Thursday, January 6, 2022

સિક્યુરિટી લેખ

 વી.વી.આઈ.પી સિક્યોરિટી : ઢમ ઢોલ માંહે પોલ

તખુભાઈ સાંડસુર

5 જાન્યુઆરી બુધવારની બપોરે વડાપ્રધાને ભટીંડાથી દિલ્હી તરફ ઉડાન ભરતાં પહેલાં ટવિટ કર્યું કે હું જીવતો રહ્યોં તે માટે પંજાબના મુખ્યમંત્રીનો આભાર.આ ટ્વીટર વાક્ય આખાં દેશમાં હડકંપ મચાવી દે છે. વાત એવી બની છે કે માનનીય પ્રધાનમંત્રીજી દિલ્હીથી ભટીંડા અને ભટિંડા થી હેલિકોપ્ટર મારફતે ફીરોઝપુર જવાના હતાં. ત્યાં શહિદ સ્મારકની મુલાકાતની સાથે 42 કરોડના કામોનો લોકાર્પણ અને ભૂમિ પૂજન વગેરે કાર્યક્રમો સાથે એક રેલીનું પણ આયોજન હતું. પરંતુ જ્યારે પ્રધાનમંત્રીનું વિમાન ભટિંડામાં ઉતરે છે ત્યારે બપોરના 11નો સમય થઈ ચૂક્યો છે. ત્યાંથી હેલિકોપ્ટર મારફત જવા માટે વાતાવરણ અનુકુળ નથી તેવો રિપોર્ટ્સ આવે છે. તેમાં 20 મીનીટ જેવો સમય પસાર થાય છે,પછી વડાપ્રધાનનો કાફલો જમીન માર્ગે ગંતવ્યસ્થાન સુધી પહોંચવા માટે રવાના થાય છે. પ્યારેવાલા નામનું એક સ્થળ કે જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં પહોંચતા વડાપ્રધાનનાં કાફલાની વચ્ચે પ્રદર્શનકારીઓ આવી જાય છે આ પ્રદર્શન કારીઓ ખેડૂતો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. તેના કારણે કાફલો પંદર-વીસ મિનિટ સુધી રોકાઈ રહે છે. ગડબડ એવી થાય છે હવે મોટરમાર્ગે ફીરોઝપુર જવું મુનાસીબ નથી તેવી સલાહના કારણે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કાર્યક્રમ અટકાવી પરત દિલ્હી તરફ નીકળવા ભટીંડા એરપોર્ટ પહોંચે છે. પરંતુ જે રીતે કાફલાને અટકાવવામાં આવ્યો અને વડાપ્રધાનની સલામતી માટે ગંભીરતાના સવાલો સામે આવ્યાં.ત્યારે પંજાબની કોંગ્રેસની ચરણજીત સિંહ ચન્નીની સરકાર સામે પણ અનેક પ્રશ્નો આવીને ઉભા છે. કોઈપણ વ્યક્તિને પોત પોતાના અધિકારો માટે લડત આપવા કે દેખાવ કરવાની છૂટ જરૂર છે પણ તેમાં તેની મર્યાદાનું પાલન થાય તેટલું જ જરૂરી છે અહીં જે રીતે પ્રદર્શનકારીઓ કાફલાની વચ્ચે આવી ગયા તે આવી જવા પાછળ વડાપ્રધાનની સલામતી માટે અનેક યક્ષપ્રશ્ન ખડા થાય છે.

            સવાલ એ છે કે વડાપ્રધાન મોટર માર્ગે આવી આવી રહ્યાં છે તેની જાણકારી પ્રદર્શનકારીઓને કેવી રીતે મળી ? વળી જ્યારે વડાપ્રધાને જમીન માર્ગે નીકળવાનું નિર્ણય કર્યો ત્યારે તેની સલામતી માટેના પગલાઓ ભરવામાં શા માટે બેદરકારી કરવામાં આવી ? વડાપ્રધાન જેવા મહાનુભાવોની સલામતી રાષ્ટ્રના ગૌરવની સાથે જોડાયેલી છે અને તેમાં નાનકડી લાપરવાહી પણ અનેક પ્રશ્નો સર્જે છે.બધા પાસાં વિચારી પછી જ યાત્રાને પરવાનગી મળે છે તો અહીં આવી ભુલ કેમ થઈ? આટલી સંખ્યામાં પ્રદર્શન કારીઓ જમા થયાં તેની ગંધ રાજ્યો અને કેન્દ્રના ગુપ્તચર વિભાગને શા માટે ન મળી ? વડાપ્રધાનના કાફલા સુધી પ્રદર્શનકારીઓને પહોંચવા માટે કોણે પ્રેરિત કર્યા અને કેવી રીતે પહોંચ્યા ?આ બધા સવાલો આજે તપાસનો વિષય બન્યાં છે. પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગુપ્તચર વિભાગને પૂરતા પ્રમાણમાં માહિતી કેમ ન પ્રાપ્ત થઈ!  જો પ્રદર્શન કારીઓની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હોત હોય તો જમીનમાર્ગનો આ રસ્તો કેવી રીતે પસંદ કરવામાં આવ્યો ?

   વી.વી.આઈ.પીની સિક્યુરિટી સામે સતત આંગળી ચીંધાતી રહી છે. હમણાં જ આવી સલામતીના છીંડાના કારણે બિપિન રાવત જેવાં હોનહાર યોદ્ધાને આપણે ખોઈ નાખવા પડ્યા.  તેને વ્યક્તિગત રીતે બે જવાબદારીના પરિણામ સ્વરૂપની શહાદત તરીકે ઓળખાય છે. કારણકે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું હોય તો તેનું ટેસ્ટિંગ, ગુણવત્તા સહિતની બાબતો ચકાસવામાં આવેલી હતી કે કેમ ? વળી આર્મી ચીફ જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરે તે પુરતું સલામત છે તેવો આગ્રહ શા માટે રાખવામાં ન આવ્યો ? આવા અનેક સવાલો આપણી સામે ઉભાં છે.

