીવી શકાય તે તો‌ રવાન્ડિયનો પાસેથી જ શીખવું પડે.
 --તખુભાઈ સાંડસુર

Sunday, May 19, 2019

રવાન્ડા સફરનામા ૧

લેખમાળા --રવાન્ડા સફરનામા
-----------------------------------------------
એરાઇવલ એટ કિગાલી

--- તખુભાઈ સાંડસુર
બ્રહ્મમુહૂર્ત નો સમય ,સુરજદાદો આળસ મરડીને બેઠો થવાની વેતરણમાં છે.અમારું હવાઈ જહાજ લેન્ડ થઈ રહ્યું છે, તેવી જાહેરાત થઈ.જહાજની બારીમાંથી મેં નજર કરી, ટેકરીઓ દેખાઈ અને તેમાં અત્યંત સુંદર મજાની લાઈટો પણ જોઈ શકાઈ. રંગબેરંગી લાઇટો જોઈને મને થોડાં સમય પહેલા જોયેલાં હિમાલયના અલમોડા શહેરની સ્મૃતિ થઈ આવી. પરંતુ આ શહેર હતું આફ્રિકા ખંડના રવાન્ડા દેશનું કેપિટલ કિગાલી.
       અમારી એરબસ હવે સડસડાટ ભોભીંતર થવા નીચે સરકી રહી હતી. એરપોર્ટ નાનું છે, પરંતુ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગણાય.જોકે આ દેશમાં એકમાત્ર એરપોર્ટ છે માટે તે આંતરરાષ્ટ્રીય હોય,તે સ્વાભાવિક છે. કારણ કે આ દેશની સીમાઓ દોઢ સો ચોરસ કિલોમીટરથી વધુ ના હતી.અમારા વીઝા, ઇમિગ્રેશનનું કામ ખૂબ ઝડપથી પત્યું.અમને આવકારવા શ્રી હેતલભાઈ શાહ ત્યાં ઉપસ્થિત હતા. એ આયોજનના એક્કો છે,તે અનુભવ મને અબુધાબીમાં થયો હતો.
   બસની રાઈડ કરી અમે કિગાલી કન્વેશન સેન્ટરની બાજુમાં જ આવેલી પંચતારક હોટેલ રેડિસન બ્લૂ પહોંચ્યા. બેગેજ ઉતારીને થોડા હળવા થયા.ત્યાં કવિ મિત્ર હરદ્વાર ગોસ્વામીનો ભેટો થયો. અમારી રૂમ મેળવવાની વિધિ પૂર્ણ થઈ.મિત્રએ ચા-નાસ્તાનુ સરનામું દેખાડ્યું, તે માટે ગયા.અમદાવાદ થી દુબઇ અને દુબઈથી કિગાલીની આખી રાતની સફર, ઉજાગરો, થાક અહકનું કારણ હતું. રુમમાં આડે પડખે થઈ દિવસ પુરો કર્યો.
                        રવિવારે અમે કીગાલી શહેર માં ફરવા નીકળ્યા.હોટેલના રીસેપ્શનીસ્ટે ટેક્ષીવાળાને બોલાવી તો દીધો.પરંતુ એના ભાવતાલ વગેરે નક્કી કરવાનું ખૂબ અઘરું હતુ.કારણ કે અમે તેની ભાષા ન જાણીએ અને તે અમારી જાણે નહિ. પરંતુ હોટલના એક વેઈટરની મદદથી એ અમારી આવવા-જવાની ટૂરના 40 અમેરિકન ડોલર કહે છે એવું જાણ્યું.પણ પછીથી અમે તેને 30 ડોલરમાં નક્કી કર્યો. તે માની પણ ગયો એ અમારું રવાન્ડા દેશનું પહેલું વ્યવહાર વાણુ હતું.અહીં પણ ભાવતાલ કરવાની જરૂરિયાત લાગી. નહિતર છેતરાવાનો ભય અહીં પણ આગળ દોડતો જણાયો.
            બજાર લગભગ આપણી જેવી છે.આજે રવિવાર છે તેથી કોઈક દુકાન બંધ છે.નાના-મોટા થડા લઈને નાની નાની ચીજ-વસ્તુ વેચનારા હતા. અમે માત્ર લટાર મારી લગભગ તમામ ચીજ- વસ્તુઓનો ભાવ ભારતથી બે-ત્રણ ગણો વધુ જોવા મળ્યો. ત્યાંના ચલણને બદલવા અમને ટેક્સીવાળો દુકાનમાં લઈ ગયો,તે કરન્સી એક્સચેન્જની શોપ હતી.
