Sunday, May 31, 2020

સ્ત્રીત્વ લેખ...

સ્ત્રીત્વ પર સ્ટેથોસ્કોપ
-તખૂભાઈ સાંડસુર
આકાશનો છેડો,પાતાળનુ તલ,અષાઢી સાંજ માંટે શબ્દો લગભગ સ્ત્રીને પીછાણવાના પ્રયાસ બરાબર છે. જગતના સર્જનમાં આદમ અને ઈવનુ પદાર્પણ માનવામાં આવે છે .પરંતુ એક અનુમાન મુજબ ઈવ વગર જગતકલ્પન અઘરું પડે, એટલે કે અહીં સૌ પ્રથમ માતૃ સ્વરુપાને મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીનું મહત્વ, સત્વ અને કથત્વ ભલે આ સમાજે કાયમી સેકન્ડ ઓપ્શનમાં મૂક્યું હોય. પરંતુ લગભગ તમામ ચિંતકોએ સ્ત્રીને પ્રથમ કક્ષામાં, હરોળમાં ગણી છે. ફિલ્મ દિલવાલેનું સમીર લખેલું ગીત ડેડીકેટેડ કરી શકાય.
"કીતના હસીન ચેહરા ,કિતની પ્યારિ આંખે.
કિતની પ્યારિ આંખે,આંખો સે છલકાતાં પ્યાર,
 કુદરતને બનાયા હોગા ફુરસત સે તુજે મેરે યાર."
    સમયાંતરે સ્ત્રીના સ્વરૂપો બદલાય છે. બહેન, મુગ્ધા, વધુ ,માતા આ યાત્રા લગાતાર ચાલતી રહે છે. સૌને સ્નેહાદરરથી શોભિત કરવાના છતાં પોતે કોરાધાકોડ રહેવાનું ..! વળી સમય સમયે સૌ પોત પોતાનો રસ્તો કરીને નીકળી જાય ?  તોપણ આવી એકલતાને જે સહ્ય બનાવીને જે જીવી જાણે છે્..! એવા ઉદાહરણો છે કે જ્યાં પોતે સમય શક્તિ, શક્યતા બધું જ દાવ ઉપર લગાવી હોય. અંતે તેને આંસુનુ ઓશિંગણ કે નફરતનું નોબેલ પ્રાપ્ત થયું હોય..! પણ તે અશ્રુખારાશને મધુરતામાં રુપાતંરીત કરી  તે હંમેશા આદર્શ બનીને ઊભી રહે છે
લજ્જા તે સ્ત્રીને મળેલી સુગરકોટેડ સોગાદ છે. તેને તે ભેટમાં રાખી જીવે છે પરંતુ પ્રસંગો તેને કટારી બનીને ત્યાંજ ચુબતા હોય છે. આમંત્રણમા પણ સ્ત્રી ક્યારેય પહેલ કરતી નથી. જો કરે તો તેને એક અન્ય સ્વરૂપમાં મૂલવવામાં આવે છે હા, પ્રપોઝની પહેલ કર્યા પછી પોતાની જાતને તેમાં એટલી હદ સુધી ભેળવી દે છે કે દૂધ અને જળ અલગ કરવાં અઘરું બની જાય છે.સેકસને શોખ નહીં સમર્પણ ગણી પૌરુષત્વમાં ઓગળી જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર થનારી લાચાર પાંખ વગરની પારેવડીને સબળ સમાજે ખૂબ પીડા આપી છે.રુઢીવાદિતાએ ઉદાહરણ સ્થાપિત કરવાં પણ તેને સો સો કાળોતરાંથી વધું ડંખ આપ્યા છે.