          ભારતના રાષ્ટ્રપતિજી 24 અને 25 નવેમ્બરના રોજ કાનપુરના બે દિવસના પ્રવાસે ગયેલાં.તેની મિનિટ ટુ મિનિટ પ્રોટોકોલની 78 પાનાની બુક જે ગોપનીય હોય છે તેને કોઈએ સોશ્યલ મીડિયામાં સાવૅજનિક કરી દિધી.તે સમગ્ર વ્યવસ્થા તંત્રની સામે સવાલ ઉઠ્યો?  રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવની સલામતી માટે જો પૂરતી ગંભીરતા ન હોય તો સામાન્ય માણસ માટે શું હોઈ શકે ! વડાપ્રધાનના કિસ્સામાં તેઓએ ટ્વીટ કરી સૌને માહિતગાર તો કર્યા. પરંતુ અહીં આ બધા પ્રકારના સવાલો મહાનુભાવોની સલામતી માટે ખડાં થઈ રહ્યાં છે. સરકારી તંત્ર સાથે જોડાયેલાં સૌ લોકો અંત્યંત બેજવાબદાર અને બેદરકાર હોય તેવી હવે છાપ લગભગ રૂઢ થઇ રહી છે.ત્યારે આ પ્રકારના કિસ્સાઓને નજરઅંદાજ કર્યા વગર દરેકને તેમની જવાબદારીનું અને બે જવાબદારીમાં બેદરકારીનુ સંપૂર્ણ ભાન કરાવવું રાષ્ટ્રભક્તિ છે. તેમ કરવું જ રહ્યું

            સલામતીના સવાલોમાં રાજનીતિ ન  શોભે.તેને તેની સાથે અનુબંધિત કરવી યોગ્ય નથી.જો તેમ થશે તો વાધ આવવાંના ટાણાને સાચવવાં કોઈ ઉભું નહીં હોય ! બી કેર બી એલટૅ..! આપણાં માટે મહાનુભાવો ની સલામતી મુદ્દો છે પણ તેને મુદ્દો બનાવી સિયાસતી ખેલ દુઃખદ છે..! 


Thursday, November 25, 2021

નિબંધ સ્પર્ધા .. નિયમો.નિમંત્રણ

 સ્વ.આલાભાઈ સાંડસુરની પુણ્યતિથિએ નિબંધ સ્પર્ધા

ભાવનગર જિલ્લાના કેળવણીકાર સ્વ.આલાભાઈ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ તા 3-2-22 ના અનુસંધાને એક નિબંધ સ્પર્ધાનું આયોજન શ્રી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા "મારી કેળવણી યાત્રા" વિષય પર કરવામાં આવેલ છે઼.આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાં ઈચ્છતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકર્તાઓ નીચેના સરનામે પોતાનો નિબંધ તારીખ 31-12 -2021 સુધીમાં મોકલી આપે.

નિબંધસ્પર્ધાના નિયમો..

1,આ નિબંધ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરનાં કોઈપણ ભાગ લઈ શકશે.

2, નિવૃત્ત કે પ્રવૃત જે શિક્ષક હોય તેને મેળવેલાં ગુણથી 5 ગુણ વધારાનાં મળવાપાત્ર રહેશે

3, શિક્ષક કે કોઈપણે સ્વ.નો કોઈ અનુભવ લખવાનો નથી.પોતાનુ આત્મકથનાત્મક નહી પંરતુ સ્વૈચ્છિક રીતે પોતે તથા સમાજ શિક્ષણ માટે ક્રાંતિકારી ફેરફારોના અભિયાન અંગેના સુચનો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.કોઈ પણ અનુભવ કે વર્ણનને ગ્રાહ્ય નહીં રાખી તેને રદ કરવામાં આવશે.નિબંધ રદ કરવાની સતા ચયન સમિતિને રહેશે.

4, સરકારી શિક્ષણની પ્રાથમિક તથા માધ્યમિકની વર્તમાન શિક્ષણ સમસ્યા અને તેમાં સામુહિક રાજ્યકક્ષાએ લેવાં જોઈએ તેવા પગલાં, કાર્યોની નક્કર સુચિની રજુઆત જરુરી રહેશે.

5, સરકારી પ્રાથમિક, માધ્યમિકમાં ધટતી વિદ્યાર્થીઓની સંખ્યા તે માટે શિક્ષકોની જવાબદારી,તે શિક્ષણને ગુણવત્તાયુક્ત કરવાં વધુંમાં વધું શાળાઓ સુધી પહોંચી શિક્ષકોમાં નિષ્ઠા,સમર્પિતતા, ગુણવત્તા ઊભી કરવા કેવાં કાયૅક્રમો સ્વયંસેવી સંસ્થાઓ ઉપાડી શકે કે જેમાં શિક્ષક ગરિમા અબાધિત રાખી સૌને એક તાંતણે બાંધી શકાય તેવી માર્ગદર્શિકા નિબંધમાં રજુ કરવાની રહેશે.

6, ગુજરાતમાં આવું કાયૅ નમુનારુપ કરતી સંસ્થાઓને ઉદાહરણ તરીકે રજુ કરી શકાશે.

7, નિબંધમાં નક્કર કાયૅક્રમોનું આયોજન અને અમલીકરણ હોવું જરુરી છે.

8, "મારી કેળવણી યાત્રા "નિબંધ ઓછામાં ઓછાં 1000 શબ્દોનો હોવો આવશ્યક છે.જેમા પ્રસ્તાવના,શિક્ષણની સમસ્યા અને કારણો, સમસ્યાનુ નિરાકરણ અને નક્કર કાયૅક્રમો,તેના ઉપાયોના અંતરાય અને ઉપસંહાર તે મુજબ પ્રસ્તુતિ કરી શકશો.

9, નિબંધ પોતાનો મૌલિક હોય અને સ્વ. હસ્તાક્ષરમાં અથવા ટાઈપ કરેલો હાડૅ કોપીમા નીચેના સરનામે ટપાલથી મોકલવાનો રહેશે.સોફ્ટ કોપી માન્ય રહેશે નહીં પણ તેની પછીથી વડૅ ફાઈલમાં મેઈલ કરી શકશો.આ સ્પધૉ ગુજરાત કક્ષાની ગણવાની રહેશે.

10,પ્રથમ ત્રણ અને અન્ય આશ્ર્વાસન પુરસ્કારો પણ રહેશે.ભાગ લેનાર દરેકને ઈ- પ્રમાણપત્ર મેઈલથી મોકલાશે.રોકડ પુરસ્કારોની વિગતો જાન્યુઆરીમાં પરિણામની સાથે જાહેર કરવામાં આવશે.

11,( અલગ કાગળ મા લખવું)દરેક સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, ઈમેલ આઈ.ડી, જન્મતારીખ, વ્યવસાય, શાળાનુ નામ સરનામું અને તેનો અનુભવ (વર્ષો માં), વોટ્સએપ નંબર, વિશિષ્ટ સિધ્ધિ આ બધું અલગ કાગળ મા લખી મોકલવું.નિબંધ મોકલવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 21

ટપાલ સરનામું....

12,પંસંદગી સમિતિ,આયોજન, સૌજન્ય વગેરે માટે મદદરૂપ બનવા ઈચ્છનારાં મહાનુભાવ અમને યાદ કરી શકે.આપ સૌ નિમંત્રિત છો.

