Thursday, January 6, 2022

સિક્યુરિટી લેખ

 વી.વી.આઈ.પી સિક્યોરિટી : ઢમ ઢોલ માંહે પોલ

તખુભાઈ સાંડસુર

5 જાન્યુઆરી બુધવારની બપોરે વડાપ્રધાને ભટીંડાથી દિલ્હી તરફ ઉડાન ભરતાં પહેલાં ટવિટ કર્યું કે હું જીવતો રહ્યોં તે માટે પંજાબના મુખ્યમંત્રીનો આભાર.આ ટ્વીટર વાક્ય આખાં દેશમાં હડકંપ મચાવી દે છે. વાત એવી બની છે કે માનનીય પ્રધાનમંત્રીજી દિલ્હીથી ભટીંડા અને ભટિંડા થી હેલિકોપ્ટર મારફતે ફીરોઝપુર જવાના હતાં. ત્યાં શહિદ સ્મારકની મુલાકાતની સાથે 42 કરોડના કામોનો લોકાર્પણ અને ભૂમિ પૂજન વગેરે કાર્યક્રમો સાથે એક રેલીનું પણ આયોજન હતું. પરંતુ જ્યારે પ્રધાનમંત્રીનું વિમાન ભટિંડામાં ઉતરે છે ત્યારે બપોરના 11નો સમય થઈ ચૂક્યો છે. ત્યાંથી હેલિકોપ્ટર મારફત જવા માટે વાતાવરણ અનુકુળ નથી તેવો રિપોર્ટ્સ આવે છે. તેમાં 20 મીનીટ જેવો સમય પસાર થાય છે,પછી વડાપ્રધાનનો કાફલો જમીન માર્ગે ગંતવ્યસ્થાન સુધી પહોંચવા માટે રવાના થાય છે. પ્યારેવાલા નામનું એક સ્થળ કે જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં પહોંચતા વડાપ્રધાનનાં કાફલાની વચ્ચે પ્રદર્શનકારીઓ આવી જાય છે આ પ્રદર્શન કારીઓ ખેડૂતો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. તેના કારણે કાફલો પંદર-વીસ મિનિટ સુધી રોકાઈ રહે છે. ગડબડ એવી થાય છે હવે મોટરમાર્ગે ફીરોઝપુર જવું મુનાસીબ નથી તેવી સલાહના કારણે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કાર્યક્રમ અટકાવી પરત દિલ્હી તરફ નીકળવા ભટીંડા એરપોર્ટ પહોંચે છે. પરંતુ જે રીતે કાફલાને અટકાવવામાં આવ્યો અને વડાપ્રધાનની સલામતી માટે ગંભીરતાના સવાલો સામે આવ્યાં.ત્યારે પંજાબની કોંગ્રેસની ચરણજીત સિંહ ચન્નીની સરકાર સામે પણ અનેક પ્રશ્નો આવીને ઉભા છે. કોઈપણ વ્યક્તિને પોત પોતાના અધિકારો માટે લડત આપવા કે દેખાવ કરવાની છૂટ જરૂર છે પણ તેમાં તેની મર્યાદાનું પાલન થાય તેટલું જ જરૂરી છે અહીં જે રીતે પ્રદર્શનકારીઓ કાફલાની વચ્ચે આવી ગયા તે આવી જવા પાછળ વડાપ્રધાનની સલામતી માટે અનેક યક્ષપ્રશ્ન ખડા થાય છે.