           હેતના એવરેસ્ટીયન હેમાળાની શીતળતાથી થીજાવી દેનાર સ્ત્રીએ' સ્વ 'ના રુધિરની ઉષ્ણતાને પણ ગણકારી નથી. પારિવારિક સંબંધોના વૈવિધ્યપૂર્ણ ચોકઠામાં તે જ્યાં પણ પોતાની જાતને મૂકે છે, ત્યાં તે ઓગળી જાય છે. જગજીત સિંઘના શબ્દો આ પ્રેમ માટે ખૂબ મહત્વના છે
" ના ઉંમ્ર કી સીમા હો ના જન્મકા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.."
સમર્પણ,ત્યાગ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ -ભરોસો અને 'હર મુશ્કિલ મે સાથ 'બધું એક સાથે રફતારથી વેગીલું હોય છે.મહાભારતની ગાંધારીને તમારા મનોજગતની પરખ પર મૂકો ધૃતરાષ્ટ્રની અંધત્વ પીડા પોતીકી ગણી દેખતી હોવા છતાં જગત જોયું ન હતું ,આંખે પાટો બાંધી રાખ્યો. દ્રોપદીની વાત કરો સ્વયંવરમાં વરમાળા અર્જુનને અને પતિદેવો પાચ. આ ભારતીય નારી પાત્ર જ કરી શકે, તે પણ ધારદાર સત્ય છે. લગભગ તમામ સદ્ગુણો પણ એટલા જોડાજોડ છે  તેને અલગ કરવા કઠિન છે .સ્ત્રીશક્તિને પુરુષોથી એક ચરણ આગળ ગણવામાં આવી છે કારણ કે તેનામાં નવ પલ્લવિત માનવને દુનિયામાં લાવવાનું સામર્થ્ય છે. આનુવંશિકતાના દોર ને આગળ લઈ જવો સ્ત્રી સિવાય શક્ય છે ખરો..?
     દ્વેષ, કટુતા રૂઢિવાદીતા,જીદ વગેરેમા સ્ત્રી દાવાનળમાં હોમાતી કે આહુત કરતી હંમેશ જોવાં મળે.  પ્રેમમાં તેનો એકાધિકાર વાત સતત તેને પીડે છે.પુરુષ પર પોતાના એકનો જ અધિકાર છે તેને  તે રુચિકર હોય કે ન હોય પણ પ્રેમદ્વેષ તેના જીવનને આગમાં બદલી શકે છે. મહદ્ સ્ત્રીઓ પોતાના વિચાર વાડોલીયાનુ બારણું વાસીને સતત દુકાનમાં સ્પર્ધક શરીફ તે વિરોધીને પૂછતા રહે છે નણંદ સાસુ વહુ નો પ્રવેશ માં કટુતા કારણભૂત છે સંયુક્ત કુટુંબની ભાવના નું સત્યના આજ પાયા ઉપર હોટ કે જીદ માટે પોતાની બુદ્ધિ માન્યતાઓ ને લોક કરી દે છે પારંપારિક માન્યતાઓમાં પરિવર્તન કૌશિક સ્વીકારી શકે છે.
  તો પણ છેલ્લે
Man face in his autobiography a woman face in work of fiction
---Oscar wilde

