Wednesday, December 18, 2019

રૂપાણી સામેના પેંતરા

"રૂપાણી સામેના પેંતરા પરિણામ સુધી પહોંચી શકશે ?"
તખુભાઈ સાંડસુર
વિજય રૂપાણી લો પ્રોફાઇલ પર્સનાલિટી છે. તેને સપનું નહીં આવ્યું હોય કે તે ગુજરાતની ગાદી પર આસાનીથી આરૂઢ થશે." સીમ સીમ ખૂલ જા "નો જાદુઈ પટારો ૭મી ઓગસ્ટ 2016ના રોજ ખુલ્યો ત્યારે ઘણાં ના ભવાં ખેંચાઈ ગયાં હતાં. "જીભના લબરકા લે "તેટલી બહાર નીકળી ગઈ હતી.પણ કરે શું પાર્ટી લાઈન..!!!અદબ વળાવી દે છે. ભાજપ પહેલા મોદી અને પછી અમિત શાહની ઈર્દગીર્દ એક વર્તુળ છે તેમાંથી બહાર ફંગોળાઇ જવાનું કોઈને સરવાળો કરાવે તેવું નથી. માટે કેટલાયનું શુળ કોઠે જંપીને બેઠું છે ,છતાં પણ તે તકની રાહ જુએ છે. માટે સમયાંતરે માધ્યમો અને સમૂહ માધ્યમોને ટેકણલાકડી કરીને ગુબ્બારો ચડાવવામાં આવે છે .રૂપાણી જાય છે... જાય છે ..પણ તે હોય તો સ્થિર જ..!!
         2014ની પેટાચૂંટણીથી તેઓએ કેબીનેટમાં એન્ટ્રી લીધી.આનંદીબેને ભારે હ્રદયે સચીવાલયના પગથીયા ઉતરી જવું પડયું. હવે કોનો ..હવે વારો ..કોનું નામ આવે છે ? નો નારો ગુંજ્તો રહ્યો.લુજામાંથી દાણીયાએ રૂપાણીને તારવી લીધા. અને સોળમા ગુજરાતનો નાથનો મુગટ માથે તેમણે ધારણ કર્યો.આઠ-દસ મહિના માં જ કુંવરજીને ભાજપ ખેસ પહેરાવી ફરી જસદણના ચોકમાં મૂકવામાં આવ્યાં. ત્યારે ફરી હવા ફેલાવવામાં આવી જો તે હારશે તો રૂપાણી નું માથું વેતરાશે.બાવળિયાએ બળ કરીને બાહુબળે બેઠક જીતી લીધી. પાણી સમયતળ વહેવા લાગ્યાં. હવે આવ્યો 2017ના ડિસેમ્બરમાં ચુંટણી ઉત્સવ.ફરી ચૂંટણી પહેલાં એકવાર ચણભણ શરૂ થઈ. કોના નેતૃત્વમાં હવે ચૂંટણી લડાશે ?પણ છેવટે રૂપાણી જ રહ્યાં અને બહુમતી પણ લઈને આવ્યા. એકવાર પુનઃ ગણગણાટ થયો .હવે મોડી મંડળ વિજયને વરમાળા પહેરાવશે કે કોઈ વિકલ્પ આપશે.!  ત્યાં પણ ફરી ફુલ સ્ટોપ મૂકવામાં આવ્યું. રૂપાણીની ગાડી એક્સપ્રેસ વે પર ફાસ્ટ દોડવા લાગી. લાળ ટપકવાની રાહ જોનારાઓએ હજુ પ્રતીક્ષા કરવાનું ટાણું આવ્યું.