            રસ્તા સુંદર મજાના છે, ડિવાઇડરમાં ફૂલ, અને નાળિયેરીના વૃક્ષો સુશોભિત લાગે છે.સ્વચ્છતા માટે આ શહેરને ભારતમાં ક્યાંય ન જોયેલા નગર તરીકે પ્રથમ ક્રમે મૂકવું પડે. પ્લાસ્ટિક કે કચરો ક્યાંય નથી. જો કે આખા દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે, એ બાબત આવકાર્ય છે. મોટર સાયકલ ધારકો માટે હેલ્મેટ ફરજીયાત છે.અહીં મોટરસાયકલ ટેક્સી પણ છે, કોઈપણ વ્યક્તિ રસ્તામાં કે પાર્કિંગમા ઉભેલા ચાલકની સાથે મોટર સાયકલનું ભાડું નિયત કરી જ્યાં જવું હોય ત્યાં તેની પાછળ બેસીને જઈ શકે છે. તેમની પાસે એક્સ્ટ્રા હેલમેટ હોય છે.તે તમને પહેરવા આપે છે. સ્ત્રી-પુરુષોના લિંગભેદ બહુ જોવા ન મળે‌.મોટાભાગના મોટરસાયકલ ચાલકો પુરુષો હતાં. પણ સ્ત્રીઓ તેની પાછળ સવારી કરતી જોવા મળે.મકાનો બહુમાળી છે, કેટલાક સિમેન્ટ કોન્ક્રીટના છે બાકીના ઘણાં બધાં મકાનોની છત પતરાની છે.તે એક મજલાના છે. હેન્ડીક્રાફ્ટ નું એક નાનકડું માર્કેટ જોયું, દોરા,કાપડમાંથી બનાવેલું કલાત્મક હેન્ડીક્રાફ્ટ છે .પરંતુ તે ખુબ મોંઘુ, છે બધા લટાર મારે ખરા પણ ખરીદવાનું ભાગ્યે જ પસંદ કરે.
                                          અમો એક દિવસના અંતરાલ પછી બધા કિગાલી શહેરની વિધિવત મુલાકાતે ગયા.ત્યારે સૌપ્રથમ સ્થળ હતું, જેનોસાઈડ મેમોરિયલ.જેનોસાઈડનો અર્થ છે,જાતિસંહાર. 1994માં અહીં થયેલો બર્બર જાતીસંહારની સ્મૃતિઓ આજે પણ રડતી સંભળાઈ રહી છે.આ એવું શહેર હતું જ્યાં અઢી લાખ લોકોની કતલ કરવામાં આવી હતી. તેના દ્રશ્યો ફોટોગ્રાફીમાં પણ કમકમા ઉપજાવે તેવા હતા. મોટા મોટા ઓટા જેવા સ્મૃતિ સ્મારકો બનાવેલા છે. બધા લોકો આવી પોતાના સ્વજનને યાદ કરી તેમના માટે ફૂલોની સુગંધ છોડતાં જાય છે. અને ઘડીભર પોતાની સ્મૃત્તિઓને વાગોળે છે.પુષ્પોની આવી ટોકરી લઈને આવેલી એક સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈને 25 વર્ષ પહેલાં બનેલી ઘટના હજુ ગઈકાલની હોય તેવી અનુભવાય.
                    આખો દેશ યુરોપના કબજામાં હતો. તેથી અહીં ખ્રિસ્તી ધર્મજ મહત્વનો હોય.જ્યારે ધર્મના નામે શૂન્યાવકાશ હતો ત્યારે યુરોપની પ્રજાએ  ત્યાં ખ્રિસ્તીધર્મના બીજ વાવ્યા. તેથી બધા લોકોનો ધર્મ ખ્રિસ્તી છે.હિન્દુ ધર્મનું આ 12 લાખની વસ્તીવાળા શહેરમાં આ એકમાત્ર મંદિર છે જેનું નામ છે સનાતન હિન્દુમંદિર. આ મંદિરમાં હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. સંભવતઃ પંદરેક દિવસે તમામ ભારતીયો આ સ્થળને 'ગેટ ટુ ગેધર' ના કાર્યક્રમ તરીકે પ્રયોજે છે. અમે આ મંદિરની મુલાકાતે ગયા. સરસ સભાખંડ,એવો જ બીજો હોલ જેમાં તમામ મૂર્તિઓ સ્થાપિત છે.
        કિગાલી શહેરમાં ફરતા ફરતા ગાઇડે પ્રેસિડેન્ટ હાઉસ, વિવિધ યુનિવર્સિટીઓ,સ્લમ્સ વિસ્તારો વગેરે પણ બતાવ્યા.તેમાં યુનિવર્સિટીઓ નાના મકાનોમાં ચાલતી હોવાથી આપણી કોલેજો પણ તેનાથી મોટી લાગે.ઝુપડપટ્ટીઓની સ્વચ્છતા આપણાં 'પોશ' વિસ્તારોને પાછળ છોડી દે તેવી છે.
   સિસ્ટમ અને શિસ્તથી ચાલતુ શહેર ૨૧મી સદીના ઔદ્યોગિક આભડછેટ વિહોણું,તંદુરસ્ત બાળક જેવું અનુભવવા મળ્યું.
  ----- તખુભાઈ સાંડસુર

