Wednesday, October 31, 2018


માનસ ત્રિભુવન કથા-દિવસ ચોથો .તારીખ ૩૦-૧૦-૧૮
--મૌન અને મુસ્કુરાહટ આભૂષિત બુદ્ધપુરુષ ઉપયોગી છે: પૂજ્ય મોરારીબાપુ
--ચતુર્થ દિવસે માનસ સંપુટનું લોકાર્પણ....
વિશાળ સભામંડપમાં પુનઃ એકવાર ચોથા દિવસની કથામાં રામચરિતમાનસ ની ચોપાઈઓ ગુંજિત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે મારા માટે રામકથા સર્વસ્વ છે. મને મારા દાદાએ નવ વર્ષની ઉંમરે ગુરૂવંદનાનું પ્રકરણ એક વર્ષ સુધી શીખવ્યું. દાદાને મેં કદી કંઈ પૂછ્યું નથી પણ તેઓશ્રીએ એકવાર મને કહ્યું કે તને થતું હશે કે તમારા ગુરુ કોણ? દાદા આગળ કહે છે ,મારા ગુરુ એ મારા દાદા પ્રેમદાસજી. અને પ્રેમદાસ બાપુ ના ગુરુ જીવણદાસજી. જે મૂળ નાગર હતા .જીવણ દાસ બાપુ ધ્યાન સ્વામી બાપુના શિષ્ય એટલે ત્યાં કોઇ વ્યસન ન હતા.નાગર જ્ઞાતિ નથી પણ તે સમાજની નાગરવેલ છે. અનુયાયીઓ અને શિષ્ય માં ભેદ છે .શિષ્ય શરણાગત થાય પણ અનુયાયી ન પણ થાય . અનુયાયી ઘણા હોય અને તે થોડા રીજી જાય પછી નીકળી પણ જાય. જ્યારે શિષ્ય થોડા થી સંતોષી નથી હોતો અને તેની સંખ્યા પણ થોડી જ હોય.
હું કોઈનો ગુરુ નથી .મારા કોઈ ફોલોવર્સ નથી. હા, આ વર્ષ છે પણ હું તેનો માલિક નથી પરંતુ માત્ર માળી છું.
બુદ્ધ પુરુષોને સામાજિક કાર્યો કરવાની પણ મનાઈ છે. ધર્મગુરુને છૂટ છે .રમણ મહર્ષિ જેવા પુરુષો માટે તો એક ખૂણામાં બેસી રહેવાનું અને ત્યાં રહી જગત કલ્યાણ માટે બધું કાયૅ કરવાનું .ગુરુ શિષ્ય પરંપરા ઉજળી છે. ધ્યાન સ્વામી બાપા જીવણદાસ બાપુ ના ગુરુ હતા. તેથી તે મૂળ સ્ત્રોત છે ધ્યાન મહિમાવંત છે અને તે યોગી પરંપરા છે.
સમાધિ ચેતન જ હોય. દાદાએ બીજું સૂત્ર આપ્યુ નારાયણ.નારાયણ  આપણો ગુરુ.ત્રીજી વાત પ્રેમ આપણો ગુરુ અને છેલ્લે રઘુકુળમાંથી આવેલા રામ એટલે રઘુરામદાસ .રામ પંરપરાના છેલ્લા  ગુરુત્રિભુવનગુરુ. ત્રિભુવન પદ મળી જાય તો પણ અમે પ્રભુના દાસ (પૂજ્ય બાપુ ના પિતાશ્રી)
      મારા માટે તલગાજરડા ની કુળદેવી અહિંસા છે. વેદ, મહાભારત અહિંસાને પરમ ધર્મ માને છે .હરિ ભજન હોય ત્યાં હરી ભોજન હોય જ, હોવું જોઈએ .હરિ ભોજન વિનાની કથા ચાંદલા વગરની સુહાગણ છે. પૂજ્ય દાદા ને બોલતા આવડતું પણ બોલતા નહીં ,ગાતા પણ આવડતુ ગાતા નહિ .કથા કરી નથી છતાં જ્યારે રામ વનવાસ નો પ્રસંગ આવે ત્યારે એવું લાગે કે રામ આપણા જ ઘરેથી વનવાસ કરી રહ્યા છે.
            યાજ્ઞવલ્ક્યના મુખેથી  શિવનું સુંદર અને રસપ્રદ વર્ણન છે .કુભજ ઋષિના આશ્રમમાં કથા શ્રવણ થાય છે. સતીનો ત્યાગ,દક્ષ યજ્ઞમા સતિનુ અગ્નિ સ્નાન ,યજ્ઞભંગ ,હિમાલયને ત્યાં શૈલજા-પાવૅતીનો જન્મ .પાર્વતીનું કઠોર તપ,કામદહન નો પ્રસંગ નો આજની કથા વિરામ પામી.
  ------આજનું કથા વિશેષ-------
-આજે નીતિન વડગામા સંપાદિત કથા ના પુસ્તકો માનસ સહજ( જાપાન) માનસ કિષ્કિંધાકાંડ (અબુધાબી) માનસ માતૃદેવો ભવ(વૈષ્ણો દેવી)  નું લોકાર્પણ કથા પ્રારંભ કરવામાં આવ્યું.
--ભાગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા, સાગર રાયકા, અર્જૂન મોઢવાડિયા ,મથુરભાઇ સવાણી ,જીવન દાસ બાપુ વગેરે આજની કથામાં ઉપસ્થિત હતા.
-પૂજ્ય બાપુએ પોતાની કોઈ પણ વસ્તુ વેચાય નહીં પણ વહેચાય .એટલે કે સૌને તે વિનામૂલ્યે મળે .આ પ્રસાદી ફોટો ના રૂપમાં, સીડી કે પુસ્તકના રૂપમાં પ્રસાદીના સ્વરૂપે વિનામૂલ્યે તલગાજરડા પ્રાપ્ત કરાવે. તેઓ એક વિચાર પૂજ્યશ્રીએ પ્રગટ કર્યો ઈશ્વર તેને સાકારિત કરવા કંઈક કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી.
---તખુભાઈ સાંડસુર વેળાવદર

