Saturday, July 18, 2020

ભુલના ચાહે વો અકસર યાદ આતે હૈ..!
-તખુભાઈ સાંડસુર
સ્મૃત્તિઓને ઢંઢોળતાં મધમીઠું, કડવું,તુરું બધું ઉપર તરી આવે. પરંતુ કોનો કેટલો સ્વાદ લેવો તે પ્રમાણભાન વિવેક ઓછાં લોકોમાં જોવા મળે છે.જીવનની રફતારના પંથે સેજ શૈયા પણ છે અને બડિયાં બાવળના કાંટાનો ધાણીફૂટ પથારો પણ.! ત્યાં તેના મિશ્રણનું સાપસીડી જેવું તથ્ય પણ જડી જાય છે. સૂર્યનું પહેલું કિરણ તમને તાજગી આપવાં રોજ તમારી પાસે દોડતું, રમતું આવે છે, પરંતુ તેને વ્હાલ કરવાનો સમય અને સામર્થ્ય જો તમે હસ્તગત કર્યું હોય તો તેનું નિતાંત સૌંદર્ય પામી શકાય. કલાપીની વાત ટકોરાબંધ ટાપસી પૂરે છે કે સૌંદર્યને પામતાં તમારૂં સૌંદર્ય મુઠ્ઠીમાં હોવું જોઈએ.
     સને ૧૯૬૮મા રીલીઝ થયેલી "આબરુ" ફિલ્મનું જી.એલ રાવલનુ લખેલુ ગીત "જિન્હેં હમ ભુલના ચાહે વો અક્સર યાદ આતે હૈ,બુરાં હો ઈસ મહોબ્બતકા નો ક્યો કર યાદ આતે હૈ."આ શબ્દો જેને આપણે સ્મૃતિ પટલ ઉપરથી ડીલીટ કરી દેવાં ઈચ્છીએ છીએ તે ભુંસાતા નથી. સંવેદનાની શૂળ થઈને સતત ભોંકાતાં હોય છે. યાદદાસ્ત કોઈની ગુલામ નથી, તેની સ્વતંત્રતા કવચિત પીડાકારક હોય છે.
     સંવેદનો સામૂ્દ્રિક હલેસા થઈ અવિરત કિનારાં તરફ કૂચ કરતાં રહે છે. કિનારો તેને પોતાની આગોશમાં સમાવી લઇ વિલીન કરે છે. વ્યક્તિએ કિનારો થઈને પદ પ્રક્ષ્યાલન કરતાં બસ જોયા કરવાના.! જેને પકડી રાખવાનું નથી તે ક્ષણને ધરબી દઇ નજર અંદાજ કરીએ.દુઃખ, પીડા ત્યારે જ ડિસ્ટર્બ કરે જ્યારે તમે તેને ડેડીકેટ થઈ જાવ.તેની અસ્પૃશ્યતાનું ઓશીંગણ ત્યાં ઘણું અકસીર બને છે. તમે તેને ભૂલી તમારાં મનને તન સાથે જોડો. શરીરને વ્યસ્ત રાખો, મસ્ત રાખો.સક્રિયતા સંશયને નજીક આવવા દેતી નથી. સુષુપ્ત અવસ્થા વિષાદને ઘસડી લાવે છે. વિષાદ અનેક અનર્થોનો કારક બને છે. મનોજગતની આવી સ્થિતિ જીવન ગાડીને થોભાવી અને થંભાવી પણ શકે..? નવ પલ્લવિત કુસુમો કરમાયેલાંને ભુલાવીને નવી તાજગી આપે છે. અસ્તાચળે સ્થિર થતી દ્રષ્ટિ સાંજના અસબાબને ઓગાળી શકતી નથી. સુખદ ક્ષણોને ચ્યુંઈગમ બનાવો, બાકીનું એવુ દફનાવો કે જ્યાં પુનઃ પગલાં કરવાની પાબંધી હોય.
  આનંદ અને સુખની અડાબીડ પળોનો ગુણાંક ગમગીનીથી વધુ હોવાનો ! બસ તમે તેને ઘડીભર મનમાં લોકેટ કરો.સતત એક જ વાતનું અપલોડિંગ ક્ષમતાને નીચોવી નાખશે. બુધ્ધના જીવનને સાક્ષાત કરીએ તો તેણે શાહી ઠાઠ માઠ ને ઠોકર મારીને નિસ્પૃહી જીવનને બાથ ભરી. અન્ન,વસ્ત્ર અને આવાસની પણ બેફિકરાઈ, ફકીરાતનો છેડો હોય છે,એ સાબિત કરી આપ્યું. બધી જ ચીજોનો અભાવ તેના મનોજગતને ક્યાંય વિચલિત કરી શક્યો નથી. બલ્કે તેણે પ્રેરણાસ્ત્રોતનો પાવર બનીને અનેકને ચકિત કરી દીધાં છે. જે પ્રકાશ પોતાને અભિભૂત કરી શકે તે બીજાને પણ આગવી અનુભૂતિ માટે લાભાન્વિત થાય.
        પ્રાકૃતિક તત્વો સાથેનું સંધાન ભૌતિક ચીજોથી અલગ કરીને નિજાનંદ સરોવરમાં સ્નાન કરાવશે. સૌ કોઈ ની દોડ સાધનો તરફ સવિશેષ દેખાઈ રહી છે. કુદરતી કૌવતને સ્વીકારવાને બદલે પ્રકૃતિનું રાક્ષસી શોષણ મન અને પછીથી શરીરને પણ ગ્રસી લે છે,તે નિર્વિવાદ છે. જગતે તેનાથી બચતા રહેવું જોઈએ.
   લાસ્ટ ટોક..
"નઈ દુનિયા એક દુનિયા બસાયેગે હમતુમ,
હસેગેં જહાં કો હસાયેગેં હમતુમ,
ખજાને મહોબ્બત કે ભરપુર હોગેં,
ના આંસુ બહેગેં ના મજબુર હોંગે"
-ગીતાદતે ગાયેલું ગીત

No comments:

Post a Comment