Monday, June 8, 2020

ખ્યાતિ મેળવવાની ખુજલી

તખુભાઈ સાંડસુર

પાપા કહેતે હૈ બડા નામ કરેગા ...સૌને સપનાઓ જોવાની છૂટ છે પણ તેને પૂરાં કરવાં રસ્તે ચાલવું હિતાવહ છે આડબીડ જતાં કોઈ કેડો નથી કે નથી પગદંડી ત્યાં ભૂલા પડવાની, મુકામ સુધી પહોંચવા માટે અટવાય પડવાની સંભાવના વધુ છે. એવા જોખમ અને સાહસ ગણી શકાય કે જે સિદ્ધિ પરિણામ સુધી જવાની 80 ટકા શક્યતા હોય અન્યથા તેને દૂ:સાહસ કે આત્મઘાતી પગલાં તરીકે જ ખપાવવામાં આવે. આજે નામની પાછળ ભાગી રહેલી પેઢી પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો.. અરે, સંસ્કારિતાને પોટલાં બાંધીને અભરાઈએ ચઢાવી દીધા છે. સ્વભાવિક છે નામની પાછળ દામ આવે ને દામ પછી દમામ.તેથી સૌ કોઈની શક્તિ એક જ મુદ્દા ઉપર લોક થયેલી છે, "પોપ્યુલારિટી પ્રાયોરિટી".

   ખ્યાત થવું લાંબા ગાળાનો ગોલ છે. કોઈ એક સ્કીલ કે પેશનમાં પાવરફુલ સાબિત થવું તે સવારથી સાંજ સુધીનો દાખડો નથી. તે માટે તેણે આયખું ખપાખાવું પડે. કશ્મકશ, સંઘર્ષોથી સમયશુધ્ધિ પણ તે ગુમાવી દે.મોદી, મોરારીબાપુ કે અમિતાભના જીવન પર આંગળી મુકો.ઉઘાડાપગે પરસેવાથી તે તરબોળ થયાં હોય ત્યારે લોકપ્રિયતાના શિખરોને આંબી શક્યા હોય.પોતાનામાં રહેલી સામર્થ્યની ઓળખનો પણ અહેસાસ કરવો જ રહ્યો. પછી તેને સાર્વજનિક કરવા પોતાના ગ્રાફને સતત સુધારતાં રહેવું પડે. સુખ્યાતિ કઠિન છે.સુઠના ગાગંડે ગાંધી ન થવાય એવી દેશ્ય કહેવત છે.વૈશ્વિક સફર ખેડતાં અનેક તડકી છાયડી કારાગાર,અભાવ વગેરેનો અનુભવ કર્યો ત્યારે ભારતની બેડીઓ મુક્ત કરી મોહનમાંથી મહાત્મા થઈ શકાયું.જો કે વ્યક્તિ જેટલો વિસ્તરે છે એટલું તેમની જીવન પદ્ધતિ સંકોચાતી ચાલે છે ક્યારેક પોતાને પણ આવી સ્થિતિનો અકળામણિય અનુભવ થાય છે. સુખ્યાતિ સાવધાની માટે શોધખોળ કરતી રહે છે. વ્યવહાર,વાણીથી સંબંધોનું ગઠન તેમાં મહત્વનું બની રહે છે.

  આજે વિશ્વમાં સોશિયલ મીડિયા પબ્લિસીટી  પ્લેટફોર્મ પૂરું પાડે છે. થોડાં સમય પહેલાં તમારી એક વાતને કે નામને મહત્તમ જન સમુદાય સુધી લઈ જવાં અખબાર કે ટીવી નો આશરો લેવો પડતો હતો. આજે આ માધ્યમો ફિક્કા સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, હેલો એપનો ઉપયોગ વ્યક્તિને લાખો લોકો સુધી પહોંચાડે છે .અખબાર ની ઓફિસે ચાર લાઈન છપાવવા ચપ્પલના તળિયાં ઘસનારાં આજે મૂછમાં મલકે છે કારણ અખબારી સમૂહને સમાચાર લેવા સોશિયલ મિડિયાનો આધાર લેવો પડે છે. ટેલિવિઝનનું વિઝન પબ્લિકલી નથી. પબ્લિક લિમિટેડ કંપની જેવું હોય છે તેથી તેના ટીઆરપીમાં તોતિંગ ધસારો જોવા મળ્યો છે. ટીકટોક જેવી એપ તો અને રાતોરાત સ્ટાર કરવામાં અસાધારણ સધિયારો આપી ગઈ છે . ટીકટોકેમાં બેફામ થનારા વિવેક મૂલ્યો અને પરંપરાને "ટા.. ટા "કરી દિધું છે.
      સુખ્યાત અને કુખ્યાતમાં ફાંસલો જાણતાં લોકો જ્યારે શોર્ટ રૂટે નીકળે  છે ત્યારે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો તે મહત્વનો રસ્તો પકડે છે્ ચળકાટ પર પથ્થર ફેંકી અજવાળું છીનવી લેવાય તો બધાનું ધ્યાન તમારી તરફ ખેંચાશે. જે પોતાની શક્તિ કે સમજથી શોહરત કમાય છે તેના પર કાદવ ઉછાળો ,બસ તમે રાતોરાત સ્ટાર ..! કોઈના મોઢાં પર શાહી નાખવાની, સંત નેતા, અભિનેતાને નાના-મોટા વીડિયો બનાવીને ભાંડવાના, થોડું શબ્દ ભંડોળ હોય,લખતાં આવડી ગયું હોય તેવા લેખન ખુજલીખોર ..આ બધી જમાતનું જુલસ એક બાજુ જ જાય છે. સૂર્યનું પહેલું કિરણ આ મહાપુરુષોને ક્યારેય હકારાત્મકતામાં ઉઘડતું નથી.કુખ્યાતિને સામાજિક સુવાસ માનનારા પર દયા ઉપજે છે.એવા પણ ક્રાઈમ કીમીયાગરો છે જે પેઈડ ન્યુઝનો આશરો લઈ બીગ બી બની પોતાનું સામ્રાજ્ય વિસ્તારતાં રહે છે.
 છેલ્લે છેલ્લે..
સત્યનો આશરો આજીવન હોય પણ અસત્ય અમીબા જ ગણાય.

No comments:

Post a Comment