Election results 2019

૨૩ મે:--એમ.પી. ટ્રેડિંગ ડે...!!!???

-- તખુભાઈ સાંડસુર

લોકસભા ચૂંટણીના પરિણામો બે ક્ષેત્રોને ઘણું કામ આપી રહ્યા છે."મામાનું ઘર કેટલે "ના અડસટ્ટા લગાવવા અખબારો, મીડિયા જગત ને ગલીપચી કરાવવાની મજા પડી ગઈ છે. સટોડિયાઓ પોતાના આંકડાઓની ભરમારથી સૌને એવા કઠોડે ચઢાવે છે કે વાત જવા દો .2014ની 16મી લોકસભા એનડીએના સાથી પક્ષો સહિતના ની બેઠકોની સંખ્યા 350થી વધુ હતી. માત્ર ભાજપ માટે આ મેજિકલ ફિગર 282નો હતો. જે સૌના ભવા ખેચવા નિમિત હતો.હવે અડસટ્ટા કે એનાલિસિસ માં ન પડીએ તો પણ એટલું પાકકુ છે કે 2014ની અને આ વખતની સ્થિતિ જરા બદલાયેલી તો છે જ. એટલે કે ભાજપાને આ આંકડાઓ જાળવી રાખવા માત્ર એક જ મુદ્દો હાવી દેખાઈ રહ્યો છે, તે છે સર્જીકલ સ્ટ્રાઈક, આતંકવાદીઓનો ખાત્મો.
   
         2014 અને 2019 માં એક સ્પષ્ટ ભેદ છે કે મોદીની ઈમેજ બિલ્ડીંગ ત્યારે દીપ-પ્રાગટ્ય હતું.મોદી માં અનેક લોકોએ નવા ભારતના, યુવા બેરોજગારના તારણહાર,  પડકારો અને સમસ્યાઓના સંહારક તરીકેના સ્વપ્નાઓ કંડાર્યા હતા.એટલે અણધાર્યો આત્મવિશ્વાસ જનતામાં ઉભો થયેલો દેખાયો હતો. 2019માં તેના સાથી પક્ષો તેલુગુ દેશમ 16 બેઠક, બીજુ જનતા દળ 20 બેઠક, તને એઆઈડીએમકે ૩૭ બેઠક પૈકીના મોટા આંકડાધારી પક્ષો આજે મોદીપક્ષમા નથી.કોંગ્રેસનો વાવટો 40- 45 સુધીમાં સંકેલાઈ ગયો હતો.આજે તેની પાસે ત્રણ રાજ્યોને સ્વતંત્ર સરકાર છે. કર્ણાટકમાં જેડીએસના ટેકાથી ચાલતી સરકાર છે.તેથી ત્યાં કોંગી પક્ષ પોતાનો દેખાવ કંગાળ કરે એવું લાગતું નથી.એમની પાસે હિન્દી બેલ્ટમાં યુપી-બિહારમાં વિરોધીઓ એકઠા થઈને ખાંડા ખખડાવે છે, એટલે ત્યા મત નુ ડિવિઝન આ વખતે શક્ય નથી. તેનો લાભ ભાજપને મળી શકે તેમ નથી. હવે જો લોકમિજાજ
બદલાયેલો હશે તો પરિણામો મોદી પ્રોજેક્ટેડ દેખાશે. તો તે 2014થી પણ આગળ નીકળી જાય એમ પણ બને.પરંતુ તમામ દિશાના પવનો મોદી ઈફકટેડ નથી પણ ડિફેક્ટેડ જરૂર છે. ત્યારે શું થશે.., તેવો સવાલ આમ આદમી માં ચકરાવા લઇ રહ્યો છે. મારા બુજર્ગ મિત્ર બાલાભાઈ કહે છે એ "ભાગ્યમાં હોય તો ભરાય નહિતર તો ધબોય નમઃ"

