Thursday, October 29, 2020

ચિંતન લેખ

 વિસ્તારવાદી ઈચ્છાઓ:અસુખનું ઓશિંગણ

તખુભાઈ સાંડસુર

માનવ ઈચ્છાઓનો ગુલામ છે, એવી એક ઉકિત છે. તેને સંયમિત કરવી એક વિજય પ્રાપ્ત કરવાં સમાન છે. જનસામાન્યમાં આવી તાકાત, શક્તિ હોવી અસંભવ છે. જો હોય તો તે માનો ચીલાચાલુ પંક્તિઓથી અલગ તરી આવે છે,જુદા બેસે છે. ઈચ્છાના આધિપત્ય હેઠળ જીવનારો બહુધા સંજોગોમાં સુખ સંતૃપ્ત હોવા છતાં તેની અનુભૂતિ કરી શકતો નથી. ઈચ્છાઓ પોતાને મળેલી સંતૃપ્તિને ભોગવવાં દેતી નથી. યુદ્ધ-લડાઈ કે આતંકવાદનો પાયો માણસની અગણિત ઈચ્છાઓમાં ધરબાયેલો છે. જો તે તૃપ્તિનો ઓડકાર મેળવી લે તો બધાનો છેદ ઉડાડી શકાય. એટલું જ નહીં પણ જીવનનો ખરો આનંદ શેમાં છે તેની વ્યાખ્યા અને અનુભૂતિ પણ કરી શકાય.

       ઈચ્છાઓ ત્રિદેવી સ્વરૂપે દેખાય છે, અપેક્ષા, ઈચ્છા અને મહેચ્છા .બધાની વચ્ચે સુંવાળી ચાદર સરીખો પડદો છે. અપેક્ષા એટલે કે જો તે પૂરી થાય તો ઠીક છે પણ ન થાય તો તેમાં કોઈ ગમ કે રંજ નથી.ઈચ્છા એટલે તેને પૂરી કરવા અગિયાર ઇન્દ્રિયને કામે લગાડીએ અને તનને ન તોડીએ પણ પાણી પાણી સરખું બળ અજમાવીએ. આ કન્યાની વરમાળા ડોકમાં ન પડે તો થોડી ગમગીનીનો જ અનુભવ થાય પણ તેનું રૂપ બિહામણું ન હોય.છેલ્લાં મહારાણી મહેચ્છા કે જેને પકડવા જીવનને દાવ પર મૂકી દેવાય ..!! સ્વની ઓળખનો શૂન્યાવકાશ ન થઈ જાય. દશે કોઠે દીવાં નહીં પણ આગ લાગવાનો અનુભવ થાય..! આ જો પછી છટકે તો વાત પૂરી..! વ્યક્તિ શું કરી બેસે કયાં જઈને ઉભો રહે...!!? તે નક્કી કરવું કઠિન બની જાય...!

 મહાભારતની અઢાર અક્ષુણી સેના હોય કે પછી આજના બોમ્બર જેટ બધાંનો છેડો ત્યાં જઈને આવે છે. કુરુક્ષેત્રથી લઈને નાગાસાકી, હિરોશિમામાં વહેલી રક્ત સરિતામાં લોહી ટપકતી તલવારની ધારોમાથી નીતરતાં બિંદુઓમાં ઇચ્છાઓની આત્યંતિકતા નીતરતી દેખાઈ હતી. હા, તેમાં વ્યક્તિ જે જગ્યાએ ઊભો છે તે તેનું તેટલી માત્રામાં તેનો કારક બનતો હોય છે. જેમકે હિટલર અને સામાન્ય ગૃહસ્થની તુલનામાં હિટલર માનવ જાતને ભુંસી શકે છે. કારણ કે તે એવા સ્થાન પર આસનસ્ત છે, કે જ્યાંથી ઘણી બધી સત્તાનો દુરુપયોગ થઈ શકે. જ્યારે સામાન્ય વ્યક્તિનું વર્તુળ પોતાના પરિવાર પૂરતું સીમિત રહી જાય છે.

             માણસ ગમે તેટલું દોડે છતાં પણ અંતે તે જ્યાંથી પ્રસ્થાન પામ્યો હોય ત્યાં જ ફરી પાછો ફરે છે. અમારા વડીલ શ્રી કાનજીભાઇ પટેલ ઘણીવાર કહેતા કે 'ઈચ્છા નથી ઇન્દ્રલોકની અજ,પદ કે કૈલાશ' અર્થાત હવે ઇન્દ્રલોકમાં પણ ગમે તેમ નથી.  અમરતા, કોઈ હોદો કે કૈલાસ પણ ન ગમે.તમે જે પાટે અતૃપ્ત છો તેની વિપુલતા કે તેની બહુલ ઉપલબ્ધિ તેનાથી ઉબ લાવી દે છે, તેવું મહત્તમ બનતું આવ્યું છે. પણ ત્યાં સુધીની સફર અને અનેકોને કષ્ટદાયક બની ને રહી જાય છે. તે છેડે પહોંચતાં ઘણીવાર પોતે પણ ભૂંસાઇ જતો હોય છે ,અથવા તે અનેકને ભૂંસી નાંખવાં,ભુલાં પાડવાં કે છિન્ન કરી દેવા કારણરૂપ બન્યો હોય છે.

