Tuesday, August 21, 2018

મૂલ્યોનું આઈ.સી.યુ એડમિશન
-તખુભાઈ સાંડસુર
આપણે એવું સાંભળીયે કે સમય બદલાયો પરંતુ ખરેખરતો સમયે સમાજ, વ્યવસ્થાઓ, વૈચારિક પરિભાષાઓ પલટાવી દીધી હોય છે. પંદરમું- સોળમું શતક ભારતને પાશ્ચાત સાંસ્કૃતિક પરંપરાઓના સંમિશ્રણનો પ્રારંભકાળ હતો. વૈશ્વિક આદાન-પ્રદાન ઝડપી ગતિએ લગભગ એકાકારનું રૂપ ધારણ કરવા દોડ લગાવ્યાનું અનુભવાય છે. હિન્દુસ્તાનનો સાંસ્કૃતિક વારસો વિશ્વએ બત્રીશે દાંતે વખાણવાલાયક ભલેને કોઈ ન ગણે તો તેનો રંજ નથી. છતાં તેના અંશો,અસ્મિતા સમગ્ર માનવ-જાતને જીવનની રંગપૂરણીમાં એટલા પ્રસ્તુત હતા અને છે કે તેને અવગણી શકશે નહિ. જે ક્ષણે આ વ્યવસ્થાના ચીરહરણના સાક્ષી, બનવા આગળ આવે ત્યારે એવું ભૂત સવાર થાય કે આ અનુભવ કરવા આપણે શા માટે સાક્ષાત છીએ? તાજેતરમાં મને આવી એકાદ બે ઘટનાઓ ઝંઝેડી ને હલબલાવી ગઈ.
કિસ્સો – ૧.  શહેરના એક શિક્ષક દંપતીને એક દીકરી છે , નોકરીની જવાબદારીમાં તેને સગવડો અપાય સ્નેહ બાકી રહી ગયો. વૈભવ આપ્યો પણ વિચાર ના આપી શકાયો. હવે તે લાડકી ઢીંગલી માંથી અલ્લડ યૌવના બની ગઈ. શહેરના વિલાસીતાના સમુહમાં તે વહેવા લાગી. તેનું સ્વછંદીપણું હવે પિતૃત્વને ગૌણ ગણવા લાગ્યું. તેની બેકાબુ જીવનશૈલી માંથી બહાર કાઢવા યત્ન કરનાર તેના પિતા પર તેણે પોલીસમાં પહોંચીને અકલ્પ્ય આક્ષેપો કર્યા ત્યારે તેના મા-બાપ પાસે આંસુઓ જ હતા. તેના પિતાએ કુકર્મનાં આરોપ સાથે જીવવા કરતાં મરવાનું વધુ પસંદ કર્યું પણ........બચી જવાયું.
કિસ્સો- ૨.  ધો-૧૦ની પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત કરી રહેલા જવાને ઘટના વર્ણવી. આ કેન્દ્રમાં નજીકના ગામના દસમાની પરીક્ષા આપવા એક છોકરો – છોકરી  આવે. માંડ કિશોરવસ્થામાં પંદરેક વરસમાં ડગલાં ભરતા આ બંનેને એક-બીજાનું આકર્ષણ એવું કે તે પરીક્ષા શરૂ થવાના અડધા કલાકમાં જ ‘વોશરૂમ’ના બહાના તળે બહાર આવે. ત્યારે મેદાનના આ વોશરૂમ સંકુલમાં કોઈ હોય જ નહિ , તેનો લાભ લઇ એક બીજાને ભેટીને ઉભા રહે. વળી મોકો જોઈ આવું કરે. ત્રણ-ચાર દિવસ પછી જયારે મારા ધ્યાનમાં તે આવ્યા ત્યારે તે ક્ષોભિલા પડી જઈ રડમસ સ્વરે કરગરવા લાગ્યા. તેણે પ્રશ્નપત્રના ઉત્તરો ભાગ્યેજ કઈ લખ્યા હશે..”કોન્સ્ટેબલ અફસોસ કરતાં કહે છે કે શું જમાનો છે II.” 
બંને તથ્યો સમાજના સૌ કોઈને ક્ષુબ્ધ કરવા પૂરતા છે. ”ક્ષણને જીવી લેવાની” કે “પળને પલ્લવિત કરવા બધું ભૂલી જાવ” નું સુત્ર આજે પણ અહિયા નહિ...તમામ સોસાયટીના ટોડલે, પરાં , પોળની ગલીઓમાં સામે મળે છે. શૂન્યતાના ચમકારા દેખાયા કરે. અભરખાઓની હડીયાપાટીમાં સૌએ પોતાના સ્વત્વ ને ગુમાવી દીધું છે. વાત કરવાની વ્યવહારિકતા કેળવી શકાતી હોય છે પરંતુ અમલવારીમાં હવે ગ્રેસિંગ આપીને પણ પાસ કરવા અઘરા છે સૌ કોઈને... II ?
