Friday, March 29, 2019

શરમ --લેખ

શરમ:-- વિવેક ,વ્યવહાર અને વ્યવસ્થાનુ પોત
   
---તખુભાઈ સાંડસુર
   શરમ સ્ત્રીસૌંદર્ય નું સંગીન આભૂષણ ખરું પરંતુ તેને એમાં લપેટાયેલી રાખવી 'માઈક્રો વાયોલન્સ' ગણાય. શરમ નો પર્યાય લજ્જા છે.માટે તેને  લાજવંતી તરીકે નવાજીએ છીએ .સ્ત્રીનો આ ગુણ સર્વગુણ સંપન્નતા ના ગ્રાફને ઉપર લઈ જાય  છે .આ બાબત માત્ર સ્ત્રી જગતને લાગુ પડતી નથી. માનવના અધિકાધિક અપેક્ષિત ગુણોમાં શરમને સમાવિષ્ટ કરવાની વાત તેને શિષ્ટતા તરફ દોરી જવાનું મહાપ્રસ્થાન છે. તેને મર્યાદા, ભાર તરીકે પણ ઓળખવામાં આવે .આપણા વ્યવહારમાં પ્રયોગ કરતા કહીએ છીએ કે 'તેણે મારી પાસે આ માગણી મૂકી હું શરમ ના મૂકી શક્યો '.આ ચીજની વ્યાપકતા વ્યવસ્થા, વિવેક અને વ્યવહારના કોઈ બાકોરાં પડવા દેતી નથી. બધું સમુસુતરું રાખવા તેનું મહત્વ સબ્જીમાં સબરસ જેટલું છે .પરંતુ કેટલાક સામેનાની શરમ સામનામાં બદલાવા મજબુર કરે છે .ચલચિત્ર 'ચૌદવી કા ચાંદ'મા શકીલ બદાયૂનિની લખેલી પંક્તિઓ પણ આ જ વાત કરે છે .
 શર્મા કે યે ક્યો સબ પરદાનશીન આચંલ કો સંવારા કરતે હૈ,
 કુછ ઐસે નજર વાલે ભી હૈ ચુપચુપ કે નજારા કરતે હૈ"
                        વિવેકની જન્મદાત્રી શરમ છે. તે સમાજ વ્યવસ્થાને સંકલિત કરી ,જોડે છે .સ્ત્રીઓ'ને જ આ ચાબુકના દાયરામાં મૂકવાનું તેને અન્યાયના કીચડમાં ધકેલવા જેવું દુષ્ક્રત્ય છે .આપણી દૈહિક રચનામાં તેની અગ્રતા જરૂરી ગણાય. માતા જવાબદારીની અગ્રીમ હરોળમાં ભલે હોય, તે  ભણતર નું પહેલું પ્રકરણ છે. પણ સમયના વહેણોએ આપણી વૈચારિક નૈયા 'કહા સે કહા 'પહોંચાડી તેનો ખ્યાલ નથી રહ્યો .જ્યાંથી શિવાજી ,રાણા પ્રતાપનું અવતરણ સંભવ્યુ, ત્યાં આજે પશ્ચિમી ઢોળે કદરૂપા ચિત્રનું સર્જન કર્યું છે.આ અંધારું ત્યાથી ટસનું મસ થતું નથી ,બલ્કે તેની ગહનતા વધતી ચાલી છે. તાજેતરમાં મને ગૂગલે કહ્યું કે 'યુરોપની ઈયોન નામની નર્સે પોતાના ફેસબુકીયા, ટ્વિટરિયા સમંદરમાં 60 અર્ધનગ્ન ,સેકસી ફોટા તરતા મૂક્યા .દસ લાખ લોકો જાણે ટાંપીને બેઠા છે તેને દસ મિનિટમા આવી જબરજસ્ત હીન્ટ આપી ..! કેવાય ને ગજબ !' નફટાઈનો પાક લણનારા ની સંખ્યા વૈશ્વિક વસ્તી ની લગોલગ છે. આ બેશરમીનો તેને  તો કોઈ અફસોસ નથી ,પણ પારકુ દુઃખ વ્યાજે  લેનારા વલોવાયા કરે છે.
      ક્ષણિક વિચારો કે એકબીજાની શરમ ન હોય તો શું થાય ?? કુટુંબીક વ્યવસ્થા રાખ ,ભરોસો અને ભાવ ભૂક્કો, આર્થિક વ્યવહારો ઓગળી જાય. સંબંધોના સ્વસ્તિક છિન્ન, માનવ પોતાની ઓળખ ગુમાવી બેસે. તે તમામને જીવંત રાખનારું તત્વ શરમ છે. તેનો હિસ્સો અજોડ છે .સામાજિક ભયથી આખી વ્યવસ્થા ટકી રહે છે ,તેના પાયામાં છે શરમ. કોઈના લીધેલા નાણાં પરત કરવા ,સામાજિક રીતે સ્વીકૃત થવું, તેવા સંબંધો સ્થાપિત કરવા ,વિવેક પૂર્ણ વ્યવહાર અને વર્તન કરવું , બધું લજ્જાની બિહામણી રાક્ષસી થી અબુડ છે .તેથી' સોશિયલ જસ્ટિસ 'નુ સર્જન પણ આ જ રસ્તે થાય છે .મારા ગામના એક વેપારી કહેતા કે' મને નજીકના શહેર ના બીજો વેપારી દૂર હોવ ત્યાં બજારમાં મારાથી જોરથી બુમ પાડે , જે અન્ય વેપારીઓ સાંભળે તો તેને લાગે છે વેપારી પાસે તેનું લેણું હશે કે કેમ ?મેં તેને સાફ કહ્યું હતું  તું મને ચા પીવા સાદ પાડે છે પણ અન્યને શું સમજાય? મને આ રીતે ના બોલાવતો ! આ એક સામાજિક ભય છે.
          પાશ્ર્યાત્ય- ભારતીય વિચારધારાનો આ સંક્રાંતિકાળ છે.આ બદલાવનુ કંકુ -કેસર સ્વાગત કરવા જેવું જ ન હોય.જે અપ્રસ્તુત , વિઘાતક છે ત્યાંથી રિવર્સ થવાનો રીંગ ટોન વાગવો જોઈએ. જળકમળવત્ બનીને જે ઉત્તમ છે તે આપણું. પ્રતિકુળ છે તેને ત્યાં જ રહેવા દો .તેથી આપણી સાંસ્કૃતિક સભ્યતા બચી શકશે ,ગ્રહશાંતિ નો આ મહાયજ્ઞ લેખાશે. નવા આયામો સુધી જવાની જરૂર નહિ પડે. છેલ્લા પચાસ દસકાની વણથંભી સામાજિક પરીપાટીઓ હસતી ખીલતી રહેશે. સ્વતંત્રતા ,સાદગી ,ત્યાગ, જેવા સદગુણો ને કાંખમાં લઈને સૌ જીવતા શીખે. આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળભૂત પાયાના સિંચનમાં આંદોલનાત્મક રીતે જોતરાઈ જાય તો જરૂર પરિણામ સુધી પહોંચી શકાશે.
       -- તખુભાઈ સાંડસુર

