Sunday, March 15, 2020

સંબંધ લેખ

સબંધો : સમયની ચોખટે
-  તખુભાઈ સાંડસુર
સંબંધ એટલે આંતરમનનુ આવિષ્કરણ. ત્યાં વિચાર નહિ વિહાર હોય.બુધ્ધિની હાજરી નહીં દલડાનો નામે ધોધ હોય..! સરવાળા બાદબાકી થાય તો સમજ કેળવવી કે કંઈક ખૂટે છે,પણ હોળીમાં કુદી પડવાની દઢ્ઢતાનું પ્રાગટ્ય કોર કાઢે તમે તેના આદર્શ સ્વરૂપના એવરેસ્ટ પર છો. મન જો આઘેરુક જઈને પાછું વળે તો હજી અધૂરપ છે, પરંતુ ભૂખ, તરસ અને શ્ર્વાસનો ખ્યાલ ગુબ્બારો થઈને ઊડી જાય,જો તમે સહરાના રણમાં પણ હડેડાટ હડીયું કાઢતાં રહો તો સંબંધની વ્યાખ્યા સાર્થક થઈ છે એમ જાણવું. અપેક્ષાથી આકારિત થયેલી સંબંધોની લાલાયિત કુમાશ ચિરંજીવ નથી. સ્વાર્થની પુષ્ટિ પછી તે સંબંધ છળમાં ફેરવાઈ જાય છે.છળ અને સંબંધ એક જ બાજોઠે બેસીને ભોજનનો રસાસ્વાદ ન માણી શકે !
            સમયની 'ટીક ટીકે' વ્યક્તિની સમજને વિશાળતા બક્ષીને સંબંધો પર હારાકીરી કરી છે. આજે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટેનું કર્તવ્ય પોતાના માપદંડોમાં બદલાયું. સાધનોનો વધારો કર્યો પણ સાધનાનો દુકાળ પડ્યો. તાજેતરમાં યુ.એસ.થી આવેલાં ઍક્ શ્રેષ્ઠીએ પોતાની જીવનની કિતાબ ખોલતાં દહેશત વ્યક્ત કરી." મેં ભલે મારા સમગ્ર જીવનને મારા પુત્ર માટે ઘસી નાખ્યું,પણ મારાં પત્નીના દેહવિલય પછી મારી જગ્યા "સિનિયર સિટીઝન હોમ"માં જ હશે."તે બતાવે છે કે' પિતૃ દેવો ભવ' ભોં માં ભંડારાય ગયું છે. સંબંધ સાથે સાંસ્કૃતિક વિરાસત પણ ધરાશયી થઇ. જીવનની ઘટમાળ સંબંધોને એરણે ચડાવે છે. તાવડી ટેકો લઈ જાય તેદી કોણ તમારી ડેલી ખખડાવીને કહે "મૈ હું ના !" સુખમાં આગળ રહેનારાઓ આપત્તિમાં અલોપ થઈ જાય છે.ફેસબુકિયા,વોટસેપિયા મનરંજન છે પણ રજમાત્ર આપણાં નથી. સ્મરણ કરો ભાવનગરના મહારાજ સાથે જોગીદાસ ખુમાણના બહારવટાનુ.  મહારાજા સાહેબના પિતાના 'ગામતરા'ટાણે જોગીદાસ તેના આગંણે ઉભા રહે,તે વાત સાબિત કરે છે કે તે મહારાજા સામે વેર હતું ઝેર ન હતું. ઉર્દૂ કવિ નીદા ફાજલીનો એક શેર કહે છે.
 "દુશ્મની લાખ સહી ખત્મ ન કીજે રિસ્તા
   દિલ ન મીલે યા ન મીલે હાથ મીલાતે રહીએ "
ખાનદાની ઇતિહાસ વગાડીને કહે છે.
        સબંધોને ત્રણ ખાનામાં ગોઠવી શકાય, અતલ,અર્ધતલ અને આભાસી.સ્વાર્પણ,ફનાગીરી હોય તે અતલ જેની ઉંડાઈ માપી ન શકાય.અર્ધતલમા બહુ વધારે સ્નેહાદરની આશા ન હોય એટલે કે સમત્વ અને આભાસી એટલે આપણે માનતા હોઈએ તેમ ન પણ હોય..! દુઃખદ ફેસબુક પોસ્ટમાં 'સેડ ઈમોજી 'મુકવાની તસ્દી ન લે તે બધા આવા મહાપુરુષો ગણાય ! આજે ટોળું થોડું મોટું થતું જાય છે.સૌરાષ્ટ્રના કાઠી દરબારોની એક પ્રથા આખા જગતે નોંધવા જેવી છે. કાઠી કોઈને ત્યાં લગ્ન પ્રસંગે ભલે ન પહોંચ્યાં હોય પણ એવું ભાગ્યે જ બને કે જેની સાથે નાતો હોય ત્યાં કોઈનું ગામતરુ થયું.બસ,એ આવીને ઉભાજ હોય.તેથી આ જ્ઞાતિમાં એકબીજા વચ્ચે સારાં પ્રસંગનો વહેવાર નથી, પણ માઠું ટાણું સાચવવું જ પડે. જે આપદટાણુના ઓળખે તેને આપણાં કોન્ટેક્ટ લિસ્ટમાંથી ઈમીજીયેટ ડીલીટ કરવો જોઈએ. વધી રહેલું 'એદીપણુ'પણ સૌને એક કોચલામાં જીવવા લાચાર કરે છે.
      જીવનની કેડીના વળાંકે અવનવું મળતું રહે. કંટકોથી સરકીને નહીં પણ સાફ કરીને સુખ સમજીએ. પ્રસન્નતા એક 'પોરહ' છે. તે જેટલો લઈએ એટલી ચિરતા પામી શકાય. એકાંત એકાગ્રતા અને અનુભવનો નિચોડ શ્રેષ્ઠતાના ઓશિંગણ બને છે.કોઈનો હાથ પકડી રાખવાથી તેની સ્વતંત્રતાને ઘા વાગશે.પરંતુ તેના હાથમાં તમારો હાથ આપશો તો તેને છોડી દેવાની પણ આઝાદી અને પકડી રાખવાનો અ
અંહકાર પ્રાપ્ત થશે. એમ કરીને પણ તેને તમે પ્રસન્નતા આપી શકશો. દુઃખી દિન ઓસરે તો કુમળાં સૂર્યકિરણો જરૂર નવા દિવસોને નોંતરે. મંગલ ઈચ્છીએ તો જરૂર સર્વત્ર મંગલ ધ્વનિ ગુંજે છે.તે આપણાં કાન સુધી પણ પહોંચે. નિરંજન ભગતની એ કવિતાના શબ્દો ખૂબ માર્મિક છે.
 "કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ આપણો ઘડીક સંગ
 ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળાં વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા, તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશુ ભેળાં
 હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશુ હેતની ગંગ !
રે ભાઈ આપણો ઘડીક સંગ."

No comments:

Post a Comment