Thursday, August 30, 2018

હું છું સરકારી શાળાનો બેબસ વિદ્યાર્થી….....................          --તખુભાઈ સાંડસુર                                                                                         મને સરકારી શાળામાં જુઓ છો. કારણ કે ખાનગી શિક્ષણ મેળવવા માટે કાવડિયા નથી ,ગામડામાં મારી પાસે બીજો વિકલ્પ નથી. મારું સરનામું મફતપરું અને શહેરની ગંદી  ઝુંપડપટ્ટી છે. તમારી સૌ પાસે મારી કેફીયત રજૂ કરી પ્રથા, વ્યથા અને વ્યવસ્થા ઉજાગર કરીને થોડો હળવો થવા ઈચ્છું છું. શિક્ષણના ત્રણ આધારસ્તંભો છે. વાલી ,શાળા અને સરકાર. પરંતુ તેઓએ મને ભગવાન ભરોસે છોડી દીધો છે. મને મળનારી તકો સાવ ક્ષીણ છે. તોય તે અન્યો લઈ જવા ઉતાવળા છે. લગભગ તમામ ઈચ્છતા હોય કે હું લાચારીના નર્કમાંથી બહાર જ નીકળું.

મારું કુટુંબ કંગાળ છે. રહેવા એક ઓરડો અને ખાવા મા-બાપે શ્રીમંતોની ચોખટ પર મજુરીની રોજ ગુહાર લગાવવી પડે છે. મારા વાલી-પિતાને મારા ભાવીની ચિંતા   છે જ, અને હોય જ પણ રોજ ખાલી થતાં અભાગિયા પેટ ભરવાનો ભાર વધારે હોય છે ,તેથી હું શું ભણું છું? કેટલું ભણ્યો? કોણ ભણાવે છે ? તેની ક્યારેય પૂછપરછ કરી નથી. હા, તેને વાટ હોય સ્કોરશીપના પૈસાની…!! કારણ કે તેની મતી ત્યાંથી આગળ જઈ શકતી નથી. મારો શાળા સિવાયનો સમય હોટલના નોકર તરીકે કાં તો ભાગિયા ખેતરની મજૂરીમાં વીતે છે. વરસોથી શાળાના પગથિયા ઘસતો રહ્યો. પણ આઠ વરસમાં ગણિતનાં બે આંકડાનો સરવાળો કે બે વાક્યોનું વાચન આવડ્યું નથી. કોઈએ મારી કારકિર્દીનો રેકર્ડ માગ્યો નથી. અમારા સાહેબ અઠવાડિયામાં બે-ત્રણ દિ’એ કલાક અમારા વર્ગમાં આંટો મારે છે. બાકી તો તે એક રૂમમાં બેસીને શું કરતા હશે રામ જાણે…!!

મને મારા પિતાજી પર ગર્વ છે કે તે મને રોજ શાળાએ મોકલે છે. મજુરીના વધુ પૈસાનો લેાભ છોડીને તેણે મને સાત વરસ શાળા જોવા મોકલ્યો. બૂકમાં લીટા દોરવા અને મેદાનમાં બેટ- દડે રમવા સિવાય લગભગ અમે કાંઈ કર્યું નથી. અમારામાંથી ઘણાં બપોરના મધ્યાહન ભોજનના લોભે લોભે આવે છે. અમારા વર્ગના ૫૦માંથી પાંચેક છોકરાને વાંચતા આવડી ગયું છે પણ તે બધાને તેની બહેનો કે મોટા ભાઈઓ ઘરે જઈ ભણાવે છે. અમને ખાનગી શાળામાં રાખે કોણ ?! આર.ટી.ઈ.નો કાયદો છે પણ દિવાળી સુધી તેના રાઉન્ડ આવ્યે રાખે. નંબર ન લાગે. લાગી જાય તો તેનું વર્તન અમારી સાથે ઓરમાયું…!!

અમારા શિક્ષક સાહેબોનો એકેય છોકરો કે છોકરી અમારી નિશાળમાં આવતા નથી. કારણ કે તે બધું જાણે છે…? ગામના સરપંચ કે પંચાયતને ગ્રાન્ટમાં રસ પડે છે, અમારામાં નહીં.

સરકારીબાબુઓ તેના સંતોનાને વિદેશમાં સેટલ કરવામાં કે ભારતની કઈ કોલેજમાં કેટલું ડોનેશન…તેનું ઉઘરાણું ક્યાંથી કેવી રીતે કરવું ?તેની વેતરણમાં હોય છે. ચૂંટાયેલા સુબાએાને કોક ઉત્સવોમાં નિશાળોમાં તગડે છે. પણ તેઓ પોતાની ગાદીઓ ટકાવી રાખવામાં અને જે નથી મળ્યું તે મેળવવાના હતકંડાઓમાં રચ્યા-પચ્યાં રહે છે. કોને ક્યાં ભેળવવો ? કોને કયા ખસેડવો અને ખતમ કરવો ?એના ગ્રાફ દોરાતા રહે છે. મારું ભણતર કે ભાવી તેની પ્રાથમિકતા નથી. વળી હું જ્યાં છું ત્યાં રહું તો તેમની તીતુડી વાગતી રહે તેવો તેનો છૂપો એજન્ડા છે પણ થાય શું ?!