Thursday, March 28, 2019

રાજનીતિ અને ગ્લેમરસ

રાજનીતિ અને ગ્લેમરસ :--ગરજાઉ કજોડું

--- તખુભાઈ સાંડસુર

રાજનીતિ સૌથી વધુ ગરજ ઓશીંગણ હેઠળ દબાયેલો પ્રદેશ છે .ગુજરાતી કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. રાજકારણમાં ગ્લેમરસ ને ચોગાનમાં મૂકવા પાછળ વર્ષોથી એક ચોક્કસ ફોર્મ્યુલા કામ કરી રહી છે .સાંપ્રત રાજનીતિ ના પ્રવાહોમાં સૌ જાણે છે કે પૈસા ,પ્રપંચને પોપ્યુલારિટી અહીં" સેલ "થાય છે ,મેનેજ થાય છે. આ સમીકરણ ફિલ્મ ,ટીવી ,નાટ્ય, લોકકલાના કલાકારોને ઘસડી લાવે છે .ક્રિકેટ કે સંગીત માં પોતાનું નામ બનાવનારને પણ સંજોગો આવી તક પૂરી પાડે છે. ટીવીની સ્ક્રીન 'ઓન 'થાય અને તેનો ચહેરો જોવાનો કે તેના અવાજને સાંભળવાનો ઓડકાર ન આવે તેવા એન્કર વધુ "એન્કેશ" થાય . જે એન્કેશ થાય તેને કેશ પણ વધુ મળે તે બટનેચરલ છે.
      ફિલ્મ કે ટીવીના નટ-નટીઓ ને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોય છતાં પણ તેને સંસદ કે ધારસભ્ય ની ટિકિટ શા માટે ?રાજકીય પક્ષો તેના ઘરના પગથિયે શા માટે ઓશિયાળા થઈ ઊભા રહે છે !?આપણે જાણીએ છીએ કે આવા નામો આપણી પાસે ઘણા છે. સ્મૃતિ ઇરાની ,હેમામાલિની, રાજેશ ખન્ના, શત્રુઘ્નસિંહા ,રાજબબ્બર ,જયાપ્રદા ,ઉર્મિલા માતોંડકર, સંજયદત્ત, પ્રિયા દત ,સુનિલ દત્ત, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન વગેરે વગેરે .રાજકીય પક્ષોના નેતાઓ ભાગ્યે જ એવા હોય છે કે તે આમ જનતાને આકર્ષી શકે .આઝાદીના સમયે ગાંધીજી, સરદાર જેવા અગ્રણીઓ ભલે તેના ફિગરથી પોપ્યુલર ન હોઈ શકે તો પણ તેના કાર્યો ,સિદ્ધાંતો સૌને પોતાના તરફ ખેંચી લાવતા હતા. તેવી તેનામાં તાકાત હતી .આજે આ ફિગરનો શૂન્યાવકાશ છે. તેથી રાજકીય પક્ષોને "ક્રાઉડ પુલર" પર્સનાલિટીનની સતત ગરજ રહેતી હોય છે.માટે ફિલ્મના કલાકારો નું નામ પડતા યુવાવર્ગના લોકો તેને જોવા દોડીને આવે છે .જેટલા લોકોની અપેક્ષા હોય તેનાથી પણ વધુ લોકો સભા કે રેલી માં ભેગા થઈ જતા હોય છે. તેટલી સંખ્યા એકત્રિત કરવા પૈસાનો પટારો ખોલવો પડે .તે કામ ઝીરો બેલેન્સ થી પતી જાય .માટે તે સભાઓ કે રેલીમાં જે નેતાઓને પોતાની ભાષામાં વાત કરવી હોય, પ્રચાર-પ્રસાર કરવો હોય,ત્યા આવા અભિનેત્રી અભિનેતાઓ   ખુબ ઉપયોગી સાબિત થાય છે. અનુભવે એવું પણ જાણવા મળ્યું છે કે તેમા અભિનેત્રીઓને વિશેષ અગ્રતા આપવામાં આવે છે. તે કલાકારો એવા હોય છે કે જે ફિલ્મ કે ટીવીની માર્કેટમાં "આઉટડેટેડ" થઇ ગયા હોય. તેમની પાસે મહત્વનું કામ કે જવાબદારી હોતી નથી .જેથી તે રાજનીતિમાં આવા મલાઈદાર પદો ,પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે દોડી આવે છે .તેથી એવું કહેવાય કે સિક્કાની બંને બાજુ સરખી છે. હા ,ક્યાંક અહીં અંડર ટેબલ એકબીજા વચ્ચે આર્થિક વ્યવહારો પણ થતા હોવાનો ગણગણાટ સંભળાયા કરે છે.  આ બંને એકબીજાની ગરજ સારે છે. ભાજપ ,કોંગ્રેસ કે સપા, બસપા જેવા પક્ષોમાં આ પાત્રોની આવનજાવન થતી રહે છે .જેમાં સ્ટારને ફાયદો એવો હોય છે કે તે જે બેઠક પર આંગળી મૂકે  ત્યાં તેની ટિકિટ કન્ફર્મ થઈ જાય .વીતેલા દિવસોમાં જયાપ્રદા અને ઉર્મિલા માંતોડકર ના કિસ્સામાં આવું જ થયું .જો કે પાથરણાં પાથરનારા કે નાસ્તો પીરસણિયા કાર્યકર્તાઓ આખી જિંદગી વેઠ કરતા રહે તોપણ તે  આવા કોઈ પદના સ્વપ્ને ય અધિકારી થતા નથી. તેને એક કરુણાંતિકા તરીકે લેખાવી શકાય.
     સંસદ કે ધારાસભામાં જનારા આવા તારકોને ક્યારેક દ્રાક્ષ ખાટી પણ થઈ જાય છે. અમિતાભ જેવા સ્ટાર કાયમ માટે મુઠ્ઠીવાળીને ભાગી જાય તેવું પણ બને !! સંસદમા મોકલાવામા આવતા આ કલાકારો પાસે હાજરી આપવાનો પણ સમય હોતો નથી. તે તેના વિસ્તારમાં પણ ચૂંટણી ટાણે જ દેખાય છે. કાયદો, વહીવટ જેવી બાબતોમાં આવા બિન અનુભવી હોય તેવા ચહેરા ઓ એક રીતે બોજ બની જાય છે. જે લોકશાહી વ્યવસ્થા માટે કલંક સમાન ગણાય.

              વિવેચકોનો મત એવો રહ્યો છે કે વ્યક્તિ ગમે તે ક્ષેત્રનો હોય પરંતુ તે જો લોકનેતા ન હોય, મતદારોની હાથવેતમાં કે સ્થાનિક ન હોય તો તે ચુંટાવા ન જોઈએ. તેની નામના જે ક્ષેત્રમાં હોય  ત્યાં તે કાર્યરત રહે તો તે બંને વિષયોને ન્યાય કરી શકશે .અન્યથા બંને ક્ષેત્રે રાતા પાણીએ રોવાનો વારો આવે . તે ના ઘરનો ન ઘાટનો રહે .ઈચ્છીએ કે રાજકીય પક્ષોને વાસ્તવિકતાનું ભાન કરવાનો સમય આવી ગયો છે.

 --તખુભાઈ સાંડસુર

Saturday, March 23, 2019

યુનો રિપોર્ટ લેખ

યૂનોનો માનવાધિકાર રિપોર્ટ:- ભારતને રેડ સિગ્નલ


----તખુભાઈ સાંડસુર

આંતરરાષ્ટ્રીય મંચ પર લગભગ તમામ દેશોની ગતિવિધિ પર વોચ રાખવામાં આવે છે. ત્યાની બદલાતી સામાજિક ,આર્થિક, રાજકીય સ્થિતિ ના સંદર્ભમાં તે આમ પ્રજાને કેવો અનુભવ થઈ રહ્યો છે. તેનું મૂલ્યાંકન કરીને એક રિપોર્ટ તૈયાર થાય છે. યુનોએ તેની રચના સાથે લગભગ માનવ અધિકારોના રક્ષણ માટે મક્કમતા દર્શાવી હતી પેરીસના એક સંમેલનમાં 10 ડિસેમ્બર 1948ના રોજ એક મુસદ્દો ઘડવામાં આવ્યો. તેના ભાગરૂપે તમામ સભ્ય દેશો માણસને માનવ તરીકેની તમામ સુવિધાઓ, સ્વતંત્રતાઓ આપે તે જરૂરી માનવામાં આવ્યું. જેમાં સ્વતંત્રતા, સમાનતા ,વિકાસની અભિવ્યક્તિ, વગેરે બાબતો મુખ્ય ગણાવામાં આવે છે. અભિવ્યક્તિ ,આઝાદી ,ન્યાય તે તેનો પોતાનો માનવસહજ અધિકાર છે .આર્થિક, રાજકીય, સામાજિક સમાનતા ને પણ યોગ્ય બળ મળે અને સૌને આગે કદમ કરવા સાદ પાડવામાં આવે. તેથી દર વર્ષે તેના સભ્ય દેશો માટેનો એક રિપોર્ટ પ્રકાશિત થાય છે .તેનું લાંબા સમય સુધી નકારાત્મક રીતે પેશ થવું તે જે તે દેશ માટે નુકશાનકારક માનવું રહ્યુ.

