એકલતા: આત્મચિંતનની ઉજાણી
Monday, December 14, 2020
એકલતા: આત્મચિંતનની ઉજાણી
Monday, November 2, 2020
એક વો ભી જમાના
એક વો ભી જમાના થા એક યે ભી
તખુભાઈ સાંડસુર
જમાના કે યુગની વર્તમાન સાથે સરખાવતાં નફો ફોટો કરીએ તો સાંપ્રત ખોટના ખાડામાં જ હોય. ઝફર ગોરખપુરીની ગઝલના શબ્દો તેની બખૂબી ટાપસી પૂરે છે.
"સંતોષ થા દીલો કો માથે ને બલ નહી થા,
દિલ મેં કપટ નહીં થા આંખો મેં છલ નહિ થા,
થે લોગ ભોલે ભાલે લેકિન યે પ્યાર વાલે ,
દુનિયા સે કિતની જલ્દી સબ હો ગયે રવાના"
વખત વીતે એટલે લગભગ બધું બદલાઈ જાય છે.ક્ષણોની બદલાતી તાસીર શરીર, સ્થળ,મનની કરવટને ન ફંટાવી દે છે.ભૂતકાળ ચુંઈગમ કરવો સ્વાદિષ્ટ લાગે છે. તેના કારણોના વિશ્લેષણમાં જઈએ તો ખ્યાલ આવે તે ભલે અભાવના ખંડેરો હતાં. જ્યાં રોશની ગાયબ હતી. જગમગતા,ટમટમતા દીવડાઓ જ ભલેને હતાં. તો પણ તે ખુશહાલી ના ગાણાં ગાતાં સંભળાય છે. બધા યુગની સાથે તેની તવારીખ એક અમરગાથા થઈને અંકિત થઈ જતી હોય છે.
ભલા ને ભોળા લોકોને અનુભવતાં એવું જરૂર થાય કે અલૌકિક ચેતના તેમની સાથે સતત ચાલીને બધા કાર્યો સુખરૂપ આટોપતી હોય. શિક્ષણ અને નગરજીવનનો સ્પર્શ તે યુગના લોકોને જરાય અડગતો નથી. આજથી ચાર પાંચ દસકાઓ પહેલાંના એવા લોકોને આપણે જોયા છે, કે તે સતયુગમાં જીવી જાણ્યાં હોય. ગામડાંના તે સજજનો પણ અનુભવ્યાં છે કે તેનામાં સહેજે ચતુરાઈનો લેપ ન લાગ્યો હોય. એક ઉદાહરણ આપું કે અમારા ગામના એક વૃદ્ધ દાદા સુરત જેવા મહાનગરમાં પોતાના પુત્રના મહેમાન તો થયા, પણ કુદરતી હાજતે જવાની સહજ ટેવ તેને ત્યાં વધુ ટકાવી ના શકી. દાદાને પેટનો દુખાવો થયો,હવે ફરિયાદ ફરી તેને તાકીદે ગ્રામ જગતમાં લઈ આવો.બસ, આ ગમતીલુ ગામ અને તેનો અસબાબ.
તે યુગ છોને અભાવની સાકડી શેરીઓમાંથી પસાર થતો હોય પણ તેના દિલોદિમાગની વિશાળતા વટવૃક્ષ જેવી હતી. ગામડાંનોએ ચોમાસાનો ગારો અને તેમાં પહેલાં વરસાદની સોડમથી ઉભી થતી ઘર-ઘોંસલાંની રમત. દાતરડાંના ઠૂંઠાથી રમવામાં આવતી અસ- મસ-ઘસની રમત બસ..ભજો જ મજો. ઓળકોળામણાની દેશી રમતમાં લીમડા, આમલી, પીપળાનો સથવારો તેને બથ ભરવાં જાણે સાદ પાડતાં હતાં. બાજરાનો ખાડા કરેલો રોટલો અને તેમાં માખણ ના પીંડાથી ભરાયેલા ખાડા અને ઉપરીયામણમાં મોરબીનો ડેકોરેટિવ શણગાર કરેલો. તેને લુખ્ખો ખાવા જ મજબૂર કરી ને મદહોશ બનાવી દેતો. આજે તે લ્હાવો ફૂડ કોર્ટમાં ક્યાંથી લાવવો.?
આજ ભૌતિક સાધનો પથારો છે. પણ ભાઈબંધની ટોળીઓનો ખાલીપો ખખડે છે. કોઈ મોબાઈલની ગેમમાં વ્યસ્ત છે,તો કોઈ youtube માં મસ્ત છે. સંબંધોની રુક્ષતાએ મોતને પણ સંવેદના થી છુટું પાડી દિધું છે. સૌ લાગણીમાં ડેડીકેટ નથી પણ વધું પડતાં એટીકેટ થઈ ગયાં છે. જાણે સૌએ મલાજાઓ ને ડીલીટ કરી દીધો હોય.દોડાદોડી અને રફતારે સૌને માપપટ્ટી મુક્તા કરી દીધાં. સ્વાર્થની ડમરીમાં એકમેકને સૌ કોઈને ધુંધળા દેખાય છે. વન્ય પ્રાણીઓ પાસે મન, બુદ્ધિ અને હૃદય નથી માટે તેનું કોઈ જીવન નથી. માનવ પાસે આ બધું હોવા છતાં હમણાં તે પોતાની જાતને એકલો અટૂલો સમજવાં લાગ્યો છે.