મારા ભણતરનો પાયો કાચો અને બોદો રહેવાનો. મારી ક્ષમતા શિક્ષણમાં સાત વરસમાં ૨૦-૨૫ ટકાથી વધુ નથી. તેથી હું દસમાંની જાહેર પરીક્ષામાં પાસ થઈ શકીશ કે કેમ તે એક સવાલ છે?અને થઈ પણ ગયો તો બારમું આવશે. વળી મારું ગાડુ રગશિયું ગબડ્યા કરે તો પણ હું નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાનગી શિક્ષણ મેળવનારાની બરોબરી ક્યાંય કરી શકું તેમ નથી ત્યાં પાછો સમાનતાનો સિદ્ધાંત લાગુ પડશે એટલે મને અહીં કોઈ અગ્રતા મળવાની નથી. મારી સાત પેઢી ગરીબીમાં સબડતી રહી છે અને મારો વારો પણ મજુરી કરવા સિવાય કંઈ નથી. અમારા સંતાનોને પણ આજ દોઝખમાં જીવવુ પડશે..!! જે માતબર છે તેને બધુ મળે અમારું કોણ? ઈશ્વરેય આમા અમારી ધા પોકાર સાંભળે તેમ નથી. હા…દરેક ચૂંટણીમાં અમને નવા સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે. અમને આવી વાર્તાઓ સાંભળવાની મજા પડે છે પણ તેમાંનું કંઈ થતું નથી.

આ વેદનાઓના ડંશ સહી સહીને અમે હવે સાવ રુક્ષ થયા છીએ. ઈશ્વર જ કોઈ કાળે તારણહાર બને બીજું તો શું થાય…!!?

Tuesday, August 21, 2018

ગિરનો સિંહ : સિંહનું        સિંહાવલોકન
----  તખુભાઈ સાડંસુર

ડો. સદિપકુમાર અને મોઈન પઠાણની કૃતિ ‘ગિરનો સિંહ’ સિંહની સંપૂર્ણ ઓળખ રસ પ્રચુરતાથી કરાવે છે જ પણ ગિરની વનસંપદા તથા તેના સૌદર્યનો ઘુંઘટ ખોલી નાંખે છે. સિંહનું નામ જ રોમહર્ષણ છે. તેનું દર્શન અને ત્રાડ શરીરમાં ઉત્તેજનાત્મક લખલખું પેદા કરી જાય છે. વન્યપ્રાણી કથાઓ, શિકારકથાઓનો ગુજરાતી સાહિત્યમાં ખાલીપો અનુભવાય છે. લેખક રૂબીન ડેવીડની થોડી કૃતિઓ અંગુલી નિર્દેશ પુરતી જ છે. ત્યારે ગિર ,સિંહ માટે જીવી જાણનાર ડો. સંદિપ પોંખવા જેવા મહાનુભાવ છે.

૩૧ર પાનાની આ રચના ‘લાયન બાયોગ્રાફી’ ગણી શકાય. ૩પ વૈવિધ્યપૂર્ણ પ્રકરણો ગાંડી ગર્ય અને  સફારીમાં જીપ્સીમાં બેસીને સિહદશૅનની લેખક સફર કરાવે છે. લેખકો ભાષાના ઓછા પણ ભ્રમણના માણસો વધુ છે. સર્જક ડો. સંદિપકુમાર લાંબા સમય સુધી ગિરની કેડીઓમાં રખડપટ્ટી કરતા અનુભવાય છે. તેઓ જંગલના એક એક જીવની વેદના પોતાની જ ગણતા રહ્યાનું સતત કૃતિમાં નિરૂપાતુ દ્રશ્ય થાય છે. સમર્પિત રીતે સમગ્ર સૃષ્ટિ સાથે જોડાયેલા આ સર્જકોની કૃતિ સાહિત્યની યશકલગી ગણાવી શકાય.