         શ્રવણ, અધ્યયન અને ચિંતન ઈચ્છાઓના મારક છે. આ દરમિયાન જો તમે કોઈ એવી જાદુઈ છડી કે જડીબુટ્ટીને શોધી કાઢો તો તમે આપ સહિત સર્વે ને તારી એવમ વારી પણ શકો છો. સંતોષની ચાવી અહીંથી જ મળે છે. સંજોગો અને સ્થિતિ મહચિત ઉગારી લેવાં આગળ વધતાં હોય છે.સમ્રાટ અશોક કે તેના જેવાં આ ચિનગારીને પકડી શકે તો વધું યાતના, પીડાથી માનવ કે જીવ જગતને તારી શકાય છે.સંતોષનું ઓશિંગણ પ્રાપ્ત કરવું કઠીનતમ છે, પણ અશક્ય નથી.ઉમદા રિયાઝથી જરૂર તે એવરેસ્ટના દર્શન કરાવે જ.

            અસુખ નહીં મહાસુખને પ્રાપ્ત કરવાં તમે પલાંઠી વાળીને બેસી જાવ. બસ, ત્યાં મહા શાંતિ નામે મંત્રોચ્ચાર તમારી આસપાસ વીંટળાઈ વળે છે, બુદ્ધ હોય કે મહાવીર પછી તેને મહામાનવ તરીકે ઓળખાવા તમે કરેલી તે સ્થિતિ જ જવાબદાર બને છે.

         છો ને ..આપણે પીક પોઇન્ટ પર આરૂઢ ન થઇ શકીએ પણ તળેટીમાં બેસીને પણ તેના દર્શનથી ધન્યતાની સફર પૂરી કરી શકીએ. સ્વ ને સર્વમાં ઓગાળી શકીએ છીએ.



ચિંતન લેખ

 સંસંર્ગથી શ્રેષ્ઠ સ્વૈરવિહારનો રોમાંચ

તખુભાઈ સાંડસુર

રુવાંનો વાયા હૃદય થઈને મગજ સાથે તંતુ જોડાયેલો છે. શારીરિક અંગોની વ્યવસ્થા કાબિલેદાદ છે.આપણાં શરીરમાં થતી લાગણીની આત્યંતિક અસરો પછી તે આનંદનો અતિરેક હોય કે પીડા અથવા દુઃખની ભયાવહતાં હોય ત્યારે રુવાંઓ તેમાં પોતાની સાક્ષી 'સ્ટેન્ડીંગ ઓવીએશન'થી આપે છે. અગણિત રોમનું કિડિયારું ઉભરાતાં સમય લેતું નથી. પણ તેનો ઉછળકૂદની પળ પણ એટલી જ પાતળી હોય છે. તે અનુભૂતિ જે અનુભૂત થાય તે જ પામી શકે.

   પ્રિયજનનુ ક્રિયાન્વયન સતત મનને રમમાણ રાખે છે. અહીં સાક્ષાત થવાની તાલાવેલી કે તડપન જરૂર તાદ્રશ્ય થવા તબડપાટી કરતી હોય. પરંતુ સાક્ષાત્કાર અને સમૃદ્ધિમાં રમતાં સપનાઓની વણઝાર વચ્ચેનો સમય સ્વૈરવિહાર ગણોને..! તે ચિરંજીવી હોય છે. ત્યાં પીડાં જરૂર હોય પરંતુ કોઈ પીડાં સુખનો અનુભવ કરાવતી હોય તો તે આ જ છે. શકુન્તલાના દુષ્યંત સાથે થયેલાં ગાંધર્વલગ્ન અને તેમાં દુષ્યંતે આપેલું વચન અને અંગૂઠી કે જેમાં તેને તે લેવા આવશે તેવી શ્રદ્ધા મિશ્રિત આનંદની હિલ્લોળી, કિલ્લોલી અનુભૂતિ હતી. પરંતુ ગાંધર્વલગ્ન અને શકુન્તલાના પુનર્મિલનની ઘડી એની પ્રતીક્ષામાં જે સ્વૈરવિહાર છે, તે કદાચ લગ્નના સરોવરમાં તરવાના આનંદથી વધુ અસરદાર છે.