               માનવ અધિકાર સંગઠન ના ચેરમેન મિશ્ચેલ બેચલરે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં વિકસિત કે વિકાસશીલ તમામ દેશો યુવાઓ ,પછાતો વગેરેને પૂરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવતા નથી  તેઓને અધિકાર પણ મળતો નથી .જે લાંબા ગાળે અસંતોષ પેદા કરી શકે. યુવાવર્ગ જાણે મુખ્ય ધારાથી છૂટો પડી રહ્યો છે. ભારત માટે તેણે ઉમેર્યું કે ભારતમાં રાજકીય પરિપ્રેક્ષમાં બદલાયેલા સંજોગો થી દલિત-આદિવાસી ,લઘુમતી વગેરેનું શોષણ થયું છે. એટલું જ નહીં લઘુમતી સમાજ સામાજિક સમરસતા થી છુટો પડી રહ્યો છે. રાજકીય મનોકામનાઓ થી ઉભી થયેલી સ્થિતિ માટે નજીકમાં આવી વિભાજનકારી નીતિ આર્થિક મોરચે તેને તેની પ્રગતિ પર અસરકર્તા બને !એટલું જ નહીં તેનાથી સમગ્ર રાષ્ટ્રમાં અસંતોષ જોવા મળે .સને 2017માં ગૌહત્યાના મામલા પર ખૂબ ચર્ચા થઈ એટલું જ નહીં વિવિધ પ્રદેશોમાં અલ્પસંખ્યક લોકો પર હુમલા થયા. જેમાં તોફાનો પણ ફાટી નીકળ્યા .ત્યારે જ 642 પાનાના રિપોર્ટમાં હ્યુમન રાઈટ વોચના દક્ષિણ એશિયાના ડાયરેક્ટર મીનાક્ષી ગાંગુલીએ કહ્યું હતું કે ભારતના અધિકારીઓ જ સાબિત કરે છે કે લઘુમતી ની સુરક્ષા માટે તેઓ અસફળ છે.  સરકારે ત્યારે ગૌહત્યાના મામલે રાષ્ટ્રીય ઐક્ય ને વિપેક્ષિત કરતા તત્વો સામે કડક રીતે પેશ થવાની ઇચ્છા જાહેર કરવી પડી હતી .આ બાબતોને ગંભીરતાથી લેવા યુનો ચેતવે છે
   અહેવાલને લગભગ રૂટીન ગણીને ઘણા તેને હાસિયામા મૂકી દેતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર , વિશેષ કરીને વિકસિત દેશોમાં તેનું ખૂબ વજૂદ -મહત્વ છે વારંવાર અને દર વર્ષે તો આપણું રિપોર્ટ કાર્ડ નકારાત્મક કરવું પડે તો ભારતની હાલત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત નબળી તેથી તેની સીધી અસર દેશને મળતી આંતરરાષ્ટ્રીય આર્થિક મદદ પર થવા સંભવ છે આંતરરાષ્ટ્રીય બેંકે નાણાં ભંડોળ કે પછી વિકસિત દેશો જો આ સ્ત્રોતને અટકાવે વીમો પાડે તો ભારત ડામાડોળ થઈ શકે વૈશ્વિક વેપાર-વાણિજ્ય ઉદ્યોગ નવાગામ આવી તમામ બાબતો પર સીધી અસર કરતા છે તેથી સરકારે તેની સમય સૂચક રીતે જોઈને એક્શન લેવા જોઈએ
  લોકશાહીમાં ચૂંટણી જીતવી સહેલી છે .પરંતુ તેનાથી સામાજિક સમરસતા , માનવમૂલ્યો વગેરે પર થનારી વિઘાતક અસરો તરફથી ધ્યાન હટાવી શકાય નહીં .સામાજિક ઐકય,સમાનતા ચૂંટણીમાં ઝળહળતા વીજય થી વધુ મહત્વના છે . તેવી વાત જો રાજકીય પક્ષો સિદ્ધ કરે તો તે રાષ્ટ્રધર્મી છે તેવું સાબિત થાય.

     ---- તખુભાઈ સાંડસુર

લાજ લુણ ચિંતન લેખ

લાજ, લુણ ને રખાવટ  થયા અતિત...!
---તખુભાઈ સાંડસુર

 મારા ગામનો ટીંબો કાઠી દરબાર ખીમા સાંડસુરે બાંધ્યો હોવાનું અતિત આયનો જણાવે છે. દરબારી અમારા ગામની ડેલી જેને દરબારગઢની ઓળખ આપી શકાય તે 400 વર્ષથી અડીખમ યોદ્ધાની જેમ ઉભી છે .એક જમાનામાં ,આજથી માત્ર ચાલીશ-પચાસ વર્ષ પહેલા ડેલી પાસેથી  પસાર થનાર સૌ કોઈ પુરુષોએ માથે ફાળિયું કે પાઘડી બાંધવી પડતી. સ્ત્રીઓએ તેની લાજ, મર્યાદાઓ સાથે પસાર થવાનો એક વણલખ્યો નિયમ હતો.માથા પર ઓઢવું,શરીર ઢંકાઈ તેવાજ વસ્ત્રો,ધીમે પગલે ચાલવું આવું ઘણું બધું !ઇતિહાસ એ વાતની સાક્ષી છે કે પદ્માવતી ની માત્ર પાની જોવા માટે ખૂંખાર યુદ્ધ થયું. સ્ત્રીઓની આ મર્યાદાને હું બંધન માનતો નથી .જીવનમાં કોઈને કોઈ પ્રકારની શિસ્ત હોવી જોઈએ, તો જ જીવન યોગ્ય રફતારથી ચાલતું રહે. હા ,તેના અતિરેકથી ક્યાંક અઘટતુ થાય એવું પણ બને ! તે જમાનાના લોકો ભલે ઓછી સગવડતા ,સાધનો ની મર્યાદા ,ખૂબ પાંગળી સ્થિતિમાં જીવનારા હતા. પણ તેના દિલના ઓરડાઓ ખાલી નહોતા.! ત્યાં હતો ભર્યો ભાદર્યો પ્રેમ ,ત્યાં હતા રખાવટના ગોળના ગાડા ભરાય એવો ઝાઝેરો નાતો .
  રખાવટ અને ખાનદાનીનું ઉદાહરણ કુકાવાવ પરગણાનું જ છે કે ગોંડલ ના કુંવરે શિરામણના બદલામાં કુકાવાવ ની સોગાદ તે પટેલને ધરી દિધી. પછી પાછળથી ખબર પડી કે આ ગામ જેતપુર ના દરબાર જગા વાળાનુ છે.વાત જગાને કાને પડતાં ગોંડલ નરેશનું વચન મિથ્યા જવા ન દેવા તે પટેલને પાંચ સાતીની જમીન આપી. આ હતી ખાનદાની..!?

     દેવાયત પંડિતની આગમવાણી જાણે વાસ્તવિક દેખાય છે
"પોરો આવશે રે સંતો પાપનો ધરતી માંગશે ભોગ"
આજે તો જે સ્ત્રી ની પગની પાની જોવા માટે લોહીની નદીઓ વહેતી હતી . ત્યાં હવે મોહીનીઓ પોતે જ પોતાની "એબ"ની સી.ડી બનાવીને પૈસા માટે, પદ માટે બ્લેકમેલીંગ કરે છે.ચરીત્રની સરેઆમ લીલામી ! એવા અનેક કિસ્સાઓ નજર સામે તરવરે છે કે પોતાની નાની સરખી ભૂલ માટે એ સતીઓએ જીભ કચડી નાખ્યાના દાખલા છે ત્યારે આજે...? જેની તમે નાની સરખી સેવા લીધી હોય કે પછી કામ લીધું હોય તો તમે તેના ઋણી છો .આ લુણ નો ઘણી વખત જીવનભર બદલો ચૂકવી શકાતો નથી. અને જે લોકો બદલો ન ચૂકવી શકે. ઉપકારને બદલે અપકાર કરે તેને લૂણહરામી કહેવાય. ઇતિહાસ  સાક્ષી છે નાનું  સરખુ  લુણ ઉતારવા માટે જીવતર ઘસી નાખ્યું હોય! આજે તમે જેને મરતો બચાવો એ જ બહાર નીકળીને પહેલો તમને પુરો કરે !! લુણહરામિપણું આજે સ્માર્ટનેસમાં ગણાય છે .આજની પેઢી રખાવટ માટે જરાય દરકાર કરતી નથી એવા કિસ્સાઓ માધ્યમોમાં છપાય છે. મદદ માટે તમે લંબાવેલો હાથ  તમારા ખભામાથી ખેંચી લેનારા છે,તે પણ પારકાં નહીં પોતાના જ!  આજે કોઈપણ વ્યક્તિ ઉપર ભરોસો કરવો અઘરો છે. અઢારે વરણ 'એક તાસળીએ' હતાં. આજે એક જ 'માં 'ના કોઠામાંથી અવતરેલા પણ એક નથી !!. ગામડામાં નાનામાં નાનો માણસ પોતાના સારા-માઠા પ્રસંગોએ જતો હેબતમા આવતો નહોતો. આખું ગામ કહેતુ કે' મૂંઝાતો નહી અમે બેઠા છીએ'
      સમાજમાં એકબીજા ની વચ્ચે અવિશ્વાસની વધી રહેલી ખાઈ માટે આપણે જીવન પ્રણાલી જવાબદાર ઠેરવી શકાય.પશ્ચિમના  દેશોને તેની જીવન વ્યવસ્થા, ચરિત્ર માટે સૌ કોઈ એકી અવાજે કોશી રહ્યા છે .ત્યાં જઈને તપાસીએ તો આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે,શા માટે ?તેના પાયામાં છે તેમની શિક્ષણ વ્યવસ્થાની સુદિધૅ પ્રણાલી, ત્યાગ, બલિદાન અને મૂલ્યોની સતત ખેવના માત્ર વાતમાં નહીં આચારમાં ! પાઠયક્રમમા મુલ્યો, નૈતિકતા,સત્યને સો વલુ પ્રમુખસ્થાન મળવું જોઇએ.આપણી ઐતિહાસિક ધરોહરને દિન-બ-દિન જે રીતે આપણે દફન કરી રહ્યા છીએ તે ચિંતિત થવા જેવું છે. પોતાના શોખ  કે સગવડતા માટે અન્યોની સગવડતાને કે સાહ્યબીને ખુચવવાનો કયો અધિકાર! જીવન આચારનું કેન્દ્રબિંદુ બને .સૌ કોઈ વાત નહી અમલીકરણ માટે કૃતનિશ્ચયી થાય. સ્વાર્થ એ શોર્ટકટ છે તેથી તે ચિરંજીવી નથી. તેમાંથી નિષ્પન્ન અકસ્માત માત્ર જીવલેણ નથી. પણ ક્ષત-વિક્ષત કરવાની પૂરતી તકો આપનાર છે .તે વાત સૌ કોઈએ સ્વીકારવી પડશે. જીવનને પૈસા કે માત્ર સાધન નથી ,એક કલા છે. જીવી જાણીએ તો તે પુષ્પ થઈને મહેકતું રહે છે અન્યથા  કીચડની બદબો ખાબોચિયું થઈ પોતે બદબો બની રહે અને  અન્યની સુગંધ પણ  હણી લે છે.
     --- તખુભાઈ સાંડસુર

