Wednesday, January 30, 2019

ભુલતાં ભાંગે ભીડ

---તખુભાઈ સાંડસુર

યાદદાસ્તનું પૃથ્થકરણ કરી જાણો તો તે અવસર બની શકે. મન જીવનની ધુપ-છાંવનો અનુભવ કરાવ્યા કરે છે. આંતર ચેતના અને તેની તાલીમ શું સ્ટોર કરવું અને કેટલું ડીલીટ કરવું તે નકકી કરે છે. સાપ્રંત શિક્ષણ પધ્ધતિમાં સ્મૃતિમાપનની બહુલતા બહેકાવાની કક્ષાની લગોલગ છે. સમજને નેપથ્યે ધકેલનારા કહેવાતા સુજ્ઞોને કયા ખબર છે કે તેની કેટલી કિંમત અધ્યેતાને ચુકવવી પડશે? સાહિર લુધિયાનવી કહે છે.... "તુમ અગર મુજે ભુલ ભી જાઓ તો યે હક હૈ તુમકો" પ્રેમને પણ જો ભુલી જવાનો હક અપાતો હોય તો આપણે એવો બોજો શા માટે વેંઢારીયે કે જે આપણને સતત ખતરોડયા કરે ? જે આનંદિત કરીને સ્વૈરવિહાર કરાવે તે તરંગો છો ને હોય ..!તો પણ તેવી પવનપાવડીમાં પલોઠી વાળવામાં કોઈ હરકત નથી.

પીડાનું મૂળ સડી ગયેલી સ્મૃતિઓમાં હોય છે. અલાઉદ્દિન ખિલજીના નેત્રોએ પદમાવતી સ્વર્ગીય સૌદર્યાની દેવીને કલીક કરી હશે.બસ એ ક્ષણોની ભરમાર તેના મનમાંથી વણઝાર થઈ પસાર થતી જ રહી હોય. મેવાડની મહાભયાવહ યુધ્ધ ચીચીયારોની જન્મદાત્રીને તે યાદ જ હતી. માનસ પટલને મુઠ્ઠીમાં કરનારનારની કેટલીક સ્મૃતિ વેરવૃત્તિને આળસ મરડીનેબેઠી કરે છે. જયાં બદલાની હાજરી નોંધાય ત્યાં સંવેદનો ગાયબ થઈ જાય છે. અન્યને દુઃખ આપીને કે યાતનાના એસિડ કુંડમા ધક્કો મારીને આનંદિત થનારા ગાંડપણની ટોચ પર બેઠા છે. સમજનું ભાથું વિદ્વતજનને સમાજથી કે આમ લોકથી અલગ તારવે છે. શ્રીમદ ભાગવતના જડ ભરત જેવું ચરીત્ર તેનો પર્યાય છે. જે બધુ જાણે છે, છતાં કશું ન જાણીને બેખબર દેખાય. વધુ માત્રામાં યાદ સંવેદનોનું આક્રમણ થાય તો માનવ મનની વિચલિતતા પ્રગટ થઈ જાય છે. પશ્ચિમના દેશોમાં ૧૦ ટકા લોકોની આજ હાલત છે. કુટુંબ પ્રથા કે સામાજિક ઢાંચાને લાગેલા લુણાનું તેને પરિણામ ગણી શકાય.

મનોશક્તિને દિશા આપવા એક સુરમ્ય વાતાવરણનું નિર્માણ આવશ્યક હોય છે.આનંદ કે સુખની શોધમાં ધેલા થવાની જરૂર હશે તો પણ તેના 'હર્ડસ'ને અવગણી ન શકાય. થાળીમાં પીરસાતું કે લંચ કાઉન્ટર પર ગોઠવાયેલું ફુડ સ્વ સાથે જોડી તેની માત્રા, ગુણવતાં, અનુકુળતા માટે આચાર મર્યાદા જાળવી રાખવી જોઈએ. કવિ સજુંવાળા એક કૃતિમાં કહે છે.

"અંદરથી જ ઉંગે તેની આંગળીએ નીકળશું.

સ્વયં ગુરૂને સ્વયં ચેલા સંધળુ બાજુ પર મુકીને"

પોતાના સિવાય બાકી બધું નિરર્થક છે. તે સંદેશ એકદમ કલીન રહેવા જણાવે છે. પૂ. મોરારીબાપુ જણાવે છે કે 'જે સ્વને પણ ભુલી જાય તે સૌથી સુખી થઈ શકે. ભુલી જવામાં લય છે અને તે પ્રલયથી બચી જાય છે. 'પૂ. બાપુની પ્રસનતાનું રહસ્ય પણ ત્યાં જ કેન્દ્રીત છે.

આપણી ઋષિ સંસ્કૃતિ, વેદો મનશક્તિને સતત ઝંકૃત કરવા યોગ, ધ્યાન જેવા ઉપચારો સુચવે છે. મન શુન્યતાની સ્થિતિ મેળવવી અધરી જરૂર હોય, પણ અશક્ય નથી. પરિવાર, મિત્રો વગેરેમાં એવું વાતાવરણ નીર્મિત કરવું જયાં કોઈ રોદણાં, આપતીનું આલેખન ન હોય, માધ્યમોમાંથી મળતું સાહિત્ય આપણાં સુધી પહોંચે ત્યારે શકય હોય ત્યાં તમારા મને હંસની ભુમિકામાં આવવાનું હોય છે. જે સારુ છે તે જ સ્વીકાર કરો બાકીનું ત્યાં જ છોડો .કાલ્પનિક ભયથી કદી આપણે ડરશું નહીં. જે દુઃખી છે.તેની રોકકળ કે વર્ણનથી તેની બાદબાકી ન થાય ઓછું ન થાય. પરંતુ તેની સાથે લડતાં ઓછું થાય. સવારની શરૂઆત યોગ્ય પ્રાણાયાય દ્વારા કરવાથી નવી ચેતનાનો સંચાર થાય છે. જયારે મન કોઈ થકાવટનો અનુભવ કરે ત્યારે મનગમતું સંગીત સાંભળો મનગમતા હકારાત્મક પ્રવચનોનો આશરો મેળવો.