        પ્રણયના પછેડામાં લપેટાયેલાં પાત્રો વિવેકના નેત્રોને બંધ કરીને બેઠાં હોય છે. તેથી તેણે શું કરવું જોઈએ અથવા હવે પછી શું..? નો રૂપાળો વિચાર ધરબી દીધો હોય છે. શ્રેષ્ઠતાની શોધ તેને અલભ્ય છે. સંસર્ગની મહેચ્છાના મોજામાં હંમેશા તણાઈને એકબીજાની હુંફ માટે જ જીવન છે તેમ માની બેસે છે. તેથી સાહિર લુધિયાનવી કહેજે

" મૈ જબ ભી અકેલી હોતી હું તુમ ચૂપકે સે આ જાતે હો, ઔર જાંકકે મેરી આંખો મે બીતે દિન યાદ દિલાતે હો."

ત્યાં ભલે વિરહનો વલવલાટ હોય પણ તેનો અનુબંધ આનંદ સાથે આંકડાં ભીડેલો છે.

           માં સીતાજીનું ચિત્રકૂટમાં વિતાવેલાં રામની સંગાથયાત્રાના સમય કરતા અશોકવાટિકામાં પસાર કરેલી ધડીઓ ભલે દુઃખ દાયક હતી. પરંતુ રોમહર્ષિત અને રામના સમગ્ર અસ્તિત્વને વાગોળીને પીછાણવાંની પળો હતી. તેથી તેને શ્રેષ્ઠતાના ખૂણાંમાં મુકવી રહી. પ્રણય કે મૈત્રીમાં એકમેકના ગુણ,સંસ્કારોને ઓળખવાની પલોટવાની દિવ્ય દ્રષ્ટિ તમને આ સ્વૈરવિહાર આપે છે. ત્યાંથી તેમના વાણી,વર્તન અને સમર્પણ છોગાઓને દિવ્ય આંખોથી ઓળખીને ઓવારણાં લેવાં દોડવાનું મન થઈ આવે છે. તેમાંથી ઉદ્ભભતો તેનો તુલનાત્મક સંતુલનનો ગ્રાફ સતત ઊંચે જતો દેખાવાં લાગે છે.માટે એકમેકના માન-સન્માનની લાગણીઓ વધુ પલળતી રહે છે.    

         કોઈપણનો વધુ પડતો સહવાસ ત્રુટીઓને ઉજાગર કરે છે. વૈચારિક મતભેદોને મન સપાટી પર તરતાં મુકે છે. ટેવ કે વર્તનનો એકબીજાનો તફાવત તિરાડ પેદા કરે છે. વાર્તાલાપમાં વિવાદોના પરપોટા સંબંધોમાં પંચર પાડે છે. તેથી જ પ્રણય પળોમાં આળોટતાં પ્રેમી યુગલો વૈવાહિક જીવનમાં હતાશાની વેતરણીમાં ગરકાવ થઇ અને પીડાના પીક પોઇન્ટ પર જીવ્યાં કરે છે. એટલું જ નહીં તક મળે તો તે છુટાં પણ પડી ગયાના ઉદાહરણો છે. પશ્ચિમમાં એક પદ્ધતિ 'લિવ ઇન રિલેશનશીપ' આજ બીજમાંથી ઉગેલું વૃક્ષ છે. દાંપત્યની જવાબદારીના ભરોટાં ઉપાડવાના બદલે વિખુટાં પડવાના રસ્તાઓ દરવાજા વગરનાં રાખવાનું તે વધુ પસંદ કરે છે. સ્વતંત્ર મિજાજ અને આર્થિક તંદુરસ્તીએ ત્યાં લગ્ન સંસ્થાને કચડી નાખી છે. આપણી ઘણી સામાજીક પ્રથાઓ કે રિવાજો વિયોગ રોમાંચને અનુમોદન આપે છે. કન્યાને પિયરમાં રહેવાની રીવાજોની યાદી કરીએ તો તે ખ્યાલ આવે.

 બસ, આપણાં આનંદના શ્રેષ્ઠ ચોઘડિયાં ને ઓળખી લઈએ તો ઓહો..ઓહો..!