        અલ્પેશ ઠાકોર ,ઝાલાનો ભાજપનો ગાળીયો ઘણાને અપચો કરાવી ગયો.તે નિમિત્તે પેટાચૂંટણીના ઉત્સવમાં ફરી વિરોધીઓને મોં પર લાલાશ લાવવા તક આવી. ભાજપ અને મોદીની લોકપ્રિયતા હવે સર્વોપરિતામાં કન્વર્ટ થઈ ગઈ હોય તો મજાલ છે કે કોઈ તેની ક્યાંય એક બે બેઠકો આઘી પાછી કરી શકે ?તે પણ ગુજરાતમાં ..! પરંતુ ચ ભાજપમાં ત્રણ બેઠકો નું બાકોરું  પડ્યું. ઘરના જ ઘાતકી નીકળતાં છ માંથી ત્રણ ઓછી થઈ .જે આવી તે પણ લોથપોથ થઇને કાંઠે પહોંચતાં તરવૈયાની જેમ મહામહેનતે બચાવી શકાઈ, એવું તારણ નીકળ્યું. ફરી એ ચહેરાઓની ચટપટી વધી વિવેચન અને ચર્ચા ચોરે રૂપાણીને "કવર "કર્યા. એક રીતે તેનો વિકલ્પ દૂર સુધી દેખાતો ન લાગ્યો . જ્યારે જ્યારે મોદી કે શાહ ગુજરાતમાં એરપોર્ટ પર પગ મૂકે કે તરત  "રુપાણી જાય છે.. જાય છે ..ના બૂમ-બરાડા સંભળાવા લાગે.
        રૂપાણીની મર્યાદાઓ હશે. તેની શાર્પનેસમા માઈનસ દેખાતું હોય.તેના મીસયુઝને મીસમેનેજમેન્ટ ગણવામાં આવતો હોય. પરીક્ષાઓના ગોટાળા અને ભોપાળાં, ખેડૂતોના ભાવતાલ -ઘાસચારો ,પાણી અને કાયદો-વ્યવસ્થાના લબડતતડ બેહાલ,શિક્ષણની ગુણવત્તાની ગરીબી કે અસમર્થતા આ બધું હોવાં છતાં તેઓ નેતૃત્વ આપવામાં સક્ષમ સાબિત થયાં કહેવાય .કોઈ એવા મોટા ઈસ્યુને બળ મળ્યું નથી. જેથી સરકાર ડિસ્ટર્બ થઈ શકે બધાં આંદોલનો તેના સુબાઓએ સફળ રીતે મેનેજ કરીને કરંડિયામાં પુરી દિધા. બીજું હવે તેનો વિકલ્પ શોધવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે..? હજુ તાજેતરમાં કોઈ ચૂંટણીઓ આવવાની શક્યતાઓ પણ નથી .તેથી નેતૃત્વના બદલાવ લાવીને એક નવી બળવાની હવા શા માટે પેદા કરાય ?
         જિલ્લા -તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 2020 ના ઓક્ટોબરમાં યોજાવાની છે સરકાર તેને સમયસર યોજીને લિટમસ ટેસ્ટ કરશે. તે લગભગ સમગ્ર ગુજરાતમાં એક જનમત તરીકે જોવામાં આવશે .પરંતુ ત્યાં સુધી કોઈ આઘું પાછું થવાની સંભાવના ઓછી.તાજેતરના સંજોગો એવા કોઈ રાજકીય સમીકરણો દેખાતા નથી કે મોવડી મંડળ નેતૃત્વ પરિવર્તનની ફોર્મ્યુલા અમલમાં મૂકે. રૂપાણી નો વિકલ્પ ખોળવો પણ કઠિન છે. જે નામો સામે આવે છે તે મોવડીમંડળની "પોલિટિકલ કેમેસ્ટ્રી"માં સ્યુટ થતાં નથી. એક પાસુ બરાબર હોય તો બીજું બગડે.. માટે રૂપાણીને હાલ ઉજાગરો કરવા જેવું નથી. તોપણ રાજનીતિમાં જો ને તો નો ફાંસલો ખૂબ બારીક હોય છે, તે પણ એટલુ જ ટકોરાબંધ સાચું છે.

