Wednesday, December 19, 2018

ગાંધી વિચારનું શિક્ષણ : સાંપ્રત અને સતત

------લે તખુભાઈ સાંડસુર

ગાંધી વિચાર આજે પણ તરોતાજા અનુભવાય છે. તેને મમળાવતા એક લખલખું પસાર થઈ જાય છે ,આવુય હતુ આમ પણ હોય !! એક સદી વળોટયા પછી પણ તે નૂતન નવનિર્માણની જાણે અગમ ઝાંખી હશે તેમ સમજાય છે. સાબરમતી કે જહોનીસબર્ગનો સત્યાગ્રહ આશ્રમ બાપુને અનુભવે સૂવર્ણ સત્ય લાધે છે.અને તે વરસો પછી પગદંડી ,ઉદીપક સાબીત થઈ રહ્યુ છે. તેના વૈચારિક દોહનથી પ્રાપ્ત નવનીતરૂપ નીતિનું આવિષ્કરણ માત્ર આપણાને સૌને નહી બલ્કે વિકસીત દેશોએ પણ સ્વીકારેલું ભીતસત્ય છે.

ગાંધીયન દ્રષ્ટિ પંચ પ્રાણતત્વોને અનુસરે છે. આખી શિક્ષણ વ્યવસ્થાનો ડ્રાફ્ટ જાણે આપણી ભૌગોલિક ,આર્થિક, સામાજિક સ્થિતી લેબાસને ધ્યાને લઇ બનાવાયો છે .આ સારભૂત તત્વો છે. સમુહજીવન, ખાદી ગ્રામોદ્યોગ, સ્વાવલંબન, શ્રમ ગ્રામ વિકાસ, ચરિત્ર નિર્માણ.


ગાંધીજીએ વર્ધાશિક્ષણ યોજના- ૧૯૩૭માં આ બાબતને અગ્રહરોળમાં મુકી છે.જો કે ગાંધી એટલે પ્રયોગશાળા ,ગતિશીલતાને તેમના જીવનના પર્યાય તરીકે સ્થાપિત કરી શકાય.તે કોઈ જાતિ કે પ્રણાલીને અમલમાં મુકે પછી સમાયાંતરે ફેરફારો સ્વીકારવામાં તે જરાય સંકોચાયા જણાયા નથી. હા, તેના અંતેવાસીઓ કે અનુગામીઓએ તેમની વૈચારિક ભૂમિકા ને વધુ પડતી રૂઢ કે ગતાનુગતિક બનાવી દિધાની માન્યતાઓ પ્રવર્તે છે. પરંતુ તેને નખશીખ જાણનાર કે ઓળખનાર એવી જરૂર પરખ પામ્યો છે કે તેનું સમગ્ર જીવન આઈસ્ટાઈનની પ્રયોગશાળાથી પણ બહુલ ક્ષેત્રફળ ધરાવે છે.

સમુહજીવનની પ્રાથમિકતા આપણા સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં મહત્વનું છે .છાત્રાવાસ કે શાળાકીય શિક્ષણ "સૌ આવો સૌ આગળ વધો"ની સામુહિક વિચાર દ્રષ્ટિ -સમાનતા મૂલ્યેને સંવર્ધિત કરે છે, પોષે છે. આપણી વૈવિધ્યપૂર્ણતા સૌને સ્વીકાર કરવા સતત સાદ પાડે છે. ધર્મ, જાતિ, સંપ્રદાય કે પ્રદેશ વિભિન્નતા બાળકમાં અલગતાવાદના અંકુરોનું જન્માનવે સમાજના ચેતો વિસ્તારમાં એવી વાત રૂઢ થાય કે "આપણું છોને બધુ જુદુ હોય તો પણ આપણે સૌ એક છીએ "આ બાબત ત્યારે પણ આઈએમપી. હતી,ને આજે પણ છે. શિક્ષણના પાયાના સિદ્ધાંતોમાં આ ફુલને ગુંથી લઈ નાગરિક નવનિર્માણનો આધાર સ્તંભ પ્રસ્થાપિત રાખી શકીએ .તો અને તોજ અરે ત્યાં સુધી આંતરિક યુધ્ધ જેવી સંકટ ઘડીને થભાવી શકીશું. રાષ્ટ્રીય એકયને જાળવી રાખવામાં પણ સફળતા હાંસલ થઈ શકશે. સમુહજીવનના સહગોઠી કે તેના આંતરિક અંગ તરીકે સહજીવનને મહત્વ અપાયુ છે .બાળકમાં લિંગ ભિન્નતા અનેક પ્રશ્નો ઉદ્‌ઘાટિત કરે છે લૈગિક સામ્યતા તદુરસ્ત સ્પર્ધા, સંશોધન સહકારિતાને બળ પુરૂ પાડે છે. છોકરા છોકરીની ભેદરેખા સ્ત્રી જાતિય ગુનાખોરી તરફ ખેચી જવાના પણ તારણો નીકળ્યા છે. સહજીવનના ક્ષુલ્લક ભયસ્થાનોથી ભાગી તેને તરછોડી દેવી તે અન્યાય કર્તા છે. છોકરા- છોકરીમાં એક મંચની પૂર્તતા બનવાનું સામર્થ્ય પણ નિર્મિત થાય છે.

