Thursday, July 18, 2019

યૌન અપરાધ: ઉછાળો અને ઉપાધિ

--- તખુભાઈ સાંડસુર

"બેટી બચાવો બેટી પઢાવો "નો નારો બુલંદ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક એવો બચાવસાદ સંભળાય છે.બેટી કહે છે." બચાવો મને બચાવો". દેશ, રાજ્યની ઘટનાઓ, અપરાધો પર નજર કરવા તમે કોઈપણ અખબારો ઉથલાવો તો તમને યૌન અપરાધોની ઘટનાઓ એક નહીં રોજ ચાર-છ નજરે પડે. આ વાતની ચિંતા એટલે છે કે એક તરફ બેટીને જન્મ જમાવવાના નારો અને બીજી તરફ તેને બચાવવાનું દેકરો. વધી રહેલી આ ઘટનાઓ સત્તાતંત્ર, સમાજસેવી સૌ કોઈની આંખો ઉઘાડનારી છે.
              નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 1971માં બળાત્કારના કેસ 2043 હતા 2011માં 24000થયા .સને 2016માં તેની સંખ્યા 38947 નો આંકડડો બતાવે છે. મોફાડ વધારો...! તમે તકૅ કરો કે 1971 પછી વસ્તીનો વધારો થયો જેથી ઘટના વધી પરંતુ સને 2011 અને 2016 ના આંકડાઓ માં પણ 50 ટકા જેટલો વધારો દર્શાવે છે. 2019 ના આંકડાઓ સામે આવશે ત્યારે આપણી આંખો, મોઢું, મન ફાટી જશે.
        જયપુરમાં સિકંદર નામના વિકૃત વ્યક્તિએ 24 થી વધુ બાળા ઉપર બળાત્કાર કર્યો.જેમાંથી કેટલીક બાલિકાઓની તેણે હત્યા પણ કરી. અમરેલી, રાજકોટ ,ધોરાજી જેવા ગુજરાતના શહેરોમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવી. અમરેલીમાં સગીરા પર ત્રણ ચાર વ્યક્તિઓએ મહિનાઓ સુધી તેનું યૌન શોષણ કર્યું. તેની વિડીયો ક્લીપ,ફોટાઓથી તેને વારંવાર મજબૂર કરવામાં આવી. રાજકોટમાં પણ આવો જ પારિવારિક શોષણનો કિસ્સો સામે આવ્યો..!  બધુ ચિંતાજનક છે.
         અદાલતી ઝડપી કાર્યવાહી કરી આત્યંતિક યૌન અપરાધને રોકી શકાય.જો તેને સખત સજા આપવામાં આવે તો અન્ય લોકો પર તેનો ભય બેસે. સને 2016માં ભારતમાં 109 વ્યક્તિઓ ને ફાંસી અપાઈ તે પૈકીના 43 વ્યક્તિઓ યૌન અપરાધીઓ હતાં. નરેન્દ્ર મોદીજીએ સુરતની યુથ કોન્કલેવમાં દાવો કર્યો હતો કે મારી સરકાર ઝડપી ન્યાય અપાવે છે.  હજુ તેમાં વધુ ગતિશીલતા લાવવી જોઈએ. આપણે ત્યાં ફાંસીની સજા ઓછી અપાય છે સને 2016માં ભારતમાં 109 ને ફાંસી અપાય જ્યારે ચીનમાં 1000 વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી જે દસ ગણો વધારો સૂચવે .વસ્તીમાં ચીન આપણાથી દસ- પંદર ટકા વધુ છે તો આવો તફાવત શા માટે?
  આજનો યુવાન ,કિશોર ઇન્ટરનેટના ઉપયોગથી વધુ માત્રમાં વિકૃત થઈ રહ્યો છે.પોર્ન સાઇટ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જાતીય ઉશ્કેરાટ ના લાઇવ વિડિયો અનહદ માત્રામાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે તાકીદે નિયંત્રિત કરવું જ રહ્યું. કિશોર-કિશોરીઓ ના હાથમાંથી મોબાઇલ આંચકી લેવાનો સમય આવી ગયો છે. જો તમારું બાળક એકાંતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતું હોય તો ચેતવણી ઘંટ તમારા દરવાજે જ વાગે છે.શિક્ષણની પદ્ધતિમાં આમૂલ બદલાવ આવશ્યક છે .વિચાર અને વ્યવહારમાં સંયમ, સમાનતા, શિસ્તની કેળવણી સમયની માંગ છે.
               સત્તા,સમાજને શાળા સૌના સહિયારા પ્રયાસોથી જ બેટીને અપરાધ સકંજામાંથી બચાવી શકાશે.