  જો ભાજપના સાથીઓ ઓ 225 -230 ના આંકડાથી આગળ ન નીકળે તો હંગ પાર્લામેન્ટ સર્જાય. તો શું થાય ......!??? પ્રાદેશિક તમામ પક્ષો એક એવા મુકામ પર છે કે મોદીનો તે કોઈ કાળે સપોર્ટ કરી શકે તેમ નથી,કારણ કે તેના વિરોધમાં જનાદેશ લઈને દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. હવે જો તે લોકેચ્છાને અવગણે તો પોતાનો જનાધાર ખોઈ દેવો પડે. જેથી તેને પોતાના રાજ્યની જાગીરી મેળવવામાં ય નાહી નાખવું પડે. માટે તે કોઈ પણ સંજોગોમાં મોદી સાથે જશે નહિ .તો શું થાય...!!? બીજુ જનતા દળ અને તેલંગણા માં ટી આર એસ માટે ભાજપામા સોફટલાઈન દેખાઈ રહી છે. તેથી તેની થોડી બેઠકો આવે ને તેનો ટેકો મળવાની સંભાવના છે .પછી ઘટતા સંસદસભ્યો મેળવવા દરેક રાજ્ય વીનેબીલીટી ધરાવતા એમપી નો સંપર્ક કરવામાં આવી રહ્યો હશે. છે.જેથી વિપક્ષના ૩૩ ટકા સભ્યોને અલગ કરી સ્પલિટ પાર્ટી તરીકે ભાજપ ટેકો મેળવી શકે.અથવા તે સાંસદોને એનકેન પ્રકારે લોકસભામાં બહુમતી મેળવતા સમયે ગેરહાજર રાખી શકાય. ભાજપા તેની આ રીતે લોકસભાના ફ્લોર પર બહુમતી પુરવાર કરવા પ્રયત્ન કરશે.
      ત્રિશંકુ સ્થિતિ ખાસ કરીને સાંસદો માટે ધર્મસંકટ સર્જી શકે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ ભારતીય રાજનીતિ એ સારી રીતે જોઈ છે.તેનું પુનરાવર્તન કરશે કે કેમ તે તો સમય બતાવે .નાના પક્ષો એ તેના સાંસદોને અકબંધ રાખવા ખુબ મથામણ કરવી પડશે તેના શિરોધાર્ય નેતાઓ અત્યારથી કેટલીક સૌને "મોપાટ "'લેવડાવી રહ્યા છે .આવવા દો 23 મે ને જોઈએ શું થાય છે?