Saturday, December 14, 2019

સંબંધનો સહેલો પાસવર્ડ

તખુભાઈ સાંડસુર

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.
       કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે.."સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં."..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ "દેવત્વ 'ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.' જવા દો હવે','તેનું કરેલું તે જાણે', 'મારાથી આ ન થાય', નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં 'હું 'ની હાજરી નથી પણ 'આપણે' નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ " મિલા સો ગિલા હો ગયા.."!!!
                   જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.
       સંબંધનો એન્ટિવાયરસ 'ઝટ મંગની પટ બ્યાહ' ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ.છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.
      ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે
"લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી,
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી"
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
    
"જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે "
કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.
   
Thursday, December 12, 2019

Haidrabad encounter fact file

હૈદરાબાદ એનકાઉન્ટર :કાઉન્ટેડ જ્યુડીસીયરી અને લોકશાહી
                               - તખુભાઈ સાંડસુર

મેં  મારા પ્રવાસમાં જાતે અનુભવ્યું છે કે યુ. એ. ઈ.અને આફ્રિકાનો રવાન્ડા બંને દેશોના લોકોને કાયદાનો એટલો ખોફ છે કે રાત્રે બે વાગ્યે પણ તેઓ સિગ્નલ લાઇટને નિગ્લેટ કરી શકતા નથી. રવાન્ડાના નાગરિક તો ઘરની દિવાલોમાં પણ દેશના કાયદાના ઉલ્લંઘનની વાત એકદમ દબાતા સ્વરે કરે છે,ત્યાં ગુન્હાખોરીનું પ્રમાણ લગભગ નગણ્ય છે. આપણી પદ્ધતિના છીન્ડાઓ,અમલીકરણનો વિલંબ ગુનાઓનો વધુ વિસ્તાર કરવા ગુનેગારના ચેતના જગતને જકજોડે છે. તેથી જ હૈદરાબાદ જેવી રેપ વિથ મર્ડરની નિંદનીય ઘટનાઓને અંજામ મળતો રહે છે.તેનો ગુન્હેગાર ઝડપથી ફાંસીએ લટકે તે જરૂરી. સવાલ તે છે કે આ બન્યું તેના પાયામાં ઘણી પોષણયુક્ત સામગ્રી છે .તે ગુન્હેગારોને અભયવચન આપે છે.પછી નો સવાલ તેનાથી પણ પરોક્ષ રીતે ગંભીર છે કે આપણે આ રીતે ગોળી ધરબી દઈને કેવી રીતે ન્યાય કરી શકીએ?
    પાકિસ્તાનની  સરખામણીમાં અહીં એન્કાઉન્ટરનું પ્રમાણ ઓછું છે. 2014 થી 2018 સુધીમાં પાકિસ્તાનનાં 3345 લોકોએ એનકાઉન્ટરથી જાન ગુમાવવા પડ્યા.ભારતના સત્તાવાર આંકડાઓ જવલ્લે જ આવી ઘટનાઓને બનવાની ગવાહી આપે છે.પરંતુ તે છતાં ભારતે મજબૂત લોકતંત્ર અને મહાસત્તા તરીકે વિશ્વમાં સ્થાપિત થવા આ પ્રકારની ઘટનાઓ કોરાણે કરવી જ રહી. તાજેતરમાં યુપીમાં યોગીના આગમન પછી દસ માસમાં 1142 પોલીસ વર્સીસ ક્રીમીનલની ઘટનાઓ બની જેમાંથી માત્ર 24 વ્યક્તિઓની કેજયુલીટી થઈ. આપણાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર પ્રદીપ શર્માના ખાતે 312 અને દયા નાયકના 83 ઍનકાઉન્ટર થયેલાં નોંધાયેલાં છે .લોકશાહી વ્યવસ્થામાં આ આંકડાઓ પણ બાકોરું પાડી શકે.