Tuesday, October 30, 2018

રામ કથા માનસ ત્રિભૂવન -દિવસ ત્રીજો
દેહ નાશવંત છે તે સભાનતા રહેવી જરૃરી :પૂજ્ય બાપુ
તૃતીય દિવસની કથામાં ડૉક્ટર સ્વામી અને શક્તિસિંહ ગોહિલ શ્રાવકો
તૃતીય દિવસની માનસ ત્રિભૂવનકથા નુ રામાયણજીની આરતી થી મંગલાચરણ થયું. BAPS સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી  ડોક્ટર સ્વામી ની આજની કથામા ઉપસ્થિતિ હતી .તેઓએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું, કે સૌના જીવનમાં ધર્મ ,ભક્તિ, સેવા અને સત્સંગ જાગે તે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે. પૂજ્ય બાપુ માનસયજ્ઞથી હજારો લોકોમાં હકારાત્મક વિચારો પેદા કરવાનું વંદનીય કાર્ય કરી રહ્યા છે. અને તે પણ નિરમાની,  અને  નિરંહકારી પણે. સાથે આવેલા પુ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ની અંતિમ આરતી પૂજ્ય બાપુએ ઉતારી છે તે અમોને સદા સર્વદા યાદ રહેશે.
        પૂજ્ય બાપુએ પાવક શબ્દ પુષ્પોને કથા મંડપ ના પ્રાંગણ માં રેલાવતા જણાવ્યું કે મહાદેવજી પાર્વતીજીને કહે છે.
"પૂછે હું રઘુ પતિ કથા પ્રસંગા ! સકલ લોક ભાવની ગંગા!"
ત્રણે લોક સ્વર્ગ ,મૃત્યુ અને પાતાળ આ કથા સાંપ્રત છે .મહાદેવ કહે છે કે સ્વર્ગમાં પણ આ ચોપાઈઓ ગવાય છે. હનુમાનજી પાતાળમાં ગયા હતા લક્ષ્મણજીને છોડાવવા તેથી ત્યાં પણ કથા હોય જ અને મૃત્યુલોકમાં તો છે જ તેથી આ ત્રિભુવન કથા છે.
સંસારી ને એષણાઓ હોય પુત્રેષણા , વિતેષણા, અને ત્રીજી લોકેષણા. એ છે બધાની સામે સારા થવાની વૃત્તિ .જે સાધુ ને છેતરે છે. તૃષ્ણા બાંધે છે. તેનાથી તેનું પતન થાય છે. બ્રાહ્મણો ઓદાયૅપૂર્ણ હોય છે .બ્રાહ્મણોનું આંખનું તેજ અને સાધુની આંખ નો ભેદ આ જગતના બે નેત્રો છે. જીવનના ત્રણ આધાર છે. તે દેહ,પ્રારબ્ધ અને દેવ .દેવ એટલે શુદ્ધ. જ્યાં સુધી શુદ્ધ હોય ત્યાં દેવ છે. જે બુદ્ધ પુરુષનો આશરો કરશે તેને પ્રારબ્ધ પીડા નહીં આપે. માટે એવા ગુરુ નો આશ્રય જરૂરી. જેની પાસે ગુરૂનિષ્ઠા ન હોય તેનું સામર્થ્ય ગુરુપરંપરા કરતી નથી .પરંતુ મુક્ત કરે છે ,જીવનના આનંદ માટે આંતરબાહ્ય શુદ્ધ મહાપુરુષનો આશ્રય જરૂરી છે, બ્રમપદથી સદગુરુ શરણ ચડિયાતું છે. ગુરુ નિષ્ઠાથી સાધકને સરસ્વતી જાનકી ભલે ન મળે પરંતુ તેની પાસે ભક્તિરૂપ મર્યાદા હોય જ. સાધુની જેમ પવિત્ર અને નિર્મળ છે રામનું જીવન મંગલમય છે .ત્યારે કૃષ્ણનું સઘષૅમય છે .કૃષ્ણે તારા મારા નું ધ્યાન પણ રાખ્યું છે. જગતમાં ચાર વસ્તુ નિર્દોષ છે વિષ્ણુ ભગવાન ,સૂર્ય અગ્નિ અને ચોથી ગંગા. જાનકીજી નિર્દોષ છે માટે તેની તેને અગ્નિ પાસે મૂકી શકાય. રામે અગ્નિ રૂપ ભગવાન નો કેટલો ભરોસો છે? કળિયુગમાં રામનામ ચાર ઘાટ ઉપાસના અને શરણાગતિ અને એક મારો પાંચમો તલગાજરડીઘાટ. આ કથા તેના પરથી ગવાય છે. પંચ મુખવાળા શિવજી એટલે તે કૈલાસ ઘાટ પણ છે. શરણાગતિ  એ પરીપૂર્ણ હોતી નથી. તેથી તેમાં કર્મ જરૂરી છે પ્રમાદ મૃત્યુ છે, તેથી કર્મ જરૂરી છે. શરણાગતિ પછી પણ આવશ્યક છે સારા અને સર્વ જનહિત માટે કાર્ય કરતા રહેવું જોઈએ.
અતી દેહદમન એ ક્રૂરતા છે .તપસ્વી શાંત હોવો જોઈએ, રામ પ્રેમી તપસ્વી હોય ,સ્વાર્થી ન હોય પરમાર્થી હોય .કુંભ પૂર્ણ થયા પછી ભારદ્વાજજીના સંશયને દુર કરવા યાજ્ઞવલ્ક્યે રામ કથા સંભળાવી હતી. કથાનું સમાપન થયું.
આજનું કથા  વિશેષ-----------------
--- પૂ બાપુએ બાળપણની કરેલી. ટીખળો નો ઉલ્લેખ કરી સૌને ભાવુક બનાવી દીધા.
--આજ થી રક્તદાન કેમ્પ ની શરૂઆત થઈ. કથાના ક્રમ સુધી પહોંચવાનો તેમાં લક્ષ્યાંક સેવવામાં આવ્યો.
--આજની કથામાં કોંગ્રેસી અગ્રણી શક્તિસિંહ ગોહિલ ,ઉદ્યોગપતિઓ નટુભાઈ ભાદુ, ભીમભાઇ ખોડવાયા હાજર રહ્યા હતા.
--તલગાજરડા ને યાદ કરતા કરતા અહીં જ્યાં જાવ ત્યાં ચોપાઈઓ મળવાની એમ જણાવી પૂજ્ય બાપુએ બધું રામ રામમય હોવાનું જણાવ્યું.
--ભાવનગર રાજકોટ વગેરેના ઘણા દૈનિકો કથાનું મહત્તમ કવરેજ કરે છે. મહૂવામાથી એક વિશેષાંક પણ દરરોજ પ્રકાશિત થઈ રહ્યો છે, તે ખૂબ સારું ગણાય.
--આસ્થા ચેનલ તારીખ 30 10 18 ના રોજ સવારના વિશેષ પ્રસારણમાં તલગાજરડા કથામાં રામદેવબાબાના  યોગસેશન પુનઃપ્રસારિત કર્યું હતું.