‘પ્રારંભથી  પરિણામ’ પ્રકરણ કૃતિ બીજ અને તેના હેતુઓની પ્રસ્તુતિ કરે છે. ‘માનવીય મુલ્યોમાં સાવજ, સિંહનો વાલી સમાજ’માં ગિરની પ્રજાનું સિંહ સાથેનું તાદાત્મ્ય, લગાવ બિબીંત થાય છે. એક પ્રવાસી જયારે સાવજ વિશે ધસાતું બોલે છે. ત્યારે ગીરનો એ કિશોર ઉકળીને જડબાતોડ જવાબ આપે છે. કહે છે સાવજથી અમે અને અમારાથી સવાજ છે. છેલ્લે અંગ્રેજીમાં તેને સંભળાવે છે. Do Not Step down when you are in the sanctuary area, આ પ્રજાની ખુમારી છાતી સોસરવી ઉતારવામાં લેખક સો ટચ સાબીત થયા છે.

ગિર એવમ્‌ સાવજનો ઈતિહાસ પૃષ્ઠભુમિ, નવોઢાનું સૌદર્ય સિંહમા રૂપાંતર, સિંહનું શાસન, ઉઠવુ-પડી જવું -.બેસવું, સિંહની અંગત પળો, સિંહનું મેનુ, સિંહની જાળવણી જેવા લેખોમા થયેલી વાતો કાબીલે તારીફ છે. સિંહના લક્ષણોથી વૈશ્વિક સ્થિતિ, ગિરનાર જંગલમાં સિંહ બચાવવા જુનાગઢના નવાબની ભુમિકા, બાદશાહ તથા જંગલના રાજાનો સમાનગણ રચાય છે. સ્વતંત્રતા સુધી માત્ર પ૦નો આંકડો ધરાવતા સિંહોને પ૦૦ને કેમ પાર કર્યો, વૃધ્ધિ કરવાની આ યોજનાઓ ઉલ્લેખ અદ્‌ભૂત છે. સર્જકો સરકારી અધિકારી અને વેપારી જ નથી પણ માનવીય સંવેદનાથી જીવતું કાળજુ લઈને ફરતાં મહામાનવો દેખાય છે. સિંહોની રેસકયુ સેન્ટરમાં થતી સારવાર, જંગલના રાજાની રેડીયો કોલરથી થતી દેખભાળની પધધતિ પણ જીજ્ઞાસુ માટે ખુબ ઉપયોગી છે. બચ્ચાઓનો સાસણમાં થતો ઉછેર ,તેના પુનઃસ્થાપનની સમગ્ર પધ્ધતિ" પાર્થ-પુજા, પુર્નગઠન," જેવા પ્રકરણોથી ઘણી જ  ઉપયોગી માહિતી પ્રસ્તુત થાય છે.

સમ્રાટોના પડઘા પ૮ પાનાનું પ્રકરણ સિંહ રામાયણ છે. સિંહનું સમુહજીવન, તેનો બાળ, યુવાન, વૃધ્ધત્વ વર્તાવ,નર-માદાના સંબંધોનું ભાતિગળ ચિત્ર, અલગ અલગ ઘટનાઓથી નિષ્પન્ન તારણો, બાળ ઉછેરમાં માદાની સાવધાની – માતૃત્વનું અમીઝરણું એક માતા પોતાના સંતાનો માટે પ્રાણી હોવા છતાં કેવો ભોગ આપે છે તે વાત આજની સાપ્રંત સામાજિક વિષમતા માટે બોધવાચક બની રહે છે. એક મા અણમાનીતા નરને પણ સ્વીકારીને બાળને બચાવે, કેવો ત્યાગ..!! દિપડાની ઘેરાબંધીમાં સપડાયેલા સિંહ બાળનો બચાવ, કિડીખાઉનો શિકાર કરવાની બાળ સિંહોની ચેષ્ટા જંગલની અલભ્ય વાર્તાઓના અનુભવ કરાવી જાય છે.

હિરણ નદીના પુલ પરથી સિંહનો બચાવ કદુકો આખરી બની રહે. તેની મરણ ત્રાડ ગિરને ગમગીન બનાવી મુકે. સિંહણનું પોતાના બચ્ચા માટે કુવામાં કુદી પડવાની બીના સૌ કોઈને શોકાગ્ન કરી જાય છે. આઠ સિંહોનો તેની અંગ તસ્કરી માટે શિકાર જંગલ નહીં પરંતુ જમીનને પણ ઝલઝલા કરી જાય છે. તેની પ્રસ્તુતિ 'ધુસણખોરીના આચંકામાં' આવે છે.

ગિરના સૌદર્ય કમલૈશ્વર, જંગલની રાતનો જલ્સો વાંચકોને પ્રત્યક્ષદર્શી બનાવી જાય છે. અજાણ્યા રખેવાળ વનકર્મી મહમદભાઈનું અદમ્ય સાહસ દિપડા માટે પોતે જીવે તો છે પણ મરવાની તૈયારી પણ એટલી જ તે સાબીત કરી દે છે. ફોટોગ્રાફરની ફોટો લોલુપતા સિંહ-સિંહણની અંગત પળોમાં વિક્ષેપ કેવો પ્રાણઘાતક હોય તે લાયન શોનો શોર્ટ રૂટ પકડનારા માટે ચેતવણી રૂપ છે. સિંહણ-નીલ ગાયની લડાઈમાં સિંહણનું ધવાવું, પછી તેના ઉંડા ધાવમાં ટાંકા લઈ સારવાર થાય અને પછી તે સિંહણ ટાંકાળી તરીકે ઓળખાય આખો ઘટનાક્રમ તમને પકડી રાખે છે.