 ---------:::તખુભાઈ સાંડસુર

Tuesday, May 7, 2019

My interview on Rwanda

મોરારીબાપુ :
વૈશ્વિક સંસ્કૃતિ આદાન પ્રદાનના જ્યોતિર્ધર

તખુભાઈ સાંડસુરનું રવાન્ડા સફરનામા :
ધીમંત પુરોહિત સાથે

      ----ધીમંત પુરોહિત

**ધીમંત પુરોહિત ---તખુભાઈ, રવાન્ડા સફરનું પ્રયોજન શું?  તે કેવી રીતે પાર પાડ્યું?

**તખુભાઈ-----રવાન્ડા પૂર્વ આફ્રિકાના કોંગો ,યુગાન્ડા, ટાન્ઝાનિયા, બરૂન્ડી ,કેન્યા સહિતના દેશો પૈકીનો એક નાનકડો દેશ છે.અહીં જવાનું 'અસંભવામિ યુગે યુગે 'જેવું ગણાય. કારણ કે, ત્યાં આપણો  તંતું કે સેતુ સાવ પાતળો લેખાય. પ્રવાસન સ્થળ તરીકે તે ખ્યાત નથી. પરંતુ મોરારીબાપુની ત્યાં રામકથાનું આયોજન, તેમાં મને નિમંત્રણ મળવું. બાપુ ગુજરાતના સાક્ષરો ,સર્જકો, લોક કલાકારો , નવોદિતો અને ઉપેક્ષિતોને વિશ્વના અન્ય પ્રદેશોનો પરિચય કરાવવા પ્રવાસમાં જોડે છે. એવું કહેવાય. પૂ. બાપુ વૈશ્વિક સંસ્કૃતિનાં આદાનપ્રદાનના જ્યોતિર્ધર છે. તે સમાંતર સરકાર જેવું કાર્ય કરી રહ્યા છે. સરકાર જે કોઈપણ બે દેશના સાંસ્કૃત્તિક ,ભૌગોલિક પરિચય માટે સૌને જોડી શકે. પૂ.બાપુના આ કાર્ય માટે લખવા પાના ઓછાં પડે, પણ કવિવર રવિન્દ્રનાથ ઠાકુરના  શબ્દોમાં આટલું કહી શકાય :
"જયારે દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઇ,
ત્યારે આભની વીજે તું સળગી જઇને,
સૌ નો દીવો એકલો થાને રે."
વધુ ઉમેરું ;
भारतवर्ष का वह अकेला फकिर है जिसके जोले में सत्य ,प्रेम ,करुणा का प्रसाद है।जो चाहे, जितना चाहे पा सकता है। 
કહું ,બાપુની કરુણા જ અમને અહીં સુધી પહોંચાડી લાવી.

 **ધીમંત પુરોહિત ---આફ્રિકાખંડના રવાન્ડાની ધરતી પર પગ મુકતા તમને કેવો અનુભવ થયો?

** તખુભાઈ--અમે દુબઈના ત્રણ- ચાર કલાકના રોકાણ પછી હવાઈજહાજ બદલી શનિવારે તેના કેપિટલ કિગાલીમાં ઉતર્યાં. ત્યારે તારીખ હતી ૨૦ એપ્રિલ ૨૦૧૯.પહેલી નજરે લીલોતરી જોઈને આંખો ઠરી ગઈ.સૌરાષ્ટ્રના સુકા ભઠ્ઠ જેવા પ્રદેશમાંથી ચોમેર લીલીધરા...અમારા નિવાસનો હોટલ સ્ટાફ, રસ્તા પર અવરજવર કરતાં રાહદારીઓ ,બધાંના ચહેરામાં એક નિર્દોષતા સતત ડોકાતી હતી. અડદમાં ઓગળી જાય તેવો રંગ ભલે હોય ,પણ તેનાં હૃદયની કુમાશ ગુલાબની મખમલી પાંદડીઓથી જરાય ઓછી ન હતી. લગભગ તમામનાં ભાવજગતમાં એક ગ્લાની,માયુષી હોવાનો સતત અહેસાસ થતો હતો. મને તો આ ઇતિહાસની બહુ વિશેષ જાણકારી ન હતી. પણ પાછળથી એક મહાભયાનક પાનું ઊંચકાયું, જેણે સૌને દંગ કરી દીધાં. તે હતો દસલાખથી વધુ લોકોનો સને ૧૯૯૪નો જાતિસંહાર.જેનોસાઈડ મેમોરિયલ પર પોતાના આપ્તજનો માટે આંખોની અશ્રુધારા લુંછતી એક સ્ત્રીને જોઈ હું પણ મારી આંખોની નમીને રોકી ન શક્યો. આંસુ કોઈ ભાષા કે પ્રદેશનો ઈજારો નથી, તે વિદિત છે.