ખાદી -ગ્રામોદ્યોગનો શિક્ષણમાં સમાવેશ કરવા પાછળ ગાંધી સિધ્ધાંત એ હતો કે ગ્રામકારીગરોને રોજગારી મળે અને પોતાના ઉત્પાદનનું સરળતાથી બજાર પણ મળે. ઓછું ભણીને પણ સરળથાથી ગુજરાત ચાલી શકે, તેટલી રોજગારીની સરળતા થાય. સરકારી નોકરી મેળવવાના હતોત્સાહથી બચી જવાય. એટલુ જ નહી શુન્ય તાંત્રિકીથી વિદ્યાર્થી પોતાનું કૌશલ્ય નિર્માણ કરી શકે. આ તમામ બાબતો આજે પણ વિકસીત રાજ્યને લાગુ પાડવા ગરમાગરમ જરૂરીયાત છે. નગરો તરફ વધી રહેલી દોડમ દોડ ગ્રામસમાજ જગતને એક મહાકાય નિરાશામાં ધકેલતુ રહ્યુ છે. શહેરી કરણનું વિસ્તૃત થતુ જંતુ જાળુ નવા પ્રશ્નો- સમસ્યાથી ઘેરાઈ રહ્યુ છે .તેથી ઉક્ત બાબત આજે પણ એટલી જ સાતત્ય ધરાવે છે.

સ્વાલંબનનું જોડાણ આત્મ સન્માન સાથે છે. જે પોતે પોતાનું બધુ જાતે કરી શકે તેમણે અન્ય કોઈ પર આધારિત રહેવાની જરૂર રહેતી નથી. અમેરિકા ,બ્રિટન, જર્મન અને જાપાન જેવો દેશોએ વર્લ્ડ ઈકોનોમીકલ સ્ટ્રોંગ સર્કલમાં પોતાની હાજરીની સતત પુષ્ટી કરાવી છે. ગાંધી પરિરૂપને અનુસરીને પશ્ચિમી જગત પણ તેનાથી અભિભૂત થવામાં બાકાત નથી. ગાંધી દર્શન રસોઈકળાથી શૌૈચાલય સ્વચ્છતા સુધીની સફળતામાં ક્યાય લડખડાતુ નથી. જ્યારે તમે બધી બાબતમાં પાવરધા છો. તો કોઈ કામ તમને ક્યાય પજવી શકતુ નથી. સુખનો પહેલો 'સ્કવેકટ'તમને અહીથી પ્રાપ્ત થાય છે. આશ્રમજીવનમાં ગાંધીજીએ અનુસર્યુ તો ખરૂ પણ કેળવણીમાં પણ તેનો અમલ કરાવ્યો. આજે પણ બુનિયાદી સંસ્થાઓ 'જાતે કરો અને જીવી જાણો' ના મંત્રથી ચાલે છે. મેકોલ પેટર્ન સૌને પાટલી પર એટલે કે જમીનથી દોઢ ફુટ ઉચે બેસાડી શ્રમ અને સ્વાલંબનની સુગ પેદા કરી છે.તેનાથી આજે પણ આપણી શિક્ષણ વ્યવસ્થા આંસુ સારતી નજરે પડે છે. સમયબધ્ધ આયોજનથી જો આપણે હજુ તેને અમલી બનાવી શકીએ તો રાષ્ટ્ર કલ્યાણના નવા દરવાજા ખૂલ્યાનો અહેસાસ થશે.
        બાપુ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી પ્રથમ વખત જેલમાં ગયા. તેના વોર્ડર આદન એક હાથે અંપગ હતો. ગાંધીજી સવારે ૪ કલાકે ઉઠીને પ્રવૃત્તિમાં પરોવાતા .ચાર કલાક કાંતણ , બે કલાક પીંજવવાનું કામ કરતા કરતા તેની આંખો દુઃખી ગઈ. આરામ કરવાનું સુચન તબીબોએ પણ કર્યુ, પણ તેનો ઉત્તર વાળતા ગાંધીજીએ કહ્યું ' સુર્ય પોતાનું કામ છોડે છે તેના નીકળવાથી પ્રકાશ મળે છે તો આપણે શા માટે છોડવુ ? 'ગાંધીજીેએ ખોરાક થોડો છોડ્યો, પોતાનું કામ નહી. તેથી શિક્ષણ માત્ર અમને પાયારૂપ ગણતા .શ્રમની શિક્ષણમાંથી બાદબાકીએ અનિયમિતતા, અરાજકતા અનિષ્ટોને ઉભા કર્યા છે. સરકારી નોકરીઓ પાછળની દોટનું એક કારણ કામચોરી પણ છે. ઈજનેર છે પણ તેને પાનુ પકડવુ નથી. કૃષિના વૈજ્ઞાનિક ખેતરની માટીમાં પોતાનો પગ અડાડવો નથી .આ માનસિકતા એ સમુળી શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરી છે. બુનિયાદી શાળાઓ શ્રમનું મહત્વ આંકી નિષ્ઠાવંત નાગરિક રાષ્ટ્રચરણમાં ધરવાનું પૂણ્ય કાર્ય કરી રહી છે. ભારતના પાયામાં ગ્રામજગત છે. તેની સતત ખેવના ,ચિંતા પાયાનું કામ છે.