અસ્મિતા પર્વ ૨૦૧૯ લેખ

અસ્મિતાપર્વ ::મોરારીબાપુનુ સાંસ્કૃતિક અનુષ્ઠાન

-- તખુભાઈ સાંડસુર

 મોરારીબાપુ રામકથા ગાયનના શિરોમણી તરીકે જાણીતા છે જ. પરંતુ તેમના આંગણે છેલ્લા ૨૨ વર્ષથી યોજાતો રહેલો સંગીત-નૃત્ય, રંગમંચ અને સાહિત્યનો વૈચારિક ક્રાંતિ મેળો "અસ્મિતાપર્વ "થી તેઓ તેના સંરક્ષણ માટે અને તેની સ્વીકૃતિ માટે  દૈવીવાણીના રૂપમાં ઊભરી આવ્યા છે. બાપુના અનુષ્ઠાન માટે ભારતીય સાંસ્કૃતિક પરંપરા તેમની આજીવન ઋણી રહેશે તે કેહેવું અતિરેકપૂર્ણ નથી. કારણ કે બાપુએ એવા હજારો કલાકારો સાહિત્યકારો ને તળિયેથી ટોચ ઉપર પહોંચાડવા અહલ્યાસ્પર્શ પૂરો પાડ્યો છે. આપની આ મથામણને બેફામ ના શબ્દોમાં આ રીતે મૂકી શકાય.
"પરિશ્રમ નો પરસેવો સુકાવા નથી દેવો ,
દોડતા રહેવા દો નિરાતં નથી ગમતી મને"
 દર વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષમાં યોજાતુ આ મહાપર્વ પાંચ દિવસનું હોય છે .ક્યારેક તેમાં સમય ,સંજોગો અનુસાર વિશેષતઃ ફેરફાર પણ જોવા મળે. સવંત 2075 ના ચાલુ વર્ષે આ મહાઉત્સવ ચૈત્ર સુદ દશમી ,૧૫મી એપ્રિલથી શરૂ થનાર છે . તેનું સમાપન 19 એપ્રિલના રોજ થશે. દર વર્ષની પ્રણાલી અનુસાર ચાલુ વર્ષે પણ નટરાજ એવોર્ડ, હનુમંત એવોર્ડ તથા લલિત કલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ પણ હનુમાન જયંતીના દિવસે ચિત્રકુટધામ ,તલગાજરડા ખાતે એનાયત થશે. હનુમાનજી મહારાજ માટે "બુદ્ધિ મતામ્ વરિષ્ઠ મ્" એવું કહેવાયું છે માટે તેઓ તમામ બૌધિક આયામોના દ્યોતક અને સંરક્ષક તરીકે સ્વીકારાયા છે. તેથી જ આ દિવસે આ તમામ કલાકારોને અલંકૃત કરવાનો ઉપક્રમ યોજાતો રહ્યો છે.
       હનુમાનજી મહારાજ ની ભાવ વંદના નો42 મણકો અને અસ્મિતાપર્વનુ આ  22 મુ પૂષ્પ છે. પંદરમી તારીખે એટલે કે પ્રથમ દિવસે આ પર્વના પ્રારંભે ભારતના ખ્યાતનામ પત્રકાર ,ઈન્ડિયા ટીવીના એડિટર રજત શર્મા સાથે ગુજરાતી પત્રકાર સૌરભ શાહ નો સંવાદ થશે .પત્રકારની પત્રકાર સાથેની વાર્તા ખૂબ રસપ્રદ હોય છે. સાંપ્રત સમયમાં માધ્યમોની ભૂમિકા અને તેના પ્રચાર, પ્રસારણના નિર્ણયો, નિયમો વગેરે બાબતો વિશેષ ઉજાગર થશે. તેથી આ બેઠક ધ્યાનાકર્ષક બની રહે તેવી સંભાવના છે. પ્રથમ બેઠકનો સમય સાંજના ચાર કલાક નિયત થયેલો છે.

 દ્વિતીય દિવસ ની પ્રથમ બેઠક કવિકર્મ પ્રતિષ્ઠાની સંગોષ્ઠિની છે. જેમાં જવાહર બક્ષી ની કવિતા અને નીતિન વડગામાની કવિતા યાત્રા વિશે ની રજૂઆત ધ્વનિલ પારેખ, રાજેશ વ્યાસ કરશે .દ્વિતીય બેઠક કુળના મૂળની છે જેમાં લોકકૂળ,આદિવાસીકુળ તથા વિચરતી જાતિ કુળ,બધા કુળને કુલવંત કરવાની અભિવ્યક્તિ રમેશ મહેતા અને આશા ગોહિલ જેવા સર્જકોની રહેશે .જેમાં સંભવતઃ તે જાતિઓની પરંપરાઓ, રીતરિવાજો અને તેમાં આવેલા બદલાવો ની ચર્ચા મહત્વપૂર્ણ બની રહેવાનો વર્તારો છે. તૃતિય દિવસ એટલે કે ૧૭ એપ્રિલના અનુઆધુનિક સાહિત્ય સંગોષ્ઠી પ્રથમ બેઠકમાં રહેવાની છે .જેમાં કવિતા, ટૂંકી વાર્તા અને નાટક ના વિષયોના સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ, દર્શિની દાદાવાળા અને ભાવનગરના  ગુજરાતી ભવનના મહેન્દ્રસિંહ પરમાર  પોતાની વાતો ની રંગોળી ચિતરશે. આ બેઠકનું સંચાલન પ્રો. નીતિન વડગામા ને સોંપાયું છે. આજ દિવસની બીજી બેઠક ગુજરાતી- ભારતીય ચલચિત્ર ના નામે અંકાયેલી રહેશે .આમ તો ફિલ્મો વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. હા ,તેને માણીએ છીએ ,પરંતુ તેના ગર્ભમાં રહેલી ઘણી બધી વાતો આપણાથી અછૂત રહેતી હોય છે. જેને વૈવિધ્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવાનો આ પ્રયાસ ખૂબ નવીનતમ છે.  તેના વક્તાઓ તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ ,સલીલ દલાલ, અમૃત ગંગર ને પસંદ કરાયા છે. જે મોટાભાગના સિનેમાના પરદામા ઉંડા ઉતરી ગયેલા ચહેરાઓ છે. વિવિધ દૈનિકોમાં પોતાની સિનેમા કોલમોથી ખ્યાત છે. ભરત યાજ્ઞિક છે તો રેડિયો એન્કર ,પરંતુ સિનેમા ના અભ્યાસુ તરીકે અહીં તેની ઓળખ થઈ .તેમની પાસે આ બેઠકનું સંયોજન રહેશે. જેમાં સિનેમાનું કાવ્ય સંગીત તથા દિગ્દર્શન ની વાત મુખ્ય રહેશે.