પાણકોરાનાં કપડાં, હાથમાં ભરત ભરેલી થેલી લઈને વગડીયા ખટારામાં ઉતરતાં મહેમાનને લેવા બસ સ્ટેન્ડે આવતાં આતિથ્ય કરનારા અને એ જ રીતે પાછું ભાવપૂર્ણ વળામણ કરનારાઓની ખાલી જગ્યા ઊભી થઈ ગઈ છે. બંગલાઓ છે તેમાં ગેસ્ટ રૂમ પણ છે, તો પણ તેના બેડરૂમની ધૂળ આખા વર્ષમાં ખંખેરી લેનાર કોઈ આવતું નથી. રવિવારે રસોડામાં રજા રાખનારને ક્યાંથી અતિથિઓને ઓરા લાવવાં ગમે..?! મા-બાપની સેવાના મૂલ્યો આઉટહાઉસમાં જ સમાય ગયાં છે.પૈસા માટે ગમે તેવા સોદાઓમાં હા ભણનારાઓનો સમૂહ વિસ્તરતો જાય છે.અડાબીડ આદર્શો અને મૂલ્યોના વિકારનું નિંદામણ કરવું હવે સહેલું લાગતું નથી.
ઘર એ મંદિર ત્યારે બની શકે ત્યાં શૃંગારિત થનાર સંસ્કાર સ્ટેચ્યુઓને રોજ બાળકોને બતાવવામાં આવે. માત્ર શિક્ષણ કે શાળા ગુણ રોપણ કરે તે પૂરતું નથી. ગર્ભ સંસ્કારથી શરૂ થનારી કેળવણી બાળક ડગલેને પગલે પામતો, પકડતો રહે.સૌ કોઈનું વર્તન,વાણી આપણાં પરિવારને દેદીપ્યમાન ત્યારે કરી શકે જો આપણે વર્તનના બેવડા ધોરણોનો છેદ ઉડાડી સત્યની સંગાથે જીવતા થઈએ.'કરે તે ભરે' તે કથની પ્રમાણે જેવું આપણે 'સ્વ' સાથે ઈચ્છીએ છીએ એ 'સર્વ'માટે કરીએ તો જમાનો આપણું કંઈ બગાડી ન શકે,અન્યથા જીવનની અનેક આફતો માટે તૈયાર રહેજો.
Thursday, October 29, 2020
ચિંતન લેખ
વિસ્તારવાદી ઈચ્છાઓ:અસુખનું ઓશિંગણ
તખુભાઈ સાંડસુર
માનવ ઈચ્છાઓનો ગુલામ છે, એવી એક ઉકિત છે. તેને સંયમિત કરવી એક વિજય પ્રાપ્ત કરવાં સમાન છે. જનસામાન્યમાં આવી તાકાત, શક્તિ હોવી અસંભવ છે. જો હોય તો તે માનો ચીલાચાલુ પંક્તિઓથી અલગ તરી આવે છે,જુદા બેસે છે. ઈચ્છાના આધિપત્ય હેઠળ જીવનારો બહુધા સંજોગોમાં સુખ સંતૃપ્ત હોવા છતાં તેની અનુભૂતિ કરી શકતો નથી. ઈચ્છાઓ પોતાને મળેલી સંતૃપ્તિને ભોગવવાં દેતી નથી. યુદ્ધ-લડાઈ કે આતંકવાદનો પાયો માણસની અગણિત ઈચ્છાઓમાં ધરબાયેલો છે. જો તે તૃપ્તિનો ઓડકાર મેળવી લે તો બધાનો છેદ ઉડાડી શકાય. એટલું જ નહીં પણ જીવનનો ખરો આનંદ શેમાં છે તેની વ્યાખ્યા અને અનુભૂતિ પણ કરી શકાય.
ઈચ્છાઓ ત્રિદેવી સ્વરૂપે દેખાય છે, અપેક્ષા, ઈચ્છા અને મહેચ્છા .બધાની વચ્ચે સુંવાળી ચાદર સરીખો પડદો છે. અપેક્ષા એટલે કે જો તે પૂરી થાય તો ઠીક છે પણ ન થાય તો તેમાં કોઈ ગમ કે રંજ નથી.ઈચ્છા એટલે તેને પૂરી કરવા અગિયાર ઇન્દ્રિયને કામે લગાડીએ અને તનને ન તોડીએ પણ પાણી પાણી સરખું બળ અજમાવીએ. આ કન્યાની વરમાળા ડોકમાં ન પડે તો થોડી ગમગીનીનો જ અનુભવ થાય પણ તેનું રૂપ બિહામણું ન હોય.છેલ્લાં મહારાણી મહેચ્છા કે જેને પકડવા જીવનને દાવ પર મૂકી દેવાય ..!! સ્વની ઓળખનો શૂન્યાવકાશ ન થઈ જાય. દશે કોઠે દીવાં નહીં પણ આગ લાગવાનો અનુભવ થાય..! આ જો પછી છટકે તો વાત પૂરી..! વ્યક્તિ શું કરી બેસે કયાં જઈને ઉભો રહે...!!? તે નક્કી કરવું કઠિન બની જાય...!
