Wednesday, February 26, 2020

ટ્રંપ વિઝીટ: પ્લસ-માઇનસ પૃથ્થકરણ
    -   તખુભાઈ સાંડસુર
કોઈ બે રાષ્ટ્રોના મેળાપીપણાનું માધ્યમ બને છે, એકબીજાના નેતૃત્વની આવન-જાવન અને ઘનિષ્ટતા .કોઈ દેશના વડા ભારતમાં આવે ત્યારે રખેને આવો મેગા શો જેને ઘણા 'રિસેપ્શન ઇવેન્ટ 'તરીકે ઓળખે છે તેવું લાંબુ કર્યાનો દાખલો લગભગ ભારતીય વિદેશ નીતિના ઇતિહાસમાં નોંધાયો નહીં હોય..!!!? કોઈ આવે ..દિલ્હીમાં મંત્રણા  કરે, ડિપ્લોમસી ડિગ્નિટિ સાથે થાય અને વાર્તા પૂરી થાય. ઘણાં પ્રસંગો એવા થાય છે કે કોઈ નાના દેશના વડા વાણિજ્ય કે વિદેશ મંત્રી ની વિઝીટને દિલ્હી સિવાયના અખબારોએ એક કોલમની જગ્યા પણ ફાળવી ન હોય. પણ અહીંયા તો આખું લશ્કર ટ્રમ્પની પાછળ દોડતું હતું. એરપોર્ટ, રોડ અને મોટેરા.. ત્યાંથી તાજમહેલ, હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર માધ્યમોને મસાલેદાર રહી. પરંતુ ભારતને શું પ્લસ-માઇનસ થયું તે વાત પણ માઈક્રોસ્કોપ મૂકવી જોઇએ.
             ટ્રમ્પના ભાષણનો પહેલો ભાગ 20% મોદીજી માટે, ૩૫ ટકા ભારતની હિસ્ટ્રી -હેરિટેજ માટે, થોડું ઘણું ઈન્ડો-અમેરિકન કલ્ચરના ભાગે. 10% ભારતની પોલીસી અને પડકારો માટે લાભદાયી ગણી શકાય. ટ્રમ્પ- મોદીની દોસ્તી એકમેકને પૂરક છે, કારણ કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પ અમેરિકન ઇલેક્શન કન્ટેસ્ટ કરવાના છે. ત્યારે ત્યાંના ૩૦ લાખથી વધુ ભારતીય મતદારો અને 'વીકટરી સાઈન' માટે શુકન બની શકે તેમ છે. ભારતીય અર્થતંત્રની ડામાડોળ હાલતથી એક મહાસત્તાના વિવિધ ફંડોથી ઉગારી શકે તે મોદી ની જરૂરિયાત છે. આમ તેઓ અનોન્ય એકબીજા માટે સરવાળા બને એવું કહેવાય.
     ટ્રમ્પનુ વ્યક્તિત્વ કહેતું હતું કે ભારતના ઉમળકાથી તે ખૂબ રાજી થયાં છે. મોટેરા ભાષણમાં મોદી અને ભારતના નામનો વારંવાર ઉલ્લેખ કરી પોતાની મુલાકાત અર્થપૂર્ણ છે તેવો સંકેત આપ્યો. ભારતની આંતરિક બાબતોમાં તેણે ટાંગો અડાડવાનું મુનાસિબ માન્યું નથી. પરંતુ તેણે ભારત સાથેના અમેરિકી સંબંધો વધુ ઊંચાઇ પર લઇ જવા ખાતરી પણ આપી. તે આવકારદાયક ગણાય. મોટેરા અને હૈદરાબાદ હાઉસમાં ઈસ્લામિક આતંકવાદનો ઉલ્લેખ કરીને કાશ્મીરમાં પ્રવૃત્ત ટેરર એજન્સીઓ અને ઇરાન સહિતના દેશોમાં દુનિયાને ભયભીત કરનારા ઈસ્લામિક સંગઠનોને સ્પષ્ટ ચેતવણી આપી, કોઇ પણ ભોગે તેને કચડી નાંખવા ઇચ્છાશક્તિ જાહેર કરી. ભારત-પાક.ના સંબંધોને અનુલક્ષીને પરોક્ષ રીતે તેણે જણાવ્યું કે પાકિસ્તાન તમારી કોઈપણ માનવતા વિરોધી પ્રવૃત્તિને યુ.