 **ધીમંત પુરોહિત---હા, રવાંડાનો જેનોસાઇડ નરસંહારની વાસ્તવિકતા તમારા મતે શું છે ? સાંપ્રત સ્થિતિનો કેવો અનુભવ?
**તખુભાઈ--અમારા ઉતારાનું કિગાલી શહેર ૧૨ લાખની વસ્તીનું તથા રવાન્ડા આખા દેશની વસ્તી ૧.૨૦ કરોડ છે. સૌરાષ્ટ્રથી પણ નાનું ગણી લો .અહીં તુત્સિ,ત્વા અને હૂતુ આદિવાસીઓની વસ્તી છે.સને ૧૯૬૨માં આઝાદી મળી પછી બહુમત હુતુ લોકો સત્તામાં હતા. તુત્સી જાતિની લઘુમતી હોવા છતાં તેને સતત આથી અકળામણ થતી હતી. હૂતુ અને તુત્સિ જાતિઓ વચ્ચે સને ૧૯૯૦ પછી નાની-મોટી હિંસક અથડામણો થયા કરતી હતી. પરંતુ ૬ એપ્રિલ ૧૯૯૪ ના રોજ હૂતુ જાતિના રંવાડી પ્રમુખ હિબોઅરીનામા અને  પાડોશી દેશ બરુન્ડીના પ્રમુખ સિપ્રેન જ્યારે કિગાલી એરપોર્ટ પર હવાઈજહાજમા બોડૅ થતા હતાં. ત્યારે તેના પ્લેનને રોકેટથી ઉડાવી દેવામા આવ્યું. બંને પ્રમુખોની હત્યાથી ભડકેલી હુતુ જાતિના લોકોએ ચોમેર તુત્સિ જાતિના લોકોની કત્લેઆમ શરૂ કરી. ત્યાંનું એક 'થામ્બા'નામનું હથિયાર  જે ધારિયાં જેવું ગણાય તેનાથી લગભગ બધાંનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી. એકલા કિગાલી શહેરમાં જ ૨-૫ લાખ લોકોની હત્યા થઈ.  સો દિવસમાં રવાન્ડામાં કુલ ૧૦ લાખ તુત્સિ અને બે લાખથી વધુ હૂતુ, મળીને૧૨ લાખ લોકોનો સંહાર થયો. આવી બેરહમીથી થયેલી કત્લેઆમ માનવ તરીકેની ઓળખને ભુલાવી દેનારી હતી. જોકે આજે હવે આ આઘાતમાંથી ત્યાંની પ્રજા બહાર આવી ગઈ છે. કોઇને તેની જાતિ પૂછવાની અહીં મનાઈ છે. જાતિનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેઓ હવે રવાન્ડિયન તરીકે પોતાની જાતને ઓળખે છે .ટુરની બસમાં મારી સાથેના ગાઈડને જ્યારે મેં જાતિ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે મિહિર સોની નામના ગુજરાતી યુવાને મને રોકીને પુનઃ કોઈની જાતિ નહિ પૂછવા મને ચેતવ્યો હતો. અને પેલા ગાઈડનો જવાબ હતો, 'આઈ એમ રવાન્ડિયન.'

 **ધીમંત પુરોહિત--આફ્રિકા જંગલો માટે જાણીતું છે તમારો એ શો રોમાંચક અનુભવ?
**તખુભાઈ --હા ,આફ્રિકાનો મધ્યભાગ વિષુવવૃત્તિય છે, તેથી આ પ્રદેશ વરસાદ, પ્રાકૃતિક વૈભવનો રાજા છે. અહીં ત્રણેક જેટલા નેશનલ પાર્ક છે. તે પૈકીના પશ્ચિમ ભાગમાં આવેલું એકેગેરા અને પૂર્વમાં આવેલું વાંલ્કાનોઝ નેશનલ પાર્કની મુલાકાત લેવાનું શક્ય બન્યું. એકેગેરા ટાન્ઝાનિયાની સરહદ ઉપર આવેલું, એહેમા તળાવનું રુપ છોગું ધરાવતું માણવા જેવું જંગલ છે. અમને મહાલતા હાથીઓ,એહેમા તળાવમાં જબોળાતો હિપોપોટેમસ, ઘાસિયા મેદાનોમાં તબડાટી કરતાં ઝીબ્રા અને લાંબી ગ્રિવાધારી જિરાફને નજીકથી જોવાનો રોમાંચક અનુભવ થયો. પક્ષીઓની સંખ્યા એમાં માતબર જોવા ન મળી. માંસાહારી પ્રજાની તે તૃપ્તિ બની ગયાનું લાગ્યું. આવી જ બીજી સવાર વાલ્કાનોઝ ના ગોરીલા નેશનલ પાર્કમાં ઉઘાડ પામી .બે-ત્રણ ફૂટના અંતરેથી તસવીરો ખેંચી ને સ્પર્શ કરી લેવા જેવી બીના રોમટા બેઠાં કરે તેવી હતી. અદ્ભુત.. અદ્ભુત..