                  ૧૮મી એપ્રિલ ની પ્રથમ બેઠક ભારત ના વીર જવાનો ના શરણે કરવામાં આવી છે તેમાં ભૂમિ ,વાયુ અને નૌકાદળના તમામ  મોરચાની કિલ્લેબંધી અને કયામત ની વાત પ્રસ્તુત થશે .ભારતની સૈન્ય, સરક્ષણ ની વાતો અત્યંત ગોપનીય હોય છે ત્યારે આ બેઠકના વક્તાઓ મેજર રણદીપ સિંઘ, એરમાશૅલ એચ.પી .સિંગ અને કમાન્ડર બક્ષી કેવી રજૂઆત કરે છે ?એવા ખૂબ દિલચસ્પ છે .સૌ જાણે છે કેટલીક વાતો જે  સૈન્યના ઓચિત્ય અને શિસ્તના દાયરામાં રહીને કરવાની હોય છે ત્યારે આ બેઠકમાં તેમની રજૂઆત અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની !!અહીં નવાઈ પમાડે તેવી વાત એ છે કે આર. જે. દેવકી ને આ બેઠકનું સંચાલન સુપ્રત થયું છે  જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે દેવકી સંરક્ષણની બાબતમાં પણ સાવૅભોમ અને સારુ  મહત્વ જ્ઞાન ધરાવે છે.તે તેની બહુમૂખી પ્રતિભાનો પરિચય છે. આજ દિવસની સાંજની બેઠક કાવ્યના નામે આલેખાયેલી છે .જેમાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવિયત્રી શ્રી ઓને કાવ્યપાઠ નો મંચ આપવામાં આવ્યો. ગોપાલી બુચ,પારુલ બારોટ અને રક્ષા શુક્લ જેવી જાણીતી કવિયત્રીઓના નામો અત્રે પ્રસ્તુત છે.
               રાત્રી બેઠકો સંગીત, રંગમંચ અને શાસ્ત્રીય નૃત્ય વગેરે માટે આયોજિત કરાયેલી છે. જેમાં હિન્દી સાહિત્યકાર દિનકરજીની કૃતિ 'રશ્મિરથી' ની નાટ્ય પ્રસ્તુતિ આ પ્રથમ દિવસે થશે.બીજા દિવસે રાત્રે બાંસુરી ને વીણાવાદન વિશ્વનાથ મોહન ભટ્ટ કરશે. ત્રીજા દિવસે શાસ્ત્રીય નૃત્ય, ગૌરી દિવાકર અને તૌફીક કુરેશી દ્વારા પ્રસ્તુત થશે અંતિમ બેઠકમાં કુચીપુડી નૃત્ય ગૌરીજી અને વૈકટેશકુમારની સંગીત પ્રસ્તુતિ થશે.
 અંતિમ દિવસ હનુમાન જયંતી વિવિધ એવોર્ડની અર્પણવિધિ તલગાજરડા ખાતે ચિત્રકૂટધામમાં યોજાતી રહી છે. 19 તારીખ નુ આ પર્વ કૈલાસ લલિતકલા અને અવિનાશ વ્યાસ એવોર્ડ માટે ગુલામ મહમદ શેખ તથા અનંત વ્યાસ ની પસંદગી થઇ છે. જેમની ચિત્રકલા અને સંગીત સાધના ના ઉપલક્ષમાં આજીવન તેમની સેવા ને ધ્યાનમાં લેવામાં આવી છે. નટરાજ એવોર્ડ બળદેવ નાયક ,ભરત યાજ્ઞિક ,નીતિશ ભારદ્વાજ  જેવા મહાનુભાવોને એનાયત થશે .જે તેમની અભિનય સેવાઓને અંકિત કરીને પુરસ્કૃત  કરવામાં આવશે. હનુમંત એવોર્ડ માટે ઉસ્તાદ ટ્રાફિક કુરેશી , વિશ્વનાથ ભટ્ટ ,ડો.રાજા -રાધા રેડી, પંડિત વૈકટેશકુમાર ને  તેમની આજીવન સેવાઓ અનુક્રમે તબલા, મોહન વિણા, કુચીપુડી નૃત્ય અને કંઠ્યસંગીત માટે પસંદગી થઇ છે. તમામ પુરસ્કારોમાં સવા લાખ રૂપિયાની પ્રસાદ રાશિ ,સૂત્ર માલા અમે પ્રશસ્તી પત્ર અર્પણ થાય છે. કોઈ સાધુનો સમત્વ દેણગીમાં સમાહિત હોય તેવા અપવાદો ખૂબ ઓછા છે . પૂ.મોરારીબાપુ તેમા ઊંચા આસને બિરાજમાન છે,એ પણ એક વિરલ ઘટના છે.જોકે એવોડૅના કેટલાક નામો રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં મહત્વના હોય છે. તેથી ગુજરાત માટે તેઓ ઓછા જાણીતા હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમની સેવાઓ ને મહિમાવંત કરવા નો આ મંગળ અવસર દૂરગામી 'હનુમાન કૂદકા 'તરીકે આલેખી શકાય.
          પુ.  મોરારીબાપુ વિશ્વના ટોચના વક્તાઓ પૈકીના એક હોવા છતાં એક ઉત્તમ શ્રોતા તરીકે તેમની ભૂમિકા અહીંયા હંમેશા પસ્તુત, દૈદિપ્યમાન રહી છે .જે સમાજને ખૂબ મોટો સંદેશો પૂરો પાડતી રહી છે . બાપુ ના આ અનુષ્ઠાનને ભારતવર્ષ હંમેશા શત શત નમન કરતું રહેશે તે નિર્વિવાદ છે !!આ આખો કાર્યક્રમ આસ્થા ચેનલ ના માધ્યમથી સમગ્ર વિશ્વમાં પ્રસારિત થતો રહે છે.
       
   ---- -તખુભાઈ સાંડસુર

Sunday, March 10, 2019

Modi lekh

પીએમની પ્રવચન કલા :પ્રતિસ્પર્ધી પણ પાણી પાણી
 --- તખુભાઈ સાંડસુર
     ભારતીય રાજનીતિમાં નરેન્દ્ર મોદીના આગમન થી 'બોલે તેના બોર વેચાય' તે કહેવતની યથાર્થતા સાબિત થઈ. સતત મોદી સામે મોરચો ખોલવાની તક વિપક્ષોએ લેવા કોશિશ તો કરી પણ નિશાન ક્યારેય 'બુલ 'પર લાગ્યું નથી સને 2002, 2007, 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં અજેય રહેવું .નાની વાત ન હતી .અરે.. ત્યાર પછી તેનો 2014માં હાઈજમ્પ નવી દિલ્હીના તખ્ત સુધી દોરી ગયો .તેના કારણોનું 'ડિસેક્શન' કરવાનું કહેવામાં આવે તો તેના અનેક કારણોમાં એક કારણ છે મોદીજીની ભાષણ કળા ભાષણ શ્રોતાઓ ના  મનો જગતથી છાતીના મયુરોની યશકલગી બનવાનું સૌભાગ્ય સાંપડે છે. વ્યક્તિના વૈચારીક ભૂમિકાનો આબેહૂબ પરિચય તથા સપનાઓની પવનપાવડી માં ઉડી, ઉડીડા ને સૌ કોઈને નવી પરિકલ્પનાઓ આપી શકાય છે રાજનીતિનો એકકો ગણવામાં તેમનું પ્રવચન સતત હાથવગું  બનતું રહ્યું છે અને રહેશે.
         મોદીજી જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે તેનું સંબોધન લગભગ ટૂંકું હોય વધુ નામો લેવાનું ટાળે છે.જેથી કોઈ વિવાદ ન થાય પણ જ્યારે જરૂર હોય ત્યારે એક  એક ને વીણીને શોધી કાઢે દેશ તેવો વેશ મુજબ જ્યારે કોઇ ચૂંટણી સભા હોય તો તેમાંથી ત્યાંની સ્થાનિક નેતાગીરીને 'ફોકસ કરવામાં આવે. એવા માણસોનો ઉલ્લેખ કરી નાખે જ્યાંરે તે માણસ કાર્યકર્તા તરીકે ઓછું કાર્ય કરતો હોય અથવા ઘણું વધારે કરતો હોય જેથી તે દોડતો થાય કે તેના કાર્યમાં ગતિ આવે .સાધુ કે ધર્મગુરુને પૂરતું મહત્ત્વ આપે જેથી શ્રોતાઓ પર વધુ પ્રભાવક બની શકાય.
          પોતાની વાણીથી એક કેવો પ્રભાવ ઊભો થઈ ગયા પછી સમીયાણો લગભગ 'હિપ્નોટાઈઝ' થઈ જાય છે .ત્યારે પોતાના વિચારો કે નિર્ણયોના સમર્થન માટે શ્રોતાઓને પ્રતિભાવ માંગીને તેના અભિપ્રાય કે વિચારનું વજન છે. તેવી આભાસી જાદુઈ લાકડી ફેરવી દેવામાં આવે છે. સંબોધનમાં ભાઈઓ-બહેનો અથવા સાથીઓ તેવા શબ્દો વારંવાર ગુલદસ્તો થઈને જ ઉડતા રહે છે. તેથી શ્રોતાઓવચ્ચે સેતુબંધ રચાય છે. સભામા તમામ માણસો મોદીમા પોતાપણું અનુભવે છે .તેમના અવાજમાં એક મજબૂત લય છે તે કુદરતી દેન છે. તેથી તેમની વાત કઠિનતા, મજબૂતથી ઊતરતી અનુભવાઇ છે.
           