બધુ ભુલી જાવ આનંદની છોળો તમારા બારણે ઓવારણાં લેવા ઉભી છે. ક્ષણ ક્ષણ જીવવું છે. પળ પળને સુખના તારણોથી સજાવવી છે.

Sunday, January 20, 2019

ગાંધી આચાર અને નીતિ સદા સર્વદા લાઈવ

                 ---તખુભાઈ સાંડસુર

જે કોઈ જીવનનું ખરું સત્ય સમજ્યો હોય તેના ગમતા માણસની યાદીમાં મોખરે હોય મોહનલાલ કરમચંદ ગાંધી. ગાંધી સાહિત્યનો અનુવાદ માત્ર ભારત નહીં બલ્કે વિદેશી ભાષાઓએ તેને ટાંચકા ફુટે તેવા પોખંણાથી આવકાર્યો છે. આ સ્વીકાર્યતા તેની શ્રેષ્ઠતાનો ઈલ્કાબ ગણાય.

બાપુએ છ દસકા સુધી જાહેર જીવનમાં કાર્ય કર્યુ. તેમણે જે અનુભવસિધ્ધ આચાર ઉભો કર્યો, તારવ્યો તે આજે સતત જરૂરીયાત થઈ પડઘાય છે. પોતાના જીવનની પારદર્શિતા કે નિર્ભેળ સત્ય રજૂ કરવામાં તે તસુભારે'ય ખોડંગયા નથી. 'સત્યના પ્રયોગો ' કથાનક તરીકે તો ઉત્તમ સાહિત્યકૃતિ છે જ, પરંતુ તે વૈશ્વિક સ્તરે અવલ્લ નંબરે ગણી શકાય.તેના નિરૂપણમાં રજૂ થયેલી ઘટનાઓ સૌ કોઈને વૈચારિક ગર્ભમાં ધકેલી દે છે. કોણ એવો શુરો સાહિત્યકાર મળે કે પોતાની સુહાગરાતના ઓરડાનું ચલચિત્ર આલેખે !? આ રહ્યાં તે શબ્દો.

''ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્નીને કોણે શિખામણ આપી એ તો મે પુછ્યું હોય તેવું યાદ નથી. હજુ પુછાય એમ છે. વાંચનાર એટલું જાણે કે અમે બન્ને એમ બીજાથી ડરતાં હતાં. એવો ભાસ આવે છે. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ?''

આગળ પણ આવી જ આકાશી ખુલ્લાપણાથી વિસ્તરીત જો કે છતાંય એટલી જ સંયમિત વાત પ્રસ્તુત થઈ છે. વર્તમાન સમય છળકપટ અને ઢાંકો-ઢુંબો કરવાનો યુગ ગણાય .ત્યારે માત્ર સામાન્ય જાહેર વહિવટમાં નહીં પણ જીવનની તમામ ગડીઓ જાહેરમાં મુકવાની આવશ્યકતા સતત દરવાજા ખટખટાવે છે.

બાપુ, અદના, અત્યંજ વ્યક્તિ સાથે સંવેદનાયુક્ત દેવદુત બનીને હંમેશા ઉભેલાં જણાયા છે. જીવનપર્યંત અગરખા વિહોણુ ખુલ્લું શરીર રાખવાનો દ્રઢ સંકલ્પ પાળવા તે ગોળમેજી પરિષદને ગોળી મારવામાં સહેજે'ય અટક્યા નથી. દલિતની પીડા-યાતનાને પોતીકી ગણીને તેઓએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરેલી કે હું પુનર્જન્મ માંગતો કે ઈચ્છતો નથી પણ જો મળવાનો જ હોય તો મને હવે પછીનો જન્મ અતિશુદ્રનો પ્રાપ્ત થાય !! આજનું ભારત લગભગ બે ધ્રુવોમાં વિભાજીત થઈ ગયું છે. અમીર અને ગરીબ. શિક્ષણ, પરિવહન ,આરોગ્યમાં આ ભેદ વધુને વધુ પહોળો દેખાઈ રહ્યો છે. ક્યો રાજનીતિજ્ઞ આવી કઠોડાબંધ ચિંતા કરે છે. તળીયાથી ટોચ સુધીના સત્તાવાહકોએ ઋજુતા સભર નીતિ વ્યવસ્થા, નિર્માણ માટેનું એક આહવાન ગાંધી ૧પ૦ જન્મજયંતિને ગણવું જોઈએ. આપણી આર્થિક નીતિ ગ્રામજગત, વંચિતલક્ષી હોય તે એટલું જ જરૂરી છે.