તખુભાઈ સાંડસુર

મેનેજીંગ ટ્રસ્ટી, વિવેકાનંદ એજ્યુ.ટ્રસ્ટ.

મુ વેળાવદર તા, ગારીયાધાર,જિ, ભાવનગર

364505 મોં.નં 9427560366

bapusaheb1961@gmail.com

Thursday, September 30, 2021

શિક્ષક ગણ માટે

 શિક્ષકો જોગ

-----મેસેજ તમામ પ્રવૃત/ નિવૃત શિક્ષકો સુધી આગળ મોકલી આપશો------

   (પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ)

આપને જણાવતા આનંદ થાય છે કે શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરના જન્મદિવસને "શિક્ષક ભાવવંદના દિવસ" તરીકે 11 ઓક્ટોબર 2021ના રોજ મનાવશે.તે દિવસે રાજ્યના 61 શિક્ષકોની પીઠ થપથપાવીને શિક્ષક પ્રેરણામા વિધાર્થી ઉન્નતિનો અકૅ છુપાયાની વાત સ્પષ્ટ અને સુનિશ્વિત કરવી છે.તેજ રસ્તે આગળ વધી વિદ્યાર્થી કલ્યાણથી રાષ્ટ્રીય નવનિર્માણમાં થોડી આહુતિ આપવી છે.આ સન્માન માટે આપ સૌ આમંત્રિત છો.તે માટે આપ આપની વિગત સાથે આચાર્યનું પ્રમાણપત્ર જોડીને કુરિયરથી એક અઠવાડિયામાં તા 5 ઓક્ટોબર સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો.

#--કોણ ભાગ લઈ શકે --?----પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણના કોઈ પણ ખાનગી, સરકારી, સેલ્ફ ફાઈનાન્સ શાળા -કોલેજો શિક્ષક ભાઈ બહેનો સેવારત અથવા નિવૃત પણ..નિવૃતોને આચાયૅ પ્રમાણપત્રની જરૂર નથી.અર્થાત જે શિખવે તે શિક્ષક.

#--પસંદગીની લાયકાત- જે શિક્ષક ભાઈ બહેનો શિક્ષક કર્મ સમર્પિત રીતે કરી રહ્યાં હોય.પ્રયોગ, ટેકનોલોજીથી શિક્ષણ રસપ્રદ કર્યું હોય.જેમને કોઈ પ્રતિષ્ઠિત પુરસ્કાર/સન્માન ન મળ્યું હોય.જેમકે સરકાર દ્વારા અથવા કોઈ સંસ્થા મારફતે...

#મોકલવાની વિગતો

1,નામ 2,સરનામું તથા વોટ્સએપ મોબાઇલ 3,સેવાસ્થળ 4,નિવાસ 5, લાયકાત તથા ઉમંર જન્મતારીખ 6, નોકરીનો અનુભવ 7, શિક્ષક તરીકે વિશિષ્ટ સેવા,8, શિક્ષક તરીકે ટેકનોલોજીનો અનુભવ,9, શિક્ષણમા નવીનતમ પ્રયોગો,10, તમે શા માટે શિક્ષક તરીકે સફળ છો ?( ત્રણ વાક્યો માં ઉપલબ્ધિ જણાવો) 11, શિક્ષક સિવાયનો કોઈ પુરક વ્યવસાય,સ્થળ તેમાંથી મળતું ફુલ વળતર

 12, શિક્ષણ સિવાય વિશેષ સહપ્રવૃતિ - (ત્રણ વાક્યોમાં જણાવો.(પાસપોર્ટ ફોટોગ્રાફ મોકલવો-જે પરત નહીં મોકલાય પરંતુ તેનો નાશ કરી દેવાશે)

13, શું તમે મુખ્ય કાયૅક્રમમાં મુ.ગારિયાધાર જિ ભાવનગર ખાતે ઉપસ્થિત રહેશો કે તમારા નજીકના ઝોનના સ્થળ પર ?

14 ટુંકો પરિચય-નામ,વ્યવસાય સ્થળ-સરનામુ,નોકરીની લંબાઈ, શિક્ષણમાં યોગદાન,શિક્ષણમાં કરેલ પ્રયોગ- ઈનોવેશન, શિક્ષણમાં આગામી આપના ધ્યેયો.( આઠ -દસ વાક્યોમાં)

-

---જેને કોઇ સરકારી કે પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલો ન હોવો જોઇએ.

----શિક્ષણમાં સમર્પિત, સતત વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય.

---નિવૃત શિક્ષક, પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ કોલેજના અધ્યાપકો સુધીના સૌ કોઈ પોતાની પ્રોફાઈલ મોકલી શકશે.

- ભાવનગર,અમરેલી બોટાદનો ઉમેદવારો રુબરુ કાયૅક્રમ સ્થળે હાજર રહેશે પણ સ્વેચ્છાએ કોઈ આ કાયૅક્રમમાં આવવા ઈચ્છુક હશે તો આવી શકશે.બાકીના ઉમેદવાર પોત પોતાના ઝોનમાં હાજર રહેશે.પંસદગી સમિતી દ્વારા પંસદ થયેલ  શિક્ષકોની યાદી 6 ઓક્ટોબર 21 ના રોજ જાહેર કરવામાં આવશે. જેની જાણ કરવામાં આવશે.

--   --આ કાર્યક્રમમાં આપ સહયોગી બની શકશો.આપના મુલ્યવાન સુચનો આવકાર્ય છે.

વિગતો મોકલવા નું કુરિયર સરનામું


તખુભાઈ સાંડસુર

મુ ગારિયાધાર c / o મનોજ બારૈયા અંજની કુરિયર, ગાંધી ચોક જિ.ભાવનગર

9427560366

Email- sandsurtakhubhai703@gmail.com

Wednesday, March 31, 2021

લેખ મુંબઈ મામલો

 મુંબઈ મામલો:પોલીટીક્સ વાયા પોલીસ ક્રિમિનોલોજી

તખુભાઈ સાંડસુર

તાજેતરમાં ઉદ્ધવ સરકારથી લઈને દિલ્લીના પાવર પોલીટીક્સની ચેમ્બરોમા એક ચીયસૅ છે, સચિન કે નામ. સચિન વાજે મુંબઈ પોલીસનો અધિકારી પોતાને મળેલી વિશાળ સત્તાઓના ઓઠાં હેઠળ કેટલી હદ સુધી નૈતિકતાને છેડચોક નિલામ કરીને મુકેશ અંબાણી જેવાં દેશના ટોચનાં ઉદ્યોગપતિઓની સલામતીને પડકાર આપે છે. તે બતાવે છે કે પોલીસમાં કેવાં પ્રકારની નિમ્ન કક્ષાની નીતિ કામ કરી રહી છે.