આપણી ભણતરની હાટડીએ થી કોઈ એવો માલ મળતો નથી. જ્યાં જીવનને કિલ્લોલતું કરી શકાય. અન્યના જીવનના વાસંતી ટહુકાઓ સાંભળી શકાય ,તથા તે પચાવવા કોઈ રામબાણ ઈલાજ ની જરૂર ના પડે. સંયુક્ત કુટુંબ પ્રથા ભલે પ્રાઈવસીને ધક્કે ચડાવતી હોય પરંતુ ત્યાં સ્નેહના અમીઝરણાં આબાલથી ઉમરલાયક સૌ પામતા હોય...’જતુ કરવું, તારું મારું અધ્યારૂ નહિ, પહેલા તારુ પછી વધેતો મારું, સાથે રહીએ સાથે કરીએ સારા કામ’ ના ડી.એન.એ ત્યાંથી મળે છે. બાળકને મદહોશ કલકલાટની રમતો મળે છે. વાર્તાઓના અમીઘૂંટડા તે ભરતા, પહેલા પોતાના પરિવાર પછી શેરી અને બાદમાં સૌ માટે વિચારતો અને વિહરતો થાય છે. સંકોચન અને સંકડામણને ત્યાં કટ મારવા પૂરતી પણ જગ્યા મળતી નથી.
રોજીંદો વ્યવહાર અને વર્તન અવિશ્વાસની કગાર પર ઉભો છે. કયો....માણસ ક્યારે કોની સાથે કેવી રીતે પેશ આવે તે કંઈ નક્કી જ થતું નથી. સગાસંબંધીઓ, પરિવાર, મિત્રોમાં ભરોસો ગેરહાજર જ દેખાય. આ ગુમસુદગી એ લગભગ તમામની સંવેદનશીલતાને કોઈ ચમાર મરેલા ઢોર પરથી જે નિર્દયતાથી ખાલ ઉખેડે છે, તે જ રીતે ઉતરડી નાખે છે. હવે તમે રસ્તે સાદ પાડો તો મદદ માટે ઉભા રહેનારા કે પોતાનો હાથ લંબાવનારા શોધવા કઠીન છે. સુનકાર સોસાયટીઓના બંગલામાં આળોટતા સુખ ચેન ને તમે બુમરાણ કરી મુકોને....કોઈ નહિ આવે.. II એક વચન માટે રામને વનવાસી યાતનાઓમાં ધકેલનાર પિતાની પીડા કેવી હશે ? ભલે જુગાર હોય પણ તે સત્ય માટે સર્વસ્વ ગુમાવનાર  પાંડુપૂત્રો માટે વિશેષણો ઓછા પડે. ગાંધારીનું અંધ સામે અંધ રહેવું આંખ પટ્ટી નું અડગ સત્ય....I આ સમાજને કેટલું આપી જાય છે.
શિક્ષણ પદ્ધતિ ખગોળ, ભુગોળ, આંતરમાળખાગત વ્યવસ્થાનું પરિવર્તન, આર્થિક ગ્રાફમાં ઉમેરો, ભૌતિક પાસાઓની સુદ્રઢતા વગેરે વિષયોને કેન્દ્રિત કરે છે. વૈશ્વિક જીવન શૈલીના ફેરફારોને પકડવા સહેલા હોય છે. પરંતુ તેની પરિભાષામાં તેની પદ્ધતિને ગતાનુગતિક કોઈ પણ દેશ કે રાષ્ટ્ર , રાજ્યની સાંસ્કૃતિક પરંપરાઓ, ભૌગોલિકતા, માનવ વિકાસ સૂચકાંકને નજરઅંદાજ કરીને ‘અમલીકરણ’, આફતને આમંત્રિત કરવા જેવું છે. ભારતીય કેળવણીના પાયાના સિદ્ધાંતોને કોરાણે મુકીને લગભગ આખું માળખું આપણે “અન્યોથી ઉત્તમ છે.” તેમ ગણીને લાગુ પાડ્યું છે. તેના પરિણામો સૌ કોઈ ભોગવી રહ્યા છે , ભોગવતા રહેશે..
આપણી સાથેના ઉપકરણો, સાધનો પરોક્ષ રીતે કે પોતાનાઓ થી જુદા નથી પાડતા તેનો ખ્યાલ જરૂરી છે. સમયના બંધનો ભલે હોય, છતાં પરિવાર માટે તેની અછત અણઆવડતમાં ખપાવવી જોઈએ, મર્યાદાઓને અસુખ નહિ ગણતા તે આવકારદાયક લેખવું જોઈએ. સ્વતંત્ર વિચારધારાને કોરાણે મૂકી આપણી પ્રાચીન પારિવારિક ભાવનાને અંગીકાર કરી ફરી એ જ પટરી પર પરત ફરવું જોઈએ. દાદા-દાદી, મા-બાપ, પૂત્ર-પૂત્રવધુઓનો જમેલો સૌ કોઈને ડગલે ને પગલે પ્રેમ આપીને જાય છે. આળસ એ અનેક અવરોધોની કારક છે તે વાત સૌ સમજવા છતાં સ્વીકારતા કેમ નથી ? કસ્તુરી મૃગ જેવી આધુનિક માનવની દશા પર દયા, લાચારી ઉપજે છે. લાફિંગ ક્લબ , ફિટનેસ સેન્ટર , પ્રાણાયામ-વિપશ્યના, સુખ-સફળતાના કાર્યક્રમોનું અવતરણ ક્યાં જરૂરી હતું? આ બધું તે જ્યાં હતો ત્યાંજ ઉપલબ્ધ ,હાથવગુ હતું. આપણે સૌ જેટલું બધું ઉતાવળે ઉપાડ્શું એટલો આરામ થશે. તે બાબત સુવિદિત છે. મરીઝ નો એક શેર કહે છે..
“જીંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ
એક તો ઓછી મદિરા છે.ને ગળતું જામ છે”.

No comments:

Post a Comment