Sunday, October 28, 2018

માનસ ત્રિભુવન દિવસ બીજો ..આજની કથાનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ કહ્યું, "બહેનો પણ હનુમાનજીનું હાથ જોડીને દર્શન કરી શકે. "બીજા દિવસની કથામાં સત્રારંભે પૂજ્ય રામદેવ બાબાના યોગાસનો


 માનસ ત્રિભૂવન દ્વિતીય દિવસનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ પોતાની શબ્દ સુગંધ પ્રસરાવતા કહ્યું," યોગના ત્રણ પ્રકાર છે પતંજલિ યોગ ,રુદ્રાષ્ટિક યોગ અને હનુમંત યોગ .યોગીઓ આ દેશ નો પ્રાણ છે . ઓમકાર નો રણુકાર યોગીઓ પાસેથી પ્રાપ્ત થાય .જે ભજનાનંદી હોય તે ભીતર ઉતરે.મારા દાદાએ મને જે માનસ ચોપાઈ આપી અને આજ્ઞા કરી કે તુ આને ગાજે તેમાં મારો યોગ થઈ જાય છે. સલાહ આપવી સહેલી હોય છે ,પણ આચાર અઘરો છે. વ્યાસપીઠ યોગપીઠ સાથે જોડાયેલી રહેશે. પ્રેમ વગરનો યોગી કોઈ કામનો નથી.
                  સમાજમાં વિશેષ કરી બહેનો માંટે પ્રવર્તતી એક માન્યતા નું ખંડન કરતા પૂજ્ય બાપુએ નિવેદન કર્યું કે સૌ કોઈ બહેનોને પણ હનુમાનજીની સર્વ રીતે પૂજન ,અર્ચન કરવાની છૂટ છે. માતાઓ બે હાથ જોડીને પણ તેના દર્શન કરી શકે.હા ,તેમાં આપણી શાસ્ત્રીય મર્યાદા અપવાદ તરીકે ગણવી જોઈએ. તે નિભાવવાની પણ ફરજ છે.રાક્ષસીઓએ પણ હનુમાનજીની પૂજા કરી હતી.હનુમાનજી બ્રહ્મચારી છે. બ્રહ્મચારી અને કુંવારા વચ્ચે ભેદ છે. એક ઉદાહરણથી તેને સ્પષ્ટ કરવામાં આવ્યું.દ્વાપરયુગમા ભીષ્મપિતામહ ,સતયુગમાં નારદજી અને ત્રેતાયુગમાં મહારાજ પરશુરામજી બ્રહ્મચારી હતા.કલિયુગ આ વિભૂતિ કોણ છે તે જાણમાં નથી .રામાયણમાં પાંચ પ્રાણનો ઉલ્લેખ છે .૧, સીતાજી ૨, ભરતજી૩,લક્ષ્મણજી ૪, ચાર સુગ્રીવ ૫, બંદર  ભાલુ વિભિષણ.આ પાચેયની રક્ષા મહનુમાનજીએ કરી છે. શાસ્ત્ર ગુરુમુખ વગર પચે નહીં .બુદ્ધિ બધામાં છે પરંતુ તે વિશુદ્ધ હોય તે જરૂરી છે .યજ્ઞ ,તપ,દાનથી તેવી શુદ્ધ થાય છે .72 પંક્તિ અને 9 દૂહામાં રામનામની વંદના કરવામાં આવી છે. તુલસીદાસ કહેછે કે કળયુગમાં પરમ તત્વ પામવાનું કોઈ સાધન હોય તો તે છે " હરિ નામ" પરમાત્માની પ્રાર્થના આવડી જાય તો તેને કંઈ કરવાનું રહેતું નથી .સમગ્ર બુધ તત્વ રામ નામ છે સૂર્ય ,ચંદ્ર અને અગ્નિનું કેન્દ્ર બિંદુ રામ છે. રામ અને વિષના સંયોગથી વિશ્રામ સુધી જઈ શકાય.  જે શિવને પ્રાપ્ત થયું છે. રામનામ મહામંત્ર છે .વિનય પત્રિકા નામ વિશ્વાસ પર ભાર મૂકે છે .હમણાં જ્વાલામુખી કથામાં એક મુસ્લિમ યુવાન નો પત્ર પ્રાપ્ત થયો તે હંમેશા રામકથાનું શ્રવણ કરે છે .તેની સાથે તેની માતાજી પણ જોડાઈ છે .એકવાર તેના માતાજી બીમાર પડે છે. તે તેને દવાખાને લઈ જાય છે તો તેને ડોકટર આમ કરવાની મનાઈ કરે છે .અરે ..સમ્ ગચ્છ ધ્વમ્, સમ્ વંદ્ ધ્વમ્  સાથે ચાલીએ, સૌને વંદન કરીએ, સ્વીકારીએ .પોતે ક્યારેય સંકીર્ણ નથી તે વાત પર પૂજ્યશ્રી એ વિશેષ ભાર મુકતા સૌને પોતાના ઇષ્ટ ને ભજવાની સ્વતંત્રતા હોય જ એમ જણાવ્યું.