મહાભારતની અઢાર અક્ષુણી સેના હોય કે પછી આજના બોમ્બર જેટ બધાંનો છેડો ત્યાં જઈને આવે છે. કુરુક્ષેત્રથી લઈને નાગાસાકી, હિરોશિમામાં વહેલી રક્ત સરિતામાં લોહી ટપકતી તલવારની ધારોમાથી નીતરતાં બિંદુઓમાં ઇચ્છાઓની આત્યંતિકતા નીતરતી દેખાઈ હતી. હા, તેમાં વ્યક્તિ જે જગ્યાએ ઊભો છે તે તેનું તેટલી માત્રામાં તેનો કારક બનતો હોય છે. જેમકે હિટલર અને સામાન્ય ગૃહસ્થની તુલનામાં હિટલર માનવ જાતને ભુંસી શકે છે. કારણ કે તે એવા સ્થાન પર આસનસ્ત છે, કે જ્યાંથી ઘણી બધી સત્તાનો દુરુપયોગ થઈ શકે. જ્યારે સામાન્ય વ્યક્તિનું વર્તુળ પોતાના પરિવાર પૂરતું સીમિત રહી જાય છે.
માણસ ગમે તેટલું દોડે છતાં પણ અંતે તે જ્યાંથી પ્રસ્થાન પામ્યો હોય ત્યાં જ ફરી પાછો ફરે છે. અમારા વડીલ શ્રી કાનજીભાઇ પટેલ ઘણીવાર કહેતા કે 'ઈચ્છા નથી ઇન્દ્રલોકની અજ,પદ કે કૈલાશ' અર્થાત હવે ઇન્દ્રલોકમાં પણ ગમે તેમ નથી. અમરતા, કોઈ હોદો કે કૈલાસ પણ ન ગમે.તમે જે પાટે અતૃપ્ત છો તેની વિપુલતા કે તેની બહુલ ઉપલબ્ધિ તેનાથી ઉબ લાવી દે છે, તેવું મહત્તમ બનતું આવ્યું છે. પણ ત્યાં સુધીની સફર અને અનેકોને કષ્ટદાયક બની ને રહી જાય છે. તે છેડે પહોંચતાં ઘણીવાર પોતે પણ ભૂંસાઇ જતો હોય છે ,અથવા તે અનેકને ભૂંસી નાંખવાં,ભુલાં પાડવાં કે છિન્ન કરી દેવા કારણરૂપ બન્યો હોય છે.
શ્રવણ, અધ્યયન અને ચિંતન ઈચ્છાઓના મારક છે. આ દરમિયાન જો તમે કોઈ એવી જાદુઈ છડી કે જડીબુટ્ટીને શોધી કાઢો તો તમે આપ સહિત સર્વે ને તારી એવમ વારી પણ શકો છો. સંતોષની ચાવી અહીંથી જ મળે છે. સંજોગો અને સ્થિતિ મહચિત ઉગારી લેવાં આગળ વધતાં હોય છે.સમ્રાટ અશોક કે તેના જેવાં આ ચિનગારીને પકડી શકે તો વધું યાતના, પીડાથી માનવ કે જીવ જગતને તારી શકાય છે.સંતોષનું ઓશિંગણ પ્રાપ્ત કરવું કઠીનતમ છે, પણ અશક્ય નથી.ઉમદા રિયાઝથી જરૂર તે એવરેસ્ટના દર્શન કરાવે જ.
અસુખ નહીં મહાસુખને પ્રાપ્ત કરવાં તમે પલાંઠી વાળીને બેસી જાવ. બસ, ત્યાં મહા શાંતિ નામે મંત્રોચ્ચાર તમારી આસપાસ વીંટળાઈ વળે છે, બુદ્ધ હોય કે મહાવીર પછી તેને મહામાનવ તરીકે ઓળખાવા તમે કરેલી તે સ્થિતિ જ જવાબદાર બને છે.
છો ને ..આપણે પીક પોઇન્ટ પર આરૂઢ ન થઇ શકીએ પણ તળેટીમાં બેસીને પણ તેના દર્શનથી ધન્યતાની સફર પૂરી કરી શકીએ. સ્વ ને સર્વમાં ઓગાળી શકીએ છીએ.
