Thursday, August 30, 2018

હું છું સરકારી શાળાનો બેબસ વિદ્યાર્થી….....................          --તખુભાઈ સાંડસુર                                                                                         મને સરકારી શાળામાં જુઓ છો. કારણ કે ખાનગી શિક્ષણ મેળવવા માટે કાવડિયા નથી ,ગામડામાં મારી પાસે બીજો વિકલ્પ નથી. મારું સરનામું મફતપરું અને શહેરની ગંદી  ઝુંપડપટ્ટી છે. તમારી સૌ પાસે મારી કેફીયત રજૂ કરી પ્રથા, વ્યથા અને વ્યવસ્થા ઉજાગર કરીને થોડો હળવો થવા ઈચ્છું છું. શિક્ષણના ત્રણ આધારસ્તંભો છે. વાલી ,શાળા અને સરકાર. પરંતુ તેઓએ મને ભગવાન ભરોસે છોડી દીધો છે. મને મળનારી તકો સાવ ક્ષીણ છે. તોય તે અન્યો લઈ જવા ઉતાવળા છે. લગભગ તમામ ઈચ્છતા હોય કે હું લાચારીના નર્કમાંથી બહાર જ નીકળું.

મારું કુટુંબ કંગાળ છે. રહેવા એક ઓરડો અને ખાવા મા-બાપે શ્રીમંતોની ચોખટ પર મજુરીની રોજ ગુહાર લગાવવી પડે છે. મારા વાલી-પિતાને મારા ભાવીની ચિંતા   છે જ, અને હોય જ પણ રોજ ખાલી થતાં અભાગિયા પેટ ભરવાનો ભાર વધારે હોય છે ,તેથી હું શું ભણું છું? કેટલું ભણ્યો? કોણ ભણાવે છે ? તેની ક્યારેય પૂછપરછ કરી નથી. હા, તેને વાટ હોય સ્કોરશીપના પૈસાની…!! કારણ કે તેની મતી ત્યાંથી આગળ જઈ શકતી નથી. મારો શાળા સિવાયનો સમય હોટલના નોકર તરીકે કાં તો ભાગિયા ખેતરની મજૂરીમાં વીતે છે. વરસોથી શાળાના પગથિયા ઘસતો રહ્યો. પણ આઠ વરસમાં ગણિતનાં બે આંકડાનો સરવાળો કે બે વાક્યોનું વાચન આવડ્યું નથી. કોઈએ મારી કારકિર્દીનો રેકર્ડ માગ્યો નથી. અમારા સાહેબ અઠવાડિયામાં બે-ત્રણ દિ’એ કલાક અમારા વર્ગમાં આંટો મારે છે. બાકી તો તે એક રૂમમાં બેસીને શું કરતા હશે રામ જાણે…!!

મને મારા પિતાજી પર ગર્વ છે કે તે મને રોજ શાળાએ મોકલે છે. મજુરીના વધુ પૈસાનો લેાભ છોડીને તેણે મને સાત વરસ શાળા જોવા મોકલ્યો. બૂકમાં લીટા દોરવા અને મેદાનમાં બેટ- દડે રમવા સિવાય લગભગ અમે કાંઈ કર્યું નથી. અમારામાંથી ઘણાં બપોરના મધ્યાહન ભોજનના લોભે લોભે આવે છે. અમારા વર્ગના ૫૦માંથી પાંચેક છોકરાને વાંચતા આવડી ગયું છે પણ તે બધાને તેની બહેનો કે મોટા ભાઈઓ ઘરે જઈ ભણાવે છે. અમને ખાનગી શાળામાં રાખે કોણ ?! આર.ટી.ઈ.નો કાયદો છે પણ દિવાળી સુધી તેના રાઉન્ડ આવ્યે રાખે. નંબર ન લાગે. લાગી જાય તો તેનું વર્તન અમારી સાથે ઓરમાયું…!!

અમારા શિક્ષક સાહેબોનો એકેય છોકરો કે છોકરી અમારી નિશાળમાં આવતા નથી. કારણ કે તે બધું જાણે છે…? ગામના સરપંચ કે પંચાયતને ગ્રાન્ટમાં રસ પડે છે, અમારામાં નહીં.

સરકારીબાબુઓ તેના સંતોનાને વિદેશમાં સેટલ કરવામાં કે ભારતની કઈ કોલેજમાં કેટલું ડોનેશન…તેનું ઉઘરાણું ક્યાંથી કેવી રીતે કરવું ?તેની વેતરણમાં હોય છે. ચૂંટાયેલા સુબાએાને કોક ઉત્સવોમાં નિશાળોમાં તગડે છે. પણ તેઓ પોતાની ગાદીઓ ટકાવી રાખવામાં અને જે નથી મળ્યું તે મેળવવાના હતકંડાઓમાં રચ્યા-પચ્યાં રહે છે. કોને ક્યાં ભેળવવો ? કોને કયા ખસેડવો અને ખતમ કરવો ?એના ગ્રાફ દોરાતા રહે છે. મારું ભણતર કે ભાવી તેની પ્રાથમિકતા નથી. વળી હું જ્યાં છું ત્યાં રહું તો તેમની તીતુડી વાગતી રહે તેવો તેનો છૂપો એજન્ડા છે પણ થાય શું ?!

મારા ભણતરનો પાયો કાચો અને બોદો રહેવાનો. મારી ક્ષમતા શિક્ષણમાં સાત વરસમાં ૨૦-૨૫ ટકાથી વધુ નથી. તેથી હું દસમાંની જાહેર પરીક્ષામાં પાસ થઈ શકીશ કે કેમ તે એક સવાલ છે?અને થઈ પણ ગયો તો બારમું આવશે. વળી મારું ગાડુ રગશિયું ગબડ્યા કરે તો પણ હું નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાનગી શિક્ષણ મેળવનારાની બરોબરી ક્યાંય કરી શકું તેમ નથી ત્યાં પાછો સમાનતાનો સિદ્ધાંત લાગુ પડશે એટલે મને અહીં કોઈ અગ્રતા મળવાની નથી. મારી સાત પેઢી ગરીબીમાં સબડતી રહી છે અને મારો વારો પણ મજુરી કરવા સિવાય કંઈ નથી. અમારા સંતાનોને પણ આજ દોઝખમાં જીવવુ પડશે..!! જે માતબર છે તેને બધુ મળે અમારું કોણ? ઈશ્વરેય આમા અમારી ધા પોકાર સાંભળે તેમ નથી. હા…દરેક ચૂંટણીમાં અમને નવા સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે. અમને આવી વાર્તાઓ સાંભળવાની મજા પડે છે પણ તેમાંનું કંઈ થતું નથી.

આ વેદનાઓના ડંશ સહી સહીને અમે હવે સાવ રુક્ષ થયા છીએ. ઈશ્વર જ કોઈ કાળે તારણહાર બને બીજું તો શું થાય…!!?

No comments:

Post a Comment