અંતિમ પડાવમાં આવે છે ચરિત્ર નિર્માણ.શિક્ષણના પાયાના મુલ્યોમાં આ હેતુ અમુલ્ય છે. રાષ્ટ્રના અફાટ અને એકસપ્રેસ વિકાસમાં ચરિત્રવાન નાગરિકનો જ ફાળો હોય શકે .વિકસીત રાષ્ટ્રોના સિધ્ધાંતો, નિષ્ઠા બધુ ૨૪ કેરેટ સોનાથી જરાય ઉતરતું નહી હોય.સાંપ્રત યુગના શૈક્ષણિક આયામો ટેકનોક્રેટ કે તોખાર તબીબો જન્માવી શકે છે .પરંતુ તેનામાં માણસ ઉભો કરવાની વાત તો અધુરી જ જણાય છે. માર્કસને મહત્વ આપીને 'મમતા'ની 'ખો'અપાઈ ગઈ છે. પ્રેવશની ભાંજગડ પ્રેમને ભુલી ગઈ છે. રેન્કને હાંસલ કરવામાં રાષ્ટ્ર બીજા નંબરે ધકેલાયુ છે. એક એક બાળકમાં ભાઈચારો ,પ્રેમ સહઅસ્તિત્વ ,નિષ્ઠા, સત્ય સતત રૂઢ થાય તે માટેના કાર્યક્રમો, અભ્યાસક્રમ ગાંધી વિચારની પ્રાથમિકતા છે. બુનિયાદી શાળાઓ આજે પણ વ્યાખ્યાનો, પ્રવૃત્તિઓ થકી આ દિશામાં અડગ કદમમોથી આગળ વધી રહી છે.

ગાંધીજીએ તેમના પ્રયોગોમાં આ તમામ વિગતોને અમલમાં મુકીને તેમા યતકિંચિત ફેરફારો પણ કર્યા છે .ગતાનુગતિક પ્રવૃત્તિમાં આવશ્યક ફેરફાર પણ થતાં રહેવા ઘટે .દા.ત આજે હવે રેટિયો પ્રસ્તુત નથી તો તેના સ્થાને કમ્પ્યુટર કે અન્ય ટેકનોલોજીને અપનાવી રહી .ગ્રામજગતમાં વિકસતા રહેતા ગ્રૃહઉદ્યોગોનું જરૂરીયાત સાથે સાતત્ય કેળવી શિક્ષણમાં વણી લેવાય તે જરૂરી છે. ગાંધી વિચારના શિક્ષણનું મહામંથન અને તેનો અમલ 'બાપુ'નેખરી શ્રધ્ધાંજલી જ ગણાય.