એસ. ટેકો આપી શકે નહીં. ભારતને તેની આંતરિક સુરક્ષા બાબતે સ્વતંત્ર હોવાનો મત વ્યક્ત કરીને તેનું આ વિધાન ભારતના અત્યાર સુધીના પાક. સામેના અથવા કાશ્મીરમાં લેવાયેલા નિર્ણયોને સમર્થન આપનાર ગણી શકાય. મોદી-ટ્રમ્પ સંબંધોની મજબૂતાઈથી ભારતને ટેકનોલોજી, દવાઓ, સંરક્ષણ, સર્વિસ સેકટરની બાબતોમાં ટેકો મળવા સંભાવના છે. ભારતના લગભગ ૩૦ લાખથી વધુ લોકો જે અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. તેના હિતોના રક્ષણની તથા ૧૦ લાખથી આસપાસ એવા લોકો જે નાગરિકતાની પ્રતીક્ષા માટે તેના હિતોને પણ વધુ બળ મળે તેવી શ્રદ્ધા ઊભી થઈ છે. તેનાથી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તાકતવર નેતા તરીકે ઉભરી આવવાની એક ઉમદા તક પણ પ્રાપ્ત થઈ. 300 કરોડ ડોલરના સંરક્ષણ સોદાથી ભારતનું સુરક્ષાકવચ વધુ અસરકારક બને છે. તેનાથી એક એવો સંદેશ પણ વિશ્વને જશે કે ભારતને લશ્કરી તાકાતથી પણ તમે માપી ન શકો, ચકાસી ન શકો છો. એમ પણ મેસેજ ગયો  જરા વિચારજો. આ ડિફેન્સ ડીલથી ભારતીય સૈન્યમાંના મનોબળમાં સરવાળો થશે.પાક તથા ચીન જેવા દેશો જે આપણી સરહદોની સમસ્યાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકીને ખાંડા ખખડાવવાની વેતરણમાં હતાં. તેને 'રુક જાવ 'નો સંદેશો મળી ગયો છે. આ બધી બાબતોને ભારતના પ્લસ પ્લેસમાં રાખવી પડશે.
      ભારતને મુંબઈ, દિલ્હી સિવાયની વધુ એલચી કચેરી મળવાની જે આશાઓ હતી તે ફળીભૂત થઈ નથી. અમેરિકન વિઝા પોલીસી વધુ સરળ બનાવીને ભારતના યુવા વર્ગને વધુ પ્રમાણમાં તક મળવાની અપેક્ષા છે પણ આવી કોઈ જાહેરાત સામે આવી નથી હ.અમેરિકન નાગરિક તેની પ્રતીક્ષામાં સ્થાયી થયેલાં લોકોના એક કાયમી ઉચાટ છે કે ટ્રમ્પ હવે નાગરીકતા આપશે કે કેમ તેના કોઈ નવીન વાત સામે આવી નથી .સને 2016માં ટ્રમ્પના આગમન પછી અમેરિકાએ તેની વિઝાનીતિ વધુ અસરદાર બનાવી છે ,જેથી ભારતમાંથી ત્યાં જવા ઈચ્છનારા હજારો લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.ભારતનુ અર્થતંત્ર કટોકટીની સ્થિતિમાં છે. રાષ્ટ્રીય ઉત્પાદન આંક અસાધારણ રીતે ઘટી રહ્યો છે .દરેક ક્વાર્ટરમાં એના આંકડાઓએ છેલ્લાં ઘણાં સમયથી ઘટ જ બતાવી છે. તેમાં નવો સંચાર કરવાનો કોઈ નવા પ્રોજેક્ટ માટે નાણાં મળવાની અપેક્ષા ફળીભૂત થઈ નથી. ભારતીય સોશિયલ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમગ્ર ખર્ચ પર અનેક સવાલો ઉભા કર્યા છે. એટલું જ નહીં મોદી વિરોધી ખેમાએ ડોનાલ્ડની રસિકતાને ધ્યાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ કીરકિરી કરી છે. ભારત જેવા દેશોને બિન ઉત્પાદક એવી 21,000 કરોડ રૂપિયા જેવી રકમ ડિફેન્સને ફાળવવી તે તેની યોગ્યતા પર આશ્ચર્ય થયેલું જણાયી છે...!!!?
તો પણ એક મહાસત્તા પાસેથી ભારતને મળેલું અભૂતપૂર્વ સન્માન ઓછું આંકી શકાય નહીં તે માટે મોદીને બે લાઈક આપવી પડશે.