   ભારતીય ન્યાયપ્રણાલીની પિરામિડ પદ્ધતિ
 અંતિમ પડાવ સુધી પહોંચતાં વ્યક્તિને લોથપોથ કરી દે છે. માટે ક્યાંક આ પદ્ધતિ પરથી શ્રદ્ધા ડગમગે છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા માંથી નીકળતાં નીકળતાં સમય પણ હાંફી જાય છે. ત્વરીત નિર્ણયશક્તિ કાયદાને વધુ ને વધુ તાકાત આપી શકે. કેસની ઉતરોતર સંખ્યામાં થઇ રહેલો વધારો અને તેની સામે આપણી વ્યવસ્થાઓ ઉણી ઉતરે છે. સને 2014માં ભારતમાં બળાત્કારની સંખ્યા 122783 હતી તે વધીને 2017 માં 146201 થઈ છે.તેમાં સજા તો માત્ર અનુક્રમે 27.4 ટકા અને 31.8 ટકા લોકોને જ થઈ.  કેવી રીતે કાયદો ભય ઉભો કરી શકે? કોઈપણ ખટલાનો પાયો તેની તપાસ એજન્સી છે તેની કાર્યરીતિ ઉદાહરણરૂપ અને મજબૂત ન હોય તો સ્વાભાવિક છે કે કલમનો ગાળીયો ગુન્હેગારના ગળામાં કસાતો નથી.તેને છટકી જવાની પૂરતી તકો મળી રહે છે. બીજું વિલંબીત ન્યાયપ્રક્રિયા પણ ફરિયાદી ,સાક્ષી વગેરેના રોષને સમયે-સમયે ઠંડો પાડે છે. તેથી અદાલતી કાર્યવાહીમાં સૌ ટુંકા પડે છે. ગુન્હેગારોને ફરી પછી તક તક મળતી જાય છે. દેશની અદાલતોમાં વધી રહેલા કેસોની સંખ્યા પણ નજર કરો, તો ભારતની 25 હાઈકોર્ટમાં 42.55 લાખ કેસ જેમાંથી 12.15 લાખ ફોજદારી અને સર્વોચ્ચ અદાલતમાં 1.58 લાખ કેસ ચુકાદાની પ્રતીક્ષામાં છે. બોલો ક્યાંરે પાર આવે ?!! ન્યાયધીશોની જગ્યાઓ વડી અદાલતમાં 399 એટલે કે 37 ટકા વણપુરાયેલી છે,ત્યારે ઝડપી ન્યાયની અપેક્ષા ન્યાયોચિત લાગે ખરી ? સરકાર તેની આર્થિક, વ્યવસ્થાપનની પણ મર્યાદાઓને કારણે તેની પૂર્તતા ન કરી શકતી હોય પરંતુ આ પ્રકારના મુદ્દાઓથી મોઢું ફેરવી શકાય નહીં,તે તેણે સ્વીકારવું જ રહ્યું. ભાવનાત્મક મુદ્દાઓને બાજુના ટેબલ ગોઠવીને આ બાબતે ક્રિયાશીલતા ખૂબ મોટું રાષ્ટ્રહિતનું કાર્ય બની શકે.
    એન્કાઉન્ટર એક પરમેનેન્ટ સોલ્યુશન નથી.  ભારતીય સંવિધાનના પાયાઓ પૈકીના ન્યાયાલય સિસ્ટમને સીધો પડકાર છે.જ્યારે તમે કોઈ પદ્ધતિમાંથી શ્રદ્ધાનો દીપક બુઝાતો જુઓ ત્યારે તમે અન્ય જગ્યા પર નજર દોડાવો છો. એનકાઉન્ટરની રીતરસમો જે હોય તે પરંતુ અગાઉ પ્રકાશ કદમ વર્સીસ રામપ્રસાદ ગુપ્તામાં આવી કાર્યવાહી સામે સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ નારાજગી દર્શાવી છે. કારણ કે ન્યાય પ્રણાલીમાં દરેકને પોતાનો બચાવ કરવાનો પુરતો અધિકાર અપાયો છે.ભારતીય સંવિધાનની કલમ 21 માં તમામ નાગરિકને પોતાના જીવનનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ભારતના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી શરદ અરવિંદ બોબડેજીએ જોધપુરમાં કહ્યું કે ન્યાય ઉતાવળમાં ન થઈ શકે અને તે જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું ચરિત્ર ગુમાવી દે છે. આપનું આ વિધાન નાનું છતાં ઘણું સૂચક છે.
છેલ્લે ..
સમગ્ર ન્યાય પદ્ધતિમાં સુધારાઓની ઝડપ ભારતના આમ નાગરિકને લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ વધુ દ્ઢ્ઢ બનાવી શકે છે !