Tuesday, December 11, 2018

Moraribapu's interview on Manas Ganika

ગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીં : મોરારિબાપુ
---આલેખન:::::તખુભાઈ સાંડસુર

(મોરારિબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોત્થાન, સામાજિક લોકક્રાંતિના પ્રણેતા તરીકે સાપ્રંત સમય તેમને નવાજે છે. રામકથાના માધ્યમથી સાહિત્ય, શિક્ષણ સમાજ કલ્યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમની મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રામજન્મભુમિ અયોધ્યામાં તેઓ ગણિકા (સેકસવર્કર)ને કેન્દ્રિત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા વિષય સંદર્ભે પત્રકાર તખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાપ કર્યો જે અહીં પ્રસ્તુત છે.

પ્રશ્ન :- બાપુ માનસ ગણિકાના સ્ફુરણનો પાયો કોને ગણવો ? શા માટે ?

મોરારિબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષિત નથી. વ્યાસપીઠની કરૂણા પામવાનો સૌને અધિકાર છે.


વંચિત, પીડીત, ઉપેક્ષિત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતિ માટે સને ર૦૧૧માં દેવળા ગોંડલ, કિન્નરો માટે સને ર૦૧૬માં થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહીં કેન્સર, સ્વચ્છતા, ગાંધી દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે તો ગણિકા બહેનો માટે ધાર્મિકતાને જોડી સંવાદ કેમ ન થાય ? તુલસી દાસજીએ પણ વાસતી નામની ગણિકાના અંતિમ સમયે રામનામનું મહિમા ગાન કરી આપદ ધર્મ નિભાવ્યો હતો. મારી વ્યાસપીઠ પણ આ જ દિશામાં કદમ ઉપાડી રહી છે.
પ્રશ્ન : ગણિકાના વ્યક્તિત્વને આપ કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો ?

મોરારિબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છું કે ગણિકા એટલે માત્ર દેહવ્યાપારમાં સંકળાયેલી સ્ત્રી કે મહિલ જ નહીં પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ. જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવક પોતાની સેવા માટે સાધુ પોતાના વ્યાખ્યાન માટે પોતાની નિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી ,મજબુરીથી કે ટેવ વશ પોતાના દેહ વેચતી હશે પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેચતી નથી.

પ્રશ્ન : ગણિકા જેવા અસ્પૃશ્ય વિષયને સ્પર્શતા આપ કોઈ સામાજિક સંકોચનો અનુભવ કરો છો ? શા માટે નહીં ?

મોરારિબાપુ : ના જરા પણ નહીં રામ બંધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવું જોઈએ. ભગવાન બુધ્ધ પણ ગણિકા પાસે ભીક્ષા લેવા ગયા હતાં. સમાજને તેણે ખુબ સુચારૂ ઉત્તર આપીને નવો સંદેશો આપ્યો હતો. તળાવમાં દુધનો લોટો નાંખવાથી તે તળાવ દુધીયું ન થાય પણ થોડો રંગ બદલે અરે. તે પણ ન થાય પણ સ્વયંને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવું જોઈએ તેવો નિર્દેશ માનસ કરે છે.

પ્રશ્ન : બાપુ, માનસ-ગણિકાનું સ્થળ અયોધ્યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ - અભિગમ ? કયો ?

મોરારિ બાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસનું ભાવ કેન્દ્ર અયોધ્યા છે. મર્યાદા પુરૂષોત્તમ રામજીની જન્મભુમિ .બીજું સંત પુ. તુલસી દાસજીએ અહીં નગરના છેવાડે રહેતી વાસંતી નામની ગણિકાની અંતિમ ઈચ્છા મુજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતાં. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાંસતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે ખુબ પ્રસન્ન થઈ હતી.

"વો રસ્મે તોડકર મેરે ઘર આને વાલે હૈ

મૈ ડર રહા હું કી ઝાલિમ જમાને વાલે હૈ"

અને રામચદ્ર કૃપાળુ ભજમનના ગાન સાથે વાસતીની આંખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય.