 **ધીમંત પુરોહિત-- --રવાન્ડિયન અને ભારતીય લોકજીવનમાં આપને શું તફાવત જોવા મળ્યો? તે ફેરફારોને કઈ રીતે આલેખી શકાય?
**તખુભાઈ----રવાન્ડી રંગે કાળા છે. દસ હજારમાંથી કોઈ એકાદ વ્યક્તિ તમને આછું કાળું જોવા મળે. તમામ લોકો માંસાહારી, ખડતલ છે. ગરીબીનું પ્રમાણ ગ્રામપ્રદેશમાં વધુ છે. ગામડાંનાં નામો ઘણીવાર અટપટા છે. જેમકે સેન્ડુઝ,તુનુધેસ જે યાદ રાખવા પણ મુશ્કેલ હોય. તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેથી તેનાં નામો તેને લગતાં જ હોય છે. જેમ કે; વિલિયમ, એલન ,એમીના, મેરી, ટ્વીંકલ, એન્ટી વગેરે. શરીરમાં ખૂબ તાકાત હોવાં છતાં અંદરથી કોઈ મોટા શોકમાં ડૂબેલા,ભાગ્યે જ હસતાં- સ્મિત રેલાવતાં તેઓ જોવાં મળ્યાં. બધાં હવે કોઈ જાતિના નામને બદલે રવાન્ડી તરીકે ઓળખાય છે. કોફી ,જુવાર, મકાઈ, કેળાંની ખેતી કરે છે. મોટાભાગનો માલ- સામાન સાયકલમાં હેરફેર કરે છે. પર્વતમાળાઓમાં નાના ખેતરો બનાવીને બધાં ત્યાં જ ખેતરના છેડે ઝૂંપડું બનાવીને રહે છે. મોટેભાગે મકાનની છત પતરાની હોય છે, વાંસ અને માટીમાંથી ઝૂંપડું બનાવે છે. પહેરવેશમાં ભારતીયથી હવે જુદાં નથી.