તારીખ 28 10 18 નુ કથા વિશેષ
-સવારે 9 કલાકથી  10 30   કલાક સુધી સુધી રામદેવજી મહારાજ ના યોગાસનો યોજાયા.
-સને 2020માં પૂજ્ય મોરારીબાપુએ બાબા રામદેવજી ના પતંજલિ આશ્રમ માં હરિદ્વાર ખાતે બાબાજીની અનુકુળતાએ કથા કરવાની જાહેરાત કરી.
-માનસ ત્રિભુવનમા બાલકાંડ ની ચોપાઈને કેન્દ્રસ્થ કરવામાં આવી છે
"વિશ્વનાથ મમ્  નાથ પુરારી, ત્રિભુવન મહીમા બિદિત તુમ્હારી  । તુમ ત્રિભુવન ગુરુ ભેદ બખાના ,,આન જીવ પાવર કા જાના     ।"                                -આજની કથામાં બાબા રામદેવજી ,ભાગવતઋષિજી, યોગેશભાઈ શાસ્ત્રી,મેહુરભાઈ લવતુકા વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી
-તખુભાઈ સાંડસુર.    વેળાવદર

તલગાજરડા કથા દિન 1

રામકથાના અદકેરા અવસરનો અવસરનો આરંભ       તલગાજરડા હવે ત્રિભુવન તીર્થભૂમિ છે :પૂજ્ય મોરારી બાપુ માનસ ત્રિભુવનમા બાબા રામદેવ, ભાઈ શ્રી, અને રૂપાલા ની ઉપસ્થિતિ .

વૈશ્વિક ફલક પર રામકથા અને મોરારી બાપુ સાથે હવે તલગાજરડા એ પણ પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. પૂજ્ય બાપુના પૈત્રિક ગામ તરીકે તો લોકો તેને ઓળખે છે. પરંતુ ત્યાંના કાર્યોની સુવાસ પણ એટલી જ મોટી છે .તેજ ગામના યજમાન હરિભાઈ રામજીભાઈ મોરારીબાપુની 818 મી કથાના પોતાના જ ગામમાં યોજવામાં નિમિત બન્યા છે. તેથી તે પણ સૌને ખૂબ ઉમળકો હતો .આજે તારીખ 27- 10 -18 ને  શનિવાર 3- 45 કલાકે રામકથાના પવિત્ર શબ્દો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
યજમાન પરિવાર દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી. જેમાં આહિર સમાજની માતાઓ ,દીકરીઓ પોતાના પારંપારિક પહેરવેશમાં જોવા મળી. બળદગાડા, ઘોડા અને સુશોભિત વાહનોથી પોથી યાત્રા એક ઐતિહાસિક મુકામે પહોંચી.

મંગલાચરણમાં દીપ પ્રજ્વલન  કરવા યોગગુરુ બાબા રામદેવ જી મહારાજ, ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ભવનાથના ભારતી બાપુ ,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિમંત્રિત કરવામાં આવ્યા .યજમાન પરિવારના હરિભાઈ, દર્શનભાઈ અને લંડનથી પધારેલા  શ્રાવક અને ભાવક રમેશભાઈ સચદેવ હાજર રહ્યા.
                     પોતાના વક્તવ્યમાં શ્રી રામદેવ બાબાએ કહ્યું કે આવા પવિત્ર શબ્દો પ્રસંગોને લોકો સુધી પહોંચતો કરવાનું કાર્ય વિવિધ ધાર્મિક ચેનલો કરે છે. પરંતુ તેને અટકાવવાના પ્રયત્ન  મંત્રી શ્રી સુચના પ્રસારણ ના માધ્યમથી નિષ્ફળ બનાવીને પ્રભુકાર્યમાં સૌને જોતરવાનું શ્રેય લઈ શકાયું છે. ભાગવતજ્ઞાતા પૂજ્ય ભાઇ શ્રી એ શબ્દ ને બ્રહ્મરૂપ ગણાવી દરેક શ્રોતાઓ સુધી તે ઠાકોરજીના સ્વરૂપે પહોંચે છે તેમ જણાવ્યું. આ રીતે ઈશ્વર તત્વ શબ્દો થી આપણા સુધી આવવાનો તેઓએ મત વ્યક્ત કર્યો .વધુમાં તેમણે પોતાને રામચરિતમાનસના વક્તા તરીકે સ્થાપિત કરવા પૂજ્ય મોરારી બાપુ જ માધ્યમ બન્યા હોવાનું કહ્યું. ભારતી બાપુએ રામ કથા જ જીવનનો એકમાત્ર માર્ગ હોવાનો મત પ્રગટ થયો કર્યો.
   પુ મોરારિબાપુએ કથાનું મંગલાચરણ કરતાં કહ્યું  કે મારા દાદા પાસેથી મને માનસ ની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. તેથી હું વ્યક્તિગત રીતે કહું છું કે આ ગામ મારા માટે ત્રિભુવન તીર્થ છે.સાહેબ, રામ કથામાં હું કહી દઉં" આઇ એ હનુમંત બિરાજીયે" પછી  સૌને ઈશ્વર જ પ્રેમનો પરમાર્થ કરાવે છે .ભગવત્કૃપાથી શાંતિ એકતા , ભાઇચારો છે એ જ એક મોટી વાત છે. સાધુ સમાજ,વિપ્ર સમાજે  સૌને  રૂડા કરી દેખાડયા છે .મહુવાની સામે કથા ગાવાનો,બોલવાનો છુ પછી વસુંધરા જ વ્યાસપીઠની ઈજ્જત નહિ રાખે ?..રાખશે .....રાખશે.હું આઠ વર્ષનો હતો.જ્યારે આજ પાછળના ખેતરમાં માંડવી વીણવાનું, કસ્તુરી રોપવાનું, કામ કર્યાનું યાદ છે. હવે આજ ભૂમિ પર નવી ખેડય કરવા આવ્યો છું. સમાધાન પ્રેમ  છે તો શરણાગતિ કરુણા છે .પૂજ્યપાદ મારા દાદાના નામે આ કથાનું નામા-ભિધાન માનસ ત્રિભુવન કરાયું છે.
 આજનું કથા વિશેષ
-ધારાસભ્યશ્રી આર સી મકવાણા, કેશુભાઇ નાકરાણી , પ્રવિણભાઇ મારુ ,અમરીશભાઈ ડેર, કનુભાઈ બારૈયા, સાંસદ નારણભાઇ કાછડીયા ,વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે વિશેષ ઉપસ્થિત હતા.
-સુરત ઉદ્યોગપતિઓ સવજીભાઇ ધોળકિયા ,લવજીભાઈ બાદશાહ વગેરે પણ આજની કથામાં ઉપસ્થિત હતા
-તલગાજરડામાં સોળ વર્ષ પછી રામ કથા નું આયોજન થયું છે અને અહીં નિત્ય દસમી કથા છે બાપુએ આ કથાને દક્ષિણાભિમુખ કથા કઈ છે
-દુનિયાભરના રામ કથા સાથે જોડાયેલા રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા છે
-કથાનો વિશાળ આયોજન અને બીજી તરફ શહેરની અશાંત પરિસ્થિતિ એ સૌને ઉંચા નાખ્યા હતા પરંતુ રામનામના પ્રભાવથી પુનઃ શાંતિ સ્થપાઇ છે.
-કથાના નવ દિવસનું ભોજન નાસ્તા નુ મેનુ સોશિયલ મીડિયામાં ફરતુ થયું છે.તે સ્વાદપ્રેમીઓમાં પ્રેમીઓમા મોમાં પાણી લાવી દેનારુ બની ગયું છે
-સ્વયંસેવકોની મોટી ફોજ સમગ્ર આયોજનને પાર પાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે               -   -મહુવા ડેપોમાંથી કથા સ્થળે જવા આવવા દર પંદર મિનિટે એસટી ની વ્યવસ્થા કરવામાં આવી છે ----                     -આસપાસના તાલુકાના સાધુ બ્રાહ્મણો ને શુક્રવારે તારીખ 26-10-18 ના રોજ સમુહ ભોજન પીરસીને યજમાન પરિવારે એક નવી પહેલ કરી છે.
-તખુભાઈ સાંડસુર વેળાવદર