પ્રશ્ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્યાણક પ્રવૃત્તિ માટે અપીલ થશે ?

મોરારિબાપુ : સૌ માટે કરૂણા માનસનું ભાવ બિંદુ છે. સમાજે પણ તેને અનુસરવું જોઈએ કલ્યાણક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે તેવી શ્રધ્ધા છે.

પ્રશ્ન : માનસ કિન્નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તવારીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ?

મોરારિબાપુ : "સિર્ફ હંગામા ખડા કરનાર મૈરા મકસદ નહીં, મેરી કો શિશ હૈ કી યે સુરત બદલની ચાહીએ" આપણે દુષ્યતકુમારની આ પંક્તિઓને અનુસરીએ

પ્રશ્ન : બાપુ આ વિચાર બિંદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખી શકાય ? અથવા તેની ફુલશ્રુતિ ?

મોરારિબાપુ : ઉપેક્ષિત વર્ગ, સમાજ તરફ લોક જનસમુહનું ધ્યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચાર શૃંખલાને બળ મળે છે. માનસ કિન્નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્નર સમાજને તૃતિય લિંગ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેવી વાત મારા ધ્યાન પર લાવવામાં આવી છે. આ આવકારદાયક જ ગણી શકાય.

પ્રશ્ન : બાપુ, આ કથાના યજમાન કે વ્યવસ્થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ?

મોરારિબાપુ : કથા સ્થળ :ભકત માર્ગની બગીચી, પિરક્રમા માર્ગ અયોધ્યા છે. તેના યજમાન કોલકત્તાના બંગાળી શ્રેષ્ઠી છે તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્વ આપે તેમ નથી. બાબુજીએ ર૦૦ ગણિકા બહેનોને નિવાસ- ભોજન ,મુસાફરીની વ્યવસ્થા કરેલ છે. કથા સ્થળે મંડપમાં અગ્ર ભાગે તેમની સુચારૂ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામકથાના ઉપક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમ્મિલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજિક પુનરૂત્થાન માટે સધળાં પ્રયત્નો થશે. અગાઉ પણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતાં પ્રગટ કરી ચુકયું છે.

પ્રશ્ન : વ્યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે,આપનો કોઈ મનસુબો ?

મોરારિબાપુ : ના કંઈ નિશ્ચિત હોતું નથી. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગૃરુકૃપાથી સ્ફુરણ થશે ત્યાં તલગાજરડા -માનસ પહોંચવા પ્રયત્નશીલ હશે.

પ્રશ્ન : બાપુ .કથા પુર્વે શ્રોતાઓને, સાધકોને આપનો કોઈ સંદેશ ?

મોરારિબાપુ : હા ,સૌને કથા શ્રવણ માટેનો ઉમળકાભેર સાદ સૌ આવો ,જય સિયારામ.



Thursday, December 6, 2018

મંદિર નારો ૨૦૧૯

અયોધ્યા મંદિર : ઓગણીશનો VAI..!

--- તખુભાઈ સાંડસુર
અયોધ્યાનો મુદ્દો કેટલાયને રળી ખાવાનું નાનું ખેતર છે. આ ખેતરને જોકે શેઢો નથી એટલે જ્યારે જેવું નાનું મોટુ કરવું હોય તેવું થાય.   !!!? મુદ્દો મંદિર નિર્માણ કે બાબરી મસ્જીદને હટાવવાનો નથી. આ દેશના મતદારોની બાલીશતા, મુર્ખતા માટે હસવું ય ભારે થઈ પડે તેવું છે. અનેક ચૂંટણીના માંડવાઓ જોયા પછી લાગે કે આપણી પરીપરક્વતા ક્યાં સુધી દિવો બળે એટલે દુર રહેશે!!. અદાલતી ચુકાદાઓ અને નેતાઓની ચાઈનીઝ ચટાકેદાર બયાનબાજી કેટલાક નવરાઓ માટે વાતો કરવાનો કે લાંબુ કરવાના સારા વિષયો ગણાય. પરંતુ આ આભનો છેડો હોય ખરો ?