ચિંતન લેખ
સંસંર્ગથી શ્રેષ્ઠ સ્વૈરવિહારનો રોમાંચ
તખુભાઈ સાંડસુર
રુવાંનો વાયા હૃદય થઈને મગજ સાથે તંતુ જોડાયેલો છે. શારીરિક અંગોની વ્યવસ્થા કાબિલેદાદ છે.આપણાં શરીરમાં થતી લાગણીની આત્યંતિક અસરો પછી તે આનંદનો અતિરેક હોય કે પીડા અથવા દુઃખની ભયાવહતાં હોય ત્યારે રુવાંઓ તેમાં પોતાની સાક્ષી 'સ્ટેન્ડીંગ ઓવીએશન'થી આપે છે. અગણિત રોમનું કિડિયારું ઉભરાતાં સમય લેતું નથી. પણ તેનો ઉછળકૂદની પળ પણ એટલી જ પાતળી હોય છે. તે અનુભૂતિ જે અનુભૂત થાય તે જ પામી શકે.
પ્રિયજનનુ ક્રિયાન્વયન સતત મનને રમમાણ રાખે છે. અહીં સાક્ષાત થવાની તાલાવેલી કે તડપન જરૂર તાદ્રશ્ય થવા તબડપાટી કરતી હોય. પરંતુ સાક્ષાત્કાર અને સમૃદ્ધિમાં રમતાં સપનાઓની વણઝાર વચ્ચેનો સમય સ્વૈરવિહાર ગણોને..! તે ચિરંજીવી હોય છે. ત્યાં પીડાં જરૂર હોય પરંતુ કોઈ પીડાં સુખનો અનુભવ કરાવતી હોય તો તે આ જ છે. શકુન્તલાના દુષ્યંત સાથે થયેલાં ગાંધર્વલગ્ન અને તેમાં દુષ્યંતે આપેલું વચન અને અંગૂઠી કે જેમાં તેને તે લેવા આવશે તેવી શ્રદ્ધા મિશ્રિત આનંદની હિલ્લોળી, કિલ્લોલી અનુભૂતિ હતી. પરંતુ ગાંધર્વલગ્ન અને શકુન્તલાના પુનર્મિલનની ઘડી એની પ્રતીક્ષામાં જે સ્વૈરવિહાર છે, તે કદાચ લગ્નના સરોવરમાં તરવાના આનંદથી વધુ અસરદાર છે.
પ્રણયના પછેડામાં લપેટાયેલાં પાત્રો વિવેકના નેત્રોને બંધ કરીને બેઠાં હોય છે. તેથી તેણે શું કરવું જોઈએ અથવા હવે પછી શું..? નો રૂપાળો વિચાર ધરબી દીધો હોય છે. શ્રેષ્ઠતાની શોધ તેને અલભ્ય છે. સંસર્ગની મહેચ્છાના મોજામાં હંમેશા તણાઈને એકબીજાની હુંફ માટે જ જીવન છે તેમ માની બેસે છે. તેથી સાહિર લુધિયાનવી કહેજે
" મૈ જબ ભી અકેલી હોતી હું તુમ ચૂપકે સે આ જાતે હો, ઔર જાંકકે મેરી આંખો મે બીતે દિન યાદ દિલાતે હો."
ત્યાં ભલે વિરહનો વલવલાટ હોય પણ તેનો અનુબંધ આનંદ સાથે આંકડાં ભીડેલો છે.
માં સીતાજીનું ચિત્રકૂટમાં વિતાવેલાં રામની સંગાથયાત્રાના સમય કરતા અશોકવાટિકામાં પસાર કરેલી ધડીઓ ભલે દુઃખ દાયક હતી. પરંતુ રોમહર્ષિત અને રામના સમગ્ર અસ્તિત્વને વાગોળીને પીછાણવાંની પળો હતી. તેથી તેને શ્રેષ્ઠતાના ખૂણાંમાં મુકવી રહી. પ્રણય કે મૈત્રીમાં એકમેકના ગુણ,સંસ્કારોને ઓળખવાની પલોટવાની દિવ્ય દ્રષ્ટિ તમને આ સ્વૈરવિહાર આપે છે. ત્યાંથી તેમના વાણી,વર્તન અને સમર્પણ છોગાઓને દિવ્ય આંખોથી ઓળખીને ઓવારણાં લેવાં દોડવાનું મન થઈ આવે છે. તેમાંથી ઉદ્ભભતો તેનો તુલનાત્મક સંતુલનનો ગ્રાફ સતત ઊંચે જતો દેખાવાં લાગે છે.માટે એકમેકના માન-સન્માનની લાગણીઓ વધુ પલળતી રહે છે.