પ્લેબોય રાજુની રસિકતાથી પ્રાણીઓના પ્રણયરસની વિપુલતાનો ખજાનો ખોલે છે. સિંહ નર-માદાના પસંદગીના ધોરણો સમય ઋતુ વગેરે વિગતો માટે ઉપયોગી બને રહે છે. વાચંકને એક વધુ રસમાં ઝબોળવાથી તક અહીં, સર્જકોએ ઝડપી છે. જંગલના રાજાનું સાસણની બજાર- સ્ટેશનમાં આગમન રોમાંચક વર્ણન છે. પ્રવાસન ઉદ્યોગના વિકાસની શકયતાઓ ગિરની કૃષિ તથા કૃષિકારનો દ્રષ્ટિકોણ ધારાવાહિક રીતે આવતો રહે છે. ઝરખ, શી
ચીતલ, મોરની જીવનની ઘટમાળ તથા શિકારથી બચવાની તરકીબો જાણવા જેવા છે. આફ્રિકાથી આવેલા સીદી સમાજનો ગિરના વસવાટ અને તેના કારણોનો જવાબ અહીં મળે રહે છે. બરડો, શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં સાવજોના આવા ગમનની માહિતી રજુ કરવામાં આવી છે.

તમામ પ્રકરણો પ્રવાહી રીતે ધસી આવતા દેખાય છતાં સાતત્યની ગેરહાજરી નજરે પડે છે. માહિતી, કથા સંમિશ્રિત થઈ જતાં આયોજન તુટી જાય છે. ઘટનાઓમાં વર્ણનાત્મકતા ઓછી છે. સિંહની સંખ્યા, વિસ્તાર વગેરે આંકડાઓ સતત પુનરાવર્તિત થતાં જણાય છે. સિંહના શરીર તેની જીવનની લાક્ષણિકતાઓ અલગ પ્રકરણમાં મુકી શકાયું હોત તો છુટી ગયેલી વજન ઉંચાઈ, લંબાઈ વિગેરે જેવી ઘણી બાબતો સમાવિષ્ટ થઈ  હોત. ગિરનો સિંહની કથની સમગ્ર રીતે ભારતીય સાહિત્યનું એક મહામુલુ નજરાણું બની રહ્યું છે. અભ્યાસુઓ માટે આ પુસ્તક આધારસ્તંભ બની શકયું છે. લેખકોએ કરેલી આ પ્રકૃતિસેવા યુગો સુધી સૌને યાદ રહેશે. તે માટે બંને લેખકોને શુભકામનાઓ.