Tuesday, May 26, 2020

ઓનલાઇન શિક્ષણ

ઓનલાઇન શિક્ષણ મેઘધનુષી પરપોટો
 
-તખુભાઈ સાંડસુર
કોરોના સંકટે શિક્ષણને અસાધારણ રીતે પ્રભાવિત કર્યું છે. સમગ્ર ભારતની શાળાઓના દરવાજા લગભગ બે મહિનાથી બંધ છે. સરકાર પણ નિયત કરી શકતી નથી કે આ સંજોગોમાં શિક્ષણ માટે શું કરી શકાય ..! સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન અને ટોળાઓની બાધ્યતા બંને બાબતો જાળવી રાખવી શાળાની મર્યાદા છે. એવા સંજોગોમાં ઓનલાઇન શિક્ષણ આપવાની વાત ચોગાનમાં આવી છે.
      ઓનલાઇન શિક્ષણ કોમ્પ્યુટર અને લેપટોપ, મોબાઈલની મદદથી વિદ્યાર્થીને ઘેર બેઠા આપવાના પ્રયોગો અમેરિકા,યુરોપ માં ઘણા સમયથી ચાલુ છે .પરંતુ તે દેશોની સરખામણીમાં ભારત ટેકનોલોજી અને આર્થિક સમૃધ્ધિની બાબતમાં જોજનો પાછળ છે. તે વાંત સ્વભાવિક રીતે સરકારે પણ સ્વીકારવી પડે, ને લોકોએ પણ સ્વીકારવી પડે . ઓનલાઇન શિક્ષણ એ ભારતમાં માત્ર પાણીના તળાવમાં આકારિત થતા પરપોટાને જોવો ગમે પરંતુ એ ક્ષણભરમાં ક્યાં વિલીન થઈ જાય તેની ખબર પણ ન પડે તેવી જ સ્થિતિ તેની ગણી શકાય.
   આ પ્રકારનું શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ પાસે સારાં કમ્પ્યુટર ,મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, શિક્ષિત વાલીઓ ,ઇન્ટરનેટની ઝડપ વિદ્યાર્થીઓની ગ્રાહ્યતા,વિદ્યાર્થીઓની ગુણવત્તા અને તજજ્ઞ ફેકલ્ટી ,સમયપાલન બધું જ પૂરતાં પ્રમાણમાં આવશ્યક છે . તે જો હોય તો જ આ મિશન શત પ્રતિશત પાર પડે તેમ છે .અન્યથા આપણે આત્મસશ્ર્લાઘા કે આત્મગૌરવ જરૂર કરી શકીએ કે અમે આ પ્રકારનું શિક્ષણ પ્રવાહિત કર્યું છે . તે દ્વારા અમે વિદ્યાર્થીઓની શિક્ષણસેવા કરી રહ્યા છીએ.
      ભારત ગ્રામ જગત સાથે જોડાયેલો દેશ છે. તેથી મહત્તમ લોકો ગામડાંમાં વસવાટ કરી રહ્યાં છે. જ્યાં પૂરતા પ્રમાણમાં વિજળી, ઇન્ટરનેટ વગેરેની સગવડતાઓ વિકસિત રાજ્યોને બાદ કરતા લગભગ નહીંવત છે. સાથોસાથ છેલ્લા વર્ષોમાં "અસર"નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા આંકડાઓ મુજબ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ પૈકી 38 ટકા વિદ્યાર્થીઓને પૂરતાં પ્રમાણમાં વાંચતા આવડતું નથી ,એટલું જ નહીં 45 ટકા વિદ્યાર્થીઓ ગણનમાં પણ નબળાં છે. તો ઓફલાઈન શિક્ષણ ચાલતું હોય અને પ્રત્યક્ષ ઉત્તર વર્ગખંડમાં મળતો હોય તો પણ જો આપણે આ પ્રકારના પરિણામો મેળવતાં  હોઈએ તો ઓનલાઇન આપણે ક્યાં ઊભાં છીએ, તેની ઘડીભર કલ્પના કરી લો...!!!