કોઈપણનો વધુ પડતો સહવાસ ત્રુટીઓને ઉજાગર કરે છે. વૈચારિક મતભેદોને મન સપાટી પર તરતાં મુકે છે. ટેવ કે વર્તનનો એકબીજાનો તફાવત તિરાડ પેદા કરે છે. વાર્તાલાપમાં વિવાદોના પરપોટા સંબંધોમાં પંચર પાડે છે. તેથી જ પ્રણય પળોમાં આળોટતાં પ્રેમી યુગલો વૈવાહિક જીવનમાં હતાશાની વેતરણીમાં ગરકાવ થઇ અને પીડાના પીક પોઇન્ટ પર જીવ્યાં કરે છે. એટલું જ નહીં તક મળે તો તે છુટાં પણ પડી ગયાના ઉદાહરણો છે. પશ્ચિમમાં એક પદ્ધતિ 'લિવ ઇન રિલેશનશીપ' આજ બીજમાંથી ઉગેલું વૃક્ષ છે. દાંપત્યની જવાબદારીના ભરોટાં ઉપાડવાના બદલે વિખુટાં પડવાના રસ્તાઓ દરવાજા વગરનાં રાખવાનું તે વધુ પસંદ કરે છે. સ્વતંત્ર મિજાજ અને આર્થિક તંદુરસ્તીએ ત્યાં લગ્ન સંસ્થાને કચડી નાખી છે. આપણી ઘણી સામાજીક પ્રથાઓ કે રિવાજો વિયોગ રોમાંચને અનુમોદન આપે છે. કન્યાને પિયરમાં રહેવાની રીવાજોની યાદી કરીએ તો તે ખ્યાલ આવે.
બસ, આપણાં આનંદના શ્રેષ્ઠ ચોઘડિયાં ને ઓળખી લઈએ તો ઓહો..ઓહો..!
Wednesday, October 21, 2020
એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ
એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ
તખુભાઈ સાંડસુર
દેવી ભાગવતમાં શારદીય નવરાત્રીના મહત્વની છડી પોકારી વાત કરતાં જણાવે છે કે દુર્ગાના નવ રુપો છે અને તેનું સરનામું એટલે નવરાત્રી. શાલિનતા અને રોદ્રની ફોટો કોપી અલગ-અલગ રૂપોમાં દર્શિત થાય છે. નવ રૂપો અનુક્રમે શૈલપુત્રી- પહાડોની દીકરી, બ્રહ્મચારિણી- બ્રહ્મનું તેજ, ચંદ્રઘંટા- ચંદ્ર જેવી શીતળતા, કુષ્માંડા- જગત આખું જેના પગ તળે રાખી શકે છે.સ્કન્ધમાતા- કાર્તિક સ્વામીનું માતૃત્વ, કાત્યાયની -એટલે કાત્યાયન આશ્રમમાં અવતરણ પામનાર,કાલરાત્રી- કાળ જેનું કશું બગાડી ન શકે પણ તેનો પણ નાશ કરવાવાળી. મહાગૌરી- શ્ર્વેત રંગોમાં શોભિત માં, સિદ્ધિદાત્રી -જેનાથી સીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
માનવ હૃદય કોમળતાનું પ્રતિબિંબ છે. માં શબ્દમાં આતૅનાદ સમાયેલો છે. જ્યારે આતૅનાદ થાય તો તેનો પ્રત્યુત્તર કરુણાંમાં જ હોય. કવિ મુન્નવર રાણા એટલે તો માં માટે કહે છે કે
"ચલતી ફીરતી હુઈ આંખો સે અર્જા દેખી હૈ, મૈને જન્નતકો નહીં દેખી હૈ માં દેખી હૈ."
મમત્વને લોક થયેલું અહીં જ અનુભવાય છે.
પરંતુ એ જ માં ને પૂરતુ સન્માન કે મહત્વ ન આપીને, તેને સેકન્ડ કેડરનો દરજ્જો ભારતીય સભ્યતાએ આપ્યો છે. કારણ કે પુરુષત્વની તાકાત હાવી થતી જોવા મળી છે, એટલું જ નહીં તેને ભોગના સાધન તરીકે જ્યારે એક 'ટોય' તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે તે લાચાર,અપાહિઝ દેખાતી રહી છે. પુરુષ આધિપત્ય અને સ્ત્રીનું બીન ઉત્પાદક કાર્ય કે જે વ્યવસ્થાના ભાગરૂપે હતું તે જવાબદારી અને ફરજમાં કન્વર્ટ કરી દઈ લાદી દેવામાં આવ્યું છે. તે માટે આ કારણ પણ જવાબદાર છે. વિતજા તાકાત જેનામાં ઉણી દેખાય તે હંમેશા અસહાય ભાસે છે.ગૃહીણી અથૅ મેનેજમેન્ટ કરે છે સોંપાયું છે, પણ તે તેનો માલીકી ભાવ અનુભવતી નથી. અસહાયતાનુ એક રુક્ષ પ્રકરણ અર્થ સંપન્નતા છે. જ્યાં જ્યાં આર્થિક તાકાત પ્રભાવી થાય છે ત્યાં ઘમંડ, અહંકાર ચીચીયારીઓ કરવાં લાગે છે. તેનું આત્યંતિક લોકેશન ત્રાસદી વ પીડા આપવા તત્પર હોય છે.