ગાંધીજીનું જીવન એકબીજી વાત પણ કહી રહ્યું છે તે છે ચરૈવેતી..ચરૈવેતી....સને ૧૯૮૭થી એટલે કે આપની ૧૮ વર્ષની ઉંમરથી પરિભ્રમણ કરવાની શરૂઆત કરી. સમગ્ર ભારત વર્ષ સિવાય બાપુએ યુરોપ અને આફ્રિકા ખંડનો પણ પ્રવાસ કરીને તેમાંથી સ્વના ઘડતરના પાયા મજબુત કર્યા. દક્ષિણ આફ્રિકાના મેરીત્સબર્ગ સ્ટેશનની ઘટનાએ રંગભેદની નીતિનો પરિચય કરાવી લડત કરવાની હામ બતાવી. નાતાલના હિદી મતદારોનું સંગઠન રચીને ત્યાંની સરકાર પાસે મતાધિકારની લડાઈની તલવાર ખેંચવાનું મનોબળ પોલાદી જ ગણાય. તે જ પધ્ધતિથી બાપુ ભારતમાં સતત દોડતા અનુભવાયા છે. જે તેને મોહનથી મહાત્મા સુધીની સફર માટેનું શિર્ષસ્થ પાસુ છે. આ બાબત ખૂણો પાળીને બેસનાર માટે 'અવરનેસ બેલ 'જેવી છે. પોતાના ધ્યેય, સંકલ્પ, આદર્શો અને સેવા માટે મક્કમતાની મુઠ્ઠીઓ વાળનારને સફળતા શોધવા જવી પડતી નથી.

બાપુના અગિયાર મહાવ્રતો આજે પણ એટલા જ કુમળા અને તરોતાજા છે. આ મહાવ્રતોની યાદી આ મુજબ છે. (૧) સત્ય (ર) જાત મહેનત (૩) સર્વધર્મ સમભાવ (૪) સ્વદેશી (પ) અસ્વાદ (૬) અભય (૭) અસ્તેય (૮) અહિંસા (૯) અસ્પૃશ્યતા નિવારણ (૧૦) અપરિગ્રહ (૧૧) બ્રહ્મચર્ય .રાષ્ટ્રના વિકાસના પાયામાં જો સીસું પુરવું હોય તો સમગ્ર સમાજે આ વ્રતોને ઓળઘોળ કરવા જોઈએ. આ વ્રતોથી સાંપ્રત સમયમાં કેવી ઉલ્ટી ગંગા વહે છે તેના પર જરા 'ફલેશ લાઈટ 'પાડી દઈએ. અસત્ય આચરનાર કે ખોટુ બોલનારને સ્માર્ટ ગણવામાં આવી રહ્યો છે. ઘર કે કાર્યાલયમાં નોકર- ચાકર રાખવાનું સ્ટેટસ સીમ્બોલ બનાવી દેવાયું છે. ત્યાં જાતમહેનતનું વ્રત ઠુંઠવાઈ ગયું છે. સત્તાનું સિંહાસન મેળવવા વિધર્મીઓને ગાળો ભાંડી મતની ઝોળી છલકાઈ જતાં તેઓ પોતાની કાબેલિયત માટે મલકાઈ રહ્યાં છે. ગ્રામ કારીગરો, ગૃહ ઉદ્યોગોને ત્યાં ગામડામાં જ દફનાવી દઈ વિદેશી મુડીપતીઓ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે. સરકારી ખર્ચે મહેમાનો માટે દોઢ હજારની એક થાળી પીરસાય છે તે છે આપણું અસ્વાદ. રાજનેતાઓ જ અસુરક્ષા અનુભવતાં હોય ત્યાં આમ નાગરિકનો અભય કેવો હોય?અસ્તેય અર્થાત ચોરી ન કરવી પરંતુ ચોરના સન્માન માટે પોલીસ સ્ટેશનો પાવરફુલ રીતે કાર્યરત છે. અહિંસા કાગળ પર સિમીત છે. સંજોગોએ અસ્પૃશ્યતાને અલવિદા કરી છે તો પણ તેના રક્ષણની કાયદા તલવાર તેને સામાજિક રીતે અલગતલક કરવા સક્રિય છે. અપરિગૃહ ચૂંટણીના ઉમેદવારોના એફિડેવીટમાં કરોડો રોકડા અને અબજોમાં સંપતિ તરીકે દેખાય છે. બ્રહ્મચર્ય માટેની ટીપ્પણી અઘરી છે તો પણ કહેવાય જાતીય આવેગોને રસરંજન માની લઈ તેનો વિસ્તારવાદ કરવા અસંખ્ય સાધનો મંડી પડ્યા છે. 
                           બાપુની જન્મજયંતિનો આ ઉત્સવ તેના વિચાર, આચાર સિધ્ધાંતોને ગુલદસ્તો આમ માણસ સુધી, શિક્ષણ સંસ્થાના દરવાજે પહોંચતો કરી શકાય તો એક નવી વિચાર-આચાર ક્રાંતિના શ્રીગણેશ થાય. શહેરીકરણ, ઝાકમઝોળ, દેખાદેખીની વિસ્તરતી ક્ષિતિજોને નિયંત્રિત કરવા સત્તા જ સક્ષમ સાબીત થાય. બિનસરકારી સંસ્થાઓ પોતાની મશાલ લઈને નિકળે તો રસ્તાઓની આંખો જરૂર તેના તરફ કરૂણાની ભાગીરથી રેલાવે. ઈચ્છીએ કે ગાંધીનિતી, આચારને વરેલા સૌ પહેલ કરે.