            સવાલ એ છે કે વડાપ્રધાન મોટર માર્ગે આવી આવી રહ્યાં છે તેની જાણકારી પ્રદર્શનકારીઓને કેવી રીતે મળી ? વળી જ્યારે વડાપ્રધાને જમીન માર્ગે નીકળવાનું નિર્ણય કર્યો ત્યારે તેની સલામતી માટેના પગલાઓ ભરવામાં શા માટે બેદરકારી કરવામાં આવી ? વડાપ્રધાન જેવા મહાનુભાવોની સલામતી રાષ્ટ્રના ગૌરવની સાથે જોડાયેલી છે અને તેમાં નાનકડી લાપરવાહી પણ અનેક પ્રશ્નો સર્જે છે.બધા પાસાં વિચારી પછી જ યાત્રાને પરવાનગી મળે છે તો અહીં આવી ભુલ કેમ થઈ? આટલી સંખ્યામાં પ્રદર્શન કારીઓ જમા થયાં તેની ગંધ રાજ્યો અને કેન્દ્રના ગુપ્તચર વિભાગને શા માટે ન મળી ? વડાપ્રધાનના કાફલા સુધી પ્રદર્શનકારીઓને પહોંચવા માટે કોણે પ્રેરિત કર્યા અને કેવી રીતે પહોંચ્યા ?આ બધા સવાલો આજે તપાસનો વિષય બન્યાં છે. પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગુપ્તચર વિભાગને પૂરતા પ્રમાણમાં માહિતી કેમ ન પ્રાપ્ત થઈ!  જો પ્રદર્શન કારીઓની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હોત હોય તો જમીનમાર્ગનો આ રસ્તો કેવી રીતે પસંદ કરવામાં આવ્યો ?

   વી.વી.આઈ.પીની સિક્યુરિટી સામે સતત આંગળી ચીંધાતી રહી છે. હમણાં જ આવી સલામતીના છીંડાના કારણે બિપિન રાવત જેવાં હોનહાર યોદ્ધાને આપણે ખોઈ નાખવા પડ્યા.  તેને વ્યક્તિગત રીતે બે જવાબદારીના પરિણામ સ્વરૂપની શહાદત તરીકે ઓળખાય છે. કારણકે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું હોય તો તેનું ટેસ્ટિંગ, ગુણવત્તા સહિતની બાબતો ચકાસવામાં આવેલી હતી કે કેમ ? વળી આર્મી ચીફ જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરે તે પુરતું સલામત છે તેવો આગ્રહ શા માટે રાખવામાં ન આવ્યો ? આવા અનેક સવાલો આપણી સામે ઉભાં છે.

          ભારતના રાષ્ટ્રપતિજી 24 અને 25 નવેમ્બરના રોજ કાનપુરના બે દિવસના પ્રવાસે ગયેલાં.તેની મિનિટ ટુ મિનિટ પ્રોટોકોલની 78 પાનાની બુક જે ગોપનીય હોય છે તેને કોઈએ સોશ્યલ મીડિયામાં સાવૅજનિક કરી દિધી.તે સમગ્ર વ્યવસ્થા તંત્રની સામે સવાલ ઉઠ્યો?  રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવની સલામતી માટે જો પૂરતી ગંભીરતા ન હોય તો સામાન્ય માણસ માટે શું હોઈ શકે ! વડાપ્રધાનના કિસ્સામાં તેઓએ ટ્વીટ કરી સૌને માહિતગાર તો કર્યા. પરંતુ અહીં આ બધા પ્રકારના સવાલો મહાનુભાવોની સલામતી માટે ખડાં થઈ રહ્યાં છે. સરકારી તંત્ર સાથે જોડાયેલાં સૌ લોકો અંત્યંત બેજવાબદાર અને બેદરકાર હોય તેવી હવે છાપ લગભગ રૂઢ થઇ રહી છે.ત્યારે આ પ્રકારના કિસ્સાઓને નજરઅંદાજ કર્યા વગર દરેકને તેમની જવાબદારીનું અને બે જવાબદારીમાં બેદરકારીનુ સંપૂર્ણ ભાન કરાવવું રાષ્ટ્રભક્તિ છે. તેમ કરવું જ રહ્યું

            સલામતીના સવાલોમાં રાજનીતિ ન  શોભે.તેને તેની સાથે અનુબંધિત કરવી યોગ્ય નથી.જો તેમ થશે તો વાધ આવવાંના ટાણાને સાચવવાં કોઈ ઉભું નહીં હોય ! બી કેર બી એલટૅ..! આપણાં માટે મહાનુભાવો ની સલામતી મુદ્દો છે પણ તેને મુદ્દો બનાવી સિયાસતી ખેલ દુઃખદ છે..!