Saturday, March 23, 2019

લાજ લુણ ચિંતન લેખ

લાજ, લુણ ને રખાવટ  થયા અતિત...!
---તખુભાઈ સાંડસુર

 મારા ગામનો ટીંબો કાઠી દરબાર ખીમા સાંડસુરે બાંધ્યો હોવાનું અતિત આયનો જણાવે છે. દરબારી અમારા ગામની ડેલી જેને દરબારગઢની ઓળખ આપી શકાય તે 400 વર્ષથી અડીખમ યોદ્ધાની જેમ ઉભી છે .એક જમાનામાં ,આજથી માત્ર ચાલીશ-પચાસ વર્ષ પહેલા ડેલી પાસેથી  પસાર થનાર સૌ કોઈ પુરુષોએ માથે ફાળિયું કે પાઘડી બાંધવી પડતી. સ્ત્રીઓએ તેની લાજ, મર્યાદાઓ સાથે પસાર થવાનો એક વણલખ્યો નિયમ હતો.માથા પર ઓઢવું,શરીર ઢંકાઈ તેવાજ વસ્ત્રો,ધીમે પગલે ચાલવું આવું ઘણું બધું !ઇતિહાસ એ વાતની સાક્ષી છે કે પદ્માવતી ની માત્ર પાની જોવા માટે ખૂંખાર યુદ્ધ થયું. સ્ત્રીઓની આ મર્યાદાને હું બંધન માનતો નથી .જીવનમાં કોઈને કોઈ પ્રકારની શિસ્ત હોવી જોઈએ, તો જ જીવન યોગ્ય રફતારથી ચાલતું રહે. હા ,તેના અતિરેકથી ક્યાંક અઘટતુ થાય એવું પણ બને ! તે જમાનાના લોકો ભલે ઓછી સગવડતા ,સાધનો ની મર્યાદા ,ખૂબ પાંગળી સ્થિતિમાં જીવનારા હતા. પણ તેના દિલના ઓરડાઓ ખાલી નહોતા.! ત્યાં હતો ભર્યો ભાદર્યો પ્રેમ ,ત્યાં હતા રખાવટના ગોળના ગાડા ભરાય એવો ઝાઝેરો નાતો .
  રખાવટ અને ખાનદાનીનું ઉદાહરણ કુકાવાવ પરગણાનું જ છે કે ગોંડલ ના કુંવરે શિરામણના બદલામાં કુકાવાવ ની સોગાદ તે પટેલને ધરી દિધી. પછી પાછળથી ખબર પડી કે આ ગામ જેતપુર ના દરબાર જગા વાળાનુ છે.વાત જગાને કાને પડતાં ગોંડલ નરેશનું વચન મિથ્યા જવા ન દેવા તે પટેલને પાંચ સાતીની જમીન આપી. આ હતી ખાનદાની..!?

     દેવાયત પંડિતની આગમવાણી જાણે વાસ્તવિક દેખાય છે
"પોરો આવશે રે સંતો પાપનો ધરતી માંગશે ભોગ"
આજે તો જે સ્ત્રી ની પગની પાની જોવા માટે લોહીની નદીઓ વહેતી હતી . ત્યાં હવે મોહીનીઓ પોતે જ પોતાની "એબ"ની સી.ડી બનાવીને પૈસા માટે, પદ માટે બ્લેકમેલીંગ કરે છે.ચરીત્રની સરેઆમ લીલામી ! એવા અનેક કિસ્સાઓ નજર સામે તરવરે છે કે પોતાની નાની સરખી ભૂલ માટે એ સતીઓએ જીભ કચડી નાખ્યાના દાખલા છે ત્યારે આજે...? જેની તમે નાની સરખી સેવા લીધી હોય કે પછી કામ લીધું હોય તો તમે તેના ઋણી છો .આ લુણ નો ઘણી વખત જીવનભર બદલો ચૂકવી શકાતો નથી. અને જે લોકો બદલો ન ચૂકવી શકે. ઉપકારને બદલે અપકાર કરે તેને લૂણહરામી કહેવાય. ઇતિહાસ  સાક્ષી છે નાનું  સરખુ  લુણ ઉતારવા માટે જીવતર ઘસી નાખ્યું હોય! આજે તમે જેને મરતો બચાવો એ જ બહાર નીકળીને પહેલો તમને પુરો કરે !! લુણહરામિપણું આજે સ્માર્ટનેસમાં ગણાય છે .આજની પેઢી રખાવટ માટે જરાય દરકાર કરતી નથી એવા કિસ્સાઓ માધ્યમોમાં છપાય છે. મદદ માટે તમે લંબાવેલો હાથ  તમારા ખભામાથી ખેંચી લેનારા છે,તે પણ પારકાં નહીં પોતાના જ!  આજે કોઈપણ વ્યક્તિ ઉપર ભરોસો કરવો અઘરો છે. અઢારે વરણ 'એક તાસળીએ' હતાં. આજે એક જ 'માં 'ના કોઠામાંથી અવતરેલા પણ એક નથી !!. ગામડામાં નાનામાં નાનો માણસ પોતાના સારા-માઠા પ્રસંગોએ જતો હેબતમા આવતો નહોતો. આખું ગામ કહેતુ કે' મૂંઝાતો નહી અમે બેઠા છીએ'
      સમાજમાં એકબીજા ની વચ્ચે અવિશ્વાસની વધી રહેલી ખાઈ માટે આપણે જીવન પ્રણાલી જવાબદાર ઠેરવી શકાય.પશ્ચિમના  દેશોને તેની જીવન વ્યવસ્થા, ચરિત્ર માટે સૌ કોઈ એકી અવાજે કોશી રહ્યા છે .ત્યાં જઈને તપાસીએ તો આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે,શા માટે ?તેના પાયામાં છે તેમની શિક્ષણ વ્યવસ્થાની સુદિધૅ પ્રણાલી, ત્યાગ, બલિદાન અને મૂલ્યોની સતત ખેવના માત્ર વાતમાં નહીં આચારમાં ! પાઠયક્રમમા મુલ્યો, નૈતિકતા,સત્યને સો વલુ પ્રમુખસ્થાન મળવું જોઇએ.આપણી ઐતિહાસિક ધરોહરને દિન-બ-દિન જે રીતે આપણે દફન કરી રહ્યા છીએ તે ચિંતિત થવા જેવું છે. પોતાના શોખ  કે સગવડતા માટે અન્યોની સગવડતાને કે સાહ્યબીને ખુચવવાનો કયો અધિકાર! જીવન આચારનું કેન્દ્રબિંદુ બને .સૌ કોઈ વાત નહી અમલીકરણ માટે કૃતનિશ્ચયી થાય. સ્વાર્થ એ શોર્ટકટ છે તેથી તે ચિરંજીવી નથી. તેમાંથી નિષ્પન્ન અકસ્માત માત્ર જીવલેણ નથી. પણ ક્ષત-વિક્ષત કરવાની પૂરતી તકો આપનાર છે .તે વાત સૌ કોઈએ સ્વીકારવી પડશે. જીવનને પૈસા કે માત્ર સાધન નથી ,એક કલા છે. જીવી જાણીએ તો તે પુષ્પ થઈને મહેકતું રહે છે અન્યથા  કીચડની બદબો ખાબોચિયું થઈ પોતે બદબો બની રહે અને  અન્યની સુગંધ પણ  હણી લે છે.
     --- તખુભાઈ સાંડસુર

No comments:

Post a Comment