Sunday, January 13, 2019

બી પોઝીટીવ લેખ



બી પોઝીટીવ : સ્વસ્થતાનો સોફટવેર

---તખુભાઈ સાંડસુર

મોબાઈલમાં મેસેજતળાવમાંથી બહાર નીકળવું અઘરૂ થઈ પડે છે. તમારી પાસે સોર્ટીંગ ક્ષમતા ના હોય તો !?લગભગ મહત્તમ નકારાત્મક જ આવે છે ઘણાં એવા મનોરોગી થઈ પડ્યા છે. કે તે અન્યોની અપકિર્તી, ટીપ્પણીઓને વધુમાં વધુ ફેલાવવાનો તેને વિકૃત આનંદ મળે. માધ્યમો એવુ જ પીરસે જે તેના ભાવકોને પસંદ હોય, ટી.આર પી અને સર્કુલેશનનું ચક્કર સૌને લાચાર બનાવે છે. ક્યારેક કોઈ સંપાદકની અનિચ્છા છતાં તેણે ઘણું એવુ મુકવુ પડે કે તેના માટે તેનો માહ્યલો ના પાડતો હોય .એકાદ વખત દિલ્હીના મોટા ગજાના પત્રકારે સરસ વાત કરી હતી ,કે જેમા આપણે શું વાચવું કે જોવું તેની સ્વતંત્રતા ના હોય તો આપણે શા માટે તેને ‘ફોલો’ થવુ !

        કેટલાકનો દિવસ નકારાત્મક, અસુખી અગવડોથી આરંભાય છે. 'બ્રશ અહી કેમ નથી ? પેસ્ટ આ કંપનીની નથી ?નાસ્તાની બ્રેડ શેકેલી નથી કેમ ?' ઈસ્ત્રીમાં કેમ ક્રીઝ દેખાય છે ? આ બધુ લોહીના દબાણને હર્ડસ  બનીને આવે છે. ચાલો જાત પર સ્ટેથોસ્કોપ મુકીને પાડોશી કે મિત્રની  મોજનો હિસ્સો જો તમે બની શકો !તેમની એકાદ ક્ષણને પણ ઉલ્લાસમાં બદલી શકયાની ક્ષમતા તમે કેળવી છે, તો સમજવુ કે દિ તમારે ઘેર છે.  કૃષ્ણનું કણપ્રિય વાસળીવાદન તમારા પછવાડે જ ગુંજિત થાય છે .કોઈ સગા ,સ્નેહીની સફળતા તમારા ચહેરાને હાઉસફુલ પ્રફુલ્લિત કરી શકે તો સમજજો કે તમારી આસપાસ કોઈ રોગને ફરકવાથી મજાલ નથી.
સોશીયલ મીડીયાનો ટન બંધ ફાલતુ કચરો મનની સમતુલાને આંતકિત કરે છે. રાજનીતી ધર્માધતા, જ્ઞાતિ જાતિ પરસ્તિની ગંદકી ,ચોમેરથી ઘેરો ઘાલે છે. દિલ્હી અને ગાંધીનગરના ગલીયારાની ઘટનાઓ માહિતી માટે બરાબર છે. પણ તેને કાંખમાં લઈ ફરવાની ક્યાં જરૂર છે? અનર્થક કે આવેગપૂર્ણ વિગતોની આક્રમકખોરી સીધી રીતે સ્વાસ્થ્યને ડગમગ કરે છે.

                         પટણાના ડો.બિંદાસિંહ જણાવે છે કે ચિંતા, ઉદ્વેગથી શરીરમાં ન્યુરોટ્રાન્સમીટરના રસાયણમાં અસમાનતા ઉભી થાય છે. જેથી આવી સ્થિતી વ્યક્તિમાં સાઈકીયાટ્રીક ‘ડીસ ઓર્ડર’જેવી બિમારીને આમંત્રિત કરે છે. એટલુ જ નહી રુધિરાભિસરણ તંત્ર પર તેની સીધી અસર થતી હોવાની પુષ્ટિ કરતાં રાજકોટના સુખ્યાત ફીઝીશ્યીન ડો.પી.એન. પટેલ જણાવે છે "શરીરમાં હૃદયના ધબકારાની સંખ્યા એક મિનિટે ૭૨ થી ૮૦ સુધીની હોય છે. પરંતુ આવી બાબતો તેમાં ૧૦ ટકા સુધીનો ઉમેરો કરે છે. શરીરના રાસાયણિક ફેરફારો મધુપ્રમેહ જેવી બિમારીને ઢસડી લાવવા કારણભૂત બને છે અને અમેરિકાના કેલાક સર્વૈક્ષણોમાં નકારાત્મકતાથી અસરે કેન્સર જેવા રોગના અંકુરિત થવા તથા તેના એકસપોઝ થવામાં પણ પરોક્ષ રીતે ભાગ ભજવાતો હોવાનું નોંધ્યુ છે. તે બાબત પણ નજર અંદાજ કરવા જેવી નથી."
એક ભજનમાં કહેવાયુ છે કે "મોજમાં રહેવુ ,મોજમાં રહેવુ" પણ કેમ ? નકારાત્મકની સાથે અનેક દોષો જોડાયેલા છે કપટ તેનનો પાટવી કુંવર છે તેનાથી થતું સઘળુ ક્ષુલ્લક આભાસી છે. થોડા સમય માટે તમને સુંવાળું લાગે પરંતુ તેની અંદરની કર્કશતા પછીથી સુખ- ચેન હરી લેતુ હોય છે. તમારી આસપાસ નજર કરો બધુ અહી જ જોવા મળશે. મને એવા એક સાધુનુ સ્મરણ થાય છે. 'ગડબડદાસ બાપુ.' તેમના ચહેરાને જ્યારે જ્યારે મે વાંચ્યો ,ત્યારે મને ત્યાં નિર્દોષતાનો જ ભેટો થયો. વિમાસણ કે વિષાદ માટે આ પાત્ર જેમ કે અસ્પૃશ્ય જ હોય છે. તેમને હંમેશ એવુ કહેતા સાભળ્યા છે કે' સારા માનુસ હૈ વો 'ખરેખર, તેનાથી તેની છાપ સમાજમાં ઉલ્ટી જ હોય ,તો તેણે કોઈને દોષી ન ગણ્યા. હકારાત્મક વિચારનું વાત્સલ્ય અનેકોને હાલરડાં નાખી જાય. તેના પ્રારંભની રાહ ક્યા જોવાની ,હાલી નીકળો..
તમારા વર્તુળમાંથી નેગેટીવીટીના ભૂતને ડીલીટ કરો. મિત્ર ,સગા- સ્નેહી પણ કેમ નથી થોડી તક પણ આપી શકાય અન્યથા રામે રામ .જ્યાં આવો વિવાદ કે ચર્ચા હોય તેને ડ્રોપ કરો .ટીવી ચેનલો, સમાચાર પત્રોનું સંકલન કરો. તમારી વિવેચનામાં જો તે નાપાસ થાય તો તમે તેનાથી દુર થઈ જાઓ. સોશિયલ મીડીયાની નિરર્થક ભાજગંડ તમારો સમય, શક્તિ અને વૈચારિક તાકાતને લઈ લે છે.તેથી તેની ઉપયયોગીતાને નિયંત્રિત કરો .વાંચન લેખનમાં રસ કેળવીને દિશા બદલી શકાય.
                             જુઓ,તમે જળકમળવત થયા પછી તમારૂ શરીર પણ 'ચરોઠી' જેવું રહેશે, તે નક્કી.

