શિક્ષણનીતિ ધ્યેય:સોનાના તાસકમાં બત્રીશ વ્યંજન
--તખુભાઈ સાંડસુર
શિક્ષણનીતિના પ્રારૂપને ભારતની કારોબારીએ મંજૂરીનો થપ્પો માર્યો. સાર્વજનિક થયેલાં તેના આલેખના ધ્યેયો ઉપર ચિંતન કરતાં જણાય છે કે તે સોનાના તાસકમાં બત્રીશ વ્યંજનો છે.પરંતુ તે પીરસાશે ?! આરોગાશે કે કેમ? આરોગ્યા પછી પચશે કે !!!? આવા સવાલો શિક્ષણના કુંડાળામાં ધૂમ્રવલયો સર્જી રહ્યા છે્ આશાસ્પદ છીએ કે 2030ના લક્ષ્યાંકોને ધ્યાનમાં લેતાં ધીમે છતાં મક્કમ પગલે સામૂહિક નેતૃત્વ દ્ઢ કર્તુત્વમાં રહી આગળ વધે.
માનવના સર્વાંગી વિકાસ માટે રંગપૂરણી કંઈક આવી છે. શિક્ષણ પૂર્ણ માનવ ક્ષમતા આધારિત હશે. ન્યાયપૂર્ણ સમાજ રચનાની કલ્પના પરિણામ લક્ષી હશે. રાષ્ટ્રીય વિકાસ માટે વિસ્તરણ થાય, વૈજ્ઞાનિક ઉન્નતિ અને એકીકરણની દિશામાં નવીનતમ પ્રયોગોને અમલમાં લાવવામાં આવે.દેશમાં સામાજિક સમાનતા આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આપણે કોઈ ખાસ તિરાડોને બુરી શક્યા નથી. તેને દૂર કરવા ખાસ પ્રબંધ થાય. માત્ર સંખ્યાજ્ઞાન કે સાક્ષરતા પૂરતું શિક્ષણ ન હોય પરંતુ સમસ્યાઓનું મૂળભૂત અભ્યાસ કરીને સમાધાનની દિશામાં મહત્વના પગલાં ભરવાની પહેલ સુચવાય ,તે માટે બધાનો વિકાસ કરવો.
આ નીતિને લાગુ પાડીને સને ૨૦૩૦ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લાવવા પૂર્ણ રૂપે વિકસિત કરવા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ -૪ને આધાર ગણીને સાર્વત્રિક પગલાં ભરવામાં આવે. જેમાં માનવની ક્ષમતાઓના વિકાસમાં સ્થાયીકરણ હોય. ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી છોને સંરક્ષણ, નૈતિક મૂલ્યો આધારિત હતી. પરંતુ તે વિદ્યાપીઠો નાલંદા, વિક્રમશીલા,તક્ષશિલા, વલભી આદિને પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ ફૂલડોલ ઉત્સવની માફક વધાવે છે. અહીં સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઇ સનાતની ભારતીય જ્ઞાન સમૃદ્ધિ સાથે તેનો સુભગ સમન્વય થાય તે વાતને નિર્ધારિત કરવામાં આવી છે.
આ નીતિ શિક્ષક પર ખૂબ ભાર મૂકે છે. વાડ વગરના ખેતર જેવી હાલત આજે શાળા અને વિશ્વવિદ્યાલયો ની છે. તેના શિક્ષકોની ગુણવત્તા પર જાણે પ્રશ્નાર્થ મૂકી દેવાયો છે..! ગુજરાતી કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, શિક્ષક શિક્ષણનો આધાર છે.તેની પૂરતી આજીવિકા મળે સમાજમાં તેનું સન્માન સ્થાપિત થાય, તેવી પહેલ થવી જોઈએ. અહીં એ બાબતને કવોટ કરીશ કે તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી બધા પ્રોટોકોલ તોડીને એક અધ્યાપકને મંચ પરથી નીચે ઉતરીને શાલ અને માલ્યાર્પણ કર્યા ત્યારે એકબીજાની શાલીનતા પીક પોઇન્ટ પર પહોંચી ગઈ.
પાઠ્યક્રમ ઢાંચો એન.સી.ઈ.આર.ટી તૈયાર કરે છે. પરંતુ તેમાં પ્રવાહિતા, લચીલાપણું હોય તેનો સ્વીકાર થયો છે. સ્થાનીય મુદ્દાઓ અને પરિવેશને અગ્રતા આપવાની વાત પ્રથમ ચરણમાં ગણવામાં આવી છે. ગોખણપટ્ટીનું સંપૂર્ણ બાષ્પીભવન કરી, સમજને વધુ મહત્ત્વ અપાયું છે. આજે પણ આવી મેકોલે પદ્ધતિ લક્ષ્યાંકોને મોટા કરવાને બદલે નાની નાની આરામની નોકરીઓ પાછળ યુવાઓ દોડી રહ્યાં છે.ગ્રામીણ રોજગારના કૌશલ્યનું નિર્માણ થાય, પોતાના સાધનોની તકનીકીથી વ્યક્તિ આત્મનિર્ભર થાય. ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થાય.તેના પર વધુ બળ આપવા દા.ત્ કૃષિકારના વંશજોને વૈજ્ઞાનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે.
સમગ્રતયા આ નીતિ એ જે એક સૂત્ર આપ્યું છે તે ખૂબ જ ધ્યાનાકર્ષક છે. "સાર્વજનિક શિક્ષણ એ જીવંત લોકશાહી સમાજનો આધાર છે "એટલે કે ખાનગી શિક્ષણથી વધુ સરકારી શિક્ષણને ગતિ આપવા પર તાકાત લગાવવા અનુરોધ કરેલો છે. ક્રિયાત્મકતા ને વધુ ધારદાર બનાવવા ૩.૪૫ ટકા જીડીપી એના બદલે તેને ૬ ટકા સુધી શિક્ષણમાં લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે ઘણું અપેક્ષિત ગણી શકાય.
પરંતુ આ બધુ સોનાની થાળીમાં ઢંકાયેલું છે.પીરસાય, આરોગાય અને પછી પચે, પછી તેના પરિણામો મળે. બધું જો અને તો ની વચ્ચે છે.ઘણી નીતિ આવી પણ .....તે વધુ રંગરોગાન કરવા સક્ષમ બની શકી નથી, તે પણ ભીત સત્ય છે.