       ભાષણ ની મુખ્ય ખાસિયતો એવો હોય છે કે તે લગભગ બે હિસ્સામાં વહેચાયેલું હોય .પેલો ભાગ પોતાની સરકારની ઉપલબ્ધિઓ નું વિગતે વર્ણન કરવામાં આવે છે. જેમાં આંકડાઓ સહિતની વિગત આપવામાં આવે છે. શબ્દોની ગોઠવણ કવિતાનાશબ્દ પ્રાસ સરખી હોય છે .જેમકે અંબાજીથી ઉમરગામ સુધીના પ્રદેશ, નિયત અને નીતિ સાફ, ન દુઃખના હૈ ન ઝૂકના હૈ ,ભાષણ નો બીજો ભાગ એટ્રેક્ટિવ ને એટેકનો હોય છે. જેમાં વિપક્ષના સવાલોના જવાબો તેના આક્ષેપો નુ ખંડન અને તેની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નાર્થોની વણજાર બધું એટલું ઝડપે અને જુસ્સાથી રજૂ થાય છે કે કોઈ સચિન તેંડુલકર જેવો બેટ્સમેન્ જાણે એક ઓવરમાં છ યે છગ્ગા ફટકારતો હોય . આખું સ્ટેડિયમ તાળીઓથી ખીચોખીચ  છલકાઈ જાય ભાષણોનો અંતિમ તબક્કો, આત્મીયતાનો હોય છે જેમાં તે પ્રદેશ ,શહેર ,જ્ઞાતિ ,સમૂહ વગેરે સાથે પોતાની જાતને જોડવામાં આવે છે .હું અહીં આવતો હતો, મારે આ પ્રદેશ સાથે અમુક પ્રકારના સંબંધો છે .મારો દરવાજા સૌ માટે ખુલ્લા હોય છે .તમારા સૌ માટે હું લડી રહ્યો છું રાજ દિવસ જોયા વગર પરિશ્રમ કરું છું .વગેરે વગેરે વિધાનો શ્રોતાઓ સાથે આત્મીયતા .આ બધી જ બાબતો નો પ્રભાવ સતત સર્જાતો રહે છે
                         મોદીજી પોતાના ભાષણ પછી અભિવાદન ઝીલી ને ચાલતી પકડે છે .જેથી તેના પછીના કોઈ વક્તાઓ અન્ય કોઈ રીતે પોતે બોલેલા શબ્દો નો જવાબ ના આપે કે કોઈ વ્યંગ ન કરે. તેની તક આપવામાં આવતી નથી હિન્દી ,ગુજરાતીમાં પ્રભાવ પાથરતીન વાણીમાં આંકડો માહિતી યોજનાઓનું ઊંડાણ દેખાય છે .લાંબા સમય સુધી એટલે કે કવચિત કલાક ,સવા કલાક સુધી પણ પ્રચંડ પ્રવાહી રીતે બોલી શકે છે, તેની વિગતો માહિતી નુ ક્યાંય પુનરાવર્તન થતું નથી ભાષણના આકર્ષક અઅંશોમા સભામાંથી 'મોદી-મોદી'ના નારા ઓ ક્યાક મેનેજ કરેલા તો ક્યાંક સ્વયંભૂ પ્રગટ થતા રહે છે .જે તેને સાંભળનારા ઉપર જબરી આચ્છાદિત છાપ છોડી જાય છે .પ્રવચન પછી વિપક્ષો પણ એક-બે દિવસ સુધી તેનો ઉચિત જવાબ આપી શકવા સમર્થ  હોતા નથી
                      સને 2014માં લગભગ ઉત્તર ભારતના હિન્દીભાષી બેલ્ટમાં ભાજપની આંશિક હાજરી જ હતી.400 જેટલી રેલીઓ સભાઓ એ જલ્દી ઢગલાબંધ મતોથી જોળી છલકાઈ ગઈ. એક પોલીસ અધિકારીએ જ્યારે તેઓ તે સમયે તેમની સાથે રહેતા હતા .તેણે કહેલું કે રાજસ્થાન ,મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં મે પગપાળા દસ-પંદર કિલોમીટર ચાલીને મોદીજી ની સભા માં આવતો મતદાતા જોયો છે .તેથી ભાજપ સત્તા પર આવે તેમાં જરાય સદેહ નથી. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કર્યા પછી મોદીજી માં એક પાકટતા સતત ઉમેરાતી રહી છે પ્રારંભિક તબક્કામાં તેમના પ્રધાનમંત્રી પદના પ્રવચનમાં ઓચિત્ય ભંગની વાત દેખાતી પણ પછીથી ખૂબ સંયમપૂર્વક દરેક વાતને રજૂ કરીને કોઈપણ વ્યક્તિગત શાબ્દિક પ્રહાર કરતા નથી .વિવાદો વ્યુહાત્મક બાબતોથી તેઓ સતત કિનારો કરતા રહ્યા છે. સભાસ્થળે કવચિત જ અન્ય સાથે વાત કરે છે હાસ્ય રસ ,શોયૅરસ વગેરેનું સતત સંયોજન થતું રહે છે.
     તમામ મોરચે મોદીજી એક આત્મવિશ્વાસથી તરબતર પ્રખર વક્તા તરીકે ઉપસતા હોય છે. તેથી વિપક્ષ રક્ષણાત્મક મુદ્રામાં સતત દેખાય છે તે મોદીજીનો પ્લસ પોઈન્ટ જ ગણવો રહ્યો.

Moraribapu lekh

મોરારીબાપુ: બ્રહ્મત્વનો બ્રહ્માંડી તેજપુંજ
--     તખુભાઈ સાંડસુર

(મોરારીબાપુની જન્મતિથી મહાશિવરાત્રી એ તેમના જીવનની વણકહી વાતોની ભાવવંદના)
 રામકથા માંસપેશીઓમાં ઉતરી ગઈ છે .તેવા સંતત્વના શિખર મોરારી બાપુનો જન્મ સરકારી નોંધણીમાં 25 -9 -1946 ભલે હોય. પરંતુ તે વાસ્તવમાં તિથી અનુસાર મહા વદ ચૌદશ સવંત 2002 મહાશિવરાત્રીનો પાવન દિવસ છે હિંદુ ધર્મ મહાશિવરાત્રીને મહાત્યાગી મહાદેવના પાતાળમાંથી આગમન તરીકે જાણે છે ત્યારે તે જ દિવસે વીશમાં શતકના માનવ ઉત્થાનના મંગલ અવતરણ તરીકે મહાવિભૂતિ મોરારી બાપુનો  પરિચય કરે છે.
        માનસની ચોપાઇઓ ૧૪ વર્ષની ઉંમરથી બાપુની જીવની બની ગઈ .આપના દાદા  પૂજ્ય ત્રિભુવનદાસ બાપુ ના પ્રેમાળ અનુગ્રહથી રામનામ  મંગલગાન થી મિમાસા સુધીનો પંથ સરળતાથી ,સહજતાથી ક્યારે કપાઈ ગયો, તેનો ખ્યાલ જ ન રહ્યો .સને 1960ની પૈત્રિક ગામ તલગાજરડા ની પહેલી માસ પારાયણથી 824 મી અમદાવાદની માનસ નવજીવન યાત્રામાં નવોન્મેષી આયામો સર થઈ અગણિતોના નવજીવન બક્ષવામાં આપનું યોગદાન અમૂલ્ય છે.

 કથા સ્થાને વ્યાસપીઠ પાછળ શ્રી હનુમાનજી સ્થાપિત હોય વ્યાસપીઠ ની રચના એવી કે શ્રી હનુમાનજીની ગોદમાં મોરારીબાપુ બિરાજીત હોય તેમ લાગે.  તેઓ કથાગાન કરવાનો ઉમળકો અંતિમ શ્વાસ સુધી હોવાનું જણાવી  ચૂક્યા છો .કથા હંમેશા  શનિવારથી આરંભાઈ , રવિવારે વિરામ પામે .કવચિત જ તેમાં અપવાદ હોય. કથા સમયમાં સ્થળ ,ઋતુ અનુસાર લચીલાપણું હોય. પરંતુ  વ્યાસ પીઠક્યારેય સમાપ્તિ સુધી છોડવાની નહીં. સવારથી બપોર સુધીમાં ખાનપાન નો સંપૂર્ણ ત્યાગ તેને એક સાધના તરીકે જોઈ શકાય.વિશ્વભરમાં યોજાઈ રહેલી આપની એક એક કથા નવેયરસોમા રમતી, રંગદોળાતી દર્શિત થાય છે. સીધુ પ્રસારણ આસ્થા ચેનલ માં થાય તેથી આપ સમયપાલનના ચુસ્ત આગ્રહી રહ્યા છો .સામાજિક ,ધાર્મિક સમારોહમાં પણ બાપુ ઘડિયાળના કાંટા થી જરાય આઘાપાછા થતા નથી. કથાના વિરામ પછી બાપુ સીધી તલગાજરડા ની વાટ પકડે. ભલેને યુએસની ૧૮ કલાકની મુસાફરી હોય અને પછી પુનઃ યૂરોપના દેશોમાં જવાનું હોય તો પણ તલગાજરડા આવીને પછી જ જવાનું કહ્યું.ક્યાય રોકાણ નહીં .કથા થકી શિક્ષણ ,આરોગ્ય, રાષ્ટ્ર કલ્યાણ ,ધર્મ ,કુદરતી આફતો વગેરે વિષયોને કેન્દ્રિત કરીને અબજોની વિતજા સેવા કરી છે.તો પણ તેનું શ્રેય ક્યારેય આપે લીધું નથી ,પરમાત્માને જ પ્રમુખ ગણ્યા છે .એટલું જ નહીં પોતે કે પોતાના પરિવારના કોઈ સભ્યો તેના વહીવટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા રહેતા નથી. કેવોઆચાર !! હા તેનો સમય મુજબ ઉપયોગ થઈ જાય તેની કાળજી જરૂર લેવામાં આવે છે સેક્સ વર્કર, કિન્નર ,વિચરતી જાતિ, સરદારને શૌચાલય માટે આપે કથા ગાન કરીને રચનાત્મકતા ની એક નવી પહેલ પણ કરી છે .
      મોરારીબાપુ ના જીવન પર ગાંધી મુલ્યો ,આદર્શો સતત દેખા દે છે .ખાદી પહેરવી , શ્ર્વેત વસ્ત્રો ની સાદગી, રાષ્ટ્રધર્મ સત્યપાલન વગેરેના આપ પાલક - પોષક રહ્યા છો. શ્ર્વેત ઝભ્ભો, ધોતી  અને કાળી કામળી બાપુની "આઇડેન્ટિટી "બની ગઈ છે .ચાં, ભજિયાનો સ્વાદ ગમે ,પણ તેનું 'એડિકશન' આપને બાંધી શક્યું નથી .વચન પ્રતિબદ્ધતા આપના જીવનમાં સતત બીબીત થાય છે. નિયતકરેલ કાર્યક્રમ ક્યારેય અધૂરો છોડ્યો નથી .આપ હંમેશા કહેતા આવ્યા છો ,"કે હું કોઈનો ગુરુ નથી મારો કોઈ ચેલો નથી. મારો કોઈ ફોલોવર્સ નથી. આ આખી માનવજાત ને હું મારા ફ્લાવર્સ માનું છું.