     મુંબઈના પુવૅ પોલીસ કમિશનર પરમવીર સિંગનો આક્ષેપ છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ આ શખ્સને 100 કરોડ દર મહિને એકઠાં કરવાનો લક્ષ્યાંક આપી રાખ્યો હતો.આ લક્ષ્યાંક પાર પાડવા માટે ક્રિમિનલ એક્ટિવિટીને રોકવાનો ઠેકો રાખનાર પોલીસ ક્રિમિનોલોજીની ચરમસીમા કેવી હોય તેનો ચહેરો સચિન વાજે સમાજની સામે લઈ આવે છે. પોલીસ તંત્ર જે રીતે ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ફોજદારી ધારોના દંડાને હાથમાં રાખીને જે સત્તા આપવામાં આવી છે તેનો અનેક જગ્યાએ દુરુપયોગ થઇ રહ્યાના અનેક ઉદાહરણો છે. ક્યાંક તે બહાર આવે છે ક્યાંક ડુબેલા..! આપણાં દેશમાં પોલીસ સામે પગલાં લેવાં માત્ર રાજકારણીઓ જ પરોક્ષ રીતે છૂટ મળેલી છે.તેથી તે કાયદા હેઠળ બેફામ થતાં રહેતાં હોય છે.સામાન્ય પ્રજા તેનાથી સતત પીસાતી રહે છે. કોઈપણ પોલીસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા નેવાના પાણી મોભે ચડે છે.અને દાખલ થયાં પછી પણ તે ફરિયાદને સાબિત કરવી એ ખૂબ અઘરી હોય છે. સામાન્ય નાગરિકોએ આ માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખવડાવવાં પડે છે. અને તે સામાન્ય માણસોનું કામ નથી રાજકારણીઓ પોતાના કઠપુતળી જેવા પોલીસ અધિકારીઓને પડદા પાછળ રહીને કાયદાની દોરીથી નચાવતા રહે છે.પોલીસ અધિકારીઓ તેની પાસે લાચાર હોય છે,કારણકે તેણે અગાઉ કરેલાં ગેરકાનૂની કાર્યો માટે મોટી સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે.આ બધું દુરસ્તી માંગે છે મજબૂત માનવાધિકારી સંવેદના ઊભી કરવા વિશેષ પ્રયોજનો જરુરી બની છે. ખોટો ફોજદારી કેસ કરવા માટે ipc 122 માંજોગવાઈઓ છે. પરંતુ તે જોગવાઈ ખૂબ પાંગળી છે અહીંયા ipc માં સુધારો કરીને એવી જોગવાઈઓ કરી શકાય કે કોઈપણ વ્યક્તિ જે કોઈપણ કાયદા હેઠળ તેના પર જે આક્ષેપ કરવામાં આવે અને આક્ષેપ સાબિત ન થાય અને પછી એ બધા જ આક્ષેપો જો પાયા વિહોણાં સાબિત થાય તો તેમની સામે આક્ષેપિત વ્યક્તિઓ સામે જે કોઈ ફોજદારી કલમો હેઠળ કામ ચલાવવામાં આવેલું હોય એવું જ ફોજદારી કામ તે વ્યક્તિ સામે ચલાવામાં આવે.જેથી કાયદાથી ઊભી થયેલી અરાજકતાને અંકુશમાં લાવી શકાશે.

        મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિ પાસેથી મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં ખંડણી માંગવાની ટ્રીક અને.. હિમંત !તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે આપણી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે ખખડધજ થઈ ગઈ છે.કાયદાને કુચો ગણનાર લોકો કેવી હિંમત કરતાં થયાં છે..? આવતાં દિવસોમાં સરકારમાં નિષ્ઠાવાન અને મૂલ્યો ધરાવનારાં વ્યક્તિઓનો જો દુકાળ ઊભો થશે તો સૌએ રાતા પાણીએ રોવું પડશે ! આપણે સિદ્ધ કરવું પડે કે આ ભારત છે અને અહીં કાયદાનું શાસન છે. સરકારોએ પોતાની ડુગ ડુગી ચલાવવા માટે પોલીસ અધિકારીને જે રીતે હથિયાર બનાવવામાં આવે છે તેનાથી મુક્ત થવું જોઈએ. એટલું જ નહીં પોલીસ પણ એક ફોર્સની રીતે શિસ્ત જાળવી રાખે એ ખૂબ જરૂરી હોય છે. પોતાના અસુલો સાથે કોઈપણ સમાધાન નહીં..! પોતે એક દળનો સિપાહી છે તેવી દઢતા  અકબંધ રહે.

      સરકારને મળતો નાણાંનો પ્રવાહ અટકાવી પ્રાથમિકતા જનહિતની હોય.કોઈ ઉઘરાણાં કરી, ચુંટણીમાં તેને વાપરી જીતવાનું અને મતદાતાઓને અભાન કરી થપ્પા મરાવવાના ક્યાં સુધી ?.આદશૅ વગર સૌ એડજેસ્ટ કરે છે.આ મામલો રાજકીય પરિપ્રેક્ષ્યમાં નહીં સત્યની એરણે સુલજાવો જોઈએ.દોષિતો ન્યાયિક રીતે દંડિત થાય તો જ કાયદાની ઓળખ પ્રસ્થાપિત થશે.


       

