Monday, August 20, 2018

My article

લવ બાઉન્ડ્રીના હદ – નિશાન...!!   -તખુભાઈ સાંડસુર

કૃષ્ણ ચરિત્રમાંથી કાંઈ ઉપાડી લેવા જેવું હોય તો તે છે,તેનો ગંગોત્રી ગંગા જેવો અસ્ખલિત ધુંઆધાર ‘પ્રેમ’. કૃષ્ણ કોઈને કોઈ ગલીમાં પણ અધુરો કે અધુકડો મળ્યો છે ખરો ? ભોપ થી ગોપ સુધીની તેની જીવન મધુમતી સૌને ગાંડપણ પેદા કરવા ચુંબકીય રીતે ખેંચે છે.આટલી સમય દડમજલ, વિકાસની ભાગાભાગી, મેસેજીકરણની મહામારી અને વિત્ત એ જ મારો જીવનસંદેશ જેવા તબડપાટી યુગમાં કૃષ્ણ ક્યાંય કરમાયો, આથમ્યો કે ધરબાયો નથી.કવિઓની કલમોમાં અને ગાયકીના ગહેકારવમાં આજેય એટલોજ મહેકી અને મહોરી રહ્યો છે...કેમ...આમ ? જેના વખાણ માટે બારેમેઘ ખાંગા થઇ ધરમૂળને ધમરોળતા હતા. એવા દિલ્હીના સૂબાઓ ઇતિહાસના પાનામાંથી બહાર નીકળી શકતા નથી.ત્યાં ને ત્યાં જર્જરિત થઇ કોહવાઈ ગયા છે.કાનુડો.... આજેય અબઘડી સાદ પાડો .... હાજરાહજૂર...! લાગણી નો આ પુંજ સ્નેહના તાંતણે જકડી રાખે છે. તાંતણો ખરો પર તે અતુટ...

પ્રેમ શબ્દ સામે જે સુગ મધ્યયુગમાં હતી,તે આજે હવે મીનીમાઇઝ થઇ ગઈ છે. હજુ તેની બહુલત્તાને સ્વીકારનારા ભડવીરો દરિયામાંથી મોતી શોધવા જેવુંતો છે જ. વૃક્ષથી આરંભીને વિરાટ સુધીનાને નેહ કરવામાં ક્યાય કોઈ નવો સોફ્ટવેર અપલોડ કરવાની જરૂર નથી. છતાં પ્રદેશ,જાતિ,ધર્મ લિંગ વગેરેમાં ટાઈટ...!અમારો એક મિત્ર રવિ કઝાકિસ્તાન ની નતાશાના પ્રેમમાં પડેલો . તેને પ્રાદેશિકતા કે ભાષા બેરીકેટ બની નહોતી.નતાશા ની ભાષા રશિયન અને આ ગુજરાતી બંદો. સૌની આંખમાં એકજ ભાષા વંચાય ‘લાગણી ની’.... !મત નું તરભાણું ભરવા ‘લવ જેહાદ’ નું બંડ બહુરૂપીઓ પોકારે છે.તે માનવજીવન ના સૌહાર્દ અને સોફ્ટનેસને ઘસી નાખે છે.આખરે તેના પરિણામો જાતિગત વિશેષ નથી રહેતા , તે પરિવાર કુટુંબ , સંબંધો સૌને સાગમટે અભડાવી નાખે  છે.

સમયના પ્રવાહમાં ગમા-અણગમાનો સમયાંતરે થાક તો લાગે પરંતુ સૌ ગાડુ ગબડાવ્યે રાખે.પ્રેમ નો દંભ પથરાતો રહે પણ ‘આભાસી’.દૂધ પર બાજી ગયેલ ‘તર’ જેવું હોય.અંદરનું પ્રવાહી પાતળું પડી ગયેલું..સહજીવન થી તરડાતી તિરાડ એકમેકને શૂન્યમાં લઇજાય તો ત્યાંથી નવા સંસ્કરણો મળવાનો પુરતો અવકાશ છે પરંતુ વિશાળતાની બાદબાકી કરીને અણગમાને પંપાળવા આમંત્રિત કરાય તો ત્યાં સ્નેહનું બાષ્પિભવન નક્કી છે.અને જ્યાં તેનું અવિરતપણું ચાલુ રહે ત્યાં જીવન “વૈતરા”માં કન્વર્ટ થઇ જાય.આવા ‘કન્વર્ટેબલ કપલ્સ ‘ ના પટારા ભરાય એટલા નમૂનાઓ હાથ નાખો ત્યાં મળે..આર્યવ્યવસ્થા ‘પડ્યું પાન નિભાવવા’ ના સિદ્ધાંત પર ચાલે છે.તેના નફા – તોટા કે પ્લસ – માઈનસમાં ન જઈએ.પણ પશ્ર્ચિમી પરંપરા નો ઢાંચો જુદો સુર છેડે છે.”પડ્યું તે ખર્યું અને કુંપળ કરે સાદ” ત્યાં નવજીવનની નાવીન્યપૂર્ણ આશા છે.ત્યાં કોઈ સંબંધોમાં માલિકી ભાવ કે આધિપત્ય નથી.પ્રેમમાં માલિકીપણાનો પ્રવેશ પ્રપંચ , અવિશ્વાસ , જાસુસી દુર્ભાવના ને પ્રગટાવે છે.કોઈ સ્ત્રી પર પુરુષનો એકાધિકારવાદ કે માલિકીપણું ન હોય કે પછી ‘પુરુષ’ માત્ર તેની પોતાની ખાનગી પેઢી છે.ત્યાં સમસ્યાઓ અંકુરિત થાય.જ્યાં નજાકત , મસ્તી, પ્રેમ સ્પ્રીંકલર ન હોય ત્યાં બહેતરીન જીવનની નવી દિશાઓ ફંફોસવાની પરવાનગી હોવી જોઈએ.કોઈ વણજોઈતી ચીજને ઢસડતા તમારું આયખું કોહવાઈ જાય તે કેટલું યોગ્ય...?આપણી રૂઢિગત વ્યવસ્થાઓએ કેટલાય ને અવતરણ ચિન્હોમાં મૂકી દીધા છે.