Thursday, October 18, 2018

કટાક્ષિકા..૧૮-૧૦-૧૮

કેવું પડે હો..!? અલ્પેશનો’ય વારો પાડ્યો



----------તખુભાઈ સાંડસુર   
(પરભાતનો પોર, બાપુની ડેલીએ ડાયરો,
પાત્રો---ભગો, અરજણ ભગત અને મૂળિયો…)
‘એલા ભગા કાલ તો તું ડેલીએ બવ મોડો આવ્યો તે કેમ એમ..!?’
‘લે બાપુ, કાલની વાત ઠેઠ આજ યાદ આવી..??’
"ભારે કરી ,આ રઘલાના છોકરાનો જામીન થાવા ગ્યો તો, ઈણે કાંક ઓલ્યા લાદી ઘહવાવાળા હારે માથા કાહટી કરી તે ફોજદારને ખબર પડી ઈણે કર્યો કેસ, લાંબુ થઈ ગયું."
"હા, ઈ છોકરાને ખબર નો હોયને હમણાં આ નવું ગતકડું પ્રાંતવાદનો ઉભુ થ્યું છે."
વાત આગળ હાલતા હાલતા અરજણ ભગતે આખી વાતનો ફોડ પાડ્યો.
‘જુઓ, બાપુ ભગાભાઈને નો ખબર હોય ,છાપામાં તો આવે છે. બીજા રાજ્યના લોકો પર હુમલા થ્યા. હુમલા હથ્યા. પણ ક્યાંય કોઈ મરી ગ્યાનું જાણ્યું છે. આખા ગુજરાતમાં ? આ ભાજપવાળા એક પછી એકનો વારો કાઢે છે. જુઓ હાર્દિકને ઉપવાસ કરવા દઈને સરકાર કે ભાજપવાળા એક શબ્દેય નો બોલ્યા ઓગણી દીના વાણા વાયા પછી પોતે જ હાથે હાથે ઓગળી ગ્યો. એનું મીંડુ મુકાઈ ગયું." ‌‌                       ’‘તારી વાત હાસી હો ,પછી ક્યાંક એણે પાછા ઉપવાસ કર્યા પણ છાપાવાળાએ એક લીટીય લખી નથી લ્યો..!!’
‘ઈ જ વાત કરૂ છું. હાર્દિકનુ ધબોય નમઃ કર્યા પછી વારો આવ્યો અલ્પેશનો, તેને જુઓને આ પ્રાંતવાદમાં ફસાવી દઈ પુરો કર્યો. ક્યાંય કોઈ તોફાન નહીં તોય છાપા ભરાઈ ભરાઈને ઈ જ વાત આવે. ટી.વી.વાળા નવરા પડે એટલે ગામમાંથી થોડાક ગળ ચોપડીવાળાને ભેગા કરીને વાતનું કરે વતેસર… એ હાલ્યું. જુઓ તો ખરા,!વાતમાં કાઈ માલ નહીંને ઠેઠ લખનઉને પટણા હુધી વાત પોગી નીતિશ ને યોગી પણ ગામના ચોકમાં આવી ગ્યા લ્યો !’
‘ભગત, આ મુળો કાલ જ કે તો તો કે ભાજપવાળા પાહે કોક ચોગઠા ગોઠવવાળા બહુ ભેજાબાજ છે. ક્યાં કોની કુંકરી ઘાએ ચડાવવી ઈની એને બરાબર પડે છે.’
‘કેમ નહીં આ પ્રાંતવાદ ઉભો કરીને અલ્પેશને ગુજરાત બહાર નીકળવાના રસ્તા જ બંધ કરી દીધા. ભાજપ આમા નથી એમ સાબીત કરવા રૂપાણીને લખનૌ, નીતીન પટેલને મુંબઈ અને બીજા નાનકડા નેતાઓને આખા ભારતમાં મોકલીને ત્યાં પ્રેસ પરિષદ કરાવીને કીધી અમે તો દુધે ધોયેલા છીએ પણ કોંગ્રેસવાળા જ કાળા કામના કરનારા છે.એવી બંબુડી વગાડી’
‘ભગા, તું કે તો તો ને કે મોદીની એકતા જાત્રા માટે આમંત્રણ આપવા રૂપાણી ગ્યા છે. એમ કહી અમને કાંઈ વાંધો નથી , અમારા નરેન્દ્રભાઈને તમે ત્યાં જાળવજો, ખફા થતા નઈ એમ કેવા ગ્યાતા. ઈ માળું હાસુ હો..!!’
‘બાપુ આપડું મતદાન જ આ બધા વાદમાં થાય છે. એટલે જ કાંઈ નો કરવાવાળીની પપુડી વાગે છે. જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ, સંપ્રદાયવાદ અને બાકી હતું તે આ પ્રાંતવાદ !!બાકી કેવું પડે ,જો ને ત્યાં ઉત્તરપ્રદેશના કોંક ફાસફુસીયા પાસે અલ્પેશનું માથુ વાઢવાનું નિવેદન કરાવીને બિચારા અલ્પેશનો વારો પાડી દીધો.’
‘મુળા,આ રાહડાં લેવાની નવરાત્રિ નથી, એવી વાત કેમ કોઈ હમજતું નથી. માતાજીના અનુષ્ઠાનનું આ પર્વ કોણ પુરી ભાવનાથી ઉજવે છે.! આતો લ્યો હંબો… હંબો… હઈસો… હે રામ…!!’
‘અરે બાપુ ઈમાંથી આ 'મીટુ 'ની હોળી જાગે છે. જુઓને છેવટે અકબરની કબર નો ખોદાઈ ગઈ. એમાંય એક ભાઈએ તો ફેસબુકમાં એવું લખ્યું કે હું એમ.જે.નો માસીયાઈ ભાઈ છું લ્યો કરો વાત જરાક લાજી મરો, લાજી મરો..!!’
‘ભગા… આપડે આ તલગાજરડા જાવું જોહે,બાપુનો સૌને સંધેહો છે કે મારી ભુમિમાં કથા છે. યજમાનેય ન્યા ન્યા છે. સૌ આવજોને આવજો નવ દી મોજ કરવી છે.’
‘હા… મોરારિબાપુએ એના કાર્યાલયના મગલાચરણમાં ખૂબ પોરહીલી વાત કરી તી. મનખ્યો ભેળો થાહે.આમેય બાપુની વાણીનો પ્રભાવ દુનિયાભરના લોકોને ક્યાંના ક્યાંથી ઢહડી લાવે છે હો!’
‘હા… અહીંથી ક્યાં છેટુ છે. સૌ બે-ચારદિ જઈ આવશું. વળી દિવાળી આડે ત્રણથી બાકી હશે ને તો પૂર્ણાહુતી થશે. એનોય બરોબર મેળ જ છે,જઈ આવશું. ઠીક તઈ લ્યો સવને રામ… રામ…’