 

Wednesday, October 21, 2020

એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

 એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

તખુભાઈ સાંડસુર

 દેવી ભાગવતમાં શારદીય નવરાત્રીના મહત્વની છડી પોકારી વાત કરતાં જણાવે છે કે દુર્ગાના નવ રુપો છે અને તેનું સરનામું એટલે નવરાત્રી. શાલિનતા અને રોદ્રની ફોટો કોપી અલગ-અલગ રૂપોમાં દર્શિત થાય છે. નવ રૂપો અનુક્રમે શૈલપુત્રી- પહાડોની દીકરી, બ્રહ્મચારિણી- બ્રહ્મનું તેજ, ચંદ્રઘંટા- ચંદ્ર જેવી શીતળતા, કુષ્માંડા- જગત આખું જેના પગ તળે  રાખી શકે છે.સ્કન્ધમાતા- કાર્તિક સ્વામીનું માતૃત્વ, કાત્યાયની -એટલે કાત્યાયન આશ્રમમાં અવતરણ પામનાર,કાલરાત્રી- કાળ જેનું કશું બગાડી ન શકે પણ તેનો પણ નાશ કરવાવાળી. મહાગૌરી- શ્ર્વેત રંગોમાં શોભિત માં, સિદ્ધિદાત્રી -જેનાથી સીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

       માનવ હૃદય કોમળતાનું પ્રતિબિંબ છે. માં શબ્દમાં આતૅનાદ સમાયેલો છે. જ્યારે આતૅનાદ થાય તો તેનો પ્રત્યુત્તર કરુણાંમાં જ હોય. કવિ મુન્નવર રાણા એટલે તો માં માટે કહે છે કે

  "ચલતી ફીરતી હુઈ આંખો સે અર્જા દેખી હૈ, મૈને જન્નતકો નહીં દેખી હૈ માં દેખી હૈ."

મમત્વને લોક થયેલું અહીં જ અનુભવાય છે.

    પરંતુ એ જ માં ને પૂરતુ સન્માન કે મહત્વ ન આપીને, તેને સેકન્ડ કેડરનો દરજ્જો ભારતીય સભ્યતાએ આપ્યો છે. કારણ કે પુરુષત્વની  તાકાત હાવી થતી જોવા મળી છે, એટલું જ નહીં તેને ભોગના સાધન તરીકે જ્યારે એક 'ટોય' તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે તે લાચાર,અપાહિઝ દેખાતી રહી છે. પુરુષ આધિપત્ય અને સ્ત્રીનું બીન ઉત્પાદક કાર્ય કે જે વ્યવસ્થાના ભાગરૂપે હતું તે જવાબદારી અને ફરજમાં કન્વર્ટ કરી દઈ લાદી દેવામાં આવ્યું છે.  તે માટે આ કારણ પણ જવાબદાર છે. વિતજા તાકાત જેનામાં ઉણી દેખાય તે હંમેશા અસહાય ભાસે છે.ગૃહીણી અથૅ મેનેજમેન્ટ કરે છે સોંપાયું છે, પણ તે તેનો માલીકી ભાવ અનુભવતી નથી. અસહાયતાનુ એક રુક્ષ પ્રકરણ અર્થ સંપન્નતા છે. જ્યાં જ્યાં આર્થિક તાકાત પ્રભાવી થાય છે ત્યાં ઘમંડ, અહંકાર ચીચીયારીઓ કરવાં લાગે છે. તેનું આત્યંતિક લોકેશન ત્રાસદી વ પીડા આપવા તત્પર હોય છે. 

    નવદુર્ગાના રૂપ રોદ્ર પણ છે. કાલરાત્રિ કે કુષ્માંડાને આ ખાનામાં મુકી. શકાય. જ્યારે પણ માતૃત્વનો માંહ્યલો જાગી જાય છે ત્યારે તેને શાંત કરવો ખુબ અઘરું બની જતું હોય છે. ભવાનીના એ સ્વરૂપને પણ આપણે જોયું છે. એટલે પોતાના પિતા દક્ષ સામે બંડ પોકારવામાં તે જરાય મોડું કરતા નથી. પોતાનું અથવા પોતાપણાનું અવમાન અસહ્ય બની રહે છે.  આપણે જોઈ શકીએ છીએ કે પછી આ રૂપને શીતળતા આપવા કે ઠારવા કોઈ છંટકાવ કારગત થતો નથી.મહાસમર્થ યોગીઓ પણ કાચા સાબિત થઈ શકે છે. ભગવાન શંકરની ત્યાં મૌન લાચારીને આપણે એવી રીતે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ખડગ ઉપાડવાની તૈયારી માતૃસ્વરૂપાએ કાલસ્વરૂપા બની ને પેશ થવું જોઈએ. વેદ, ઉપનિષદ, પુરાણ આ બધી જ બાબતોની સાક્ષી બનીને સાથ આપે છે.

  " હે.. માં આપદ્ ધર્મ આચરવામાં તું હંમેશ પડખે રહેજે "એજ પ્રાર્થના નવ શક્તિઓનો કરવાનો ઉપાસનાનો અર્ક છે.