Sunday, January 6, 2019

Ayodhya issue visit dt 24-12-18



બસ અબ મંદિર નિર્માણ કા સમય હૈ !

------તખુભાઈ સાંડસુર

અયોધ્યા પહોંચ્યાં પહેલા જ મનમાં એક વાત ‘લોક’થઈ ગઈ હતી કે મંદિર મુદ્દો છે શું ? હવે શું થશે ? વગેરે હકીકતોને મારા પોતાના બાયનોક્યુલરથી ચકાસી લઉ. ઘણાં લોકો સાથે ચર્ચા, વાર્તાલાપ ,સંવાદથી એવુ તારણ નીકળ્યુ કે સમયાંતરે રાજનીતિએ આ મુદ્દાને અંકુશ કરવા ભરપેટ પ્રયત્ન કર્યો તેનાથી તેને મનવાંચિત ફળો પણ પ્રાપ્ત થયા અખંડ ભારતના અડિખમપણા માટે આ વિષયનો છેડો આવવો જોઈએ. સ્થાનિક ત્યાનાં લોકોનો પણ એક અવાજ આવો હતો. અમે ફૈઝાબાદ અયોધ્યાના તમામ લોકો ઈચ્છીએ છીએ કે મંદિર નિર્માણ થાય.આ અવાજમાં ત્યાના મુસ્લિમો પણ સંમ્મિલિત છે.
હનુમાનગઢી અયોધ્યાનું પ્રસિધ્ધ બજરંગબલી મંદિર છે. રામચરિત માનસમાં ભગવાન રામે ત્યાં તેમને જવાબદારી સોપાયાની લાંબી કથા છે. અહિના તમામ યાત્રાળુઓએ પ્રથમ આ દેવાલયે માથુ ટેકવવા  આવવાનું છે. ત્યાં ફુલની દુકાન ધરાવતા અને અનેકવિધ પૂજા સામગ્રી વેચતા રામ પ્રસાદ કહે છે કે અરે, અહી કોઈ મસ્જિદ જેવુ છે જ નહીં. તે ખરેખર તો મંદિર જ  હતું,છતાં ક્યાક ઐતિહાસિક તથ્યો શોધી લાવીને તેને બાબરી મસ્જીદ તરીકે ઓળખ આપવાનું કેટલાક મુસ્લિમ સંગઠનોએ કાર્ય કર્યુ, પણ દુઃખદ એ થયુ કે તેમા કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષે તેને સમર્થન આપ્યુ .બસ વિવાદને તાકાત મળતી ગઈ ,તેના પર અનેક અદાલતી કેસ વિવાદ ચાલવા માડંયા .હવેતો અહીના લોકોની ધીરજ જર્જરીત થતી જાય છે.
રામમંદિરના દર્શન માટે ખુબ સખત સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાદળના જવાનો તેના પર અનેક સાધન- પ્રસાધનોથી નિગરાની રાખી રહ્યા છે. સાજે ૫ કલાક પછી દર્શન બંધ કરવામાં આવે છે. તે જ રીતે બપોરના પણ વચ્ચે બે કલાકનો વિરામ હોય છે. જેથી દેશ- દુનિયામાંથી આવતા શ્રધ્ધાળુઓને ક્યારેક દર્શન પ્રતિક્ષા અકળાવે છે. જેમની પાસે દિવસમાં પાંચ છ કલાકનો સમય હોય તેજ આ દર્શનમાં સફળતા મેળવી શકે. લગભગ અંદર જતાં જતાં પાચેક વખત તમામ મેટલ ડીટેકટર તથા મેન્યુલી પણ ચેકીંગ થાય છે. એકાદ કિ.મી. આગળ તમારે એક લાઈનમાં ચાલવાનું છે. જેની 'ક્યુ' ત્રણ બાજુથી પીંજર જેવી બનાવવામાં આવી છે. ઉપર અને ડાબી, જમણી બાજુ જાળી છે તેથી તમે ક્યાંય બહાર નીકળી શકતા નથી. રામ મંદિરનો આંખો ઢાંચો પડી ગયો છે, તેથી ભગવાન રામની મૂર્તિ એક તંબુમાં સ્થાપિત કરવામાં આવી છે. લગભગ ૨૦૦ ફુટ જેટલે દુરથી તમારે તે જાળીમાં ઉભા રહી દર્શન કરવાના છે. એક પુજારી જાળીની બાજુમા બેઠાં છે. જે સર્વોને પ્રસાદ વિતરણ કરે છે. મારાથી આગળના દર્શનાર્થી કેન્યાના બિનનિવાસી ભારતીય ઈન્દુબેન ઠક્કરે આક્રોશથી કહ્યું કે જુઓ આપણા ભગવાન અને તેના દર્શન આપણે પીંજરામાંથી કરવાના કેટલી લાચારી ? તેમની વાતમાં દર્દનું વજુદ હતું.