પ્રેમ નો તરાપો ઘણીવાર કોઈને મળવાની અપેક્ષા વગર પણ કિનારાની તૃષામાં ખેંચાયા કરે.કવિ રાજેન્દ્ર કૃષ્ણ તેના શબ્દોમાં આ વાતને આ રીતે પેશ કરે છે.

“તું પ્યાર કરે યા ઠુકરાયે , હમ તો હૈ તેરે દીવાનો મે ,

ચાહે તું હમે અપના ન બના , લેકિન ના સમજ બેગાનો મે”

અહિં સ્ફૂટ થતી ધારાને કોઈને ઝીલવાની પરવા ભલે ન હોય , પણ તને કોઈ નાસમજની ખાલી જગ્યામાં મુકે તે પણ તેને સ્વીકાર્ય નથી.સમજપૂર્વક કરવામાં આવતું ગાંડપણ મૂર્ખતા ન ગણાય.

લિંગ સાથે ઘણા લીમીટેશન મૂકી દેવામાં જમાનાઓએ ઘાતક તરકીબો અપનાવી છે. સમલિંગી  બહુમત લોકો સાથે વ્યવહારિકતા ઉભી કરવાનો, મળવાનો કે મમત્વ દાખવવા કોઈ બેરીકેટ નથી.પરંતુ પ્રતિલિંગી સાથેની મૈત્રીતો દુર નજર કરો તોય કોઈ અપરાધી ચોગઠામાં તમને ઉભા કરવામાં જરાય સમય ન લાગે. હદ નિશાન ને ઓળંગો,બંધી આંગળીઓ આંખની કીકીઓ તમારા તરફ જ ...ઈતિહાસના પાનાઓએ એવા લોકોને પથ્થરોથી’ય પૂરા કર્યાના પાનાં ભરેલા છે.લગભગ બહુલ સમરાંગણના એપી સેન્ટર આજ કારણોમાં મળી આવ્યું છે.પરંપરાઓએ જે ઢાંચા આપ્યા તે સનાતન ન હોય.જયારે જેવી , સ્થળ , સ્થિતિ , સમય તે પ્રમાણેના આચાર ઉભા કરેલા.તકલીફ ત્યાં છે કે સૌએ તેને શાશ્વત માની લીધા.લચીલાપણું માનવજીવન ને દિશા આપે છે.

જે સમાજ કે રાષ્ટ્ર સૌને સ્વીકારવાની , સમજવાની ‘તમા’ રાખતો હોય ત્યાં ચચરાચર સુખ , શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થતો જોવા મળે.પૂર્વ પશ્ચિમ ની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કયાઁ પછી તેમાંથી પણ ઘણું ઉત્તમ  પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે.સૌને સદાચાર કે પ્રેમના પદાર્થપાઠ શીખવાની જરૂર નથી.

સ્થિરતા , સમજ અને સૌહાર્દ આખરે પ્રેમના દોહન થી નીપજે છે.જે રાષ્ટ્રો હિંસા , ગુનાખોરી, અસહિષ્ણુતાની પીડામાં કણસી રહ્યા છે.ત્યાં લાગણીની ગેરહાજરી દેખાઈ રહી છે સૌ માટે દરવાજા ખુલ્લા રહેવા જોઈએ.બંધિયારવાદનું પોષણ માનવવાદથી છેટું દેખાય છે.

હમણા સાંભળેલી એક કોઈ પાકિસ્તાની ગઝલના શબ્દો હજી ગુંજી રહ્યા છે.

“નાં મૈ મજનું ના મૈ રાંજા નાં મૈ ઉલજા બીછવે દર પે જાજા,તેરે દર્દે આગ વ ધાગા ઈશ્ક કા ચોલા પા બેઠા મે, મૈ તે જોગણ હોઈ , સોણે અપને પ્યાર દી.”

સૌને ખુલ્લા આકાશમાં વિહરતા જોવાનો પણ એક આનંદ હોય છે.

No comments:

Post a Comment