Monday, November 2, 2020

એક વો ભી જમાના

 એક વો ભી જમાના થા એક યે ભી

તખુભાઈ સાંડસુર

જમાના કે યુગની વર્તમાન સાથે સરખાવતાં નફો ફોટો કરીએ તો સાંપ્રત ખોટના ખાડામાં જ હોય. ઝફર ગોરખપુરીની ગઝલના શબ્દો તેની બખૂબી ટાપસી પૂરે છે.

"સંતોષ થા દીલો કો માથે ને બલ નહી થા, 

દિલ મેં કપટ નહીં થા આંખો મેં છલ નહિ થા,

થે લોગ ભોલે ભાલે લેકિન યે પ્યાર વાલે ,

દુનિયા સે કિતની જલ્દી સબ હો ગયે રવાના"

વખત વીતે એટલે લગભગ બધું બદલાઈ જાય છે.ક્ષણોની બદલાતી તાસીર શરીર, સ્થળ,મનની કરવટને ન ફંટાવી દે છે.ભૂતકાળ ચુંઈગમ કરવો સ્વાદિષ્ટ લાગે છે. તેના કારણોના વિશ્લેષણમાં જઈએ તો ખ્યાલ આવે તે ભલે અભાવના ખંડેરો હતાં. જ્યાં રોશની ગાયબ હતી. જગમગતા,ટમટમતા દીવડાઓ જ ભલેને હતાં. તો પણ તે ખુશહાલી ના ગાણાં ગાતાં સંભળાય છે. બધા યુગની સાથે તેની તવારીખ એક અમરગાથા થઈને અંકિત થઈ જતી હોય છે.

     ભલા ને ભોળા લોકોને અનુભવતાં એવું જરૂર થાય કે અલૌકિક ચેતના તેમની સાથે સતત ચાલીને બધા કાર્યો સુખરૂપ આટોપતી હોય. શિક્ષણ અને નગરજીવનનો સ્પર્શ તે યુગના લોકોને જરાય અડગતો નથી. આજથી ચાર પાંચ દસકાઓ પહેલાંના એવા લોકોને આપણે જોયા છે, કે તે સતયુગમાં જીવી જાણ્યાં હોય. ગામડાંના તે સજજનો પણ અનુભવ્યાં છે કે તેનામાં સહેજે ચતુરાઈનો લેપ ન લાગ્યો હોય. એક ઉદાહરણ આપું કે અમારા ગામના એક વૃદ્ધ દાદા સુરત જેવા મહાનગરમાં પોતાના પુત્રના મહેમાન તો થયા, પણ કુદરતી હાજતે જવાની સહજ ટેવ તેને ત્યાં વધુ ટકાવી ના શકી. દાદાને પેટનો દુખાવો થયો,હવે ફરિયાદ ફરી તેને તાકીદે ગ્રામ જગતમાં લઈ આવો.બસ, આ ગમતીલુ ગામ અને તેનો અસબાબ.

      તે યુગ છોને અભાવની સાકડી શેરીઓમાંથી પસાર થતો હોય પણ તેના દિલોદિમાગની વિશાળતા વટવૃક્ષ જેવી હતી. ગામડાંનોએ ચોમાસાનો ગારો અને તેમાં પહેલાં વરસાદની સોડમથી ઉભી થતી ઘર-ઘોંસલાંની રમત. દાતરડાંના ઠૂંઠાથી રમવામાં આવતી અસ- મસ-ઘસની રમત બસ..ભજો જ મજો. ઓળકોળામણાની દેશી રમતમાં લીમડા, આમલી, પીપળાનો સથવારો તેને બથ ભરવાં જાણે સાદ પાડતાં હતાં. બાજરાનો ખાડા કરેલો રોટલો અને તેમાં માખણ ના પીંડાથી ભરાયેલા ખાડા અને ઉપરીયામણમાં મોરબીનો ડેકોરેટિવ શણગાર કરેલો. તેને લુખ્ખો ખાવા જ મજબૂર કરી ને મદહોશ બનાવી દેતો. આજે તે લ્હાવો  ફૂડ કોર્ટમાં ક્યાંથી લાવવો.?

        આજ ભૌતિક સાધનો પથારો છે. પણ ભાઈબંધની ટોળીઓનો ખાલીપો ખખડે છે. કોઈ મોબાઈલની ગેમમાં વ્યસ્ત છે,તો કોઈ youtube માં મસ્ત છે. સંબંધોની રુક્ષતાએ મોતને પણ સંવેદના થી છુટું પાડી દિધું છે.  સૌ લાગણીમાં ડેડીકેટ નથી પણ વધું પડતાં એટીકેટ થઈ ગયાં છે. જાણે સૌએ મલાજાઓ ને ડીલીટ કરી દીધો હોય.દોડાદોડી અને રફતારે સૌને માપપટ્ટી મુક્તા કરી દીધાં. સ્વાર્થની ડમરીમાં એકમેકને સૌ કોઈને ધુંધળા દેખાય છે. વન્ય પ્રાણીઓ પાસે મન, બુદ્ધિ અને હૃદય નથી માટે તેનું કોઈ જીવન નથી. માનવ પાસે આ બધું હોવા છતાં હમણાં તે પોતાની જાતને એકલો અટૂલો સમજવાં લાગ્યો છે.

         પાણકોરાનાં કપડાં, હાથમાં ભરત ભરેલી થેલી લઈને વગડીયા ખટારામાં ઉતરતાં મહેમાનને લેવા બસ સ્ટેન્ડે આવતાં આતિથ્ય કરનારા અને એ જ રીતે પાછું ભાવપૂર્ણ વળામણ  કરનારાઓની ખાલી જગ્યા ઊભી થઈ ગઈ છે. બંગલાઓ છે તેમાં ગેસ્ટ રૂમ પણ છે, તો પણ તેના બેડરૂમની ધૂળ આખા વર્ષમાં ખંખેરી લેનાર કોઈ આવતું નથી. રવિવારે રસોડામાં રજા રાખનારને ક્યાંથી અતિથિઓને ઓરા લાવવાં ગમે..?! મા-બાપની સેવાના મૂલ્યો આઉટહાઉસમાં જ સમાય ગયાં છે.પૈસા માટે ગમે તેવા સોદાઓમાં હા ભણનારાઓનો સમૂહ વિસ્તરતો જાય છે.અડાબીડ આદર્શો અને મૂલ્યોના વિકારનું નિંદામણ કરવું હવે સહેલું લાગતું નથી.

   ઘર એ મંદિર ત્યારે બની શકે ત્યાં શૃંગારિત થનાર સંસ્કાર સ્ટેચ્યુઓને રોજ બાળકોને બતાવવામાં આવે. માત્ર શિક્ષણ કે શાળા ગુણ રોપણ કરે તે પૂરતું નથી. ગર્ભ સંસ્કારથી શરૂ થનારી કેળવણી બાળક ડગલેને પગલે પામતો, પકડતો રહે.સૌ કોઈનું વર્તન,વાણી આપણાં પરિવારને દેદીપ્યમાન ત્યારે કરી શકે જો આપણે વર્તનના બેવડા ધોરણોનો છેદ ઉડાડી સત્યની સંગાથે જીવતા થઈએ.'કરે તે ભરે' તે કથની પ્રમાણે જેવું આપણે 'સ્વ' સાથે ઈચ્છીએ છીએ એ 'સર્વ'માટે કરીએ તો જમાનો આપણું કંઈ બગાડી ન શકે,અન્યથા જીવનની અનેક આફતો માટે તૈયાર રહેજો.