       આજે કેટલીક શાળાઓ કે જે ગુજરાતમા 300કરોડનો ધંધો કરી વાલીઓના પૈસે તાગડધિન્ના કરી રહી છે .તે ઓનલાઈન એજ્યુકેશનનો પ્રચાર, પ્રસાર કરીને પોતે શીર્ષસ્થ શાળા છે. તેવી શેખી મારી રહી છે હા, મહાનગરો પૂરતી અને તેમાં પણ અમુક વિસ્તારો પૂરતી આ વાત સાર્થક જરૂર થઇ શકે.
     યુરોપ-અમેરિકામાં ફાઇવ જી કે તેનાથી પણ આગળ ઇન્ટરનેટની સ્પીડ પ્રાપ્ત થઈ છે. તેમની પાસે પોતાના કમ્પ્યૂટર અને તેના કેમેરા વગેરે યોગ્ય પ્રકારના અને ગુણવત્તાલક્ષી સાધનો છે. આજે પણ ભારતના ગુજરાત જેવાં સમૃદ્ધ રાજ્યમાં 37 ટકા વસ્તી મફતનું રાશન લેવાં લાઇનમાં ઊભી હતી. તેમની પાસે ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના બીલ ભરવાનાં નાણાં ક્યાંથી મેળવવા ? રિલાયન્સનો જીઓ દરરોજનું દોઢ જીબી ઈન્ટરનેટ વાપરવા રોજના પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.તે ડેટા પણ ઓનલાઈન માટે પુરતો નથી. જો સરકારી શાળાઓને પણ આ પ્રકારની નેટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકવા સક્ષમ નથી તે વાત ભીત સત્ય છે. તો વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય...? એક મર્યાદાએ પણ છે કે ઓનલાઇન આખાં ગામને એક લાકડે હાંકે. અહીં તો દરેકની શીખવાની ક્ષમતાં પણ અલગ અલગ છે.ફેકલ્ટીઓ મોટાં 'માસ 'સાથે કમ્યૂનકેટ ન કરી શકે.વધુ ફેકલ્ટી આપી ન શકાય..!
     ગામડાંનો વાલી અને વિદ્યાર્થી  અસરકારક રીતે બેજવાબદાર હોય છે. શાળા ચાલું હોય ત્યારે પણ ગુજરાત જેવા રાજ્યમાં વિદ્યાર્થીઓની હાજરી પાકની લણણી કે વાવણીના પ્રસંગે માત્ર 60 ટકા હોય છે . સીધું માર્ગદર્શન અને શિક્ષણ મળતું હોવા છતાં પણ આ વિદ્યાર્થી વાર્ષિક માપદંડોમાં
ખરો ઉતરતો નથી. સારાં શિક્ષકો અને પૂરતાં પ્રમાણમાં શૈક્ષણિક ઉપકરણો અને સરકારશ્રી ના પ્રયત્નો પણ એટલા જ મહત્વના હોવા છતાં પરિણામો માત્ર પ્રશ્નાર્થ જ બની રહે છે. તો ત્યાં ઓનલાઈન શિક્ષણ કેટલું કારગત ?
     એનાલીસીસ....
સરકાર દ્વારા બાયસેગથી પ્રસારિત થતાં કાર્યક્રમો માત્ર 3 ટકા સુધી પહોંચે છે.