Sunday, February 14, 2021

છેતરપિંડીનો છેડો છેતરામણો..!! તખુભાઈ સાંડસુર 'સફળતા તેને મળે જે પરસેવે ઝબોળાય' આ સૂત્રને આજની યુવાપેઢી લગભગ ભૂલી ગઈ છે. જો કે એમ કહેવાય કે યાદ અપાવનાર પણ કોઈ નથી. દરેકને સફળતાની સીડીઓ ચડવી નથી, પરંતુ એસ્કેલેટર પકડવું છે. ચાલો, એ પણ સ્વીકારી લઈએ પરંતુ તે એસ્કેલેટર પર ઊભાં રહેવાની રાહે' ય જોવી નથી. ત્યાં પણ તેમણે દોડવું છે.એટલે કે સફળતાનો શોર્ટ રૂટ લેવો છે.'કોઈપણ શોર્ટ રૂટ જેટલો જલ્દી પહોંચાડે છે એટલો જલદી પછાડે છે' આ વાત આજે સમજનારાંઓની સંખ્યા પ્રતિદિન માઇનસ થઈ રહી છે .એટલે જ છેતરપિંડીના કિસ્સાઓ સતત સરવાળાં થઈ રહ્યાં છે. પછી તે ધટનાઓ સંબંધોની હોય,લેતી-દેતી હોય કે પછી જીવનવ્યવહારની હોય. બધી જગ્યાએ સતત અવિશ્વાસ અને જોખમની તલવાર લટક્યાં કરે છે. તેથી આજે આપણાં મોટાભાગનાં વ્યવહારો પણ વ્યવહારું રહ્યાં નથી.બસ સૌ કોઈની આંખમાં અવિશ્વાસનો કકળાટ. શાળાઓની પ્રાર્થના અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાં માટે રોજ દિવસો સુધી વિનંતી કરતી રહી હોય ગવાતી રહેતી હોય.પરંતુ તેમ છતાં તે બધાં સમાજ-જીવનમાં ભફાકો મારે છે. ત્યારે વર્ષોથી થતી રહેતી એ પ્રાર્થનાની શબ્દસરિતા ક્યાં દબાઈ જાય છે તે કેમેસ્ટ્રી સમજાતી નથી..!?? લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર,દુરાચાર વગેરેનું સતત ઉમેરણ બસ આજ માન્યતાઓને રૂઢ કરનારો ઘટનાક્રમ છે. સત્ય મોડું જરૂર પડે પરંતુ તે શાશ્ર્વત હોય છે. અસત્ય ઉતાવળે પ્રાપ્ત થયેલું અધુરું સ્વપ્ન છે. જે પ્રકાશની હાજરીથી સાથે ઓલવાઈ જાય છે.વિલાઈ જાય છે.'ચીટ'સુગર કોટેડ હોય છે તેનો પ્રારંભનો ધમાકેદાર પરંતુ અંત માટે આંસુ ને ખાળવા પાવડાઓ ટૂંકા પડે..! કોઈપણ છેતરપિંડી 'ધોળું એટલું દૂધ નથી હોતું 'આવે ત્યારે તેનો રણકાર કર્ણપ્રિય હોય પરંતુ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરવામાં પ્રમુખ ભૂમિકા પણ તે જ ભજવે છે. જ્યારે તમે કોઈ સાથે ખોટું બોલો છો તોપણ અંદરથી એક અવાજ આવે છે."શું આ કરેલું કાર્ય ઉચિત હતું.?" થોડી ક્ષણો પછી જ્યારે તમે પર્વતની ટોચ ઉપર ચડી જાવ છો ત્યારે નીચેથી આવતો જ્વાળામુખી જેવો અગ્નિ તમારાં હોસ- હવાસને સતત દઝાડતો રહે છે. ઊંઘને ગાયબ કરે છે, ચિત્તભ્રંમ પાસે આવીને ઊભું રહી જાય છે. શરીરના અનેક વિકારો સમય જતાં વિસ્તરતાં વાર લાગતી નથી. ક્યારેક તમને એવાં ઉદાહરણ પણ નજર સમક્ષ પ્રસરતાં દેખાય છે કે તેની ચેતનાઓ વૃશ્ચિકના ડંખથી હારાકીરી કરી રહી હોય તેના બચાવ માટેની બૂમો સૌ નજીક હોવા છતાં કોઈ સાંભળતું ન હોય ! ભીષ્મપિતામહ અસત્યના આચરણકર્તા નહોતા પરંતુ ખોટું થતાં જોવાના સાક્ષી માત્ર હતાં તોપણ તેઓએ બાણના શૂળ પર દિવસો વિતાવવાં પડ્યાં. અર્જુન સવ્યસાચી જરૂર હતો પરંતુ તેના કરતુતો એ આખરે તેમને નરકનો દરવાજો જ દેખાડ્યો. સત્યની ચાદર ચિરનીદ્રા આપી શકે.તે તમને ડગલેને પગલે ચુટકી ન ખણે પણ સુવાસ પ્રસરાવશે.મનોજગતમા મલિનતા પ્રવેશી નહીં શકે અને વળી મારગ સંગાથીનું ગૌરવ સૌ કોઈ લઈ શકશે.ક્ષણિક સફળતાં આવેગાત્મક હોય છે પછી તે ક્ષણની સમયાવધિ 10-20 વરસની ય કેમ ન હોય ? છતાં પણ સમય તેને જીવનપયૅત નહીં નીભાવી શકે તે વાક્ય સોના જેવું સો ટચ છે.તવારિખી આલેખોમાં સફેદ ટપકાં ઓછાં નથી હોતાં.રામચરિત માનસ પણ પ્રમાણિત કરે છે. "નિર્મલ મન જન સો મોહી પાવા। મોહી કપટ છલ છીદ્ર ન ભાવા ।" અર્થાત નિર્મળ મનધારી માણસ જ મને પામી શકે. કપટી,છળ છિદ્ મને પ્રિય નથી.એજ સંદેશ તરી આવે છે કે જીવવું સાથૅક કરવું હોય તો નિર્મળ બનો અને વેડફાવું હોય તો છળ સાથે રહો.

 છેતરપિંડીનો છેડો છેતરામણો..!!

તખુભાઈ સાંડસુર

'સફળતા તેને મળે જે પરસેવે ઝબોળાય' આ સૂત્રને આજની યુવાપેઢી લગભગ ભૂલી ગઈ છે. જો કે એમ કહેવાય કે યાદ અપાવનાર પણ કોઈ નથી. દરેકને સફળતાની સીડીઓ ચડવી નથી, પરંતુ એસ્કેલેટર પકડવું છે. ચાલો, એ પણ સ્વીકારી લઈએ પરંતુ તે એસ્કેલેટર પર ઊભાં રહેવાની રાહે' ય જોવી નથી. ત્યાં પણ તેમણે દોડવું છે.એટલે કે સફળતાનો શોર્ટ રૂટ લેવો છે.'કોઈપણ શોર્ટ રૂટ જેટલો જલ્દી પહોંચાડે છે એટલો જલદી પછાડે છે' આ વાત આજે સમજનારાંઓની સંખ્યા પ્રતિદિન માઇનસ થઈ રહી છે .એટલે જ છેતરપિંડીના કિસ્સાઓ સતત સરવાળાં થઈ રહ્યાં છે. પછી તે ધટનાઓ સંબંધોની હોય,લેતી-દેતી હોય કે પછી જીવનવ્યવહારની હોય. બધી જગ્યાએ સતત અવિશ્વાસ અને જોખમની તલવાર લટક્યાં કરે છે. તેથી આજે આપણાં મોટાભાગનાં વ્યવહારો પણ વ્યવહારું રહ્યાં નથી.બસ સૌ કોઈની આંખમાં અવિશ્વાસનો કકળાટ.