 છોટી છાવણી નામે ઓળખાતા એક મંદિરના મંહત નૃત્ય ગોપાલદાસજીને મળવાની જીજ્ઞાસા હતી જ .તેઓ રામજન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ પણ છે .મારી તેમની સાથે જે ટુંકી મુલાકાત થઈ તેમા તેનો સુર આવો હતો. રામમંદિર નિર્માણ થવાનોે હવે સમય આવી ગયો છે. વટહુકમ કે અદાલતી હુકમથી થશે તે મને ખબર નથી ,તે ભગવાન રામ જ નક્કી કરશે. આ બાબતે હમણા યોગી આદિત્યનાથજી અને પ્રધાનમંંત્રી મોદી બંને માથી કોઈને મળવાનું થયુ નથી. ઉધ્ધવજી ઠાકરેની ધર્મસભામાં હું ઉપસ્થિત રહ્યો હતો. અમારે સાધુને એક જ એજન્ડા છે. મંદિર બનવુ જોઈએ રાજનીતિ કોણ કેટલી કરે છે. ખબર નથી પણ ભાજપ અને મોદી જ આ કાર્ય પૂર્ણ કરશે તેવી શ્રધ્ધા છે. મોદી સરકારના ભલે સાડાચાર વર્ષ પૂરા થયા પણ હવે જ આગામી સમયમાં જ મંદિર નિર્માણ કાર્ય માટે અતિ મહત્વનો બની રહેવાનો છે ,સધળુ કર્તા હર્તા ઈશ્વર છે. તે જ તેના હુકમથી આ મહાનકાર્યને પાર પાડશે આ સુર સરકારી તંત્રને મદદકરનારો અથવા તેમા અટલ વિશ્વાસ ધરાવતો પડઘાતો હતો. મહારાજ ખૂબજ પ્રસન્નચિત શ્રધ્ધાળુ જણાયા.

અયોધ્યાના કાઠીયા મંદિરની ગૌશાળામાં સેવાવૃત્તિ સાધુ લક્ષ્મણદાસજી જણાવે છે કે મેં અયોધ્યામાં ત્રીસ વરસથી વધુ સમય ગાળ્યો છે. અનેક તડકી છાયડીનો હું સાક્ષી છુ અહીના સ્થાનિક લોકોનો પછી તે ગમે તે હોય કે એક જ અવાજ રહ્યો છે કે મંદિર નિર્માણમાં અમને કોઈ હરકત નથી જો કે અહી મસ્જિદ હોવાનું અને તેમા નમાજ પઢવાનું પ્રાર્થના કાર્ય થતા હોવાનું સાંભળ્યુ નથી. રામ મંદિરનું પૂજન અર્ચન બંધ હતુ જેના તાળા રાજીવ ગાંધીએ ૧૯૮૬માં ખોલાવીને મુદ્દા પર રાજનીતી હાવી બનતી ગઈ સને ૧૯૯૨માં મંદિર પર રહેલા ઘુમ્મટને કારસેવકોએ તોડ્યો હતો. કનકભવનના મંદિર દ્વારે ગોળીબાર થયેલો આંકડો કેટલો હતો, તે ખબર નથી ઘણાં લોકોના સરનામા પ્રાપ્ત ન થતા લાંબા સમય પછી તેના અંતિમ સંસ્કાર થયા હોવાનું સાંભળવા મળ્યુ હતું.

અયોધ્યાનગરતો ખુબ મોટુ નથી પરંતુ તેનો વિકાસ જીર્ણક્ષીણ છે. લગભગ ૭૦૦ મંદિરોથી શોભાયમાન આ નગરને મંદિર નગર કહેવુ હોય તો અતિરેક ન ગણાય .સાંધુઓની સંખ્યા પણ અહી ખુબ ગણાનાપાત્ર લાગી. રામજીની સાથે હનુમાનજી હોય તેમ અહી વાનરોનો જબરો તરખાટ જોવા મળે છે. તમામ મંદિરો તમને નિવાસ ,ભોજનની સુવિધા યુક્ત મળે છે. હજુ તેના વિકાસ માટે ઘણું કરવું બાકી છે.