       નિખાલસતાનુ સૌંદર્ય બાપુ ની તમામ કથા કે પ્રવચનમાં ક્યાય ઢબુરાયેલુ નથી. મધુર લાગેલો શબ્દપ્રસાદ તેના મૂળ રચનાકાર કે સર્જક ના નામથી જ વેહેચે છે. વિનયની વિશાળતા આપના શરીખી  શોધવી અઘરી છે. ટીકાકાર હોય એ વિચારભેદથી જુદા પડતા કોઈ વ્યક્તિ હોય તો પણ તેને અફાટ પ્રેમ કરવામાં જરાય કચાશ ન હોય. મિથ્યાભિમાની સાહિત્યકારોને પણ આપ હળવે હાથે ઉપાડીને તેને પ્રેમથી અભિભૂત કરતા રહ્યા છો .કોઈને નિરાશ કરવાનું બાપુના સ્વભાવમાં નથી .લાખોના પરિચય છતાં વ્યક્તિગત રીતે સૌ કોઈ ને નામથી જાણે છે. રાજનીતિ, સત્તા કારણથી પૂરતું અંતર જાળવવામાં તેમની તુલના થઇ શકે તેમ નથી. સામાન્ય માણસના ઘરે કે વાડીયે પોતે ભોજન લઇ લીધા ના અનેક દાખલા છે. માટે બાપુ ઝુપડા થી મેહેલ સુધીના સૌ કોઈને પોતીકા લાગે છે .કોઈ ધર્મ કે સંપ્રદાય નું ખંડન-મંડન ક્યારેય નહીં. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ કોઈને તેઓમાં પોતાના ધર્મ ગુરુ  દેખાતા રહ્યા છે ,ઈસ્લામધર્મી કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ એ સાંપ્રદાયિક સદભાવના નિર્માણમાં અન્યન ભાગ ભજવ્યો છે. સમગ્ર વિશ્વમાં માત્ર મોરારીબાપુ એક જ એવા સાધુ -સંત છે કે તેના ચરણમાં દસ રૂપિયા થી ૧૦ કરોડ સુધીની રકમ મુકવાની સવિવેક મનાઈ છે .સને1977 થી બાપુએ ભેટ- દક્ષિણા સ્વીકારવાનું બંધ કર્યું છે. તલગાજરડાના વિવિધ પ્રકલ્પો યજમાનો પાર પાડે છે. ચિત્રકૂટ ધામ માત્ર મધ્યસ્થી કરે છે.
      તલગાજરડા પર બાપુનુ અપાર હેત છે. માટે તેમનું નિવાસસ્થાન પણ આજ ગામમાં છે  ગામની અનેક સેવાઓ બાપુએ પોતીકી ગણીને કરી છે .જ્યારે બાપુની તલગાજરડા ઉપસ્થિતિ હોય ત્યારે સવારે 9: 30 કલાકે અને સાંજે 5: 00  કલાકે ચિત્રકૂટધામમાં  સૌ કોઇ સરળતાથી તેમને મળી શકે છે. પ્રસાદિક ચીજ-વસ્તુઓથી રોજ અનેક દર્શનાર્થીઓ ભીંજાતા રહે છે.
 શિક્ષણ ,સાહિત્ય ,લોકસંગીત, કલાજગત સહિતના બાર જેટલા એવોર્ડ પ્રસાદ તલગાજરડા દર વર્ષે સમાજને પીરસે છે. પરંતુ તેના ચયન કે પદ્ધતિમાં બાપુ ક્યાંય નથી. દરેકનું એક સ્વતંત્ર માળખું છે .કલા કે કલમથી ઓછા જાણીતા લોક કલાકારોને બાપુએ વૈશ્વિક મંચ પૂરો પાડ્યો છે .ભવાઈ કે નટ કલાને જીવંત રાખવાની તેમની નેમ નમનપાત્ર છે .સંવાદ, સમારોહ માટે બાપુનુ આંગણું કાયમ ઉઘાડું રહે છે .
       ટ્રુથ ,લવ, કોમ્પેનશન ના આ સદગુરુને ચાહનારા ની સંખ્યા આકાશી સિતારાઓથી અધિક છે સૌને વહાલ,સૌનો સ્વીકાર નુ દરિયાદિલ સૌને પોતાનુંતથા સુગંધિત અનુભવાયું છે બાપુનો પારસ-સ્પર્શ પામનાર જાણે 'આબરૂ 'ફિલ્મનું ગીત ગણગણતો નીકળતો હોય.
"જીન્હે  હમ ભુલના ચાહે વો અકસર યાદ આતે હૈ"
આજના મંગલ દિને પૂજ્યશ્રીને ભાવવંદના...


 ---તખુભાઈ સાંડસુર

Friday, March 1, 2019

ઈન્ડો પાક લેખ

એર સ્ટ્રાઈક : પ્રિ. વોર કે આભાસી ડર
--- તખુભાઈ સાંડસુર

પાકિસ્તાન તેના ભારતમાંથી ભાગલા પછી જ લગભગ સામેના કિનારે ઉભેલું દેખાયું છે. ભલે એક જ ખળામાંથી ભાગ પડેલા બે ઢગલાઓ હોય તો પણ તેમા સામ્યતાની બાદબાકી, વૈચારિક ગેપ સતત ડોકુ કાઢતો રહે છે. શાસકોની રફતાર ચાલતી રહી ત્યાં કેટલાય આવ્યા ને ગયા પરંતુ ત્યાની પ્રજાની વૈચારિક પરિપાટીને કોઈ ચાતરી શક્યું નથી. તેથી સતાસ્થાને આવનારા સૌ કોઈ ભારત વિરોધી માનસિકતાને કાંખમાં લઈને આવ્યા છે. શિક્ષણ ઔદ્યોગિક વિકાસ જેવા પ્રાથમિક મુદ્દાઓને ત્યાની સરકારોએ કોરાણે રાખીને ધર્માધંતાને પ્રાથમિકતા આપી ભારતના કાશ્મીર મુદ્દાને તેની સાથે જોડી દિધો છે. તેથી તે ગુંચનો કોઈ ઉકેલ આવવાના બદલે વધુને વધુ આટાપાટા સર્જાતા રહ્યા છે. પદ્માદભૂની ઘટનાઓની દ્વેષીલી મનોવૃત્તિએ પણ તેમાં બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું. સને ૧૯૭૧ પછી ભારત સામે પાકિસ્તાન કોઈ યુધ્ધ ભલે ન લડ્યું હોય ,પરંતુ પ્રોકસી વોરને અંજામ આપવા ત્યાના લશ્કરે કે સતા તંત્રએ એક પણ તક જતી કરી નથી. સમયના તકાજા સાથે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનીંગ કેમ્પ ચલાવીને કાશ્મીરને અરાજકતાના અગ્નિકુંડમાં ડુબાડી દેવા અનેક આતંકી હુમલાઓ કર્યા છે. એક અંદાજ મુજબ આ અરાજકતાએ કુલ ૭ૅ૦ હજારથી પણ વધુ માણસોનો ભોગ અત્યાર સુધીમાં લીધો હોવાનું સુત્રોએ બિન સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ પ્રક્રિયાના એક હિસ્સા તરીકે પુલવામામાં થયેલા 'ટેરરએટેક'ને ગણવામાં આવે છે. ૪૦ જવાનોની કેજયુલીટીનો આંકડા ઘણો મોટો ગણાય તે સ્વાભાવિક છે. આ મોતનો માતમ આક્રોશ થઈને જન જનમાં ભરાઈ ગયો. કોઈપણ સરકાર જનમતથી ચાલે છે તેથી તેને 'ફોલો' કરવું પડે તે બહુ નેચરલ છે.

આ ર૪મીના હુમલા પછી કોઈએ જયારે મારી પ્રતિક્રિયા માંગી ત્યારે મે પ્રધાનમંત્રી મોદીના વિધાન' મોટી કિંમત પાકિસ્તાને ચુકવવી પડશે.' તેને કવોટ કરતા કહ્યું હતું કે હવે ભારત નજીકના ભવિષ્યમાં આ હુમલાથી પ્રતિક્રિયા 'ટેરર કેમ્પ'ને નાબુદ કરવાના અટેકથી આપશે.  ખરેખર ર૬-રની એર સ્ટ્રાઈકથી મારોએ અંદેશો બરાબર સાબીત થયો. ઘણા લોકો જે આંતરરાષ્ટ્રીય બાબતો અને યુધ્ધના આધાત-પ્રત્યાઘાત જાણતા નથી તે ફેસબુકના અને વોટસએપના મેસેજ તૈયાર કરીને બહુધા લોકોને ગુમરાહ કરે છે. એકવીશમી સદીમાં સમગ્ર વિશ્વ પરમાણુ નિઃશસ્ત્રીકરણની સંધી દ્વારા શાંતિનો શાશ્વત સંદેશ આપવા ઈચ્છે છે ત્યારે અંશાતિ અથવા તબાહીની કલ્પના જ સૌ માટે અધરી સાબીત થાય.