મૂલ્યોનું આઈ.સી.યુ એડમિશન
-તખુભાઈ સાંડસુર
આપણે એવું સાંભળીયે કે સમય બદલાયો પરંતુ ખરેખરતો સમયે સમાજ, વ્યવસ્થાઓ, વૈચારિક પરિભાષાઓ પલટાવી દીધી હોય છે. પંદરમું- સોળમું શતક ભારતને પાશ્ચાત સાંસ્કૃતિક પરંપરાઓના સંમિશ્રણનો પ્રારંભકાળ હતો. વૈશ્વિક આદાન-પ્રદાન ઝડપી ગતિએ લગભગ એકાકારનું રૂપ ધારણ કરવા દોડ લગાવ્યાનું અનુભવાય છે. હિન્દુસ્તાનનો સાંસ્કૃતિક વારસો વિશ્વએ બત્રીશે દાંતે વખાણવાલાયક ભલેને કોઈ ન ગણે તો તેનો રંજ નથી. છતાં તેના અંશો,અસ્મિતા સમગ્ર માનવ-જાતને જીવનની રંગપૂરણીમાં એટલા પ્રસ્તુત હતા અને છે કે તેને અવગણી શકશે નહિ. જે ક્ષણે આ વ્યવસ્થાના ચીરહરણના સાક્ષી, બનવા આગળ આવે ત્યારે એવું ભૂત સવાર થાય કે આ અનુભવ કરવા આપણે શા માટે સાક્ષાત છીએ? તાજેતરમાં મને આવી એકાદ બે ઘટનાઓ ઝંઝેડી ને હલબલાવી ગઈ.
કિસ્સો – ૧.  શહેરના એક શિક્ષક દંપતીને એક દીકરી છે , નોકરીની જવાબદારીમાં તેને સગવડો અપાય સ્નેહ બાકી રહી ગયો. વૈભવ આપ્યો પણ વિચાર ના આપી શકાયો. હવે તે લાડકી ઢીંગલી માંથી અલ્લડ યૌવના બની ગઈ. શહેરના વિલાસીતાના સમુહમાં તે વહેવા લાગી. તેનું સ્વછંદીપણું હવે પિતૃત્વને ગૌણ ગણવા લાગ્યું. તેની બેકાબુ જીવનશૈલી માંથી બહાર કાઢવા યત્ન કરનાર તેના પિતા પર તેણે પોલીસમાં પહોંચીને અકલ્પ્ય આક્ષેપો કર્યા ત્યારે તેના મા-બાપ પાસે આંસુઓ જ હતા. તેના પિતાએ કુકર્મનાં આરોપ સાથે જીવવા કરતાં મરવાનું વધુ પસંદ કર્યું પણ........બચી જવાયું.
કિસ્સો- ૨.  ધો-૧૦ની પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત કરી રહેલા જવાને ઘટના વર્ણવી. આ કેન્દ્રમાં નજીકના ગામના દસમાની પરીક્ષા આપવા એક છોકરો – છોકરી  આવે. માંડ કિશોરવસ્થામાં પંદરેક વરસમાં ડગલાં ભરતા આ બંનેને એક-બીજાનું આકર્ષણ એવું કે તે પરીક્ષા શરૂ થવાના અડધા કલાકમાં જ ‘વોશરૂમ’ના બહાના તળે બહાર આવે. ત્યારે મેદાનના આ વોશરૂમ સંકુલમાં કોઈ હોય જ નહિ , તેનો લાભ લઇ એક બીજાને ભેટીને ઉભા રહે. વળી મોકો જોઈ આવું કરે. ત્રણ-ચાર દિવસ પછી જયારે મારા ધ્યાનમાં તે આવ્યા ત્યારે તે ક્ષોભિલા પડી જઈ રડમસ સ્વરે કરગરવા લાગ્યા. તેણે પ્રશ્નપત્રના ઉત્તરો ભાગ્યેજ કઈ લખ્યા હશે..”કોન્સ્ટેબલ અફસોસ કરતાં કહે છે કે શું જમાનો છે II.” 
બંને તથ્યો સમાજના સૌ કોઈને ક્ષુબ્ધ કરવા પૂરતા છે. ”ક્ષણને જીવી લેવાની” કે “પળને પલ્લવિત કરવા બધું ભૂલી જાવ” નું સુત્ર આજે પણ અહિયા નહિ...તમામ સોસાયટીના ટોડલે, પરાં , પોળની ગલીઓમાં સામે મળે છે. શૂન્યતાના ચમકારા દેખાયા કરે. અભરખાઓની હડીયાપાટીમાં સૌએ પોતાના સ્વત્વ ને ગુમાવી દીધું છે. વાત કરવાની વ્યવહારિકતા કેળવી શકાતી હોય છે પરંતુ અમલવારીમાં હવે ગ્રેસિંગ આપીને પણ પાસ કરવા અઘરા છે સૌ કોઈને... II ?