          શાળાઓની પ્રાર્થના અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાં માટે રોજ દિવસો સુધી વિનંતી કરતી રહી હોય ગવાતી રહેતી હોય.પરંતુ તેમ છતાં તે બધાં  સમાજ-જીવનમાં ભફાકો મારે છે. ત્યારે વર્ષોથી થતી રહેતી એ પ્રાર્થનાની શબ્દસરિતા ક્યાં દબાઈ જાય છે તે કેમેસ્ટ્રી સમજાતી નથી..!?? લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર,દુરાચાર વગેરેનું સતત ઉમેરણ બસ આજ માન્યતાઓને રૂઢ કરનારો ઘટનાક્રમ છે.

સત્ય મોડું જરૂર પડે પરંતુ તે શાશ્ર્વત હોય છે. અસત્ય ઉતાવળે પ્રાપ્ત થયેલું અધુરું સ્વપ્ન છે. જે પ્રકાશની હાજરીથી સાથે ઓલવાઈ જાય છે.વિલાઈ જાય છે.'ચીટ'સુગર કોટેડ હોય છે તેનો પ્રારંભનો ધમાકેદાર પરંતુ અંત માટે આંસુ ને ખાળવા પાવડાઓ ટૂંકા પડે..!

    કોઈપણ છેતરપિંડી 'ધોળું એટલું દૂધ નથી હોતું 'આવે ત્યારે તેનો રણકાર કર્ણપ્રિય હોય પરંતુ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરવામાં પ્રમુખ ભૂમિકા પણ તે જ ભજવે છે. જ્યારે તમે કોઈ સાથે ખોટું બોલો છો તોપણ અંદરથી એક અવાજ આવે છે."શું આ કરેલું કાર્ય ઉચિત હતું.?" થોડી ક્ષણો પછી  જ્યારે તમે પર્વતની ટોચ ઉપર ચડી જાવ છો ત્યારે નીચેથી આવતો જ્વાળામુખી જેવો અગ્નિ તમારાં હોસ- હવાસને સતત દઝાડતો રહે છે.  ઊંઘને ગાયબ કરે છે, ચિત્તભ્રંમ પાસે આવીને ઊભું રહી જાય છે. શરીરના અનેક વિકારો સમય જતાં વિસ્તરતાં વાર લાગતી નથી. ક્યારેક તમને એવાં ઉદાહરણ પણ નજર સમક્ષ પ્રસરતાં દેખાય છે કે તેની ચેતનાઓ વૃશ્ચિકના ડંખથી હારાકીરી કરી રહી હોય તેના બચાવ માટેની બૂમો સૌ નજીક હોવા છતાં કોઈ સાંભળતું ન હોય ! ભીષ્મપિતામહ અસત્યના આચરણકર્તા નહોતા પરંતુ ખોટું થતાં જોવાના સાક્ષી માત્ર હતાં તોપણ તેઓએ બાણના શૂળ પર દિવસો વિતાવવાં પડ્યાં. અર્જુન સવ્યસાચી જરૂર હતો પરંતુ તેના કરતુતો એ આખરે તેમને નરકનો દરવાજો જ દેખાડ્યો. 

 સત્યની ચાદર ચિરનીદ્રા આપી શકે.તે તમને ડગલેને પગલે ચુટકી ન ખણે પણ સુવાસ પ્રસરાવશે.મનોજગતમા મલિનતા પ્રવેશી નહીં શકે અને વળી મારગ સંગાથીનું ગૌરવ સૌ કોઈ લઈ શકશે.ક્ષણિક સફળતાં આવેગાત્મક હોય છે પછી તે ક્ષણની સમયાવધિ 10-20 વરસની ય કેમ ન હોય ? છતાં પણ સમય તેને જીવનપયૅત નહીં નીભાવી શકે તે વાક્ય સોના જેવું સો ટચ છે.તવારિખી આલેખોમાં સફેદ ટપકાં ઓછાં નથી હોતાં.રામચરિત માનસ પણ પ્રમાણિત કરે છે.

"નિર્મલ મન જન સો મોહી પાવા।

મોહી કપટ છલ છીદ્ર ન ભાવા ।"

અર્થાત નિર્મળ મનધારી માણસ જ મને પામી શકે. કપટી,છળ છિદ્ મને પ્રિય નથી.એજ સંદેશ તરી આવે છે કે જીવવું સાથૅક કરવું હોય તો નિર્મળ બનો અને વેડફાવું હોય તો છળ સાથે રહો.


Friday, January 8, 2021

કાયદાનો દુરુપયોગ માટે કાયદો

 કાયદાના દુરોપયોગ માટે કાયદાની આવશ્યકતા

-તખુભાઈ સાંડસુર

સામાન્ય રીતે કોઈ પણ કાયદો એ જનસુખાકારી માટે હોય છે .સાર્વત્રિક રીતે જન સમુદાયને પડતી મુશ્કેલીઓ સમસ્યાઓ માટે ભારતીય ફોજદારી ધારો અને ફોજદારી કાર્યરીતિ ધારો અમલમાં છે. બદલાતાં સમય અને સંજોગોના કારણે વિવિધ કાયદાઓનું દબાણ લાવીને અથવા તે કાયદાની બીક બતાવીને નાણાં પડાવવાનું અને ધાર્યું કામ કઢાવવા માટેની ફરજ પાડવાનું ગુનાહિત કૃત્ય વધુ ને વધુ માત્રામાં સામાજિક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી સમાજમાં ભય અને અસમતુલા નો માહોલ પેદા થયો છે. તેને સંતુલિત કરવા આવાં કાયદાઓનો ઉપયોગ અટકાવવા માટે એક જડબેસલાક કાયદો લાવવો જોઈએ. તેવી સાર્વત્રિક રીતે લાગણી પ્રવર્તી રહી છે.