Wednesday, January 2, 2019

Ganika gun lekh 2-1-19

ગણિકા કથા : ગુણાનુવાદ અને સંસ્થાપન સાદ

--તખુભાઈ સાંડસુર

મોરારિબાપુની ચાલ કયારેક 'આડબીડ 'અનુભવાય છે, પણ તેને ન સમજનાર માટે ! અન્યથા તેનો ચીલો કાયમ લેખમાં મેખ બનીને દેખાયો છે. ગણિકા ગુણાનુવાદ અને તેના સંસ્થાપન માટે સાદ પાડનાર તે પહેલા સંત વિભુતિ હશે. ભલે હિન્દી ચેનલો હંમેશા તેને કથાવાચક તરીકે સંબોધિત કરીને તેની છબીને સીમિત દાયરામાં લાવવા મથતી હોય .પરંતુ તેની કાર્યરીતિ તેને સંત વર્તુળમાં સવાયા કરી બેસાડે છે. તેમની પ્રસંશા નથી કરવી ,પણ વાસ્તવિકતા સાથે જોડાઈને તેના આંતરમનને ઝાંખવું છે. છેલ્લા બે વર્ષથી તેમનો મનસુબો સેકસ વર્કર માટે કલ્યાણક કામ ઉપાડવા એક કથા કરવાનો હતો. આ બાબતનો જયારે જાહેર ઉલ્લેખ  કરાયો ત્યારે ઘણાનાં ભવાં ખેંચાયા હતાં. કારણ કે એક તો પોતે અધ્યાત્મિક નેતૃત્વના રોલ મોડલ અને બીજી તરફ સમાજના દુષણને પોષતો, વિકસાવતો કિચડ બદબો ધરાવતો સેકસ વર્કરનો સમુદાય બંનેનું જોડાણ અસંભવ લાગે, પણ આતો મોરારિબાપુ!! આ યજ્ઞ અયોધ્યામાં રર ડિસેમ્બર થી ૩૦ ડિસેમ્બર વચ્ચે આરંભ્યો અને પાર પણ સુપેરે પડ્યો.
મોરારિબાપુના આંખના ખૂણાં એવા લોકો માટે ભીના થતાં અનુભવાયા છે કે જાણે તે કહેતા હોય 'જેનું કોઈ નથી તેના માટે હું બેઠો છું 'મીન પિયાસી કહે તેમ 'પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈનું સુખ દુઃખ પુછયું તું 'આજ મંત્ર સાથે માત્ર પૃચ્છા નહીં પરિણામ સુધી જવાની મહેચ્છા સમાજ નવ નિર્માણ, રાષ્ટ્ર કલ્યાણ, સંસ્કાર પુનરૂત્થાનની અખંડ જયોત તેમના હાથમાં કાયમ દેખાઈ છે. તેનો કથા ઈતિહાસ સાક્ષી પુરો છે કે તેણે માત્ર રામનામનો નહી પરંતુ રામકાર્યનો મહિમા સ્વીકારી તેને મહિમાવંત કરવા મથામણ કરી છે. અયોધ્યા ગણિકા ગુણગાન માટેનું કેન્દ્ર બિંદુ તો બન્યુ પણ તેમના પ્રસ્થાપન માટેનો સાદ ઝીલનાર સાબીત થયું
નગરવધુઓ માટેની કથા અયોધ્યામાં કરવા કેટલાક લોકોના શાબ્દિક વિરોધનો ભોગ પણ બનવાનું આવ્યું. નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ જયોતિષ શોધ સંસ્થાનના પ્રવિણ શર્મા તથા દાંડિયા મંદિરના વડા વ્યાસજીએ કહ્યું કે, બાપુએ મુંબઈની આ પ્રોસ્ટીટયુટને અયોધ્યામાં નિમંત્રિત કરીને અહિંની પવિત્રતાને ક્ષુણ કરી છે. આવી રજુઆત આદિત્યનાથ સુધી થઈ જો કે આવો વિરોધ કરવા કોઈ કથા સ્થળે ફરકયું નથી. બાપુએ તેનો ઉત્તર આપતાં કહ્યું,
'કુછ તો લોગ કહંગે લોગો કા કામ હૈ કહેના,
છોડો બેકાર કી બાતો મે બિત ન જાયે રૈના'
મોરારિબાપુ ગમે તેવા વિરોધ વંટોળને શાંત કરવા કે સમાવી દેવા હંમેશા સક્ષમ સાબિત થયા છે. તેમની સર્વજન હિતાય, સર્વજન સુખાય વૃતિ પ્રવૃતિ સૌના માહ્યલાંને આંતરખોજ કરી તેના કદમો પર ચાલાવા પ્રેરક બળ બની જાય છે.
પૂ. મોરારિબાપુ આ કથા દરમ્યાન ગણિકાઓના ગુણોનું વિવેચન કરતા કહે છે કે, ગણિકા બહેન બેટીઓમાં પણ સમર્પણ, ત્યાગ, સમાજ કલ્યાણ, કુટુંબ ભાવના તથા કરૂણા જેવા સદગુણો શાશ્વત છે. વેદ-ઉપનિષદોની અનેક બીનાઓ તેની સાક્ષી છે. પોતાના પરિવાર માટે સ્વને બજારમાં મુકવાની વાત કેવા સમર્પણની અનુભુતિ કરાવે છે. કાશ્મીરની  મહાનંદા નામની એક ગણિકા ધર્મ અને ભક્તિમાં અવલ્લ હતી. તેની શિવભક્તિ તેને સોમવારે મૌન રખાવતી, એક વખત એક વેપારી ગ્રાહક તરીકે આવે છે. તેના કંગન પર મોહિત થઈ ,ત્રણ દિવસ સુધી તેની બની જવા વચનબધ્ધ થાય છે. પેલો વેપારી સળગી મરે છે, અને કહેવાય છે કે મહાનંદાએ તેને ત્રણ દિવસનો પતિ માનેલો એટલે પોતે પણ અગન પછેડી ઓઢી લીધી બોલો... કેવું સમર્પણ...!!
