Thursday, October 29, 2020

ચિંતન લેખ

 વિસ્તારવાદી ઈચ્છાઓ:અસુખનું ઓશિંગણ

તખુભાઈ સાંડસુર

માનવ ઈચ્છાઓનો ગુલામ છે, એવી એક ઉકિત છે. તેને સંયમિત કરવી એક વિજય પ્રાપ્ત કરવાં સમાન છે. જનસામાન્યમાં આવી તાકાત, શક્તિ હોવી અસંભવ છે. જો હોય તો તે માનો ચીલાચાલુ પંક્તિઓથી અલગ તરી આવે છે,જુદા બેસે છે. ઈચ્છાના આધિપત્ય હેઠળ જીવનારો બહુધા સંજોગોમાં સુખ સંતૃપ્ત હોવા છતાં તેની અનુભૂતિ કરી શકતો નથી. ઈચ્છાઓ પોતાને મળેલી સંતૃપ્તિને ભોગવવાં દેતી નથી. યુદ્ધ-લડાઈ કે આતંકવાદનો પાયો માણસની અગણિત ઈચ્છાઓમાં ધરબાયેલો છે. જો તે તૃપ્તિનો ઓડકાર મેળવી લે તો બધાનો છેદ ઉડાડી શકાય. એટલું જ નહીં પણ જીવનનો ખરો આનંદ શેમાં છે તેની વ્યાખ્યા અને અનુભૂતિ પણ કરી શકાય.

       ઈચ્છાઓ ત્રિદેવી સ્વરૂપે દેખાય છે, અપેક્ષા, ઈચ્છા અને મહેચ્છા .બધાની વચ્ચે સુંવાળી ચાદર સરીખો પડદો છે. અપેક્ષા એટલે કે જો તે પૂરી થાય તો ઠીક છે પણ ન થાય તો તેમાં કોઈ ગમ કે રંજ નથી.ઈચ્છા એટલે તેને પૂરી કરવા અગિયાર ઇન્દ્રિયને કામે લગાડીએ અને તનને ન તોડીએ પણ પાણી પાણી સરખું બળ અજમાવીએ. આ કન્યાની વરમાળા ડોકમાં ન પડે તો થોડી ગમગીનીનો જ અનુભવ થાય પણ તેનું રૂપ બિહામણું ન હોય.છેલ્લાં મહારાણી મહેચ્છા કે જેને પકડવા જીવનને દાવ પર મૂકી દેવાય ..!! સ્વની ઓળખનો શૂન્યાવકાશ ન થઈ જાય. દશે કોઠે દીવાં નહીં પણ આગ લાગવાનો અનુભવ થાય..! આ જો પછી છટકે તો વાત પૂરી..! વ્યક્તિ શું કરી બેસે કયાં જઈને ઉભો રહે...!!? તે નક્કી કરવું કઠિન બની જાય...!

 મહાભારતની અઢાર અક્ષુણી સેના હોય કે પછી આજના બોમ્બર જેટ બધાંનો છેડો ત્યાં જઈને આવે છે. કુરુક્ષેત્રથી લઈને નાગાસાકી, હિરોશિમામાં વહેલી રક્ત સરિતામાં લોહી ટપકતી તલવારની ધારોમાથી નીતરતાં બિંદુઓમાં ઇચ્છાઓની આત્યંતિકતા નીતરતી દેખાઈ હતી. હા, તેમાં વ્યક્તિ જે જગ્યાએ ઊભો છે તે તેનું તેટલી માત્રામાં તેનો કારક બનતો હોય છે. જેમકે હિટલર અને સામાન્ય ગૃહસ્થની તુલનામાં હિટલર માનવ જાતને ભુંસી શકે છે. કારણ કે તે એવા સ્થાન પર આસનસ્ત છે, કે જ્યાંથી ઘણી બધી સત્તાનો દુરુપયોગ થઈ શકે. જ્યારે સામાન્ય વ્યક્તિનું વર્તુળ પોતાના પરિવાર પૂરતું સીમિત રહી જાય છે.

             માણસ ગમે તેટલું દોડે છતાં પણ અંતે તે જ્યાંથી પ્રસ્થાન પામ્યો હોય ત્યાં જ ફરી પાછો ફરે છે. અમારા વડીલ શ્રી કાનજીભાઇ પટેલ ઘણીવાર કહેતા કે 'ઈચ્છા નથી ઇન્દ્રલોકની અજ,પદ કે કૈલાશ' અર્થાત હવે ઇન્દ્રલોકમાં પણ ગમે તેમ નથી.  અમરતા, કોઈ હોદો કે કૈલાસ પણ ન ગમે.તમે જે પાટે અતૃપ્ત છો તેની વિપુલતા કે તેની બહુલ ઉપલબ્ધિ તેનાથી ઉબ લાવી દે છે, તેવું મહત્તમ બનતું આવ્યું છે. પણ ત્યાં સુધીની સફર અને અનેકોને કષ્ટદાયક બની ને રહી જાય છે. તે છેડે પહોંચતાં ઘણીવાર પોતે પણ ભૂંસાઇ જતો હોય છે ,અથવા તે અનેકને ભૂંસી નાંખવાં,ભુલાં પાડવાં કે છિન્ન કરી દેવા કારણરૂપ બન્યો હોય છે.

         શ્રવણ, અધ્યયન અને ચિંતન ઈચ્છાઓના મારક છે. આ દરમિયાન જો તમે કોઈ એવી જાદુઈ છડી કે જડીબુટ્ટીને શોધી કાઢો તો તમે આપ સહિત સર્વે ને તારી એવમ વારી પણ શકો છો. સંતોષની ચાવી અહીંથી જ મળે છે. સંજોગો અને સ્થિતિ મહચિત ઉગારી લેવાં આગળ વધતાં હોય છે.સમ્રાટ અશોક કે તેના જેવાં આ ચિનગારીને પકડી શકે તો વધું યાતના, પીડાથી માનવ કે જીવ જગતને તારી શકાય છે.સંતોષનું ઓશિંગણ પ્રાપ્ત કરવું કઠીનતમ છે, પણ અશક્ય નથી.ઉમદા રિયાઝથી જરૂર તે એવરેસ્ટના દર્શન કરાવે જ.

            અસુખ નહીં મહાસુખને પ્રાપ્ત કરવાં તમે પલાંઠી વાળીને બેસી જાવ. બસ, ત્યાં મહા શાંતિ નામે મંત્રોચ્ચાર તમારી આસપાસ વીંટળાઈ વળે છે, બુદ્ધ હોય કે મહાવીર પછી તેને મહામાનવ તરીકે ઓળખાવા તમે કરેલી તે સ્થિતિ જ જવાબદાર બને છે.

         છો ને ..આપણે પીક પોઇન્ટ પર આરૂઢ ન થઇ શકીએ પણ તળેટીમાં બેસીને પણ તેના દર્શનથી ધન્યતાની સફર પૂરી કરી શકીએ. સ્વ ને સર્વમાં ઓગાળી શકીએ છીએ.



No comments:

Post a Comment