Saturday, May 23, 2020

લાગણી: બેરિકેટની બબાલ

લાગણી: બેરીકેટની બબાલ
     ‌-- તખુભાઈ સાંડસુર
સ્નેહનો તંતુ સુતરફેણીની માફક સર્જાય છે.તેની બારીકાઇ અને ગુંથણ ફેન્ટાસ્ટિક હોય છે. મને યાદ છે ,નાનપણમાં પ્રાથમિક શાળાની ખડકી બહાર સુતરફેણી વાળો  લોખંડની ગોળ પેટી લઈને આવતો,તે ત્યાં બનાવી વેચતો. તે સુતરફેણીના રચાતા તંતુઓ જોવાની મને ખૂબ મજા પડતી ,કદાચ તેના સ્વાદથી પણ વધુ. આવી જ ગુલાબી ગુંથણી આનંદઘારાથી સ્નેહ ધીમા પગલે સંધાતો હોય છે.
      કોઈ એવો કિસ્સો ધ્યાનમાં નથી કે રસ્તે જતી કોઈ ફૂલજડી યૌવના, ફૂટડાં રસિકને સાદ પાડીને ઉભો રાખે." એ ઉભો રે..ને યાર", અને પેલો આશ્ચર્યથી પાછું વળીને નજર કરે, તો રસિકડી લાંબો હાથ કરીને પેલાની મુઠ્ઠીમાં પોતાનું  દિલ પકડાવી દે.. અને કહે ..અલ્યા તને સોગાદ આપું છું. હા ,આવો અકસ્માત થાય ખરો ..! પરંતુ તેના ગર્ભમાં કોઈ ભૌતિક સ્વાર્થ છૂપાયેલો હોય..! પ્રણયની અમીધારા પોતાના મકામે જવા નીકળે  તો તેના નિયત સમયે જ તે એકમેકને આવી મળે. પ્રેમની વ્યાખ્યાને ત્યાં અનુભૂતિમાં બદલી દેવામાં આવે. આવી અનુભૂતિ રોમાંચિત કરે કારણ કે તે શિખર સુધી વાણી ,વ્યવહાર ,કૌશલ્ય ,પ્રતિભા અને પમરાટ બધું સોળુ દેખાતું હોય તો જ પહોચાયું હોય. આવી રેશમ ગાંઠોની હારમાળા સંજોગો અને સમય જ સર્જી શકે.
    વહેતો પ્રવાહ એક સરખો અને એકધારો રહેતો નથી.પરંતુ સમય ઉપક્રમે તેમાં ઉછાળા -ઉફાળા અને ઓટ આવતાં રહે છે.સ્ત્રી કે પુરૂષ પોતાની પસંદિદા મણકાથી ચળકાટ ધરાવતાં મોતી તરફ ખેંચાઈ, લોભાઈ તે 'બટ નેચરલ'છે. સહજીવનથી વાણી, વ્યવહાર, કૌશલ્ય વગેરેથી નિર્મિત થતા મતભેદો ઘણાં સંજોગોમાં મતભેદો સુધી પણ જાય છે. અને ત્યારે ત્રીજો મોરચો રચાતો હોય.જીવન એક ઢસડાતાં હવા વગરના વ્હીલના ગાડા જેવું બની જાય ત્યારે સમય તેને ડાયવર્ટ કરે છે. પોતાની લાગણીઓ અન્ય માટે પ્રફુલ્લિત થઈને દોડવાં લાગે છે.આ વાતની જાણ જ્યારે તેને થાય ત્યારે ઘણાં અર્ધ મૃત્યુ પામે છે,  કેટલાક સંજોગો એને અંત સુધી પણ દોરી જાય છે. તાજેતરમાં નેહા કક્કરે ગાયેલું એ ગીત યુટ્યુબ પર લાખો લોકોની ચાહના મેળવી રહ્યું છે તેના શબ્દો અહીં બખૂબી લાગુ પડે છે.
"जीनके लिए हम रोते हैं, वह किसी और की बाहों में सोते हैं।, हम गलियों में भटकते फिरते हैं ,वह समंदर किनारे होते हैं।"
   લાગણીદ્વેષ સ્વાભાવિક છે પરંતુ એ પણ સત્ય છે કે ચઢાવ-ઉતારના સમયને જીરવી જાણવું પડે.નહીતો અનર્થોનો જનક આ દ્વેષ ઉથલપાથલનો મહાઇતિહાસ સર્જે છે. ભર્તુહરીને પોતાના જીવ કરતા પિંગલાં પહેલી હતી. તેથી જ અમરફળ પોતે નથી ખાતો પણ પિંગલા આપે છે. આ ફળ પિંગલા પોતાના પ્રિય અશ્ર્વપાળને અને અશ્વપાળ ગણિકાને અને ગણિકા ભર્તુહરીને જ્યારે પહોંચાડે છે ત્યારે અલખ નિરંજનનુ કમંડળ અને ચીપીયો તેના હાથમાં આવી પડે છે. કુટુંબ,સમાજમાં આવી સુનામી આવ્યાનું અનુભવ્યું છે.