આપણી ભણતરની હાટડીએ થી કોઈ એવો માલ મળતો નથી. જ્યાં જીવનને કિલ્લોલતું કરી શકાય. અન્યના જીવનના વાસંતી ટહુકાઓ સાંભળી શકાય ,તથા તે પચાવવા કોઈ રામબાણ ઈલાજ ની જરૂર ના પડે. સંયુક્ત કુટુંબ પ્રથા ભલે પ્રાઈવસીને ધક્કે ચડાવતી હોય પરંતુ ત્યાં સ્નેહના અમીઝરણાં આબાલથી ઉમરલાયક સૌ પામતા હોય...’જતુ કરવું, તારું મારું અધ્યારૂ નહિ, પહેલા તારુ પછી વધેતો મારું, સાથે રહીએ સાથે કરીએ સારા કામ’ ના ડી.એન.એ ત્યાંથી મળે છે. બાળકને મદહોશ કલકલાટની રમતો મળે છે. વાર્તાઓના અમીઘૂંટડા તે ભરતા, પહેલા પોતાના પરિવાર પછી શેરી અને બાદમાં સૌ માટે વિચારતો અને વિહરતો થાય છે. સંકોચન અને સંકડામણને ત્યાં કટ મારવા પૂરતી પણ જગ્યા મળતી નથી.
રોજીંદો વ્યવહાર અને વર્તન અવિશ્વાસની કગાર પર ઉભો છે. કયો....માણસ ક્યારે કોની સાથે કેવી રીતે પેશ આવે તે કંઈ નક્કી જ થતું નથી. સગાસંબંધીઓ, પરિવાર, મિત્રોમાં ભરોસો ગેરહાજર જ દેખાય. આ ગુમસુદગી એ લગભગ તમામની સંવેદનશીલતાને કોઈ ચમાર મરેલા ઢોર પરથી જે નિર્દયતાથી ખાલ ઉખેડે છે, તે જ રીતે ઉતરડી નાખે છે. હવે તમે રસ્તે સાદ પાડો તો મદદ માટે ઉભા રહેનારા કે પોતાનો હાથ લંબાવનારા શોધવા કઠીન છે. સુનકાર સોસાયટીઓના બંગલામાં આળોટતા સુખ ચેન ને તમે બુમરાણ કરી મુકોને....કોઈ નહિ આવે.. II એક વચન માટે રામને વનવાસી યાતનાઓમાં ધકેલનાર પિતાની પીડા કેવી હશે ? ભલે જુગાર હોય પણ તે સત્ય માટે સર્વસ્વ ગુમાવનાર  પાંડુપૂત્રો માટે વિશેષણો ઓછા પડે. ગાંધારીનું અંધ સામે અંધ રહેવું આંખ પટ્ટી નું અડગ સત્ય....I આ સમાજને કેટલું આપી જાય છે.
શિક્ષણ પદ્ધતિ ખગોળ, ભુગોળ, આંતરમાળખાગત વ્યવસ્થાનું પરિવર્તન, આર્થિક ગ્રાફમાં ઉમેરો, ભૌતિક પાસાઓની સુદ્રઢતા વગેરે વિષયોને કેન્દ્રિત કરે છે. વૈશ્વિક જીવન શૈલીના ફેરફારોને પકડવા સહેલા હોય છે. પરંતુ તેની પરિભાષામાં તેની પદ્ધતિને ગતાનુગતિક કોઈ પણ દેશ કે રાષ્ટ્ર , રાજ્યની સાંસ્કૃતિક પરંપરાઓ, ભૌગોલિકતા, માનવ વિકાસ સૂચકાંકને નજરઅંદાજ કરીને ‘અમલીકરણ’, આફતને આમંત્રિત કરવા જેવું છે. ભારતીય કેળવણીના પાયાના સિદ્ધાંતોને કોરાણે મુકીને લગભગ આખું માળખું આપણે “અન્યોથી ઉત્તમ છે.” તેમ ગણીને લાગુ પાડ્યું છે. તેના પરિણામો સૌ કોઈ ભોગવી રહ્યા છે , ભોગવતા રહેશે..
આપણી સાથેના ઉપકરણો, સાધનો પરોક્ષ રીતે કે પોતાનાઓ થી જુદા નથી પાડતા તેનો ખ્યાલ જરૂરી છે. સમયના બંધનો ભલે હોય, છતાં પરિવાર માટે તેની અછત અણઆવડતમાં ખપાવવી જોઈએ, મર્યાદાઓને અસુખ નહિ ગણતા તે આવકારદાયક લેખવું જોઈએ. સ્વતંત્ર વિચારધારાને કોરાણે મૂકી આપણી પ્રાચીન પારિવારિક ભાવનાને અંગીકાર કરી ફરી એ જ પટરી પર પરત ફરવું જોઈએ. દાદા-દાદી, મા-બાપ, પૂત્ર-પૂત્રવધુઓનો જમેલો સૌ કોઈને ડગલે ને પગલે પ્રેમ આપીને જાય છે. આળસ એ અનેક અવરોધોની કારક છે તે વાત સૌ સમજવા છતાં સ્વીકારતા કેમ નથી ? કસ્તુરી મૃગ જેવી આધુનિક માનવની દશા પર દયા, લાચારી ઉપજે છે. લાફિંગ ક્લબ , ફિટનેસ સેન્ટર , પ્રાણાયામ-વિપશ્યના, સુખ-સફળતાના કાર્યક્રમોનું અવતરણ ક્યાં જરૂરી હતું? આ બધું તે જ્યાં હતો ત્યાંજ ઉપલબ્ધ ,હાથવગુ હતું. આપણે સૌ જેટલું બધું ઉતાવળે ઉપાડ્શું એટલો આરામ થશે. તે બાબત સુવિદિત છે. મરીઝ નો એક શેર કહે છે..
“જીંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ
એક તો ઓછી મદિરા છે.ને ગળતું જામ છે”.