Wednesday, October 3, 2018

લેખ ૪૯૭ પર

IPC ૪૯૭ રદ્દ : સમાજ નવનિર્માણની આઝાદી કે વ્યભિચારને ખુલ્લુ સમર્થન ?!                                ..                                                                                            ..  તખુભાઈ સાંડસુર                                    કેરળનો વ્યક્તિ જોસેફ સાઈન સને ૨૦૧૭માં સર્વોચ્ચ અદાલતમાં વ્યભિચાર ગુનો નથી તે માટે એક જન હિત અરજી કરે છે. ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૭ની જોગવાઈ રદ કરીને સીઆરપીસીની કલમ ૧૯૮ની કાર્યવાહી કે અમલીકરણને બંધ કરવામાં આવેે. મુદ્દો સંવેદનશીલ હતો.તેથી ભારતની સર્વોચ્ચ અદાલતે સીજીઆઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે તાજેતરમાં આ અંગેનો ચુકાદો સંભળાવીને જોસેફની વાત માની લીધી.એક જોગવાઈ મુજબ કોઈપણ અદાલતોના ચુકાદાઓ કે બંધારણીય  વિવિધ ઠરાવો અથવા લોકતંત્રની કાયદો ઘડનારી સંસ્થાઓ સંસદ કે ધારાસભાઓમાં સર્વોચ્ચ અદાલતનો હુકમ આખરી અને છેલ્લો માનવામાં આવે છે. તે જ કોર્ટ તેની અપીલ સ્વીકારી શકે અથવા તેના પર પૂનઃવિચાર કરવાની સત્તા પણ ધરાવે છે. પરંતુ મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતામાં બનેલી પાંચ જજોની ખંડપીઠે આપેલા નિર્ણયો છેલ્લા જ ગણવા પડે.

બંધારણની કલમ ૧૯માં ભારતના તમામ નાગરીકને વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. વ્યભિચાર એટલે કે કોઈપણ બે વિજાતિય વ્યક્તિઓ કે જેઓ લગ્ન સંસ્થાથી જોડાણ ધરાવે છે તે કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ સાથે શારિરીક સંબધ સ્થાપિત કરે તો તે આ વ્યાખ્યામાં આવે. લગ્નને કોઈ માલિકી હકના સંદર્ભે ન જોવામાં આવે તો પણ એક મેકના વિશ્વાસ કે સ્થાયી સંવેદનશીલ સંબધોના સ્વરૂપે જોવુ જોઈએ.