                 વાત કરીએ સ્ત્રી અપરાધો ઉપર સામાન્ય રીતે સ્ત્રી અપરાધોમાં બળજબરીપૂર્વક કરવામાં આવતો શારીરિક, આંત્યતિક અત્યાચાર જ આપણે બળાત્કારની વ્યાખ્યામાં મૂકીએ છીએ. પરંતુ મહત્તમ કિસ્સાઓમાં સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોને આ વ્યાખ્યામાં મુકવામાં આવતાં નથી. તો પણ તેને રેપ ગણીને આઇ્પી.સી 375,376નીફરિયાદો નોંધવામાં આવી રહી છે. લગ્નની લાલચ આપી વચનભંગથી થતાં  રેપના આંકડા મુજબ યુ્.પી. ની અંદર ગત વર્ષ કરતા 57% આ પ્રકારના ગુનાઓ વધ્યાં છે. ઉત્તરાખંડમાં 50% અને રાજસ્થાનમાં આ આંકડો 45 %નો છે. એટલે કે રેપના ગુનાઓમા સતત વધારો થયો છે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું કે લગ્નનું વચન આપીને ફરી જનાર વ્યક્તિ સામે આ પ્રકારનો ગુનો નોંધી શકાય નહીં કારણકે બંને વ્યક્તિઓએ એકબીજાની સંમતિથી આ કૃત્ય કરેલું છે. તેથી તેને બળજબરીથીની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં. બીજુ એ જ રીતે એકબીજાના પરિચયથી થતું આવું ગુનાહિત કૃત્ય પણ આવી વ્યાખ્યામાં મૂકી શકાય નહીં, તેવો પણ એક મત છે. 2019માં નોંધવામાં આવેલા નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડાઓ મુજબ માત્ર 6%  ગુનાઓ એવાં હતાં. જેમાં મહિલા ઉપર બળજબરીપૂર્વક શારીરિક યૌન સંબંધ સ્થાપિત થયો હોય. તાજેતરમાં બનતી ઘટનાઓ મુજબ હનીટ્રેપના રોજ અનેક ગુનાઓ નોંધાઈ રહ્યાં છે. તે બતાવે છે કે પોતાની માતા- બહેનોને જબરજસ્તી આ પ્રકારના ગુનાઓ કરવા પ્રેરીને સામેના વ્યક્તિઓની પાસેથી પૂરતાં પ્રમાણમાં નાણાં પડાવવા અથવા અન્ય કોઈ ભૌતિક લાભ લેવાં કે તેની સેવાઓ લેવી વગેરે જેવી ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.તેનું કારણ કાયદાનું બ્લેકમેલિંગ છે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય માટે કોઈ ભારેખમ જોગવાઈઓ નથી.

    એ જ રીતે ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાઓમાં પણ સત્ય તપાસવામાં આવે તો ત્યાં પણ ઘણો બધો કીચડ જોવા મળે છે. ipc 498 મુજબ થતી કાર્યવાહીમાં ઘણીવાર જે લોકો સામેલ નથી. તેની સામે આક્ષેપો કરીને નાણાકીય લાભ લેવાનો હેતુ પાર પાડવામાં આવે છે. આવા કિસ્સાઓનું પણ પ્રમાણ ખાસ્સું વધી રહ્યું છે.

ભારતીય આર્ય સંસ્કૃતિ એ વાતની સાક્ષી પૂરે છે કે વિધર્મી કે સધર્મી લોકો સ્ત્રીની પાની જોવાની માંગણી કરતાં ત્યારે ખૂન્ખાર યુદ્ધ લડાયાના ઉદાહરણો આપણાં ઇતિહાસમાં તાદ્રશ્ય છે. જ્યારે આપણે સાંપ્રત સમયમાં કેટલાંય લોકો છેડચોક પોતાના શીલ નીલામી કરી રહ્યાં છે. પદ્માવતીનું ઉદાહરણ આપણા સૌ માટે વર્ષો સુધી માર્ગદર્શક બની રહેશે.

  અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર ધારા હેઠળ સને 2019 માં 45935 કેસ નોંધાયાં હતાં. જે સને 2015ના 38600 થી 19% નો વધારો સુચવે છે. પ્રશ્ન એ થાય કે જે રીતે શિક્ષણનો સાર્વત્રિક વ્યાપ વધ્યો અને સામાજિક સમરસતા વધુ માત્રામાં પ્રવ્રત્તિ રહી છે તો સામાજિક સમરસતા વધે કે ઘટે તો આ કેસ નો વધારો શું સૂચવે છે?

    આ બધાં કેસોનો વધારો તે આપણે વસ્તી વધારા સાથે કદાચ જોડીએ તો પણ તે માત્રા ઘણી વધારે છે બધાં જ દેશોમાં ખૂબ ઓછી માત્રામાં સજા થાય છે દા.ત.2019 માં ચાલેલા બળાત્કારના ટ્રાયલમાં કુલ 162000 કેસ પૈકીના માત્ર 27%  કેસમાં સજા થઈ હતી. એનો અર્થ એ થયો કે કાં તે કેસ ખોટાં હતાં અથવા તે કેસ સમાધાન થઈ ગયું. તો તેમની સામે આઇપીસી 122 મુજબ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી ? આ કલમ હેઠળ ખૂબ ઓછાં પ્રમાણમાં કેસ નોંધાયાં છે. ખોટો કેસ કરવો ગુનાપાત્ર છે. પરંતુ તે ગુનો માત્ર બે વર્ષની સજાનો છે જે ખૂબ ઓછી કહેવાય.

      લોકજાગૃતિનું અને કાયદા જાગૃતિનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે જોતા હજુ ભવિષ્ય કાયદાને હથિયાર બનાવીને અન્યને હણવાની કોશિશ વધુ તેજ બનશે ત્યારે સામાન્ય માણસને રક્ષિત કરવાની જવાબદારી પણ કાયદો જ કરી શકે. યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં આ પ્રકારની સુદઢ વ્યવસ્થાઓ છે.તેથી ત્યાં આવો દુરુપયોગ થતો નથી.તપાસનીશ એજન્સીઓ પણ કાયદાની જાણકારી છે. એક ઉકેલ તેના માટે એવો પણ વિચારી શકાય કે કોઈપણ આક્ષેપોની સત્યતા તપાસીને જ ગુનો દાખલ કરવામાં આવે. જેથી આવી કોઈ ચુંગાલમાં સામાન્ય માણસ ફસાઈ જાય તો બહાર નીકળવાં ફાંફા મારવાની જરૂર ન પડે...!!

Friday, December 25, 2020

મૈત્રી :સગપણથી સવાયો સંબંધ

 મૈત્રી :સગપણથી સવાયો સંબંધ

તખુભાઈ સાંડસુર


સુખમાં પાછળ અને દુઃખમાં આગળ ઉભો રહે તે ખરો મિત્ર એવું લોકોકિત કહે છે. માણસની જગતવ્યાપ્ત માનસિકતા 'સોશિયાલીસ્ટ'છે.તેને કોઈને જંગલમાં એકલો અથવા કોઈ રૂમમાં પૂરી દેવામાં આવે તો તે લાંબા સમય સુધી રહી શકતો નથી.સમવયસ્ક કે સમોવડીબુદ્ધિ, સમજ ધરાવનારની ઝંખના અને હૂંફની તરસ સતત તેને લાગ્યા કરે તેનું નામ મૈત્રી. મૈત્રીને લૈગિંક રીતે સમાજ ભેદભાવ કરે છે, જુદાં પાડે છે. સમલૈંગિક મૈત્રીને સ્વીકારવાની ટેવ ભારતીય સભ્યતાને કાંધ પડી ગઈ છે. કારણ કે આપણે લિંગભેદ મૈત્રીને જાતિય સંબંધોના ડંગોરામાં જ ગણીએ છીએ. ખેર.. મૈત્રી એક એવા સંબંધનું સ્વરૂપ છે.જ્યાં તમે ખુલ્લાં અને ખાલી થઈ શકો. હૃદયની અંકુરિત સુવાસનો અહેસાસ તમે જેને કરાવી શકો અથવા આપાતકાલીન અણછાજતી આફતના વળ તમે જેની પાસે ખોલી શકો તે મિત્ર. અહીં સ્વાર્થની બાદબાકી અને ગેરહાજરી છે. પ્રતિ પક્ષે છે, ત્યાગ ,સમર્પણને ફનાગીરીનું ઝનુન.