**ધીમંત પુરોહિત --રાજનીતિ અને વહીવટી બાબતોમાં  તે દેશ કઈ રીતે જુદો પડે છે?
**તખુભાઈ------ રવાન્ડિયન પેટ્રીયેટ ફ્રન્ટના પોલ કગામે ૧૯૯૪થી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાતા આવે છે. વિરોધ પક્ષ નહિવત છે .૯૯ ટકા લોકો તેના પક્ષમાં જ છે. તેના વિરુદ્ધ કોઇ વાત થઇ શકતી નથી મોટેભાગે તે સરમુખત્યાર જ પરોક્ષ રીતે ગણાય. દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. તે તુત્સિ જાતિના છે. ૧૯૯૪ના બળવા પછી તેના પક્ષે પાટનગર કિગાલી પર કબજો કરી લીધો. કાયદાઓ ખૂબ કડક છે, જે તેને તોડે તેને તરત સજા મળે. ઝિબ્રા ક્રોસિંગ સિવાય કોઈ રોડ ક્રોસ કરવાની પણ હિંમત કરતું નથી. તે મેં નજરે જોયું. હત્યા કે બળાત્કાર જેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. કારણકે તે આરોપીને જીવતો રાખે છે કે નહીં એ ત્યાંના લોકો સંદેહ વ્યક્ત કરે છે..! સ્થાનિક ગૃહસ્થ વાય.પી. જોશીએ કહ્યું "અહીં પ્રીપેડ ઇલેક્ટ્રિસિટી છે. ટેક્સ પણ બધાએ સમયસર ભરવો પડે છે. એરાઈવલ વીઝા છે. હવે ઇસ્ટ આફ્રિકાના બધા દેશોનો એક કોમન પાસપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.જેથી એકબીજા દેશો વચ્ચે સરળતાથી આવ-જા કરી શકાય. અહીં સમુદ્ર કિનારો નથી. જેથી બધો માલ સામાન ટાન્ઝાનિયાના દારે સલામ બંદરથી આવ-જા કરે છે .તેથી બધી વસ્તુ થોડી મોંઘી હોય. ભારતના એક રૂપિયા સામે ત્યાનુ ચલણ રવાન્ડિયન ફ્રાન્કનો ભાવ દસ રૂપિયા છે એટલે કે ભારતીય ૧૦ રૂપિયાના ૧૦૦ રવાન્ડિયન ફ્રાન્ક આવે. મોંઘવારી ઘણી છે એક ચાના કપ નો ભાવ બે‌ હજાર ફ્રાન્ક છે. અહીં મોટરસાયકલ ટેક્સી છે, એટલે કે તમે કોઈપણ મોટર સાયકલ રીક્ષાની જેમ ભાડે કરી શકો છો. ટેક્સી ધારક પાસે હેલ્મેટ પણ હોય છે, જે તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી હેલ્મેટ પૂરો પાડે છે. લિગંભેદ ઓછો છે તેથી પુરુષ મોટરસાયકલ ચાલક પાછળ સ્ત્રીઓ ફરતી જોવા મળી.

**ધીમંત પુરોહિત -----એવી કોઈ ઘટના જે તમને હંમેશા યાદ રહી જશે.?
 **તખુભાઈ-----હા,વાત એ હતી કે રવાન્ડાનું મુખ્ય આકર્ષણ ગોરીલા દર્શન, ટ્રેકિંગ હતું .પરંતુ આ પાર્કની પરમિટ ફી રૂપિયા ૧૫૦૦ અમેરિકન ડોલર હતા. એટલે કે તે ભારતીય ચલણમાં રૂપિયા ૧ લાખથી વધુ થાય .જે ચૂકવી શકવા અમે સક્ષમ નહોતા. અમે ત્યાની સરકારના એક મંત્રી ગાત્રેજી સાથે આપસ- આપસમાં પરિચય કેળવ્યો હતો. તેમણે ટુરીઝમ ડેવલોપમેન્ટ સાથે સર્જકો, સાક્ષરો, પત્રકારોને સરકાર મંજૂરી આપે છે એમ જણાવ્યું. અમે ત્યાંની સરકાર સાથે, તેના પ્રવાસન વિભાગ સાથે પત્ર વ્યવહાર કર્યો, વિનંતી કરી. જેથી એની પારદર્શકતા, તુમારનિકાલ નીતિઓથી અમો ચાર મિત્રો મારા સહિત જિતુભાઈ જોશી,મુકેશ પંડિત, મનોજ જોશીને ૨૭-૪-૧૯ ના  રોજ વાલ્કાનોઝ નેશનલ પાર્કની ગોરીલા ટ્રેકિંગમાં જવા માટેની કોમ્પ્લીમેન્ટરી પરમિશન ગ્રાંટ થઈ. તેનો લેટર ઇમેલથી અમોને મોકલવામાં આવ્યો. અમો તેનાથી ખૂબ રોમાંચિત, પ્રભાવિત થયા. સવારે ત્યાંની સરકારી ગાડીમાં સવાર થઈ વાલ્કાનોઝ નેશનલ પાર્ક જોઈ શક્યા.એટલું નહિ ૨૨ વર્ષના સિલ્વરબેક કેવાય એવા ગોરીલાની પીઠ ઉપર હાથ અડાડવા જેવો અનુભવ યાદગાર બની રહ્યો.
 ** ધીમંત પુરોહિત- --તમારા સફરનામાના અકૅ તરીકે કંઈ કહેવું હોય તો શું કહો?
 **તખુભાઈ ---પુ.મોરારીબાપુના શબ્દોમાં જ કહું. ; 
" બાપ ,આનંદ હી આનંદ..."

 (તખુભાઈ ઈમેલ-bapusaheb1961@gmail.com)