નવદુર્ગાના રૂપ રોદ્ર પણ છે. કાલરાત્રિ કે કુષ્માંડાને આ ખાનામાં મુકી. શકાય. જ્યારે પણ માતૃત્વનો માંહ્યલો જાગી જાય છે ત્યારે તેને શાંત કરવો ખુબ અઘરું બની જતું હોય છે. ભવાનીના એ સ્વરૂપને પણ આપણે જોયું છે. એટલે પોતાના પિતા દક્ષ સામે બંડ પોકારવામાં તે જરાય મોડું કરતા નથી. પોતાનું અથવા પોતાપણાનું અવમાન અસહ્ય બની રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે પછી આ રૂપને શીતળતા આપવા કે ઠારવા કોઈ છંટકાવ કારગત થતો નથી.મહાસમર્થ યોગીઓ પણ કાચા સાબિત થઈ શકે છે. ભગવાન શંકરની ત્યાં મૌન લાચારીને આપણે એવી રીતે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ખડગ ઉપાડવાની તૈયારી માતૃસ્વરૂપાએ કાલસ્વરૂપા બની ને પેશ થવું જોઈએ. વેદ, ઉપનિષદ, પુરાણ આ બધી જ બાબતોની સાક્ષી બનીને સાથ આપે છે.
" હે.. માં આપદ્ ધર્મ આચરવામાં તું હંમેશ પડખે રહેજે "એજ પ્રાર્થના નવ શક્તિઓનો કરવાનો ઉપાસનાનો અર્ક છે.
Tuesday, September 1, 2020
શિક્ષણ નીતિ ભાગ-1
શિક્ષણનીતિ ધ્યેય:સોનાના તાસકમાં બત્રીશ વ્યંજન
--તખુભાઈ સાંડસુર
શિક્ષણનીતિના પ્રારૂપને ભારતની કારોબારીએ મંજૂરીનો થપ્પો માર્યો. સાર્વજનિક થયેલાં તેના આલેખના ધ્યેયો ઉપર ચિંતન કરતાં જણાય છે કે તે સોનાના તાસકમાં બત્રીશ વ્યંજનો છે.પરંતુ તે પીરસાશે ?! આરોગાશે કે કેમ? આરોગ્યા પછી પચશે કે !!!? આવા સવાલો શિક્ષણના કુંડાળામાં ધૂમ્રવલયો સર્જી રહ્યા છે્ આશાસ્પદ છીએ કે 2030ના લક્ષ્યાંકોને ધ્યાનમાં લેતાં ધીમે છતાં મક્કમ પગલે સામૂહિક નેતૃત્વ દ્ઢ કર્તુત્વમાં રહી આગળ વધે.
માનવના સર્વાંગી વિકાસ માટે રંગપૂરણી કંઈક આવી છે. શિક્ષણ પૂર્ણ માનવ ક્ષમતા આધારિત હશે. ન્યાયપૂર્ણ સમાજ રચનાની કલ્પના પરિણામ લક્ષી હશે. રાષ્ટ્રીય વિકાસ માટે વિસ્તરણ થાય, વૈજ્ઞાનિક ઉન્નતિ અને એકીકરણની દિશામાં નવીનતમ પ્રયોગોને અમલમાં લાવવામાં આવે.દેશમાં સામાજિક સમાનતા આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આપણે કોઈ ખાસ તિરાડોને બુરી શક્યા નથી. તેને દૂર કરવા ખાસ પ્રબંધ થાય. માત્ર સંખ્યાજ્ઞાન કે સાક્ષરતા પૂરતું શિક્ષણ ન હોય પરંતુ સમસ્યાઓનું મૂળભૂત અભ્યાસ કરીને સમાધાનની દિશામાં મહત્વના પગલાં ભરવાની પહેલ સુચવાય ,તે માટે બધાનો વિકાસ કરવો.
આ નીતિને લાગુ પાડીને સને ૨૦૩૦ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લાવવા પૂર્ણ રૂપે વિકસિત કરવા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ -૪ને આધાર ગણીને સાર્વત્રિક પગલાં ભરવામાં આવે. જેમાં માનવની ક્ષમતાઓના વિકાસમાં સ્થાયીકરણ હોય. ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી છોને સંરક્ષણ, નૈતિક મૂલ્યો આધારિત હતી. પરંતુ તે વિદ્યાપીઠો નાલંદા, વિક્રમશીલા,તક્ષશિલા, વલભી આદિને પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ ફૂલડોલ ઉત્સવની માફક વધાવે છે. અહીં સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઇ સનાતની ભારતીય જ્ઞાન સમૃદ્ધિ સાથે તેનો સુભગ સમન્વય થાય તે વાતને નિર્ધારિત કરવામાં આવી છે.
આ નીતિ શિક્ષક પર ખૂબ ભાર મૂકે છે. વાડ વગરના ખેતર જેવી હાલત આજે શાળા અને વિશ્વવિદ્યાલયો ની છે. તેના શિક્ષકોની ગુણવત્તા પર જાણે પ્રશ્નાર્થ મૂકી દેવાયો છે..! ગુજરાતી કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, શિક્ષક શિક્ષણનો આધાર છે.તેની પૂરતી આજીવિકા મળે સમાજમાં તેનું સન્માન સ્થાપિત થાય, તેવી પહેલ થવી જોઈએ. અહીં એ બાબતને કવોટ કરીશ કે તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી બધા પ્રોટોકોલ તોડીને એક અધ્યાપકને મંચ પરથી નીચે ઉતરીને શાલ અને માલ્યાર્પણ કર્યા ત્યારે એકબીજાની શાલીનતા પીક પોઇન્ટ પર પહોંચી ગઈ.
