Thursday, October 29, 2020

ચિંતન લેખ

 સંસંર્ગથી શ્રેષ્ઠ સ્વૈરવિહારનો રોમાંચ

તખુભાઈ સાંડસુર

રુવાંનો વાયા હૃદય થઈને મગજ સાથે તંતુ જોડાયેલો છે. શારીરિક અંગોની વ્યવસ્થા કાબિલેદાદ છે.આપણાં શરીરમાં થતી લાગણીની આત્યંતિક અસરો પછી તે આનંદનો અતિરેક હોય કે પીડા અથવા દુઃખની ભયાવહતાં હોય ત્યારે રુવાંઓ તેમાં પોતાની સાક્ષી 'સ્ટેન્ડીંગ ઓવીએશન'થી આપે છે. અગણિત રોમનું કિડિયારું ઉભરાતાં સમય લેતું નથી. પણ તેનો ઉછળકૂદની પળ પણ એટલી જ પાતળી હોય છે. તે અનુભૂતિ જે અનુભૂત થાય તે જ પામી શકે.

   પ્રિયજનનુ ક્રિયાન્વયન સતત મનને રમમાણ રાખે છે. અહીં સાક્ષાત થવાની તાલાવેલી કે તડપન જરૂર તાદ્રશ્ય થવા તબડપાટી કરતી હોય. પરંતુ સાક્ષાત્કાર અને સમૃદ્ધિમાં રમતાં સપનાઓની વણઝાર વચ્ચેનો સમય સ્વૈરવિહાર ગણોને..! તે ચિરંજીવી હોય છે. ત્યાં પીડાં જરૂર હોય પરંતુ કોઈ પીડાં સુખનો અનુભવ કરાવતી હોય તો તે આ જ છે. શકુન્તલાના દુષ્યંત સાથે થયેલાં ગાંધર્વલગ્ન અને તેમાં દુષ્યંતે આપેલું વચન અને અંગૂઠી કે જેમાં તેને તે લેવા આવશે તેવી શ્રદ્ધા મિશ્રિત આનંદની હિલ્લોળી, કિલ્લોલી અનુભૂતિ હતી. પરંતુ ગાંધર્વલગ્ન અને શકુન્તલાના પુનર્મિલનની ઘડી એની પ્રતીક્ષામાં જે સ્વૈરવિહાર છે, તે કદાચ લગ્નના સરોવરમાં તરવાના આનંદથી વધુ અસરદાર છે.

        પ્રણયના પછેડામાં લપેટાયેલાં પાત્રો વિવેકના નેત્રોને બંધ કરીને બેઠાં હોય છે. તેથી તેણે શું કરવું જોઈએ અથવા હવે પછી શું..? નો રૂપાળો વિચાર ધરબી દીધો હોય છે. શ્રેષ્ઠતાની શોધ તેને અલભ્ય છે. સંસર્ગની મહેચ્છાના મોજામાં હંમેશા તણાઈને એકબીજાની હુંફ માટે જ જીવન છે તેમ માની બેસે છે. તેથી સાહિર લુધિયાનવી કહેજે

" મૈ જબ ભી અકેલી હોતી હું તુમ ચૂપકે સે આ જાતે હો, ઔર જાંકકે મેરી આંખો મે બીતે દિન યાદ દિલાતે હો."

ત્યાં ભલે વિરહનો વલવલાટ હોય પણ તેનો અનુબંધ આનંદ સાથે આંકડાં ભીડેલો છે.

           માં સીતાજીનું ચિત્રકૂટમાં વિતાવેલાં રામની સંગાથયાત્રાના સમય કરતા અશોકવાટિકામાં પસાર કરેલી ધડીઓ ભલે દુઃખ દાયક હતી. પરંતુ રોમહર્ષિત અને રામના સમગ્ર અસ્તિત્વને વાગોળીને પીછાણવાંની પળો હતી. તેથી તેને શ્રેષ્ઠતાના ખૂણાંમાં મુકવી રહી. પ્રણય કે મૈત્રીમાં એકમેકના ગુણ,સંસ્કારોને ઓળખવાની પલોટવાની દિવ્ય દ્રષ્ટિ તમને આ સ્વૈરવિહાર આપે છે. ત્યાંથી તેમના વાણી,વર્તન અને સમર્પણ છોગાઓને દિવ્ય આંખોથી ઓળખીને ઓવારણાં લેવાં દોડવાનું મન થઈ આવે છે. તેમાંથી ઉદ્ભભતો તેનો તુલનાત્મક સંતુલનનો ગ્રાફ સતત ઊંચે જતો દેખાવાં લાગે છે.માટે એકમેકના માન-સન્માનની લાગણીઓ વધુ પલળતી રહે છે.    

         કોઈપણનો વધુ પડતો સહવાસ ત્રુટીઓને ઉજાગર કરે છે. વૈચારિક મતભેદોને મન સપાટી પર તરતાં મુકે છે. ટેવ કે વર્તનનો એકબીજાનો તફાવત તિરાડ પેદા કરે છે. વાર્તાલાપમાં વિવાદોના પરપોટા સંબંધોમાં પંચર પાડે છે. તેથી જ પ્રણય પળોમાં આળોટતાં પ્રેમી યુગલો વૈવાહિક જીવનમાં હતાશાની વેતરણીમાં ગરકાવ થઇ અને પીડાના પીક પોઇન્ટ પર જીવ્યાં કરે છે. એટલું જ નહીં તક મળે તો તે છુટાં પણ પડી ગયાના ઉદાહરણો છે. પશ્ચિમમાં એક પદ્ધતિ 'લિવ ઇન રિલેશનશીપ' આજ બીજમાંથી ઉગેલું વૃક્ષ છે. દાંપત્યની જવાબદારીના ભરોટાં ઉપાડવાના બદલે વિખુટાં પડવાના રસ્તાઓ દરવાજા વગરનાં રાખવાનું તે વધુ પસંદ કરે છે. સ્વતંત્ર મિજાજ અને આર્થિક તંદુરસ્તીએ ત્યાં લગ્ન સંસ્થાને કચડી નાખી છે. આપણી ઘણી સામાજીક પ્રથાઓ કે રિવાજો વિયોગ રોમાંચને અનુમોદન આપે છે. કન્યાને પિયરમાં રહેવાની રીવાજોની યાદી કરીએ તો તે ખ્યાલ આવે.

 બસ, આપણાં આનંદના શ્રેષ્ઠ ચોઘડિયાં ને ઓળખી લઈએ તો ઓહો..ઓહો..!

 

No comments:

Post a Comment