Monday, May 25, 2020

બાલગીત

બાળુડો લાડો
- તખુભાઈ સાંડસુર
    હું બાપુનો બાળુડો લાડો
રીડિયા રમણ ને ધમાચકડી
પકડમ્ પકડી ને દોડમ્ દોડી
તોડફોડ ને કરું દાણાં દાણ
ભાગુ તો ન જોઉં ઢગ કે ખાડો
         હું બાપુનો બાળુડો લાડો
મીનીબાઈ ને કુકુ આવે
તે મુને બાપુના ખોળે સંતાડે
ચકીરાણી ને કાબરબાઈ ને
હફફ્ કરી, ડંડો લૈ પાડું ત્રાડો
          હું બાપુનો બાળુડો લાડો
પપ્પા બોલે, મમ્મા કાઢે ડોળાં
ચકુડી ને કટુડાની ધોલ થપાટ
પીપીથી લુગડાં ય બગાડું
તો ય બાપુનું હેત ધટે ના કો દાડો
            હું બાપુનો બાળુડો લાડો

Saturday, May 23, 2020

લાગણી: બેરિકેટની બબાલ

લાગણી: બેરીકેટની બબાલ
     ‌-- તખુભાઈ સાંડસુર
સ્નેહનો તંતુ સુતરફેણીની માફક સર્જાય છે.તેની બારીકાઇ અને ગુંથણ ફેન્ટાસ્ટિક હોય છે. મને યાદ છે ,નાનપણમાં પ્રાથમિક શાળાની ખડકી બહાર સુતરફેણી વાળો  લોખંડની ગોળ પેટી લઈને આવતો,તે ત્યાં બનાવી વેચતો. તે સુતરફેણીના રચાતા તંતુઓ જોવાની મને ખૂબ મજા પડતી ,કદાચ તેના સ્વાદથી પણ વધુ. આવી જ ગુલાબી ગુંથણી આનંદઘારાથી સ્નેહ ધીમા પગલે સંધાતો હોય છે.
      કોઈ એવો કિસ્સો ધ્યાનમાં નથી કે રસ્તે જતી કોઈ ફૂલજડી યૌવના, ફૂટડાં રસિકને સાદ પાડીને ઉભો રાખે." એ ઉભો રે..ને યાર", અને પેલો આશ્ચર્યથી પાછું વળીને નજર કરે, તો રસિકડી લાંબો હાથ કરીને પેલાની મુઠ્ઠીમાં પોતાનું  દિલ પકડાવી દે.. અને કહે ..અલ્યા તને સોગાદ આપું છું. હા ,આવો અકસ્માત થાય ખરો ..! પરંતુ તેના ગર્ભમાં કોઈ ભૌતિક સ્વાર્થ છૂપાયેલો હોય..! પ્રણયની અમીધારા પોતાના મકામે જવા નીકળે  તો તેના નિયત સમયે જ તે એકમેકને આવી મળે. પ્રેમની વ્યાખ્યાને ત્યાં અનુભૂતિમાં બદલી દેવામાં આવે. આવી અનુભૂતિ રોમાંચિત કરે કારણ કે તે શિખર સુધી વાણી ,વ્યવહાર ,કૌશલ્ય ,પ્રતિભા અને પમરાટ બધું સોળુ દેખાતું હોય તો જ પહોચાયું હોય. આવી રેશમ ગાંઠોની હારમાળા સંજોગો અને સમય જ સર્જી શકે.
    વહેતો પ્રવાહ એક સરખો અને એકધારો રહેતો નથી.પરંતુ સમય ઉપક્રમે તેમાં ઉછાળા -ઉફાળા અને ઓટ આવતાં રહે છે.સ્ત્રી કે પુરૂષ પોતાની પસંદિદા મણકાથી ચળકાટ ધરાવતાં મોતી તરફ ખેંચાઈ, લોભાઈ તે 'બટ નેચરલ'છે. સહજીવનથી વાણી, વ્યવહાર, કૌશલ્ય વગેરેથી નિર્મિત થતા મતભેદો ઘણાં સંજોગોમાં મતભેદો સુધી પણ જાય છે. અને ત્યારે ત્રીજો મોરચો રચાતો હોય.જીવન એક ઢસડાતાં હવા વગરના વ્હીલના ગાડા જેવું બની જાય ત્યારે સમય તેને ડાયવર્ટ કરે છે. પોતાની લાગણીઓ અન્ય માટે પ્રફુલ્લિત થઈને દોડવાં લાગે છે.આ વાતની જાણ જ્યારે તેને થાય ત્યારે ઘણાં અર્ધ મૃત્યુ પામે છે,  કેટલાક સંજોગો એને અંત સુધી પણ દોરી જાય છે. તાજેતરમાં નેહા કક્કરે ગાયેલું એ ગીત યુટ્યુબ પર લાખો લોકોની ચાહના મેળવી રહ્યું છે તેના શબ્દો અહીં બખૂબી લાગુ પડે છે.
"जीनके लिए हम रोते हैं, वह किसी और की बाहों में सोते हैं।, हम गलियों में भटकते फिरते हैं ,वह समंदर किनारे होते हैं।"