સને ર૦૦રથી હિન્દુ મતોને ઉશ્કેરીને મતપેટીમાં લઈ જવાની એક ખૂબ યોજનાબધ્ધ ચાલ ગોઠવવામાં આવી રહી છે. બાબરી મસ્જીદનો ઢાંચો પડી ગયા પછી જે સામાજિક સમરસતાને ઘા પડ્યો, તે હંમેશા વણપુરાયેલો રહ્યો છે.


જ્યાં તેની પર થોડી ઘણી રુઝ આવે ત્યાં અનેક પેતરાઓથી તેને ખતરોડીને પરુ-પસથી ભરેલું મોટુ ધારૂ બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં આવો જ પ્રયત્ન સાવ નકામો દેખાઈ રહ્યો છે.
ભાજપ, આરએસએસ કે તેની વિવિધ પાંખો પણ જાણતી નહોતી કે ભારતના લગભગ ૪૦ ટકા ભાગમાં હિસ્સો નહીં ધરાવનાર પક્ષ સંપૂર્ણ બહુમતીથી દેશમાં સત્તા પર આવી જાય પ૪૩ લોકસભામાંથી બહુમતીના મેજીકલ અને મીરેકલ બેઠકના આંકડા સુધી પહોંચી જવાશે.આ  મે-ર૦૧૪માં થયું. ઠાગાઠૈયા કરૂ છું ને ચાંચુડી ઘડાઉ છું કહેતાકને કાબરબાઈ એવી પ્રજા પાસે ઓગણીશમાં પહોંચી જવાયું છે હવે શું ? ભાજપની ઈલેક્શન મેનેજમેન્ટ ટીમે ફરી અયોધ્યા પર આંગળી મુકી. અયોધ્યા મંદિર એટલે વોટ એક્શમેન્ટ ઈસ્યુ VAI .મતલબ કે મતને જ્યારે રોકડા કરવા હોય ત્યારે અહીં પહોંચી જવાનું એટલે પત્યું.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના ઓપીનીયન પોલ સત્તાધારી પક્ષ ભાજપની બકરી ઢબે પુરી દિધી છે. કેટલાક સર્વે કશમકશનો આંકડો દર્શાવતા હતા તો કોઈ તો લગભગ રાતા પાણીએ ભાજપને રોવાનું દર્શાવતા હતા. દેશભરમાં એક નકારાત્મક હવા ધીમે ધીમે શરૂ થઈ રહી છે કે તમે રૂલ માટે લાયક ઓછા રોફમાં વધુ પાવરઘા છો. ભાજપ અને મોદી હવે ઝાંખા થઈ રહ્યાં છે. તમે જ્યારે હવા મહેલો ચણી દો અને એક ઝુપડુ પણ ઉભુ ન થાય તો શું થાય ? બીજુ આર્થિક બેહાલીએ સામાન્ય માણસની કમરના મણકા કચડી નાખ્યા છે જે રીતે ટેક્ષને ઈમ્પલીમેન્ટ કરવામાં આવ્યો અને સરકારની તિજોરી છલોછલ કરવાના મનસુબા પાર પાડવા નાના અને લઘુ ઉદ્યોગોને કરમાળખામાં સમ્મિલિત કરીને રોજગારીના રોટલાઓ આંચકી લેવાયા. કેટલાયની થાળીઓ ખડખડ ભાણા બની ગઈ છે. બીજી તરફ આર્થિક નીતિઓના પરિણામોને નજર અંદાજ કરીને સબસીડાઈઝ ચીજોનું ખુલ્લુ બજાર કરવું. વ્યાજદરોને ઘટાડીને બચતના નાણાનો પ્રવાહ અન્ય રસ્તે ફટાવો દેવો .જેવી બાબતોએ ક્યાંક પ્રત્યક્ષ તો કવચિત પરોક્ષ રીતે સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયમાં એક અજંપાનો માહોલ ક્રિએટ કર્યો છે. તેને ટેઈક ઓવર કરી શકાય તેમ નથી. દિલ્હીના બારાખંભા રોડ પર ભાજપા મુખ્યાલયમાં બેસતા માસ્ટરોનું બી.પી. ઓછુ વત્તુ થવા લાગ્યું છે. ગુપ્તચર સંસ્થાઓ અને પુંજીપતિઓની ચેનલોએ રેડ સિગ્નલ બતાવી સૌને નવેસરથી તાળા ગોઠવવા મજબુર કર્યા છે.