સર્વોચ્ચ અદાલતના જે પાંચ ન્યાયમૂર્તિઓએ આઈપીસી ૪૯૭ ને નાબુદ કરવા ચૂકાદો આપ્યો તેમા એક મહિલા જસ્ટીસ પણ છે,ઈંદુ મલ્હોત્રાજી.કોર્ટ કહે છે કે ૧૮૬૦માં બનેલો આ કાયદો આજના પરીપ્રેક્ષમાં જુનો, આઉટડેટેડ છે. વિકસિત દેશો જાપાન, ચીન, ફ્રાન્સમાં વ્યભિચારને અપરાધની વ્યાખ્યા મુકવામાં આવતો નથી. જીવવાના અધિકારની શ્રેણીમાં પણ જાતિય સંબધો સ્થાપિત કરવા મુક્તતા હોવી જોઈએ. જસ્ટીસ ઈંદુ મલ્હોત્રાજીએ નોંધ્યુ કે મહિલાને હંમેશા પીડીત માનવામાં આવે છે. જ્યારે પુરૂષને પ્રલોભક ગણીને તેને સતત અન્યાય થઈ રહ્યા છે. વ્યક્તિને પોતાના વર્તનનો સ્વૈચ્છિક રીતે અધિકાર મળવો જોઈએ.તેમા પણ કોઈ લિગભેદ ન હોય. જ્યાં આ સ્વેચ્છાચારને ગુનો ગણવામાં આવે છે. તેવા રાષ્ટ્રો રૂઢિગત છે. દા.ત. અફઘાનીસ્તાન, પાકિસ્તાન,  ઈરાન, આફ્રિકાના દેશો જે મોટે ભાગે મુસ્લિમ રાષ્ટ્રો છે. ત્યાં શરિયતને વધુ મહત્વ અપાઈ રહ્યુ છે.

અમેરીકામાં આવા અવૈધ સંબંધો પર એક સર્વે કરવામાં આવ્યો. તેમા તારણો નીકળ્યા કે ત્યાં આવી વૃત્તિઓને ૨૫ વર્ષમાં વધુ વેગ મળ્યો છે. ૧૪ ટકા સ્ત્રીઓને એકસ્ટ્રા મેરીટીયલ રીલેશનમાં રુચિ છે.૧૭ ટકા લોકોના અવૈધ સંબંધોથી ડીવોર્સ થયા છે. ૯૦ ટકા લોકો અવૈધ સંબધને અનૈતિક માનતા નથી. સંબંધોના તંતુ જોડવામાં ૮૫ ટકા સ્ત્રીઓ છેતરાઈ છે. જ્યારે પુરૂષોનું પ્રમાણ તેમા ૫૦ ટકા છે. આ રીતે વિકસીત રાષ્ટ્રનો વ્યુહ અલગ છે. તેથી ત્યા હવે લગ્નજીવનનો સમયગાળો અતં તરફ ગતિ કરી રહ્યો છે.

અત્યાર સુધી લગભગ આ કલમનો ઉપયોગ ભારતમાં કોલગર્લ અને ગ્રાહકની ગેરકાનુની પ્રવૃત્તિ પર કરવામાં આવે છે. કોઈ પતિ પત્નીના કિસ્સામાં આ કલમનો કોરડો ભાગ્યે જ વિઝવામાં આવ્યો હોવાનુ ધ્યાને આવ્યું છે. તો અહિ તેને રદ કરવાનું કેટલુ પ્રસ્તુત છે !

ભારતની સમગ્ર સમાજ વ્યવસ્થા ધર્મની રૂઢિગત માન્યતાઓ સાથે સંલગ્ન છે. જાતિય વૃત્તિઓને સ્વેચ્છાચારમાં બદલીને વ્યક્તિના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાયેલો રહે છે. માનવ એક એવુ પ્રાણી છે કે તેનામાં સૌથી વધુ સેકસ્યુલ જેલ્સીની માત્રા જોવા મળે છે. અને માટે સ્ત્રી લગતા અપરાધોનું પ્રમાણ પણ ખુબ વધારે છે.ત્યારે તેમા ખુબ ઉછાળો લાભ. લગ્ન જીવન પર પણ નવો ખતરો મંડરાયેલો રહેશે. સ્વૈચ્છાચારથી સમાજ વ્યવસ્થા ધ્વંસ થશે. ભગવદગીતાના શબ્દો ટાંકીએ તો વ્યભિચારથી વણશંકર પ્રજા નિર્માણ પામશે. દેહ વ્યાપારની ગેરકાનૂની પ્રવૃત્તિથી મહાનગરો ધમધમી ઉઠે તેમપણ બને. આઈપીસી ૩૭૭ એટલે સમલૈગિકતાને માન્યતા અને પછીથી ૪૯૭ પર ચોકડી મારવા જેવા અદાલતીય ચુકાદાઓ આપણી પારંપારિક સમાજ વ્યવસ્થા માટે પડકારરૂપ બનશે. તે એટલુ જ સનાતન છે. કરણ થાપરનું એક વાક્ય ટાંકુ છુ.

"Ther's much ado about fidelity and infidelity.I think sometimes true emotional relationships can go beyond those."

એટલે કે જ્યાં વધારે નિષ્ઠા અને અવિશ્વાસનું દ્વંદ્ધ હોય તેજ સબંધો ખરા સંવેદનશીલ ગણાય. દેશી કહેવત છે કે ઘરમાં વાસણ ખખડે પણ ખરા પણ તેનાથી તેને અભેરાઈએ ન ચડાવી દેવાય. આ શકવર્તી ચૂકાદાનો પૂર્નવિચાર કે તેના માટે કેન્દ્ર સરકારનો કોઈ વટહુકમ આપણી સાંસ્કૃતિક ધરોહરને બચાવનારો સાબીત થઈ શકે.

Monday, October 1, 2018

બેબસ વિદ્યાર્થી


હું છું સરકારી શાળાનો બેબસ વિદ્યાર્થી........                                       --  તખુભાઈ સાંડસુર                                                                                         મને સરકારી શાળામાં જુઓ છો. કારણ કે ખાનગી શિક્ષણ મેળવવા માટે કાવડિયા નથી ,ગામડામાં મારી પાસે બીજો વિકલ્પ નથી. મારું સરનામું મફતપરું અને શહેરની ગંદી  ઝુંપડપટ્ટી છે. તમારી સૌ પાસે મારી કેફીયત રજૂ કરી પ્રથા, વ્યથા અને વ્યવસ્થા ઉજાગર કરીને થોડો હળવો થવા ઈચ્છું છું. શિક્ષણના ત્રણ આધારસ્તંભો છે. વાલી ,શાળા અને સરકાર. પરંતુ તેઓએ મને ભગવાન ભરોસે છોડી દીધો છે. મને મળનારી તકો સાવ ક્ષીણ છે. તોય તે અન્યો લઈ જવા ઉતાવળા છે. લગભગ તમામ ઈચ્છતા હોય કે હું લાચારીના નર્કમાંથી બહાર જ નીકળું.