પાઠ્યક્રમ ઢાંચો એન.સી.ઈ.આર.ટી તૈયાર કરે છે. પરંતુ તેમાં પ્રવાહિતા, લચીલાપણું હોય તેનો સ્વીકાર થયો છે. સ્થાનીય મુદ્દાઓ અને પરિવેશને અગ્રતા આપવાની વાત પ્રથમ ચરણમાં ગણવામાં આવી છે. ગોખણપટ્ટીનું સંપૂર્ણ બાષ્પીભવન કરી, સમજને વધુ મહત્ત્વ અપાયું છે. આજે પણ આવી મેકોલે પદ્ધતિ લક્ષ્યાંકોને મોટા કરવાને બદલે નાની નાની આરામની નોકરીઓ પાછળ યુવાઓ દોડી રહ્યાં છે.ગ્રામીણ રોજગારના કૌશલ્યનું નિર્માણ થાય, પોતાના સાધનોની તકનીકીથી વ્યક્તિ આત્મનિર્ભર થાય. ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થાય.તેના પર વધુ બળ આપવા દા.ત્ કૃષિકારના વંશજોને વૈજ્ઞાનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે.
સમગ્રતયા આ નીતિ એ જે એક સૂત્ર આપ્યું છે તે ખૂબ જ ધ્યાનાકર્ષક છે. "સાર્વજનિક શિક્ષણ એ જીવંત લોકશાહી સમાજનો આધાર છે "એટલે કે ખાનગી શિક્ષણથી વધુ સરકારી શિક્ષણને ગતિ આપવા પર તાકાત લગાવવા અનુરોધ કરેલો છે. ક્રિયાત્મકતા ને વધુ ધારદાર બનાવવા ૩.૪૫ ટકા જીડીપી એના બદલે તેને ૬ ટકા સુધી શિક્ષણમાં લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે ઘણું અપેક્ષિત ગણી શકાય.
પરંતુ આ બધુ સોનાની થાળીમાં ઢંકાયેલું છે.પીરસાય, આરોગાય અને પછી પચે, પછી તેના પરિણામો મળે. બધું જો અને તો ની વચ્ચે છે.ઘણી નીતિ આવી પણ .....તે વધુ રંગરોગાન કરવા સક્ષમ બની શકી નથી, તે પણ ભીત સત્ય છે.
Tuesday, August 11, 2020
એશિયાઈ સિંહ
એશિયાઇ સિંહ: ગુર્જર ધરાની યશકલગી
--તખુભાઈ સાંડસુર
આજે ૧૦ ઓગષ્ટ એટલે સાવજને દૂ:ખણાં લેવાનું ટાણું "વિશ્ર્વસિંહ દિવસ".તેથી સિંહને યાદ કરીએ એટલે પહેલા ગિર ઢુંકડુ આવે.એ પંક્તિ કે "સાવજડાં સેંજળ પીવે નમણાં નરને નાર' બતાવે છે કે ગિરનું સૌંદર્ય સાર્વત્રિક છે. હવે એશિયાઇ સિંહ ગિરની જ ઓળખ નથી રહ્યો. પરંતુ ગુર્જર ધરાનું ઘરેણું બની ગયો છે. અમિતાભ બચ્ચનની વાતે 'ગિર નહી દેખા તો કુછ નહી દેખા' તેની ખરી ઓળખ કરાવવા઼ં ગુણાકાર કર્યો છે.
સમગ્ર ભારતમાં સિંહો હોવાના પુરાવાઓ છે. પરંતુ સમયાંતરે સિંહનો શિકાર તેને લુપ્ત કરતો રહ્યો. એક અંદાજ મુજબ માત્ર ભારતમાં હજારોની સંખ્યામાં સિંહ હતાં. સને 1825 થી શરૂ કરીને સને1900 સુધીમાં બુંદેલખંડ, દિલ્હી, બિહાર ,મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએથી સિંહ લુપ્ત થતાં રહ્યા. સને 1901માં સિંહની સંખ્યા માત્ર 100 આસપાસ જ રહી અને તે પણ માત્ર ગિરમાં ..!? એવું નોંધાયું છે કે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકીને સિંહને રક્ષિત કરવાનું,તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. અને ગુજરાતમાં સિંહ બચી ગયો. સને 1963માં જ્યારે સિંહ ગણતરીની શરૂઆત થઈ, ત્યારે 247 સિંહ નોંધાયાં હતાં. ભાવનગરના મહારાજા ધર્મકુમારસિંહજીએ સિંહની ગણતરી માટેની વિશેષ પદ્ધતિ ભારતના વાઈલ્ડ લાઈફ બોર્ડને આપી.ક્ષત્રિયો શિકારના શોખીન હતાં, એ જ રીતે પર્યાવરણના પણ એટલાં જ પ્રેમી હતા.