આ તાલમેલનો પહેલો અંક અયોધ્યામાં રપ નવેમ્બરે ભજવવામાં આવ્યો. તેનુ નામ આપવામાં આવ્યું હતું, "ધમૅસભા".જેમાં શિવસેનાને વરમાળા પહેરાવીને ઝુલુસમાં આગળ કરવામાં આવી છે. ભાજપ-શિવસેનાનું એક સિક્રેટ અંડરસ્ટેન્ડીંગ હોવાનું દેખાયું કે તમે આગળ વધો. ધર્મસભાથી રામમંદિર નારો ગજવો.અમારે સોફટ ઈસ્લામીક વોટબેંકને ટકાવી રાખવી છે, તેથી અમે ખુલ્લામાં મોઢાનો પડદો ઉંચકી શકીએ તેમ નથી. તમને આંતર માળખાગત ,આર્થિક ,મેન પાવર સપોર્ટ અમે આપશું .જેથી સાપ મરે નહી અને લાઠી ભાંગે નહી. ઉદ્ધવે ફરી હુંકાર કરી મુદ્દાને ચૂંટણી ચોગાનમાં રંગદોળી દિધો. સૌએ એક શ્વાસ લીધો કે તેમા કોઈ કેઝ્‌યુલીટી નથી થઈ .કોંગ્રેસ ઘણા વર્ષો સુધી ધર્મ -જ્ઞાતિના નામે આળપંપાળ કરી નવા વાતાવરણને રચવામાં ઓછુ નહોતુ કર્યુ .પણ ત્યારે તેનાથી સામાજિક પ્રદુષણ આટલા મોટા પ્રમાણમાં જોવા નહોતુ મળ્યુ. એ જ રસ્તો અત્યારે સત્તાધારી ભાજપ અપનાવી રહ્યો છે.

લોકશાહીની પરિભાષા ત્યારે બળુકી પુરવાર થાય કે તેનો સામાન્ય માણસ પણ સમાનતાનો અનુભવ તથા સલામતીનું મહા કવચ માણી શકતો હોય. જ્યારે તમે કોઈ મહોલ્લામાં કે ગામમાં અલ્પ સંખ્યક છો તો તમે કેવો અનુભવ કરો છો ? રાતની મેધલી કાળી ચાદર તમારા એકાંતને કેટલુ પજવી નાંખે છે ,ત્યારે તમારા હાર્ટ બીટ કેટલા વધી જાય છે. તેનો કોઈ માપકયંત્ર વગર તમે અહેસાસ કરી શકતા હોવ છો. બસ આવી જ એક કલ્પના તમે એવા સાંપ્રદાયિક સમુહમાં લઈ જાવ.આવી અકળામણનું અસુખ માત્ર પરમતત્વ પાસે ખોળો પાથરે છે.

સત્તાના સિહાસનની સાહેબી જેને ભોગવવી હોય તે છોને ભોગવે પણ તે મેળવવા કોઈકને માઈક્રો યાતનાનું વજુદ કેટલુ ? ભારતના ધર્મ જાતિ, પ્રદેશમાં વૈવિધ્ય પૂર્ણ વર્ગોમાં વિભાત્જીત લગભગ ૮૦ ટકાથી વધુ લોકોને રાજનીતી સાથે બહુ ઓછી નિસ્બત છે. તે અમન, આબાદી અને ઐશ્વર્યથી પોતાના જીવનને વ્યતિત કરવા ઈચ્છે છે. આવી શાંતિના પુલુક (સરોવર)માં કાંકરી ફેકનારા અક્ષમ્ય લોકશાહી પાલકો છે. સુજ્ઞજનોની સંખ્યા કોઈ મેજીકલ ફીગરમાં નથી તેથી તેનો લાભ આપણા રાજનીતીજ્ઞો ઉઠાવી રહ્યા છે. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સદભાવ રાષ્ટ્રીય વૈવિધ્યનું એકીકરણ વગેરે જેવા મુદ્દાઓનો ગંભીરતાથી વિચાર કરવાથી સતત પ્રાથમિકતાનો અનુભવ થયા કરે છે.

છેલ્લે

બધારણીય ફરજો આચાર સંહિતા વગેરેનાં પાલન માટે વિશેષ ઠરાવો ,કાયદાઓનું ગઠન રાષ્ટ્રીય અંખડિતતા માટે ઓકસિજન બની શકશે.