ભારતની એલઓસી ક્રોસ કરીને ત્રાસવાદી અડ્ડાઓ પર ત્રાટકવાની ઘટનાને ભારત સરકારે સૈનિક કાર્યવાહી નથી ગણાવી પરંતુ ત્રાસવાદી પ્રવૃત્તિને નાબુદ કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો ગણાવ્યો. જો પાક સામે યુધ્ધની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાંથી ભારતને પણ ટેકો સહકાર મળવાની સંભાવના ધુંધળી આભાસી બને તો ભારતની હાલત પણ કફોડી થાય. કાશ્મીરનો પુલવામા હુમલો ત્રાસવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન માટે દંડીત થવાની અગ્રતા તરીકે જોવા જોઈએ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત કોઈ મહત્વના પગલા માટે તૈયાર થઈ રહ્યું છે. તેમાં તેનો જાણે ભારતની કાર્યવાહી માટે સંમતિ સુચક સુર હતો. ફ્રાંસ સહિતના યુરોપિયન સંધે પણ એક રીતે પાકિસ્તાન વિરોધી પ્લેટફોર્મ લઈ લિધું હતું. ગ્વાલીયરથી ઉડાન ભરનાર ભારતીય વાયસુનાના વિમાનો તેની સરહદમાં જઈ ૧૦૦૦ કિલો બોમ્બ નાખે છે. સરકારનો દાવો છે કે ત્રાસવાદી કેમ્પોમાં રહેલા ૩પ૦ જેટલા ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. પાક. વિદેશ મંત્રી ગફુર અને તેની સેનાના જણાવ્યા પ્રમાણે ભારતીય વિમાનોએ પહાડી વીસ્તારમાં બોમ્બાર મેન્ટ કર્યુ પણ કોઈ હતાહત થયાનું જણાયું નથી. આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીઓ પણ ત્રાસવાદીઓના મોત માટે સંદેહાત્મક સ્થિતિમાં છે. તો પણ ભારતીય વાયુસેનાનું એલઓસી ક્રોસ કરીને ત્યા બોમ્બ ફેંકવાના સાહસને ઓછું ન આંકી શકાય. ભારતના તમામ લોકોેએ આ અદમ્ય સાહસને બિરદાવ્યું. કેટલાક લોકોએ આ એરસ્ટ્રાઈકને ઈન્ડો-પાક વોરના પ્રારંભિક તબક્કા તરીકે એટલે કે પ્રિ.વોર ગણાવી સંરક્ષણ નિષ્ણાંત લોકોએ તેને એક રીતે જનમતની લાગણીના પડઘા તરીકે મુકી.

ભારતીય એર સ્ટ્રાઈકનો જવાબ ઈમરાનખાને એટલા માટે આપવો પડે કે તે ભારત વિરૂધ્ધ આગ ઓકીને ચૂંટાઈ આવ્યા છે. જો ભારત સામેના કોઈ આભાસી તો આભાસી પણ એકશનની પ્રતિતી ન કરાવે તો તેણે ત્યાંની સત્તાથી હાથ ધોવા પડે. સેના પાકિસ્તાનમાં કાયમી 'સેમી લીડરશીપ'ના રૂપમાં દેખાઈ છે. ત્યાં લશ્કરી બળવાઓ પણ તેના ભાગરૂપે ગણી શકાય. બીજા દિવસે સવારે ભારત - પાકિસ્તાનના વિમાનોની સરહદ પાર કરવાની પ્રતિક્રિયા જોવા મળી. પાકિસ્તાને કાશ્મીરના સરહદી પ્રવર્તીય વિસ્તારોમાં બોમ્બ નાખ્યાની વાત પણ કરી. દરમ્યાન આપણાં વિમાનની તબાહી થતાં તેના વિંગ કમાન્ડર વર્ધમાન ત્યાં પકડાઈ ગયા. હવે પાક. શું કરે તેના પર સૌની મીટ છે.

રશિયા, અમેરિકા, યુરોપિયન સંઘ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ ભારતની ત્રાસવાદ સામે લડવાની મહેચ્છાને ટેકો આપ્યો પાકિસ્તાનને પોતાની ધરતીનો થતો ગેરઉપયોગ સદંતર બંધ કરાવી ત્રાસવાદી ગતિવિધિને અટકાવવી જો કે તમામ દેશોએ સંયમ જાળવી રાખવા બંને દેશોને અનુરોધ કર્યો. દ્વિતિય વિશ્વયુધ્ધ પછી નેધરલેન્ડમાં એક અંતરરાષ્ટ્રીય અદાલતનું ગઠન કરવામાં આવ્યું છે જે કોઈપણ બે દેશના મસલાઓ પર વિચાર કરી શકાય પરંતુ ભારત આ પ્રકારની અદાલતી કાર્ય્વાહી માટે સંમત ન થતાં તેનો સભ્ય્‌ નથી. આ અદાલતનું સભ્ય પદ ૧રર દેશોએ સ્વીકારેલું છે.

આંતરરાષ્ટ્રીય મંચ અને ભારત-પાક પણ ઈચ્છે છે કે યુધ્ધ ન થાય. ડોનાલ્ડ ટ્‌મ્પ વિશ્વમાં કોઈ પોતાની કુંકરી ગાંડી કરે અથવા ગાંડપણ કરે તો તેને સમજાવી લેવા ઉત્સુક છે. દક્ષિણ કોરિયાના તુમાખી સત્તાધીશ કિમ જોનને પણ પોતે વિયેતનામ બોલાવીને તેના પાટનગર હેનોઈમાં પરમાણું કાર્યક્રમ પડતો મુકવા હાથ ફેરવી દિધો છે. પાકિસ્તાનની આર્થિક હાલત સતત ડામાડોળ રહે છે. ભારતની સરખામણીએ તેણે તમામ ક્ષેત્રે ઘણું કરવાની બાકી છે. અમેરિકા ચીન જેવા દેશો પાસે તેણે પોતાની આર્થિક જરૂરિયાત માટે ખોળો પાથરવો પડે છે.તેથી તેમની વાત કે દરખાસ્તનો તેણે સ્વીકાર કરવો જ પડે. જયારે હું આ લખી રહ્યો છું. ત્યારે સમાચાર મળે છે કે પાકિસ્તાને બ્રિટન, અમેરિકા જેવા વિકસિત દેશોમાં દબાણથી આતંકવાદી સંગઠનો જમાત ઉલ દાવા અને જૈશે - મહમદ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. જે આવકારદાયક છે. પરંતુ ભારત સહિતના દેશો એવો પ્રસ્તાવ લાવશે કે અમારી પાસે જે સાધનિક પુરાવા છે તેના આધારે તેની સામે કાર્યવાહી કરવા અમારા દેશના એવા અપરાધીઓને તમે સુપ્રત કરો પણ તે અશક્ય લાગે છે.

યુધ્ધ આજે લડવું કે જાહેર કરવું પંદરમી સદીની વૈચારિક ક્ષમતા ગણાય. કારણ કે હવે યુધ્ધ સામગ્રીની વિનાશકતા વિજ્ઞાને એટલી વિસ્તારી છે કે તે એવા વિચારને અમલમાં મુકનારને પણ લાઈવ રાખી શકે તેમ નથી. બીજી વાત કે વિકસિત દેશો અમેરિકા, બ્રિટ, ફ્રાંસ જર્મની કે રશિયા એવું ન ઈચ્છે કે કોઈ મોટી લડાઈમાં બે દેશો સળગી મરે, કારણ કે પરોક્ષ રીતે તેમના વીકાસ અને રફતારના આધાર પણ એ દેશો હોય છે. વેપાર-વાણિજય પર થનારી અસરો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ઈમરાન ખાનનો બદલાયેલો સુર આંતરરાષ્ટ્રીય મંચના દબાણનો જ એક ભાગ હોય. ભારત સરકારની એવી કોઈ સશક્ત સ્થિતિ નથી કે મહાસત્તાઓથી દુર જઈને સ્વતંત્ર રીતે વોર જેવા આત્યતિંક નિર્ણય કરી શકે.

પાકિસ્તાન ત્યાં ત્રાસવાદી પ્રવૃત્તિને કંઈક અંશે ડામી દેશે. તેનો પ્રચાર-પ્રસાર કરીને વિશ્વને તે સાબીતી આપવા મથામણ કરશે. વધતા તનાવ માટે આવતા દિવસોમાં વિકસિત દેશોના પ્રતિનિધિઓ બંને દેશોને મંચ પર લાવવા અનુરોધ કરી વાતને ઠંડી પાડવા કોશિષ કરશે. ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સુધી જુસ્સાદાર નિવેદનો સંભળાતા રહે તેવું બનુે. બાદમાં સંયમની વાતનો અહેસાસ કરીને નવી દિશાઓ પર મીટ માંડવી પડે. સમગ્ર વિશ્વની નજર ભારત-પાક.ની ગતિવિધિ પર છે. સમય જ નક્કિ કરી શકે હવું શું થશે..! અશાંતિમાં વધારો નહીં થાય એટલું નક્કી.