સિંહ માનવમિત્ર પ્રાણી છે, માનવભક્ષી નથી.માનવમાંસને તે સ્વાદિષ્ટ ગણતો નથી. તેથી હુમલાનો પ્રયત્ન પણ ક્યારેય કરતો નથી. પરંતુ જ્યારે મેટિંગ અને મારણના સમયે તેને કોઈ ખલેલ પહોંચાડાય તો તેને ભગાડવા પૂરતો તે પ્રતિકાર કરે છે. ભુતકાળમાં એવા બનાવો નોંધાયેલાં છે .સિંહ જ્યારે પણ માનવની સાથે મિત્રતા કેળવી લે ક્યારે તે સંપૂર્ણ સમર્પિત હોય છે. ઐતિહાસિક વાર્તા માત્રાવાળો તેનું ઉદાહરણ છે કે તેમણે સિંહને પોતાનો મિત્ર બનાવીને જીવનભર સાચવ્યો.
બિલાડી કુળનું આ પ્રાણી 200 કિલો વજન ધરાવે છે માદાનું વજન 130, કિલો હોય છે.લગભગ અને 20થી 25 વર્ષનું આયુષ્ય હોય છે.સિંહણ બે કે ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાઓ પુખ્ત થતાં જ સિંહણ તેને પોતાના ટોળાંમાંથી તગડી મૂકે છે. સામાન્ય રીતે આ પ્રાણી સમૂહમાં રહેવાં માટે ટેવાયેલું છે. ઘણીવાર છ-સાતના સમૂહમાં એક નર હોય છે. નર સિંહ ગળા પર કાળી કેશવાળી ધરાવે છે.એશિયાઈ સિંહને આફ્રિકન લાયનથી નાનું કદ હોય છે. ખોરાક મેળવી લીધા પછી તે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. રાત્રિના સમયે પોતાના શિકારની શોધમાં પોતાના નિવાસથી લગભગ વધુમાં વધુ 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે.તેને પોતાના નિવાસમાં ધાંસિયું મેદાનના ઢુ્ંવા વધુ માફ્ક આવે છે.
દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનું કાર્ય ગુજરાત વન વિભાગ કરે છે પરંતુ ચાલુ વર્ષે 2020મા કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગણતરીમા ફેરફાર કરી દર પૂનમના દિવસે થતી ગણતરી મુજબ 5 -6 જુન 2020ના રોજ કરવામાં આવી, એટલે કે 5 જૂનના બપોરના બે કલાકથી શરૂ કરીને 6 જૂનના બપોરના બે કલાક સુધી 24 કલાકમાં કુલ નવ જિલ્લામાં આ ગણતરી યોજાઇ હતી. જેમાં 53 તાલુકાઓનો સમાવેશ થાય છે અને કુલ 30,000 ચો.કિ. સિંહોના વિસ્તાર તરીકે આવરી લેવાયો છે પરંતુ ચાર જિલ્લા ભાવનગર જુનાગઢ,અમરેલી ,ગિરસોમનાથને બાદ કરતાં બાકીના પાંચ જિલ્લાઓમાં સિંહની સંખ્યા નોંધાઈ નથી.અત્રે નોંધપાત્ર કે ગીર અભયારણ્ય માત્ર 1412 ચોરસ કિલોમીટર છે. 2015માં થયેલ ગણતરી મુજબ 523 સિંહોની નોંધણી થયેલ હતી. જે છેલ્લી 2010ની ગણતરી થી 27 ટકાનો વધારો સૂચવતો હતો.ચાલુ વર્ષે ગણતરી ફૂટમાર્ક અને વિવિધ પ્રકારના અધ્યતન રેડિયો કોલર ,જીપીએસ સિસ્ટમ વગેરેથી કરવામાં આવે છે. 13 વહીવટી ડિવિઝનમા તે ગણતરી વહેંચવામાં આવી હતી. તેમાં 674 સિહોની નોંધાયાં હતાં. જે અત્યાર સુધીમાં 28.83% નો વધારો સૂચવે છે.જે વિક્રમજનક છે. તેમાં માદા સિંહની વસ્તી 309 નર 206 બચ્ચા 159 સંખ્યામાં નોંધાયા છે.
સિંહ આપણી પોષણ કડીનો જ ભાગ છે. જંગલના અને જંગલ સિવાયના વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન કરતાં નીલગાય, ભૂંડ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ આ પ્રાણી કરે છે.એટલે એક રીતે ખેડૂત મિત્ર પણ છે. ગણતરી મુજબ આ બધા પ્રાણીઓની સંખ્યા 50,000 કરતાં વધુ હોવાનો અંદાજ છે
રાજ્ય સરકાર અને ભારત સરકાર સિંહોની વસ્તી ને સુરક્ષિત કરવા અને સંવર્ધન કરવા વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે. તેની સારવાર માટે પાંચ -છ એનીમલ કેર સેન્ટર સ્થાપવા માં આવ્યા છે.તેમાં જેટલું યજ્ઞ કાર્ય આપણે કરી શકીએ, તેટલાં પ્રમાણમાં આ પ્રાણી વિરાસતને બચાવવામાં આપણી મહત્વની ભૂમિકા રહેશે.