   લાગણીદ્વેષ સ્વાભાવિક છે પરંતુ એ પણ સત્ય છે કે ચઢાવ-ઉતારના સમયને જીરવી જાણવું પડે.નહીતો અનર્થોનો જનક આ દ્વેષ ઉથલપાથલનો મહાઇતિહાસ સર્જે છે. ભર્તુહરીને પોતાના જીવ કરતા પિંગલાં પહેલી હતી. તેથી જ અમરફળ પોતે નથી ખાતો પણ પિંગલા આપે છે. આ ફળ પિંગલા પોતાના પ્રિય અશ્ર્વપાળને અને અશ્વપાળ ગણિકાને અને ગણિકા ભર્તુહરીને જ્યારે પહોંચાડે છે ત્યારે અલખ નિરંજનનુ કમંડળ અને ચીપીયો તેના હાથમાં આવી પડે છે. કુટુંબ,સમાજમાં આવી સુનામી આવ્યાનું અનુભવ્યું છે.
     સ્ત્રી-પુરુષોના પોતાના ગમા-અણગમા કે વધુ ગમતામાં આ આફતના મુળ દેખાય છે.પોતાના સાથીમાં રહેલી અધૂરપ કે ઉણપ અને અન્યમાં તે શોધવા મથે છે.અથવા પોતાના જીવનમાં કોઈ ખાલીપાનો ખુણો ભર્યો- ભાદર્યો કરવા તે હડી કાઢે છે.સમજની ગેરહાજરી ત્રિકોણના ખુણા બને છે.પ્રેમ જાતિય જીવન નથી પંરતુ જાતિય જીવન પ્રણયફાગનો એક અંશમાત્ર છે.ઉરની ઉછાળકુદમા આ તથ્ય પણ ઓશિકે રાખવું જોઈએ.ભારતીય સમાજ વ્યવસ્થાનું બંધારણ દ્વિમુખી જીવન કે દાંપત્ય પદ્ધતિને સ્વીકારતું નથી.જો કે હવે તેમાં બાકોરાં પડ્યા છે .યુરોપ અને અમેરિકામાં લગ્નજીવન વ્યવસ્થા ડૂબી ગઈ છે,એટલું જ નહીં ત્યાં મનમેળની સાથે સમયમેળનુ અનુસંધાન સાધી દેવામાં આવ્યું છે. પોતાની અનુકુળતા સુધી સાથ સાથ ચલે અને નહિતર 'થુઈયા'. ત્યાં બ્રેકઅપ દુખીયારું નથી. પરંતુ નવી સવારનો નવો નશો આવી જતો હોય છે.અન્ડરસ્ટેન્ડ અને એડજેસ્ટમેન્ટનું સમીકરણ તેમને જીવનની રફતારમાં કામ આપે છે. સમર્પણ, શિસ્તના નામે શૂન્યતા રચનારી આ પ્રજા ભોગને ભૌતિકતામાં રમમાણ છે.
     એવું કહેવાય છે કે સમંદરમાં તરતાં લાકડાંના ટુકડાંઓ કોઈ એવા હલેસાઓથી જોડાઈ જતાં હોય છે અને વળી ફરી એ જ મોજુ તેને વિખૂટાં પણ પાડી જતું હોય ,તો અહીં શોકનો શા માટે્.? આ ઝેરી કોબ્રાનો લબકારો સ્વ અને ત્વ બંનેને હણી હેઠો બેસે છે. વિખ્યાત ઉપન્યાસકાર,પત્રકાર શ્રી ખુશવંતસિંહ પોતાના આત્મવૃત્તાંત નિવેદનમાં કહ્યુ હતું કે પોતાને એવી અનેક સ્ત્રી મિત્રો સાથે જાતીય સંબંધો હતાં. અને પોતાની આત્મકથા "મેરે મિત્ર"માં આવી ૧૬ સમર્પિત મહિલાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. આવું બેબાક બયાન કરનાર આ પ્રક્રિયાને સહજતાથી લઈ લે છે .તેથી તેનું આખું સદીમાં એકાદ વર્ષ ઓછાં સુધી ચાલ્યું. આ તોફાનને સહ્ય બનાવવા જાતને તૈયાર કરવી રહી. એકાધિકારવાદી માનસિકતા આપણી પરંપરા સિવાય લગભગ ઓછી જોવા મળે છે. વિકસિત દેશો અને અવિકસિત દેશોમાં સમાન ગણ રચાય છે, કારણ કે જેની પાસે સમજની ચાવી છે તે મનની ગરદન મચકોડીને નાખે છે. બીજું જ્યાં વિચાર જ નથી એવા અવિકસિતો પ્રાણીઓથી વધુ છે જ નહીં  !ત્યાં છોછ  કેવો ? મધ્યાંતરે સૌ વિહ્વળ છે.
  ખેર..લાગણીની બેરીકેટ સૌ માટે ડંડો લઈ સ્ટેન્ડબાય છે તો બધું ભેળાણું નથી.ભગવદ્ ગીતાન ૧૬મા અધ્યાયનો આ શ્લોક ભુંગળ વગાડીને આ જ વાત કરે છે.
'અનેકચિતવિભ્રાંતા  મોહ જાલ સમાવૃતા ।પ્રસકતા: કામભોગેષુ પતન્તિ નરકેડ્શુચો।'
    ‌અર્થાત્ ધન,દાન યજ્ઞમાં મોહરુપી જાળથી વિટંળાયેલો,વિષયભોગમા રચ્યો પચ્યો રહેનાર અપવિત્ર નકૅમા પડે છે.