સમાનતાના મહામંત્રને સ્વીકારેલું તેનું બારણું જાતિ, વર્ણ, પ્રદેશનો ભેદ ઉભુ કરતું નથી અરે...! તમામનો સ્વીકારધર્મ કેટલું કઠીન કાર્ય ? આ કથા કામની કથા નથી હરીનામની કથા છે. રામ કાર્ય કરવા ગણિકા પુત્રોનો ખુબ મોટો હિસ્સો હતો. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ એક ગણિકાને રાણીનું પદ આપી તેના નામનું નગર અને માર્ગનું પણ નામા ભિધાન કરેલું આ કથા કોઈ રેકોર્ડ માટે નથી પણ રીગાર્ડ માટે છે. સમાજ સાધન શુધ્ધ હશે તો આપોઆપ પરિવર્તન આવશે. ઈન્દ્રલોકની અપ્સરાઓ પણ એક ગણિકાઓનું જ સ્વરૂપ છે. અભિસારિકાના બે પ્રકાર છે. એક વેશ્યા (બાપુએ ઉલ્લેખ કર્યો કે આ શબ્દ મારે બોલવો  પડે છે. જે હું બોલવા માંગતો નથી તેમ કહી ગણિકાઓનું સન્માન જાળવ્યું) બીજુ ગણિકા .આ સ્વમાનનો યજ્ઞ છે. ઉપેક્ષિત, પીડીત વંચિત માટે વ્યાસપીઠ હાથ લાંબો નહીં કરે તો કોણ તેના માટે કરૂણા પ્રગટાવશે. માનવ સ્વભાવના તમામ સદગુણો આ બહેન- બેટીઓ ધરાવે છે. તેના પુનરૂત્થાન માટે પણ સમાજે આગળ આવવું જોઈએ. કોણ અહીં નિર્વિવાદ છે ? જરા પોતાની અંદર નજર કરો ? અરે... શ્રી હનુમાનજીના માતા અંજની પુર્વ જન્મમાં આપ્સરા સ્વરૂપ હતાં. આ નિવેદને સાધુ સમાજના મંચને ફરી ખળભળાવ્યો હતો. એક મહાત્મા વિરોધ પ્રગટાવવા ઉભા પણ થઈ ગયા, પરંતુ કથાગંગા ફરી એજ પ્રવાહમાં સંતુલિત થઈ વહેવા લાગી.
સકેસ વર્કર માટે તેમના સંતાનોના શિક્ષણ અને આરોગ્ય માટે ફંડ એકત્રિત કરવાના સાદને બહોળો પ્રતિસાદ મળતા દાન પ્રવાહને શનિવારના બદલે શુક્રવાર સુધી જ સમિતિ રાખવામાં આવ્યો. તો પણ આ રકમનો આંકડો ૬ કરોડ ૪૬ લાખ સુધી પહોંચી ગયો, જે અનઅપેક્ષિત હતો. દેશના વિવિધ શહેરોમાં ૬ લાખ પ૮ હજાર જેટલી કોલગર્લ હોવાની વિગતો મળે છે. તેમના સંપુર્ણ પુનરૂત્થાન માટે કાર્યારંભ થશે. જાન્યુઆરીમાં આ રકમ બિન સરકારી સંસ્થાઓને સુપ્રત થશે. ગણિકા પુત્રીઓના લગ્ન કરાવવાની પણ મોરારિબાપુએ તૈયાર દર્શાવી. સમાજની મુખ્યધારામાં જોડાવા તૈયાર બહેનોને સંપુર્ણ પણે મદદરૂપ બનવાની નેમ વ્યકત થઈ. પોથીજીનું નિર્વવહન કરીને ગણિકા બહેનો તો ધન્ય થઈ પણ સમાજમાં સંદેશ ગયો કોઈ ઉપેક્ષિત નથી સૌનો સ્વીકાર એ જ માનવધર્મ.
મુંબઈથી આવેલી એક સેકસવર્કરે કહ્યું કે આ રામકથાનું નિમંત્રણ પ્રાપ્ત થયું તેને અમારા સદભાગ્ય સમજીએ છીએ. અમને લાગ્યુ કે કોઈતો અમારી સંભાળ લેનાર, કરૂણતા પ્રગટાવનાર છે. અમે પણ સમાજનો એક હિસ્સો છીએ. આવતા દિવસોમાં અમે ભક્તિમાર્ગથી સુંગધિત થઈ આ વ્યવસ્થાને તિલાજલિ આપી સમાજના એક અંગ તરીકે જીવવાની એષણા જાહેર કરીએ છીએ. બાપુએ અમોને બેટીઓ તરીકે સ્વીકારી છે તો અમારી પણ જવાબદારી વધે છે.
રામ જન્મભુમિ ન્યાસ સમિતિના અધ્યક્ષશ્રી નૃત્ય ગોપાલદાસજીની સંનિધ્ધિ અને અનેક સંતગણોએ આ ભવ્ય ક્ષણોના સાક્ષી થવાનો અનેરો અવસર પ્રાપ્ત કર્યો. સ્ત્રી અપરાધોના હર્ડસની ભુમિકામાં રહેલી આ કોલગર્લને રામભજનમાં ઝુમતી જોયા પછી લાગે કે જરૂર નવ નિર્માણના પગરણ થશે.