Monday, August 20, 2018

My article

લવ બાઉન્ડ્રીના હદ – નિશાન...!!   -તખુભાઈ સાંડસુર

કૃષ્ણ ચરિત્રમાંથી કાંઈ ઉપાડી લેવા જેવું હોય તો તે છે,તેનો ગંગોત્રી ગંગા જેવો અસ્ખલિત ધુંઆધાર ‘પ્રેમ’. કૃષ્ણ કોઈને કોઈ ગલીમાં પણ અધુરો કે અધુકડો મળ્યો છે ખરો ? ભોપ થી ગોપ સુધીની તેની જીવન મધુમતી સૌને ગાંડપણ પેદા કરવા ચુંબકીય રીતે ખેંચે છે.આટલી સમય દડમજલ, વિકાસની ભાગાભાગી, મેસેજીકરણની મહામારી અને વિત્ત એ જ મારો જીવનસંદેશ જેવા તબડપાટી યુગમાં કૃષ્ણ ક્યાંય કરમાયો, આથમ્યો કે ધરબાયો નથી.કવિઓની કલમોમાં અને ગાયકીના ગહેકારવમાં આજેય એટલોજ મહેકી અને મહોરી રહ્યો છે...કેમ...આમ ? જેના વખાણ માટે બારેમેઘ ખાંગા થઇ ધરમૂળને ધમરોળતા હતા. એવા દિલ્હીના સૂબાઓ ઇતિહાસના પાનામાંથી બહાર નીકળી શકતા નથી.ત્યાં ને ત્યાં જર્જરિત થઇ કોહવાઈ ગયા છે.કાનુડો.... આજેય અબઘડી સાદ પાડો .... હાજરાહજૂર...! લાગણી નો આ પુંજ સ્નેહના તાંતણે જકડી રાખે છે. તાંતણો ખરો પર તે અતુટ...

પ્રેમ શબ્દ સામે જે સુગ મધ્યયુગમાં હતી,તે આજે હવે મીનીમાઇઝ થઇ ગઈ છે. હજુ તેની બહુલત્તાને સ્વીકારનારા ભડવીરો દરિયામાંથી મોતી શોધવા જેવુંતો છે જ. વૃક્ષથી આરંભીને વિરાટ સુધીનાને નેહ કરવામાં ક્યાય કોઈ નવો સોફ્ટવેર અપલોડ કરવાની જરૂર નથી. છતાં પ્રદેશ,જાતિ,ધર્મ લિંગ વગેરેમાં ટાઈટ...!અમારો એક મિત્ર રવિ કઝાકિસ્તાન ની નતાશાના પ્રેમમાં પડેલો . તેને પ્રાદેશિકતા કે ભાષા બેરીકેટ બની નહોતી.નતાશા ની ભાષા રશિયન અને આ ગુજરાતી બંદો. સૌની આંખમાં એકજ ભાષા વંચાય ‘લાગણી ની’.... !મત નું તરભાણું ભરવા ‘લવ જેહાદ’ નું બંડ બહુરૂપીઓ પોકારે છે.તે માનવજીવન ના સૌહાર્દ અને સોફ્ટનેસને ઘસી નાખે છે.આખરે તેના પરિણામો જાતિગત વિશેષ નથી રહેતા , તે પરિવાર કુટુંબ , સંબંધો સૌને સાગમટે અભડાવી નાખે  છે.

સમયના પ્રવાહમાં ગમા-અણગમાનો સમયાંતરે થાક તો લાગે પરંતુ સૌ ગાડુ ગબડાવ્યે રાખે.પ્રેમ નો દંભ પથરાતો રહે પણ ‘આભાસી’.દૂધ પર બાજી ગયેલ ‘તર’ જેવું હોય.અંદરનું પ્રવાહી પાતળું પડી ગયેલું..સહજીવન થી તરડાતી તિરાડ એકમેકને શૂન્યમાં લઇજાય તો ત્યાંથી નવા સંસ્કરણો મળવાનો પુરતો અવકાશ છે પરંતુ વિશાળતાની બાદબાકી કરીને અણગમાને પંપાળવા આમંત્રિત કરાય તો ત્યાં સ્નેહનું બાષ્પિભવન નક્કી છે.અને જ્યાં તેનું અવિરતપણું ચાલુ રહે ત્યાં જીવન “વૈતરા”માં કન્વર્ટ થઇ જાય.આવા ‘કન્વર્ટેબલ કપલ્સ ‘ ના પટારા ભરાય એટલા નમૂનાઓ હાથ નાખો ત્યાં મળે..આર્યવ્યવસ્થા ‘પડ્યું પાન નિભાવવા’ ના સિદ્ધાંત પર ચાલે છે.તેના નફા – તોટા કે પ્લસ – માઈનસમાં ન જઈએ.પણ પશ્ર્ચિમી પરંપરા નો ઢાંચો જુદો સુર છેડે છે.”પડ્યું તે ખર્યું અને કુંપળ કરે સાદ” ત્યાં નવજીવનની નાવીન્યપૂર્ણ આશા છે.ત્યાં કોઈ સંબંધોમાં માલિકી ભાવ કે આધિપત્ય નથી.પ્રેમમાં માલિકીપણાનો પ્રવેશ પ્રપંચ , અવિશ્વાસ , જાસુસી દુર્ભાવના ને પ્રગટાવે છે.કોઈ સ્ત્રી પર પુરુષનો એકાધિકારવાદ કે માલિકીપણું ન હોય કે પછી ‘પુરુષ’ માત્ર તેની પોતાની ખાનગી પેઢી છે.ત્યાં સમસ્યાઓ અંકુરિત થાય.જ્યાં નજાકત , મસ્તી, પ્રેમ સ્પ્રીંકલર ન હોય ત્યાં બહેતરીન જીવનની નવી દિશાઓ ફંફોસવાની પરવાનગી હોવી જોઈએ.કોઈ વણજોઈતી ચીજને ઢસડતા તમારું આયખું કોહવાઈ જાય તે કેટલું યોગ્ય...?આપણી રૂઢિગત વ્યવસ્થાઓએ કેટલાય ને અવતરણ ચિન્હોમાં મૂકી દીધા છે.