મારું કુટુંબ કંગાળ છે. રહેવા એક ઓરડો અને ખાવા મા-બાપે શ્રીમંતોની ચોખટ પર મજુરીની રોજ ગુહાર લગાવવી પડે છે. મારા વાલી-પિતાને મારા ભાવીની ચિંતા   છે જ, અને હોય જ પણ રોજ ખાલી થતાં અભાગિયા પેટ ભરવાનો ભાર વધારે હોય છે ,તેથી હું શું ભણું છું? કેટલું ભણ્યો? કોણ ભણાવે છે ? તેની ક્યારેય પૂછપરછ કરી નથી. હા, તેને વાટ હોય સ્કોરશીપના પૈસાની…!! કારણ કે તેની મતી ત્યાંથી આગળ જઈ શકતી નથી. મારો શાળા સિવાયનો સમય હોટલના નોકર તરીકે કાં તો ભાગિયા ખેતરની મજૂરીમાં વીતે છે. વરસોથી શાળાના પગથિયા ઘસતો રહ્યો. પણ આઠ વરસમાં ગણિતનાં બે આંકડાનો સરવાળો કે બે વાક્યોનું વાચન આવડ્યું નથી. કોઈએ મારી કારકિર્દીનો રેકર્ડ માગ્યો નથી. અમારા સાહેબ અઠવાડિયામાં બે-ત્રણ દિ’એ કલાક અમારા વર્ગમાં આંટો મારે છે. બાકી તો તે એક રૂમમાં બેસીને શું કરતા હશે રામ જાણે…!!

મને મારા પિતાજી પર ગર્વ છે કે તે મને રોજ શાળાએ મોકલે છે. મજુરીના વધુ પૈસાનો લેાભ છોડીને તેણે મને સાત વરસ શાળા જોવા મોકલ્યો. બૂકમાં લીટા દોરવા અને મેદાનમાં બેટ- દડે રમવા સિવાય લગભગ અમે કાંઈ કર્યું નથી. અમારામાંથી ઘણાં બપોરના મધ્યાહન ભોજનના લોભે લોભે આવે છે. અમારા વર્ગના ૫૦માંથી પાંચેક છોકરાને વાંચતા આવડી ગયું છે પણ તે બધાને તેની બહેનો કે મોટા ભાઈઓ ઘરે જઈ ભણાવે છે. અમને ખાનગી શાળામાં રાખે કોણ ?! આર.ટી.ઈ.નો કાયદો છે પણ દિવાળી સુધી તેના રાઉન્ડ આવ્યે રાખે. નંબર ન લાગે. લાગી જાય તો તેનું વર્તન અમારી સાથે ઓરમાયું…!!

અમારા શિક્ષક સાહેબોનો એકેય છોકરો કે છોકરી અમારી નિશાળમાં આવતા નથી. કારણ કે તે બધું જાણે છે…? ગામના સરપંચ કે પંચાયતને ગ્રાન્ટમાં રસ પડે છે, અમારામાં નહીં.

સરકારીબાબુઓ તેના સંતોનાને વિદેશમાં સેટલ કરવામાં કે ભારતની કઈ કોલેજમાં કેટલું ડોનેશન…તેનું ઉઘરાણું ક્યાંથી કેવી રીતે કરવું ?તેની વેતરણમાં હોય છે. ચૂંટાયેલા સુબાએાને કોક ઉત્સવોમાં નિશાળોમાં તગડે છે. પણ તેઓ પોતાની ગાદીઓ ટકાવી રાખવામાં અને જે નથી મળ્યું તે મેળવવાના હતકંડાઓમાં રચ્યા-પચ્યાં રહે છે. કોને ક્યાં ભેળવવો ? કોને કયા ખસેડવો અને ખતમ કરવો ?એના ગ્રાફ દોરાતા રહે છે. મારું ભણતર કે ભાવી તેની પ્રાથમિકતા નથી. વળી હું જ્યાં છું ત્યાં રહું તો તેમની તીતુડી વાગતી રહે તેવો તેનો છૂપો એજન્ડા છે પણ થાય શું ?!

મારા ભણતરનો પાયો કાચો અને બોદો રહેવાનો. મારી ક્ષમતા શિક્ષણમાં સાત વરસમાં ૨૦-૨૫ ટકાથી વધુ નથી. તેથી હું દસમાંની જાહેર પરીક્ષામાં પાસ થઈ શકીશ કે કેમ તે એક સવાલ છે?અને થઈ પણ ગયો તો બારમું આવશે. વળી મારું ગાડુ રગશિયું ગબડ્યા કરે તો પણ હું નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાનગી શિક્ષણ મેળવનારાની બરોબરી ક્યાંય કરી શકું તેમ નથી ત્યાં પાછો સમાનતાનો સિદ્ધાંત લાગુ પડશે એટલે મને અહીં કોઈ અગ્રતા મળવાની નથી. મારી સાત પેઢી ગરીબીમાં સબડતી રહી છે અને મારો વારો પણ મજુરી કરવા સિવાય કંઈ નથી. અમારા સંતાનોને પણ આજ દોઝખમાં જીવવુ પડશે..!! જે માતબર છે તેને બધુ મળે અમારું કોણ? ઈશ્વરેય આમા અમારી ધા પોકાર સાંભળે તેમ નથી. હા…દરેક ચૂંટણીમાં અમને નવા સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે. અમને આવી વાર્તાઓ સાંભળવાની મજા પડે છે પણ તેમાંનું કંઈ થતું નથી.

આ વેદનાઓના ડંશ સહી સહીને અમે હવે સાવ રુક્ષ થયા છીએ. ઈશ્વર જ કોઈ કાળે તારણહાર બને બીજું તો શું થાય…!!?