                   મૈત્રી, સ્નેહને પાંગરવાનો પ્રસરવાનો પુરતો અવકાશ આપે છે.લાગણીના વાવેતર કરનારાં તંતુની તુલનાં બાકીનાં બધાં સંબંધોથી પર હોય છે. તમારાં જીવનમાં એક સરનામું એવું હોય કે જ્યાં તમે આનંદની હિલ્લોળી ગુલછડીઓ ઉડાવતાં હો તથા યાતનાઓનો એક છેડો તેના સુધી જતા બળીને ખાખ થઈ જતો હોય. પોતાની વિતકને પનપવાની જ્યાં 'સ્પેસ'મળતી હોય. એવાં ઘણાં કિસ્સાઓ કે ઘટનાઓ જાણી અનુભવી છે કે મિત્રની સાંત્વનાનો સધિયારો તેને અંતિમ નિર્ણય લેવાં પાછું વળીને જીવતદાન આપી ગયો હોય. જીવન આંટીઘૂંટીઓ અને ઉકેલવાની ક્ષમતા ભલે તે મિત્રમાં ન હોય અથવા તે તેના માટે યોગ્ય ન હોય પરંતુ ત્યાંથી કોઈ આશાનું કિરણ જરૂર છુપાયેલું જોવા મળે. ભૌતિક સાધનો કે આર્થિક ક્ષમતાઓથી મૈત્રી ઉપર ઊઠે છે. તેમાં સામ્યતાનાં માપદંડો ઘણીવાર માત્ર બૌદ્ધિકતા,સમજ, સ્થળ વગેરેની સાથે જોડાયેલાં હોય છે. કૃષ્ણ ચરિત્રમાં સુદામા કૃષ્ણની દોસ્તી માત્ર સમજ અને સાનિધ્યની સંગાથી હતી. ત્યાં તેની તુલનાત્મક સામ્યતા આર્થિક કે ભૌતિક માપદંડોમાં જરાય ન હતી.

                  સાંપ્રત ટેકનોક્રેટ યુગમાં મૈત્રીના માપદંડો અને સ્વરૂપો બદલાયા છે.સોશિયલ મીડિયામાં સામ સામે મેસેજ 'ડ્રોપ કે ડિલીટ' કરતાં લોકો મિત્રો નથી પરંતુ તે આભાસી મિત્રો છે. આભાસી મિત્ર એટલે કે મૈત્રીનો માત્ર આભાસ કરાવે, વાસ્તવમાં તે આપણાં સ્વજનના આત્યાંતિક મૃત્યુ માટે 'સેડ' ઇમોજી મુકવાનો પણ સમય લેતો નથી. તે  ટાઈમપાસી દોસ્ત છે. જ્યા અપેક્ષાઓને છૂટી મૂકવાની ભૂલ કરી શકાય નહીં.આજે વાસ્તવમાં પણ એવાં મિત્રોનું આવાગમન થતું રહે છે કે જે પોતાનો સંબંધ બિઝનેસ પોલીસી કે ટ્રેડ ટ્રીક તરીકે જ તમને હેન્ડલ કરે છે. ટ્રેડ ડીલ પૂરી થતાં તે વાત ત્યાં જ દફનાવાય જાય છે. એટલું જ નહિ ઘણીવાર મૈત્રીસેતુને વિકૃત ચિતરનાર આવાં પાત્રોથી સતત ચેતાતા, ચેતનવંતુ રહેવું પડે છે. મૈત્રીનું સમયાંતરે થર્મોમીટર મૂકતાં રહેવું જોઈએ. જેથી સંબંધોને વિસ્તારવા કે સંકોચવાની સીમારેખા નક્કી કરી શકાય.

                  દોસ્તોના પ્રકાર માત્ર સમલૈંગિક કે સગપણ કે સંબંધ બહારના જ હોય એવું પણ નથી.પત્ની પણ સારી ઉત્તમ મિત્ર બની શકે. હા,એવા દંપતિઓ પણ છે કે જેમણે પોતાની લગભગ તમામ બાબતોને એક બીજાને શેર કરી હોય.વિશ્વાસની અભિન્ન કેડી તેઓને સતત જોડી રાખતી હોય.વિશ્વાસ એ મૈત્રીનો પાયાનો પથ્થર છે. ક્ષણિક આવેગમાંથી સ્ફૂટ થયેલો મૈત્રીભાવ લાંબાગાળાના પથિક જેવો અડગ નથી રહેતો. તેથી એવા પાત્રો સતત સંગાથની હુંફ બની શકે છે કે જે નાઇટ વોચમેન નહીં પરંતુ રેગ્યુલર ખેલાડી હોય.

        નગર જીવન સતત માર્ગ પર દોડતું દેખાય છે.ત્યાં સમયની તાનારીરીમાં સંબંધોને વિકસવાની તક જ નથી મળતી. બે છેડાં ભેગાં કરવાં મોટાં મોટાં મહાનગરોના અનેક છેડાઓને ભેદવાં પડે છે તેથી મિત્રો કે મિત્રતા હાંસિયામાં મુકાઈ જાય છે. પત્નીને કે સાથીકર્મીને સંજોગવશ મૈત્રીનાં વર્તુળોમાં મૂકીએ તો વાત જુદી, પરંતુ ત્યાં ભયસ્થાનોની ભરમાર બહુ મોટી છે. લાંબા સમય સુધી આ સાંધણને ટકાવી રાખવું એક પડકાર પણ છે. ગમા- અણગમા કે માન-સન્માનનીથી સર્જાતાં ટકરાવો સમજના ખાલીપાથી કે નમ્રતાના અભાવથી મૈત્રીને તારતાર કરી શકે છે. તે બધા પ્રશ્નાર્થ અને મોજાને સતત જીવી લેવાની એકમેકને તૈયારી જ ખરાં અર્થમાં મૈત્રી પામ્યાનો પુરાવો છે.