પ્રેમ નો તરાપો ઘણીવાર કોઈને મળવાની અપેક્ષા વગર પણ કિનારાની તૃષામાં ખેંચાયા કરે.કવિ રાજેન્દ્ર કૃષ્ણ તેના શબ્દોમાં આ વાતને આ રીતે પેશ કરે છે.

“તું પ્યાર કરે યા ઠુકરાયે , હમ તો હૈ તેરે દીવાનો મે ,

ચાહે તું હમે અપના ન બના , લેકિન ના સમજ બેગાનો મે”

અહિં સ્ફૂટ થતી ધારાને કોઈને ઝીલવાની પરવા ભલે ન હોય , પણ તને કોઈ નાસમજની ખાલી જગ્યામાં મુકે તે પણ તેને સ્વીકાર્ય નથી.સમજપૂર્વક કરવામાં આવતું ગાંડપણ મૂર્ખતા ન ગણાય.

લિંગ સાથે ઘણા લીમીટેશન મૂકી દેવામાં જમાનાઓએ ઘાતક તરકીબો અપનાવી છે. સમલિંગી  બહુમત લોકો સાથે વ્યવહારિકતા ઉભી કરવાનો, મળવાનો કે મમત્વ દાખવવા કોઈ બેરીકેટ નથી.પરંતુ પ્રતિલિંગી સાથેની મૈત્રીતો દુર નજર કરો તોય કોઈ અપરાધી ચોગઠામાં તમને ઉભા કરવામાં જરાય સમય ન લાગે. હદ નિશાન ને ઓળંગો,બંધી આંગળીઓ આંખની કીકીઓ તમારા તરફ જ ...ઈતિહાસના પાનાઓએ એવા લોકોને પથ્થરોથી’ય પૂરા કર્યાના પાનાં ભરેલા છે.લગભગ બહુલ સમરાંગણના એપી સેન્ટર આજ કારણોમાં મળી આવ્યું છે.પરંપરાઓએ જે ઢાંચા આપ્યા તે સનાતન ન હોય.જયારે જેવી , સ્થળ , સ્થિતિ , સમય તે પ્રમાણેના આચાર ઉભા કરેલા.તકલીફ ત્યાં છે કે સૌએ તેને શાશ્વત માની લીધા.લચીલાપણું માનવજીવન ને દિશા આપે છે.

જે સમાજ કે રાષ્ટ્ર સૌને સ્વીકારવાની , સમજવાની ‘તમા’ રાખતો હોય ત્યાં ચચરાચર સુખ , શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થતો જોવા મળે.પૂર્વ પશ્ચિમ ની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કયાઁ પછી તેમાંથી પણ ઘણું ઉત્તમ  પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે.સૌને સદાચાર કે પ્રેમના પદાર્થપાઠ શીખવાની જરૂર નથી.

સ્થિરતા , સમજ અને સૌહાર્દ આખરે પ્રેમના દોહન થી નીપજે છે.જે રાષ્ટ્રો હિંસા , ગુનાખોરી, અસહિષ્ણુતાની પીડામાં કણસી રહ્યા છે.ત્યાં લાગણીની ગેરહાજરી દેખાઈ રહી છે સૌ માટે દરવાજા ખુલ્લા રહેવા જોઈએ.બંધિયારવાદનું પોષણ માનવવાદથી છેટું દેખાય છે.

હમણા સાંભળેલી એક કોઈ પાકિસ્તાની ગઝલના શબ્દો હજી ગુંજી રહ્યા છે.

“નાં મૈ મજનું ના મૈ રાંજા નાં મૈ ઉલજા બીછવે દર પે જાજા,તેરે દર્દે આગ વ ધાગા ઈશ્ક કા ચોલા પા બેઠા મે, મૈ તે જોગણ હોઈ , સોણે અપને પ્યાર દી.”

સૌને ખુલ્લા આકાશમાં વિહરતા જોવાનો પણ એક આનંદ હોય છે.