     સ્ત્રી-પુરુષોના પોતાના ગમા-અણગમા કે વધુ ગમતામાં આ આફતના મુળ દેખાય છે.પોતાના સાથીમાં રહેલી અધૂરપ કે ઉણપ અને અન્યમાં તે શોધવા મથે છે.અથવા પોતાના જીવનમાં કોઈ ખાલીપાનો ખુણો ભર્યો- ભાદર્યો કરવા તે હડી કાઢે છે.સમજની ગેરહાજરી ત્રિકોણના ખુણા બને છે.પ્રેમ જાતિય જીવન નથી પંરતુ જાતિય જીવન પ્રણયફાગનો એક અંશમાત્ર છે.ઉરની ઉછાળકુદમા આ તથ્ય પણ ઓશિકે રાખવું જોઈએ.ભારતીય સમાજ વ્યવસ્થાનું બંધારણ દ્વિમુખી જીવન કે દાંપત્ય પદ્ધતિને સ્વીકારતું નથી.જો કે હવે તેમાં બાકોરાં પડ્યા છે .યુરોપ અને અમેરિકામાં લગ્નજીવન વ્યવસ્થા ડૂબી ગઈ છે,એટલું જ નહીં ત્યાં મનમેળની સાથે સમયમેળનુ અનુસંધાન સાધી દેવામાં આવ્યું છે. પોતાની અનુકુળતા સુધી સાથ સાથ ચલે અને નહિતર 'થુઈયા'. ત્યાં બ્રેકઅપ દુખીયારું નથી. પરંતુ નવી સવારનો નવો નશો આવી જતો હોય છે.અન્ડરસ્ટેન્ડ અને એડજેસ્ટમેન્ટનું સમીકરણ તેમને જીવનની રફતારમાં કામ આપે છે. સમર્પણ, શિસ્તના નામે શૂન્યતા રચનારી આ પ્રજા ભોગને ભૌતિકતામાં રમમાણ છે.
     એવું કહેવાય છે કે સમંદરમાં તરતાં લાકડાંના ટુકડાંઓ કોઈ એવા હલેસાઓથી જોડાઈ જતાં હોય છે અને વળી ફરી એ જ મોજુ તેને વિખૂટાં પણ પાડી જતું હોય ,તો અહીં શોકનો શા માટે્.? આ ઝેરી કોબ્રાનો લબકારો સ્વ અને ત્વ બંનેને હણી હેઠો બેસે છે. વિખ્યાત ઉપન્યાસકાર,પત્રકાર શ્રી ખુશવંતસિંહ પોતાના આત્મવૃત્તાંત નિવેદનમાં કહ્યુ હતું કે પોતાને એવી અનેક સ્ત્રી મિત્રો સાથે જાતીય સંબંધો હતાં. અને પોતાની આત્મકથા "મેરે મિત્ર"માં આવી ૧૬ સમર્પિત મહિલાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. આવું બેબાક બયાન કરનાર આ પ્રક્રિયાને સહજતાથી લઈ લે છે .તેથી તેનું આખું સદીમાં એકાદ વર્ષ ઓછાં સુધી ચાલ્યું. આ તોફાનને સહ્ય બનાવવા જાતને તૈયાર કરવી રહી. એકાધિકારવાદી માનસિકતા આપણી પરંપરા સિવાય લગભગ ઓછી જોવા મળે છે. વિકસિત દેશો અને અવિકસિત દેશોમાં સમાન ગણ રચાય છે, કારણ કે જેની પાસે સમજની ચાવી છે તે મનની ગરદન મચકોડીને નાખે છે. બીજું જ્યાં વિચાર જ નથી એવા અવિકસિતો પ્રાણીઓથી વધુ છે જ નહીં  !ત્યાં છોછ  કેવો ? મધ્યાંતરે સૌ વિહ્વળ છે.
  ખેર..લાગણીની બેરીકેટ સૌ માટે ડંડો લઈ સ્ટેન્ડબાય છે તો બધું ભેળાણું નથી.ભગવદ્ ગીતાન ૧૬મા અધ્યાયનો આ શ્લોક ભુંગળ વગાડીને આ જ વાત કરે છે.
'અનેકચિતવિભ્રાંતા  મોહ જાલ સમાવૃતા ।પ્રસકતા: કામભોગેષુ પતન્તિ નરકેડ્શુચો।'
    ‌અર્થાત્ ધન,દાન યજ્ઞમાં મોહરુપી જાળથી વિટંળાયેલો,વિષયભોગમા રચ્યો પચ્યો રહેનાર અપવિત્ર નકૅમા પડે છે.

No comments:

Post a Comment