Wednesday, March 25, 2020

Aveg article

આવેગો આશિર્વાદ
- તખુભાઈ સાંડસુર
આવેગ શબ્દને મર્યાદિત રેખાઓમાં અંકિત કરીને વાયરસ ફેલાવાની છૂટ નથી. આવેગ એટલે શરીરની અનુભૂતિઓનું પરિણામ. તમારા મન પર થી પસાર થનારી ઘટના કે વિચારથી થતાં શારીરિક પરિવર્તનને આપણે આવેગ ગણીએ.હસવું, રડવું, નાચવું, કુદવું, ગમગીન થવું આ બધુંજ તે વર્તુળમાં મૂકી શકાય. તેના આત્યંતિક સ્વરૂપોને વળી નવા પરિવેશમાં ગોઠવી શકાય. જેમ કે બેફામ રડવું એટલે આક્રંદ, અસ્ખલિત અને અડાબીડ હાસ્ય એટલે અટહાસ્ય વગેરે, વગેરે. માત્ર અનુભૂતિ બધાં પ્રાણીઓમાં માનવ ને જ બક્ષવામાં આવી છે. તેથી તેનો યત્કિંચિત પ્રયોગ જીવનનો એક ભાગ રસમ માનવામાં આવે છે. બદલાયેલી જીવનશૈલીએ ઘણું કરવા જેવું ભુલાયું અને જાપલી બંધ કરવા જેવી વાતમાં મેદાન મોકળા કર્યા છે. આપણાં શરીરમાં ઉભી થતી આનંદ, દુઃખ,ગ્લાનિ વગેરે અનુભૂતિઓ હાસ્ય, રડારોળ અને ગમગીની લઈને આવે છે.જ્યારે જેની જરૂર છે ત્યારે તેનો ઉપયોગ જો પૂરતી માત્રામાં ન થાય તો તેના જવાબો સો ટચ મળતાં નથી.
      જીવનના સંતુલિત ક્રમને જાળવી રાખવાં આ અંકુરોને મુર્છિત કરી શકાય નહીં.તેને રોકી રાખવા તે પણ એક સાપેક્ષ હિંસા જ ગણાય.તેનો ભોગ શરીર અને મન બંને બનતું હોય છે. તમારી એવી કોઈપણ જાણી કે પિછાણી બાબતોના દુઃખદ દ્રશ્ય માટે નેત્રો પાછળ ગોઠવેલા ખારાં સમુદ્રને ઉલેચી જ નાખો. ભાવનાત્મક લાગણીને કોશવાથી મનોજગતની રંગોળીઓ ફેલાઈ જવા પૂરી શક્યતા છે.એમ પણ રડવું કોઈ સામાજિક દ્રોહ નથી માટે ઉદાહરણ તરીકે રડવાની ઘટનાને જીવનની આવશ્યકતા સાથે જોડાયેલી માનવામાં આવે છે. મોટાભાગના ને ખબર છે કે બાળકના જન્મ સાથે જ જો તે રડે નહીં તો તે સામાન્ય નથી તેમ તબીબો માને છે. તેથી રડવું અને માનવ હોવું એક સિક્કાની બે બાજુ છે.હા, તમે કોઈ પ્રતિષ્ઠાને કારણે તેને જાહેર અભિવ્યક્તિ તરીકે ન મૂકી શકો તો પણ તેનાથી સંપૂર્ણ પરહેજ કરી શકાય તેમ નથી. માનવ ને વળી ઈશ્વરગત અનુભૂતિઓ માટે ઘૂમટો શા માટે તાણવો..?રામાયણ કે મહાભારત ની કરુણાંતિકાને પ્રસ્તુત કરતાં ઘણાં કથાવાચકો એવા છે કે જેઓ રીતસર તારતાર થઇને બીખરાઈ ગયાં હોય, ત્યારે ત્યાં સરસ્વતીની સ્થાપના થાય છે. આંસુ એ સત્યનું સહોદર છે તેથી જ્યાં એકબીજાનો સંગાથ હોય ત્યાં છળ અને જૂઠાણાં માટે જગ્યા બચતી નથી.તમે જ્યારે રડી લો છો ત્યારે તમે હળવાં થઈ,ક્ષણને જીવી જાણી છે તેમ નક્કી થાય.
       આનંદનું માપન હાસ્યનો હેલ્લારો છે. રમતાં રમતાં જીવી જાણવું એટલે હાસ્ય.મૃત્યુની સમીપે પહોંચી ગયા પછી પણ ભય નામે કોઈ આંખો તેને ડરાવી ન શકે. તમે છો ને તાડ જેટલી ઊંચાઈનો યશ પ્રાપ્ત કર્યો હોય જો તમે બાળકની જેમ જ ખિલખિલાટ કરી શકો તો સમજો તમારું સ્થાયીકરણ ખૂબ મોટું છે. શરીર સમાજ અને સંબંધોને કોરાણે કરીને હસવાની મજા લઈ લો.બધું ખોઈ દીધા છતાં જો તમારા હોઠનું હાસ્ય અકબંધ છે તો સમજો કે તમે સારા થી શ્રેષ્ઠ નું પ્રમોશન મેળવી લીધું છે. સાંપ્રત હાલતમાં મનોરોગીઓની સંખ્યાનો ગ્રાફ પશ્ચિમી દેશોના પ્રમાણમાં વધુ છે. ભારતના 20 ટકા ગરીબો પૈકીના 5 ટકા એવા છે જેનું કોઈ નથી ત્યાં છે તેની પાસે સમય. જ્યારે તમારી પાસે સમગ્ર તત્વ હતું અને તેની આભાસી હાજરીની સમજણ તમે કેળવી શકતા નથી તો સમજીએ કે ગમગીની તેના શરીરમાં સ્ટેથોસ્કોપ મૂકવાથી પણ મળી શકશે નહીં.ચલતે ચલતે ફીલ્મના ગીતના શબ્દો સ્પર્શી જાય છે.
"રોતે હસતે બસ યુ હી તુમ ગુનગુનાતે રહેના"

No comments:

Post a Comment